Friday 17 November 2023

મમતા ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

મમતા ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૮૭૪ શબ્દો)

પ્રસ્તુત અંક સોશિયલ મિડીયા વિશેષાંક છે. અંકનાં નિમંત્રિત સંપાદક છે નીલમ દોશી.

કોમ્પ્યુટર-લેપટોપ અને મોબાઈલ ફોનના આગમન પછી સામાન્ય જનતાને અભિવ્યક્ત થવા માટે વિવિધ પ્લેટફોર્મ ઊભાં થયાં છે.  ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વગેરેને ટૂંકમાં સોશિયલ મિડીયા કહેવાય છે. આ સર્વે માધ્યમોની આપણાં સામાજિક જીવન પર ખાસી અસર પડી છે. આપણાં સાહિત્યમાં સ્વાભાવિકપણે સોશિયલ મિડીયાની હાજરી વર્તાવા માંડી છે. મમતા વાર્તામાસિકનો આ વિશેષાંક સમયસરનો છે. આ વિશેષાંકનું આયોજન કરવા બદલ સામયિકનો આભાર અને અભિનંદન.

અશ્મિ (ભારતીબેન ગોહિલ)

સોશિયલ મિડીયાની પહોંચ.

ભવાનકાકાના પૌત્રના અદ્રશ્ય થવાને લાંબા સમય બાદ પણ એની કોઈ ખબર મળતી નહોતી ત્યારે ગામના જ એક પત્રકારે સોશિયલ મિડીયાની મદદથી એને શોધી કાઢ્યો.

પુરુષ તરીકે જન્મેલા પૂરવમાં એક સ્ત્રી છુપાયેલી હતી. સંકોચવશ પૂરવ પોતાની ઓળખ જાહેર કરી ના શક્યો અને ઘર છોડી ગયો. એની મૂંઝવણનું વર્ણન વાર્તામાં સરસ થયું છે પણ એણે સ્ત્રીદેહ કેવી રીતે ધારણ કર્યો એની કોઈ વિગત વાર્તામાંથી મળતી નથી. શું એણે જાતિય પરિવર્તનની શસ્ત્રક્રિયા કરાવી? શું એ કોઈ કાઉન્સેલરને મળ્યો? નૃત્યના ઓનલાઈન ક્લાસ લેવાનાં શરુ કર્યા એટલે ગૃહત્યાગ કર્યા બાદ એ આર્થિક રીતે આત્મનિર્ભર થયો/થઈ એ બરાબર, પણ એની જાતીય ઓળખ કેવી રીતે બદલાઈ એની વિગત વાર્તામાં મળતી નથી. એકાદ વાક્યમાં પણ એ વાત સ્પષ્ટ કરી શકાઈ હોત. ફક્ત ઈચ્છા કરવાથી આવું પરિવર્તન શક્ય નથી.   

મદન બાવરા (યશવંત ઠક્કર)

ફેસબુક પર વાદ-વિવાદની વાત.

વાર્તા મહદ અંશે વર્ણનાત્મક અને અહેવાલાત્મક છે એટલે વાર્તારસ જેવું કંઈ અનુભવાતું નથી. એક કવિએ બનાવટી ઓળખ ધારણ કરીને પોતાનો જ ટીકાકાર ઊભો કર્યો એવી રસપ્રદ વાત છે પણ આલેખનની ત્રુટિના કારણે એક સરસ કલ્પના સારી વાર્તામાં આકાર લઈ શકી નથી.

રણનું ઝરણું (એકતા દોશી)

આભાસી સંબંધોની ખટ્ટીમીઠ્ઠી. દોસ્તી, એમાં વળી બ્રેકઅપ, લાંબો વિરામ, પુનર્મિલન. સેવન્ટી એમએમની સાડાચાર કલાકની ફિલ્મ જેવી વાર્તા પણ કંટાળાજનક નહીં, રસપૂર્ણ. વાચનક્ષમ.

નોંધનીય અભિવ્યક્તિઃ ////  ઓફિસ બહુ જલ્દી આવી ગઈ હતી. ////

સિલેબસની બહારની વાતઃ

કોઈ પણ વાર્તાકારે લેખક તરીકે એક ચોક્કસ ઓળખ જાળવી રાખવી જોઈએ. “એકતા નીરવ દોશી” અને “એકતા દોશી” બે જુદી જુદી વ્યક્તિ હોવાની શંકા કોઈને થઈ શકે કારણ કે બધાં સામયિકો વાર્તાની સાથે લેખકની છબી પ્રગટ કરતાં નથી.

કેલેન્ડરનું છેલ્લું પાનું (દીના પંડ્યા)

સોશિયલ મિડીયામાં બનાવટી ઓળખથી નવયુવતીઓ જોડે મૈત્રી વિકસાવી એમને લલચામણી ભૂમિ તરફ ખેંચી જતાં ફરેબી યુવકોની મોડસ ઓપરેન્ડીનો ચિતાર આપતી વાર્તા. અપેક્ષિત અંત પણ સિલસિલાબંધ ઘટનાઓના પ્રવાહી રજૂઆત. આજે જ્યારે અનેક કન્યાઓ ભોળપણમાં છેતરાતી આવી છે ત્યારે એમની આંખ ઉઘાડતી વાર્તા.

શબ્દપગલાં (મનહર ઓઝા)

વોટસ્એપ મંચ પર અજાણ્યા નંબર પરથી બ્રિજેશને આવેલા સંદેશાથી મીનુ જોડે પરિચય થયો અને બેઉની મૈત્રી થઈ. બંનેને સાહિત્યમાં રસ હતો એટલે કવિતાઓની આપલે થઈ. શરૂઆતથી જ બંને વચ્ચે અમુક શરતો થઈ હતી જેનું બંને પક્ષે પાલન થયું. પણ અચાનક સામે છેડેથી સંદેશા બંધ પડી જતાં  બ્રિજેશ મીનુને શોધવા નીકળી પડે છે. શું બ્રિજેશ અને મીનુની મુલાકાત થાય છે? બ્રિજેશ માટે શું સરપ્રાઈઝ હતું? અપેક્ષિત અંત છતાં વાંચનક્ષમ વાર્તા.  

ચોકડી (નિમિષા મજમુંદાર)

કોલેજની એક મધ્યમ વયની શિક્ષિકા મૂંઝવણમાં મૂકાઈ ગઈ છે કારણ કે કોઈકે એના નામથી ફેસબુક આઈડી બનાવીને એકાઉન્ટ ખોલ્યું છે અને કોલેજનાં જ એક અપરિણિત યુવાન પ્રોફેસર જોડે પ્રેમાલાપ શરુ કર્યો છે. સંબંધિત યુવાન પ્રોફેસરની મદદથી એ જ્યારે અસલી ગુનેગાર સુધી પહોંચે છે ત્યારે એને આશ્ચર્યનો આઘાત લાગે છે.

આકર્ષક શરુઆત, રહસ્ય અકબંધ રહે એટલું જ નહીં પણ એ બેવડાતું જાય એવી રજૂઆત. ફુલ માર્કસ ફોર પ્રેઝેન્ટેશન. સારી વાર્તા સરસ રીતે કહેવાઈ છે.    

સેલ્ફી (દીવાન ઠાકોર)

અહીં પણ સ્ત્રી/પુરુષ બંને પક્ષે સોશિયલ મિડીયામાં બનાવટી ઓળખ ધારણ કરીને એકમેક સાથે ચેટિંગ કરવાની વાત છે. રમીલાને અનુભવી મંજુ માર્ગદર્શન આપે છે કે આમાં શું સાવધાની રાખવાની. એક પુરુષમિત્ર જોડે પ્રત્યક્ષ મુલાકાત ગોઠવાઈ જાય ત્યારે રમીલાને ગભરાટ થાય છે. એ મુલાકાત માટે જાય છે ખરી પણ જોડે મંજુને લઈ જાય છે. બંને જણી મુલાકાતના સ્થળે પેલા પુરુષમિત્રને ભૂલાવામાં નાખી એની છબી પાડી લે છે. છબીમાંના પુરૂષને ઓળખી જતાં રમીલાને આશ્ચર્ય થાય છે અને રમીલાને આઘાત લાગે છે. બની શકે કે એ રમીલાનો પતિ હોય. જો કે વાર્તામાં એવા પણ સંકેત અપાયાં છે કે  એ ખુદ રમીલાનો જ પતિ હોય.

આવા કિસ્સાઓમાં પોતાનાં જ પરિચિતો ભૂલભૂલમાં આભાસી મિત્રો બની જાય એવી શક્યતાઓ માત્ર વાર્તા/નવલકથા સુધી જ મર્યાદિત ના રહેતાં વાસ્તવિક પણ બની જતી હોય છે.

વાર્તાની વાત કરીએ તો રજૂઆત પ્રવાહી અને પ્રભાવી.

અનુવાદ

દુશ્મન એનાં હાથમાં (હર્નાન્ડો ટેલેઝ લિખિત મૂળ સ્પેનિશ વાર્તાના ડોનાલ્ડ યેટ્સ દ્વારા થયેલા અંગ્રેજી અનુ. પરથી ગુજરાતી અનુ. યામિની પટેલ)

રોમાંચક વાર્તા. વાચકને ખબર છે કે વાળંદના હાથમાં અસ્તરો છે અને એના હાથમાં દુશ્મનની ગરદન છે. એ ઈચ્છે ત્યારે દુશ્મનને વધેરી શકે છે. અહીં વાળંદના ચિત્તમાં સંઘર્ષ છે. વાળંદનો ધર્મ છે કે ઘરાકને ઈજા પહોંચાડ્યા વિના એની દાઢી કરવી. વાળંદના વેશમાં રહેલા સૈનિકનો ધર્મ છે કે એ શત્રુનો સફાયો કરે. વાળંદ શું કરે છે? પ્રતિભાવમાં શત્રુ શું કરે છે? રસપ્રદ વાર્તા. સફાઈદાર અનુવાદ.  

ટોલ્સટોયનાં ભોજવૃક્ષો (માસ્તિ વેંકટેશ અય્યંગર “શ્રીનિવાસ” લિખિત મૂળ કન્નડ વાર્તા, અનુ. સંજય છેલ)

પ્રસ્તુત લખાણ વાર્તા નહીં પણ અહેવાલ હોય એવું જણાય છે. વિશ્વવિખ્યાત લેખક ટોલ્સટોયને કેન્દ્રમાં લખાયેલી આ રચના કાલ્પનિક છે કે વાસ્તવિક એનો કશો ફોડ આ લખાણ જોડે નથી. આ લખાણ વિશે કોઈ નુક્તેચીની કરવી આ લખનાર માટે શક્ય નથી.

એટલાન્ટિકને આરપાર (મિશેલ વર્ન લિખિત મૂળ અંગ્રેજી વાર્તા, અનુ. યશવંત મહેતા)

દરિયાના તળિયે ટ્યુબની અંદર કલાકના ૧૮૦૦ કિલોમીટરની ઝડપે પ્રવાસ કરી શકનારી ટ્યુબ ટ્રેનના શોધકની જોડે કથક ટ્યુબ ટ્રેનનો રોમાંચક પ્રવાસ કરે છે. શું હતું એ રોમાંચક પ્રવાસનું સત્ય? મજેદાર વાર્તા. 

--કિશોર પટેલ, 18-11-23 09:06

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

 

No comments: