Monday 9 November 2020

મમતા નવેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે મારી નોંધ :

 

મમતા નવેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે મારી નોંધ :

(૪૫૫ શબ્દો)

આ અંકમાં કુલ નવ વાર્તાઓ છે.

સહુ પ્રથમ અંકની વાંચવાલાયક ચાર વાર્તાઓ વિષે: 

જાકાતો (દિલીપ ગણાત્રા) : બીજાનાં મનમાંની વાતો જાણી લેતો હોય એવો એક માણસ, પૈસાનો લોભિયો એક બીજો માણસ અને અતૃપ્ત જાતીય ઈચ્છાઓથી પીડાતી એક સ્ત્રી: આ ત્રણ પાત્રોની મજેદાર ભેળ આ વાર્તામાં થઇ છે. અનુભવી અને વરિષ્ઠ વાર્તાકારની કલમે હળવી શૈલીમાં માણવાલાયક સરસ વાર્તા. 

એબોરિજીનલ (સ્પર્શ હાર્દિક) : ફેન્ટેસી વાર્તા. યુદ્ધનું વાતાવરણ ત્યજીને એક પરિવાર શાંતિની ખોજમાં અજાણ્યા નિર્જન પ્રદેશમાં નવી દુનિયા વસાવે છે. જૂની દુનિયાના માણસો એને શોધતાં આવે છે ત્યારે બંને મંડળી વચ્ચે પ્રત્યાયનની કોઇ ભાષા જ રહેતી નથી! નવતર કલ્પના! સરસ પ્રયાસ!

કમનસીબ (હસમુખ અબોટી ‘ચંદન’) : આ લેખક દરિયાઇ વાર્તાઓ લખવા માટે જાણીતા છે. પ્રસ્તુત રચનામાં “અલીમદદ” નામના વહાણની કારકિર્દીના કટોકટીભર્યા બે પ્રસંગોનું રોમાંચક આલેખન થયું છે. ના, આ રચનાને વાર્તા તો નહીં પણ અનુભવકથા અવશ્ય કહી શકાય. આવી કથાઓ દ્વારા દરિયાખેડુઓની બોલીનું અને એમના વ્યવસાયના પારિભાષિક શબ્દોનું દસ્તાવેજીકરણ થાય છે. આ એક અત્યંત મહત્વનું કામ થાય છે એ નોંધવું રહ્યું.  

ઉલ્લાલા (લતા હિરાણી) : હળવી શૈલીમાં ગામડાંની વાતો અને એક કન્યાનું સાહસ. અંતમાં ચમત્કૃતિ.

અન્ય સામાન્ય પાંચ વાર્તાઓ વિષે :

અંજામ (નરેન્દ્ર ત્રિવેદી) : સારું કે ખરાબ, કોઇ પણ કામ કરતી ટોળી નવા સભ્યને પોતાની જોડે સામેલ કરતાં પહેલાં એની પૂછપરછ ના કરે? એની પ્રાથમિક તપાસ ના કરે? એમાંય અપરાધની દુનિયામાં પ્રવૃત્ત હોય એ લોકો તો વધારે સાવધાની રાખે. અહીં પૂછપરછ તો બાજુએ રહી, આવી એક ટોળકીના બધાં જ બોર્ડ ઓફ ડાયરેક્ટર પહેલાં પોતાના અપરાધોની કબૂલાત કરી નાખે અને પછી પેલાને કહે કે હવે તારો પરિચય આપ! શું આ બાળકોની રમત હતી? છેક જ તર્કહીન રચના.    

રેસ (ભૂષણ પંકજ ઠાકર) : કારરેસિંગના શોખીન યુવાનનો એક રેસમાં અકસ્માત થાય છે. એમાંથી બચી ગયા પછી હવે પછી પોતે ક્યારેય ડ્રાઈવિંગ નહીં કરે એવું એ નક્કી કરે છે. પણ એ ફરીથી ડ્રાઈવિંગ કરે છે! શા માટે? અંતમાં રહસ્ય ખૂલ્યા પછી ભાવકને છેતરાયાની લાગણી થાય છે. આ વાર્તા નથી, સામાન્ય ટુચકા જેવી વાત છે.     

એ સ્ત્રી (નિયતિ કાપડિયા) : લાંબા સમય પછી મા-દીકરી એકબીજાને મળે છે. બંને વચ્ચે લાગણીનો અભાવ હોવાથી ઔપચારિક વાતચીત થાય છે. એક-બે વાત ખૂંચે છે: ૧.પતિ જબરદસ્તીથી દેહવ્યવસાય કરાવતો હોય તેવી સ્થિતિને એક સ્ત્રી “આ જે છે એ સારું છે.” એવું કઇ રીતે કહી શકે? ૨. ગૃહત્યાગ કર્યા પછી પોતે ઉલમાંથી ચૂલમાં પડી છે એવું કમસેકમ પોતાની જાત સાથે પણ એ કેમ કબૂલ કરતી નથી? એક સરસ કલ્પના વેડફાઇ ગઇ.

જૂગટું (મનોજ જોશી) : પત્ની પર થયેલા બળાત્કારનો બદલો વાર્તાનો નાયક એક રીઢા ગુનેગારની સફાઇથી લે છે. આ રચનામાં કોઇ સંઘર્ષ નથી, એક પણ પાત્રનું માનસિક આંદોલન નથી. ટૂંકમાં આ રચના વાર્તા નથી, બની ગયેલી બીનાનો અહેવાલ છે. વાર્તાનો વિષય સારો પણ એને ન્યાય થયો નથી.    

પણ (અરવિંદ રાય) : બીજા પુરુષ એકવચન કથનશૈલીમાં વાર્તા કહેવાઇ છે. તર્કને તડકે મૂકીને કહેવાયેલી લાગણીથી લથબથ ફિલ્મી કહાણી.

--કિશોર પટેલ; સોમવાર, 09 નવેમ્બર 2020; 20:42

###

 

  


No comments: