Monday 23 November 2020

ચિત્રલેખા દીપોત્સવી અંક ૨૦૨૦ ની વાર્તાઓ વિષે:

 

ચિત્રલેખા દીપોત્સવી અંક ૨૦૨૦ ની વાર્તાઓ વિષે:

(૭૩૦ શબ્દો)

અંકની કુલ અગિયાર ટૂંકી વાર્તાઓમાં વિષયવૈવિધ્ય છે. કોરોના મહામારીની પાર્શ્વભૂમિમાં ત્રણ વાર્તાઓ, ત્રણ હાસ્યવાર્તાઓ, એક ફેન્ટેસી વાર્તા અને એક થ્રિલર વાર્તા છે.  

મામાની શીખ (રજનીકુમાર પંડ્યા) : મામાની શિખામણ છે કે દિવાળીના ગીત હોળીએ ના ગવાય અને હોળીની ચિતા દિવાળીએ ના પ્રગટાવાય. જજ સુજ્ઞપ્રકાશ સામે એક એવો કેસ આવે છે જેમાં આરોપી સામે કેસ બનતો નથી. દસ-બાર વર્ષ પહેલાં પોતાના જ ઘરમાં બનેલી એક દુર્ઘટનામાં એ માણસ અપરાધી હતો. જે તે સમયે પરિવારની ઈજ્જત બચાવવા એ માણસને પોલીસમાં સોંપવાના બદલે ઠમઠોરીને છોડી મૂકેલો. હવે પ્રશ્ન એ છે કે શું પેલી ઘટનાનો બદલો આટલા વર્ષે લેવો? મામાની શિખામણ યાદ કરીને, પ્રસ્તુત પુરાવાઓ ધ્યાનમાં લઇને જજ સુજ્ઞપ્રકાશ આરોપીને નિર્દોષ છોડી મૂકે છે. આ કેસ અંગે ઘરમાં પત્ની જોડે ન્યાયાધીશને ચર્ચા કરતાં બતાવીને લેખક ન્યાયાધીશનું માનવીય રૂપ બતાવે છે. સારી વાર્તા.     

અંધારું-અજવાળું (માવજી મહેશ્વરી) : મહેનતનું ફળ મોડે મોડે પણ અવશ્ય મળે છે એવો સંદેશો લેખક આ વાર્તા વડે આપે છે. કાનજીને લાગ્યા કરે છે કે ઉપરવાળો એની સાથે હંમેશા અન્યાય કરે છે. એક નબળી ક્ષણે એને હેરાફેરી કરવાનો વિચાર આવે છે પણ અણીના સમયે જમીનમાલિક બુધિયો આવી જતાં એ ખોટું કામ કરતાં અટકી જાય છે. બુધિયાની વાત સાંભળ્યા પછી આખી વાર્તા ૩૬૦ અંશે ફરી જાય છે.  કાનજી અને બુધિયો બંનેનાં પાત્રાલેખન સરસ. વાર્તામાંથી ખેતીવિષયક થોડીક જાણકારી મળે છે એ વધારાનો લાભ. સારી વાર્તા.     

મોઢું બંધ રાખજે (સુષ્મા શેઠ) : બદલા વિષય પરની ઘટનાપ્રધાન વાર્તા. સમાજના કેટલાક કહેવાતા આગેવાન શ્રેષ્ઠીઓનાં બે ચહેરા હોય છે. આવા એક નેતાના કાળા કર્મોની ચિઠ્ઠી ફાડતી વાર્તા. પ્રસંગગૂંથણી નાટ્યાત્મક. વિષય જૂનો પણ વાર્તાની રજૂઆત પ્રવાહી અને પ્રભાવી.    

વેલેન્ટાઇન્સ ડે (ગિરીમા ઘારેખાન) : મજેદાર ફેન્ટેસી વાર્તા. વાર્તાના નાયકને એક એવી ચમત્કારિક વીંટી મળે છે જે પહેરવાથી ઓળખીતી દરેક છોકરી એનામાં પોતાનો પ્રેમી જુએ! ક્યા બાત! વાર્તાની પરાકાષ્ઠા મજેદાર છે. વાર્તા કરુણાંત પણ રજૂઆત અને આલેખન પ્રવાહી અને મનોરંજક! સારી વાર્તા.

રિમઝિમ (મયુર પટેલ) : સસ્પેન્સ-થ્રિલર વાર્તા. ગામમાં બુલેટ ટ્રેન કોઇને જોઈતી નથી કારણ કે એના લીધે આખા ગામની જમીન ખાલસા થાય એવી શક્યતા છે. બુલેટ ટ્રેનને પાટા પરથી ઉતારી મૂકવા ગામના સરપંચ શ્રદ્ધાનું કાર્ડ રમે છે. અંતમાં જબરી ચમત્કૃતિ. દક્ષિણ ગુજરાતની ગ્રામ્ય બોલીનો સરસ પ્રયોગ. સારી રોમાંચક વાર્તા. 

કોરોના મહામારીની પાર્શ્વભૂમિમાં ત્રણ વાર્તાઓ :  

 

વ્હાલનું વેક્સિન (એકતા નીરવ દોશી) : સ્વજનો અને પાડોશીઓથી અળગા અને અતડા રહેતા નાયકને એક ચકલી વ્હાલ એટલે શું તે સમજાવી દે છે. સરસ વાર્તા. એક વિગતદોષ છે: લોકડાઉન માટે એક આખા દિવસની નહીં પણ માત્ર ચાર કલાકની નોટીસ મળી હતી.   

સુખનું સરોવર (રાઘવજી માધડ) : સંજોગો માણસોને કેવી કફોડી સ્થિતિ મૂકી દેતાં હોય છે એનું સરસ ઉદાહરણ એટલે આ વાર્તા. જરૂરતમંદ લોકોમાં ફૂડપેકેટનું વિતરણ કરતાં નાયકનું પહેલી પ્રેમિકા ઉમા જોડે પુનર્મિલન થાય છે. કોરોના પોઝિટીવ આવતાં આ ઉમાને એકાંતવાસમાં જવું પડે છે. નાયકના સુખદ આશ્ચર્ય વચ્ચે ઉમાની નિરાધાર બની ગયેલી દીકરીને એની પત્ની હૂંફ આપે છે.        

પખવાડિયાનો પરિતાપ (સુમંત રાવલ) : કહે છે કે સ્ત્રીની સેવાથી પાષાણહ્રદયી પુરુષ પણ પ્રસન્ન થઇ જાય છે. ફાટેલા હોઠવાળી અને એક આંખે ફાંગી વાગ્દત્તા કમુ કેશાને દીઠે ગમતી નથી. અઢી-ત્રણ દિવસ પગપાળા ચાલીને ગામ પહોંચેલા કેશાને નિયમ પ્રમાણે ઘરથી દૂર ગામની નિશાળમાં ચૌદ દિવસના એકાંતવાસમાં (કોરોન્ટાઈન) રહેવું પડે છે. આ એકાંતવાસ દરમિયાન કમુ ભાવતાં ભોજન ખવડાવીને કેશાના હૃદયમાં સ્થાન જમાવી દે છે. સામુહિક હિજરત દરમિયાન શ્રમિકોની થયેલી બેહાલી પર લેખકે સ્ટેટમેન્ટ કર્યું છે. સારી વાર્તા.    

અંકમાં ત્રણ હાસ્યવાર્તાઓ છે :  

બોચિયો કાસાનોવા (રાજુ પટેલ) : તદ્દન અરસિક સ્વભાવના જણાતા તિમિર નામના યુવાનનું નામ બોચિયો પડી ગયું છે. આ બોચિયો સોસાયટીની સ્ત્રીઓ અને કન્યાઓ જોડે એક પછી એક એવા સંજોગોમાં સંડોવાય છે કે સહુને એ સો ટકા લફરાંબાજ લાગે છે. પણ યેનકેન પ્રકારે દરેક વખતે તિમિર પોતાને નિર્દોષ સાબિત કરે છે. સોસાયટીના મુખિયાઓ એનો વાળ પણ વાંકો કરી શકતા નથી. પરાકાષ્ઠામાં બને છે એવું કે બોચિયો એક મેળામાં જાયન્ટ વ્હીલમાં કથકની પત્ની જોડે રાઈડ કરી આવે છે અને છતાં કથક એની વિરુદ્ધ કંઈ કરી શકતો નથી! વાર્તાનાં પ્લસ પોઈન્ટ છે ચુસ્ત પ્લોટ, સોસાયટીના મુખિયાઓના ઓછા શબ્દોમાં સરસ પાત્રાલેખન, રહસ્યમય સ્ત્રીપાત્રો અને સરસ રજૂઆત. એકંદરે મજેદાર હાસ્યવાર્તા!      

અશ્વદાન (જોરાવરસિંહ જાદવ) : ગામના ભોળા માણસોને ઊઠાં ભણાવીને ગોર મનુ મહારાજ પોતાનું કામ કાઢી લેતા આવ્યા છે. એક દિવસ એમને શેરના માથે સવાશેર ભટકાઇ જાય છે એ પછી એમના બધાં ઊંધા ધંધા સીધા થઇ જાય છે. જાણીતા લોકકથાકાર પાસેથી હળવી શૈલીની વાર્તા.  

લવ ટેક્નિક (મનુ શેખચલ્લી) : વિદેશથી આવેલા મૂરતિયાને પટાવવા શહેરની હાઇ સોસાયટીની છોકરીઓ એકબીજીની સ્પર્ધા કરે છે. પણ મૂરતિયાને પટાવી જાય છે એક સામાન્ય દેખાવની કૃષ્ણા નામની છોકરી. કારણ કે એ જાણી ગઇ હતી કે પેલા મૂરતિયાને કેવી કન્યા જોઈતી હતી. હળવી શૈલીની મઝેદાર વાર્તા.   

--કિશોર પટેલ; સોમવાર, 16 નવેમ્બર 2020;13:25          


No comments: