Tuesday 3 November 2020

એતદ જુલાઇ-સપ્ટેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે

 

એતદ જુલાઇ-સપ્ટેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૯૫૫ શબ્દો)

આ અંકમાં આઠ વાર્તાઓ છે અને બધી જ સરસ પઠનીય વાર્તાઓ છે! આઠમાંથી ત્રણ વાર્તાઓમાં પરંપરાથી ઉફરા ચાલવાની વાત છે. આપણે સહુથી પહેલાં આ ત્રણ વાર્તાઓ વિષે જાણીએ:

૧. રોજ રાતે (સમીરા દેખૈયા પાત્રાવાલા) : માણસની સંસ્કૃતિ જેમ વિકસતી ગઇ એમ માણસ ચોકઠામાં બંધાતો ગયો. અમુક પ્રકારનું વર્તન યોગ્ય અને એનાથી જૂદું વર્તન કરે એ અયોગ્ય એવી સાચી કે ખોટી વ્યાખ્યાઓ બનતી ગઇ. પ્રસ્તુત વાર્તામાં નાયકને ગજરાની સુગંધ ગમે છે. ગજરાની સોબતમાં એનું યાંત્રિક જીવન એના માટે સુસહ્ય બને છે. પણ એના ગજરા-પ્રેમ સામે એના પાડોશીઓ અને એના સહકર્મચારીઓ સહુને વાંધો પડ્યો છે. ગજરો તો એક પ્રતિક છે, એની જગ્યાએ બીજું કંઇ પણ કલ્પી શકાય. ચોકઠાની બહારનું કંઇ પણ કરો, લોકોને વાંધો પડતો હોય છે. આમ આ વાર્તા આપણી સામાજિક વિભાવનાઓ વિષે એક સ્ટેટમેન્ટ કરે છે. સરસ વાર્તા.        

૨. આ બધું કહેવું (સુનીલ મેવાડા) : વાર્તાની કથક એક કન્યા છે. ક્યાંય એણે પોતાનું નામ કહ્યું નથી. સમસ્યા પણ એ જ છે, કોઇ માણસનું કે કોઇ ચીજ-વસ્તુનું નામ હોવું જ શા માટે જોઈએ? વાર્તામાં આ જ વ્યંજના છે. કથકને મૂળ વાંધો સમાજે ઠરાવેલાં નૈતિક મૂલ્યોની સામે છે. કથકનો પ્રશ્ન છે: આ બધું કોણે નક્કી કર્યું? અમુક યોગ્ય અને અને અમુક અયોગ્ય એવું નક્કી કરનારા એ લોકો છે કોણ?

વાર્તાની રજૂઆત અનોખી થઇ છે. દલીલો અને દલીલોના સમર્થનમાં વધુ દલીલો!  અંતમાં ચમત્કૃતિ સાથે આખી વાત સ્પષ્ટ થાય છે કે ઘટના શું ઘટી ગઇ છે.

મૂળ વાત આમ છે: કથક પોતાની જાતીયતા અંગે કદાચ સ્પષ્ટ થઇ ગઇ છે. નાયિકાની એક બાળસખી (ગર્લફ્રેન્ડ) જોડેની એક છબી જાહેર થઇ ગઇ છે જેમાં એ બંને નિર્વસ્ત્ર સ્થિતિમાં દેખાઇ છે. પણ એમની આવી છબી પ્રગટ થતાં બદનામીના ભયથી કથકના માતા-પિતા અને ભાઈએ નહેરમાં કૂદીને આત્મહત્યા કરી લીધી છે.

લેખક આપણા સમાજની માનસિકતા સામે પ્રશ્નો કરે છે. શા માટે કોઇ માણસને વ્યક્તિગત પસંદગી પ્રમાણેનું જીવન જીવવા ના મળે? શું કોઇ માણસ અન્યોથી થોડોક જુદો ના હોઇ શકે? શું દરેક જણે પરંપરામાં રહીને જીવવું? થોડાંક ઉફરાં, થોડાક થોડાંક આડા, થોડાંક ટેઢા જીવી ના શકાય? જીવન માટે આ ચોકઠાં કોણે બનાવ્યાં? કોણે એમને અધિકાર આપ્યો? સારાં પ્રશ્નો, સરસ વાર્તા. 

૩. બાયલો (અશ્વિની બાપટ) : સભ્યતાની શરૂઆતથી જ પુરુષ અને સ્ત્રી માટે વસ્ત્રો અને અન્ય ઉપયોગી ચીજ-વસ્તુઓમાં પરંપરાગત રીતે ફરક રાખવામાં આવ્યો છે. આ અંકની અન્ય એક વાર્તા “આ બધું કહેવું..”ની જેમ અહીં પણ આ લેખક પ્રશ્ન ઊભો કરે છે કે શું એ જરૂરી છે કે બધું આવું જ ચોકઠાંબંધ હોય? શું કોઈની ડિઝાઈન અલગ ના હોઇ શકે?

વાર્તાના નાયક કીકો આમ તો સ્ટ્રેઈટ, સામાન્ય પુરુષ છે પણ પહેરવા-ઓઢવા અને દેખાવ બાબતે એની પસંદગી અલગ છે. એને સ્ત્રીઓ પહેરે તેવાં ડ્રેસિસ પહેરવાનું ગમે છે, એને આઇબ્રો કરાવવી પસંદ છે, હોઠ પર લિપસ્ટિક લગાવવી ગમે છે. કીકાની કરુણતા એ છે કે સ્વભાવે નમતું આપવાની ટેવવાળો હોવાથી લગ્ન પછી એણે પત્ની સંયુક્તાની જોહુકમી ચલાવી લીધી અને પોતાની અંદરના કોમળ વ્યક્તિત્વને જબરદસ્તી અંદર જ ઢબૂરી રાખ્યું. સંયુક્તાના કહેવાથી એણે દાઢી રાખી એ વાત તો પ્રતીકાત્મક છે. જેમ દરેક વાતની એક હદ હોય છે એમ એક અકસ્માતના પગલે કીકાની અંદર પણ છેવટે એક સ્ફોટ થાય છે.  એક અલગ દ્રષ્ટિકોણ. સારી વાર્તા.    

બાકીની પાંચે વાર્તાઓ પણ પોતપોતાની રીતે સારી વાર્તાઓ છે.

બ્લેકી (અભિમન્યુ આચાર્ય) : એવું કહેવાય છે કે સારી વાર્તા એને કહેવાય જેના અંતમાં ભાવકના મનમાં નવી વાર્તા શરુ થાય. પ્રસ્તુત વાર્તા આ વ્યાખ્યામાં બંધબેસતી આવે છે. પોતાના સ્વાર્થ માટે ક્થકે એક ખોટું કામ કર્યું છે. પણ પછી જીવનભર એ અપરાધબોધ એને પીડતો રહેવાનો છે.

વાર્તાનો પરિવેશ અને વિગતો જોઇએ તો ઓછા ખેડાયેલા ક્ષેત્રની આ વાર્તા છે. આપણે જોઈએ છીએ કે વિદેશ જઇને ત્યાં નોકરી કરીને આપણા દેશના યુવાનો સારી કમાણી કરે છે પણ હકીકતમાં તેઓ કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે અને કેવા કેવા કામ એમણે કરવાં પડે છે એ આપણે જાણતા નથી. અહીં એ વિશેની સારી જાણકારી મળે છે. સરસ વાર્તા.  

પળોજણ (નીલેશ ગોહિલ) : ગામડામાં નાનાં ખેડૂતોની અવદશા પર પ્રકાશ પાડતી વાર્તા. ગામડાં કેમ ભાંગતા જાય છે; ગામડાનાં માણસો શા માટે શહેર ભણી હિજરત કરી જાય છે વગેરે પ્રશ્નોનાં ઉત્તરો આવી વાર્તાઓમાંથી કદાચ મળી રહે. નાના ખેડૂતની વાસ્તવિક સમસ્યાનું સરસ આલેખન.  સારી વાર્તા. ગ્રામ્યબોલીનો સારો પ્રયોગ.

ગુજબા-રાતી (વંદના શાંતુઇન્દુ) :  લગભગ ફેન્ટેસી કહેવાય એવી સ્થિતિ લેખકે વાર્તામાં ઊભી કરી છે. ભારે વરસાદના પરિણામે નદી પરનો ડેમ તૂટે અને અધૂરામાં પૂરું ધરતીકંપ પણ થાય. આસપાસની માનવવસ્તીમાંથી કોઇ ના બચે સિવાય ગુજબા અને રાતી નામની સાસુ-વહુની એક જોડી. બેઉના પતિ (બાપ-દીકરો) પણ અન્યોની જેમ પાણીમાં વહી ગયાં એનો શોક મનાવતી ગુજબાને ખ્યાલ આવે છે કે વહુને તો સારા દિવસો જાય છે. એ કહે છે: “બધું નથી ગયું, જબ્બર ઉગરી જ્યું સે.”  આવનારા બાળકની સાથે માનવસંસ્કૃતિ બચી જવાની છે એ ઉમેદમાં સાસુ-વહુ હકારાત્મક રીતે જીવનની નવી શરૂઆત કરે છે.

રાતીની પ્રસૂતિવેળાએ ગુજબાની હાજરી ન હતી છતાં પણ ગુજબા પાસેથી મળેલી તાલીમને પરિણામે રાતી સ્વયં પોતાની પ્રસૂતિ સફળતાપૂર્વક કરી શકી.

વાર્તામાં લેખક આજના ભણતર વિષે એક સ્ટેટમેન્ટ કરે છે. એક ઠેકાણે ગુજબા કહે છે: “આજનું ભણતર ભેગું કરવાનું શીખવે છે. જયારે આદિવાસી તો કંઇક દેવાનું શીખે છે. દઇએ તો જીવીએ!” અન્ય એક ઠેકાણે એ કહે છે: “બોલી બચાવવી હોય તો બોલતાં રહેવું પડશે!”   

આપણા આદિવાસીઓ વનસ્પતિના ગુણધર્મો જાણે છે અને સાજે-માંદે એનો ઉપયોગ કરીને પોતાનો ઈલાજ કરી શકે છે, ચંદ્રની કળા જોઇને તેઓ તિથિ ઓળખી શકે છે, સૂર્ય અને ચંદ્રની ગતિ જોઇને તેઓ સમય ઓળખી શકે છે. આ વાર્તાના માધ્યમથી લેખકે પ્રાકૃતિક જીવનનો મહિમા ગાયો છે. આદિવાસી બોલી ભાષાનો સારો પ્રયોગ. સરસ વાર્તા.   

હું સોગંદ ખાઈને કહું છું કે-’ (ધીરેન્દ્ર મહેતા) : કેટલીક વાર અદાલતમાં પૂરવાર થતું સત્ય અને હકીકતનું સત્ય કંઇક જૂદું હોય છે. અદાલતમાં જીતેલા કાનૂની દાવપેચ ઘણી વાર ચાલાકીથી જીતાયા હોય છે. આ વાર્તામાં કંઇક આવી જ વાત અધોરેખિત થાય છે. શીર્ષક સૂચિત કરે છે કે વાત કંઇક બીજી જ હતી. એકંદરે પઠનીય વાર્તા.  

કવર (પૂજન જાની) : સામાન્ય માણસને જીવનમાં સંજોગવશાત ઘણી વાર સમજૂતીઓ કરવી પડતી હોય છે. સત્ય કોના પક્ષે છે, યોગ્ય શું છે, અયોગ્ય શું છે એ બધું સમજવા છતાં મજબૂરીમાં માણસ સમાધાન કરતો હોય છે. એવી જ એક પરિસ્થિતિમાંથી આ વાર્તાનો નાયક પસાર થાય છે. સારી વાર્તા. 

--કિશોર પટેલ; મંગળવાર, 03 નવેમ્બર 2020; 21:57

###   

 


No comments: