Monday 13 November 2023

એતદ સપ્ટેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

એતદ સપ્ટેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૬૭૯ શબ્દો)

અંકમાંની પાંચમાંથી ત્રણ વાર્તાઓ મૈત્રીસંબંધ વિશેની છે.

ઓઢણી (શ્રધ્ધા ભટ્ટ)

બે સખીઓ વચ્ચેના વિશિષ્ટ સખ્યની વાત.

રસપ્રદ કથાનક. એક મૈત્રીસંબંધ પર પોતે પૂર્ણવિરામ મૂક્યું છે એવું સમજતી આરતીને ખ્યાલ આવે છે કે પોતે વાસ્તવમાં ક્યારેય એવું કરી શકી નથી. પૂર્ણવિરામ તો શ્યામાએ એમના સંબંધ પર મૂકી દીધું હતું જેની આરતીને ખબર જ નહોતી. શ્યામા આરતીને એક ફોન કરીને “આરત” એવું સંબોધન કરે છે ને પોતાનાં તમામ કાર્ય બાજુએ મૂકી આરતી શ્યામાને ગામ લઈ જતી બસ પકડી લે છે. પણ ત્યાં પહોંચતાં જ આરતીના ભ્રમનો પરપોટો ફૂટી જાય છે. શ્યામાના જીવનમાં આરતીની ખાલી પડેલી જગ્યામાં અન્ય કોઈક ગોઠવાઈ ગયું છે. સંબંધ તૂટ્યાની પીડા સાથે એ પાછી ફરે છે.

તો પછી શ્યામાએ આરતીને ફોન શા માટે કરેલો?

આરતી જોડે બદલો લેવા? આરતીને પીડા આપવા? આરતીનું ભ્રમનિરસન કરવા? કે પછી આમાંનું કશું જ નહીં અને કેવળ આરતીને એક નજર જોઈ લેવા માટે? વાર્તાનો અંત ભાવકને મજબૂર કરે છે અનેકાનેક શક્યતાઓ અંગે વિચાર કરવાનો. પહેલી નજરે એવું લાગે કે સમલિંગી સંબંધની વાત છે. વાર્તામાં એ વાત છે જરુર પણ માત્ર એટલી વાત નથી. વાર્તા એનાથી કંઈક વિશેષ પણ છે. થોડાંક સમયથી વાર્તાલેખનનો ગંભીરતાપૂર્વક વ્યાયામ કરતા આશાસ્પદ વાર્તાકારની એક પુખ્ત રચના. સરસ વાર્તાનુભવ.

મિકી (અભિમન્યુ આચાર્ય)

મૈત્રીસંબંધમાં શોષણ.

વાર્તાનો વિષય થોડોક હટકે છે, મૈત્રીસંબંધમા શોષણ જેવા વિષય પર લખાયેલી કોઈ વાર્તા વાંચ્યાનું યાદ આવતું નથી.

કેટલાક માણસોનું જીવનધ્યેય નિશ્ચિંત થયેલું હોય છે કે પોતાનાં જ કહેવાતા માણસો દ્વારા એમનું શોષણ થયા કરે. બધું જાણ્યાકર્યા પછી પણ એવા લોકો ખાસ કંઈ કરી શકતા નથી અને સંજોગોને વશ થઈને અથવા સ્વભાવાનુસાર પોતાનું શોષણ થવા દેતાં હોય છે.

પ્રસ્તુત વાર્તામાં મિકી શોષણકર્તાની ભૂમિકામાં છે અને કથક શોષિત છે.  કેનેડામાં સ્થાયી થયેલા કથકને ઘેર એના કોલેજકાળનો મિત્ર મિકી આવીને ધામા નાખે છે અને કથક અસહાય થઈને મિકી જે કંઈ કરે તેના સાક્ષી બનવા સિવાય ખાસ કંઈ કરી શકતો નથી. મિકી અગાઉ પણ એનું “બુલિંગ” (દાદાગીરી) કરતો, હજી પણ એવી જ દાદાગીરી એ કથક પર કરતો રહે છે.

મિકીના આગમન પછી કથકના પોતાની પત્ની જોડેના સંબંધોમાં બદલાયેલાં સમીકરણનું આલેખન રસપ્રદ છે. 

ત્રણે પાત્રોનું પાત્રાલેખન વ્યવસ્થિત. સરસ કથાનક. રસપ્રદ રજૂઆત.

સિગારેટ (કાલિન્દી પરીખ)

લિવ-ઈન-રિલેશનશીપની વાત.

સમાજમાં ચલણમાં આવેલો  પ્રમાણમાં નવો કહેવાય એવો ચીલો. લગ્નબંધન સાથે અનેક જવાબદારીઓ સંકળાયેલી છે.  એક લગ્નથી કેવળ એક સ્ત્રી અને એક પુરુષ જ નથી જોડાતાં પણ બે પરિવાર નવા સંબંધમાં જોડાય છે જ્યારે લિવ-ઈનમાં કેવળ બે જ જણાં જોડાય છે. એમાં વળી એ બે જણા વચ્ચે જે કંઈ શરતો નક્કી થઈ હોય એ જ, એ સિવાય અન્ય ત્રાહિત વ્યક્તિ કે સમૂહની જવાબદારી બનતી નથી.

માયા અને ઈલેશ લિવ-ઈનમાં જોડાયાં છે પણ બંનેના હેતુઓ જુદાંજુદાં છે. માતાના નિષ્ફળ લગ્નજીવનના સાક્ષી બન્યા બાદ માયા લિવ-ઈન પ્રતિ વળી છે જ્યારે ઈલેશ જવાબદારીઓથી છટકવા માટે લિવ-ઈનમાં રહ્યો છે. આ નવી વ્યવસ્થામાં ઈલેશ જોડાયો છે ખરો પણ પોતાની પિતૃસત્તાક માનસિકતા જોડે લઈને. પરિણામે માયાનું ભ્રમનિરસન થાય છે. આપણા દેશના અસંખ્ય જુવાનિયા જે ભૂલ કરે છે તે ભૂલ માયા-ઈલેશ પણ કરે છે, કોઈ પણ પ્રકારના આયોજન વિના માયા ગર્ભ ધારણ કરે છે અને એની મુશ્કેલીઓ શરુ થાય છે.

રજૂઆતમાં સિગારેટ જેવી પ્રોપનો બહુવિધ અને હેતુપૂર્વક ઉપયોગ થયો છે. અનેક ઠેકાણે જે તે ભાવની અભિવ્યક્તિ કરવા માટે સિગારેટ સંબંધિત ક્રિયાઓ/અસરો વાર્તાકારને ખપમાં આવી છે. એ રીતે શીર્ષક સાર્થક થાય છે. નવો વિષય, સરસ રજૂઆત.   

મેટ્રો (સમીરા પત્રાવાલા)

મૈત્રીસંબંધની વાત.

વાર્તાનું શીર્ષક છે “મેટ્રો”. શબ્દરચના અને ઉચ્ચારમાં “મેટ્રો” અને “મિત્રો” એકમેકના સહોદર જણાય છે. વાર્તામાં વાત મેટ્રો અને મિત્રો બંનેની છે. નિશી, આબીદ અને કથક ત્રણે એક સમયે અંતરંગ મિત્રો રહ્યાં છે. વર્તમાનમાં નિશી સ્થૂળ રીતે દૂર કેનેડામાં છે જ્યારે આબીદ તો પરલોક પહોંચી ગયો છે. આ બંને મિત્રોની ખોટ કથકને કેટલી તીવ્રતાથી સાલે છે તેનું આ નાનકડી વાર્તામાં સારું નિરુપણ થયું છે.  

ડગળી (જયેશ રાષ્ટ્રકૂટ)

વળગણની વાત. મંદિરના મહારાજને ઘડિયાળનું વળગણ થઈ ગયું છે. જે તે કામ સમય પર કરવાનું. સમયસર કામ કરવું એ સારી વાત છે પણ આ મહારાજ તો ઘડિયાળના ગુલામ થઈ ગયા છે. ઘડિયાળની વિધવિધ લીલા સાથે મહારાજ પણ નૃત્યલીલા કરતા રહે છે. અહીં ઘડિયાળ વ્યસનનું પ્રતિક બન્યું છે. હળવી શૈલીમાં મઝાની રજૂઆત.

-કિશોર પટેલ, 14-11-23 09:15

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: