Saturday 31 December 2022

નવનીત સમર્પણ ડિસેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવનીત સમર્પણ ડિસેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૨૭ શબ્દો)

ગૂંચ (હિમાંશી શેલત):

અતિ શ્રીમંત કહી શકાય એવા એક કુટુંબની અહીં વાત થઈ છે. આ વર્ગના લોકોની વાત ઘણી બધી રીતે જુદી હોય છે. એમની વચ્ચે મતભેદ કે વિચારભેદ હોય છે પણ એમની વચ્ચે મોટા અવાજે ઝઘડા નથી થતાં, ધીમા અવાજે ચર્ચાઓ થાય છે. અહીં કોઈ જાહેરમાં રડતું નથી, રડવાનું એકાંતમાં, વોશરૂમમાં, ટીસ્યુપેપરમાં. ભીતરમાં દાવાનળ સળગતો હોય ત્યારે પણ ચહેરા પર સ્મિત ફરકાવતા રહેવાનું હોય છે.

પ્રસ્તુત વાર્તામાં દસમા ધોરણમાં અભ્યાસ કરતા પલાશને અચાનક કહેવાય છે કે આગળનો અભ્યાસ કરવા એણે અમેરિકા જઈને મામામામી જોડે રહેવાનું છે. દીકરાના અચાનક અવસાન પછી એકલાં પડી ગયેલાં મામા-મામીને સધિયારો આપવા એમની જોડે રહેવાનું છે. પલાશ જાણતો નથી કે એના માતા-પિતાના લગ્નજીવનમાં સમસ્યા ઊભી થઈ છે, તેઓ છૂટા પડી રહ્યાં છે.      

વાર્તાની રજૂઆતમાં બે હિસ્સા છે, પહેલા હિસ્સામાં કથન પહેલા પુરુષમાં પલાશ પોતે કરે છે અને બીજા હિસ્સામાં કથન ત્રીજા પુરુષમાં સર્વજ્ઞ કરે છે. પહેલા ભાગમાં પલાશની ભાષામાં અંગ્રેજી શબ્દો ભારોભાર છે જે પલાશના પાત્રાલેખનને અનુરૂપ છે એટલે એનું મિશ્ર ભાષામાં થયેલું કથન સ્વાભાવિક લાગે છે. એની દ્રષ્ટિએ એમના સમાજનું જે નિરીક્ષણ થયું છે તે રસ પડે એવું છે. 

અતિ શ્રીમંત વર્ગ જેવા ઓછા ખેડાયેલા પરિવેશની વાર્તા.       

દાંપત્ય (નવનીત જાની):

આપણી પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં પુરુષ બહાર જઈને આવક રળી લાવે છે અને સ્ત્રી ઘર સાચવે છે. પણ જ્યારે આનાથી વિપરીત પરિસ્થિતિ હોય ત્યારે સમસ્યાઓ પેદા થતી હોય છે.  આ વાર્તામાં ઉચ્ચ શિક્ષિત પતિ બેકાર છે અને પીટીસી થયેલી પત્ની એક છેવાડાના ગામડાની નિશાળમાં શિક્ષિકા તરીકે કામ કરે છે અને એ ઘરસંસાર ચલાવે છે. બેઉ પાત્રો વચ્ચેના પ્રસંગો, બેઉની માનસિકતા, બેઉના આંતરદ્વંદ્વનું સરસ આલેખન થયું છે. સરસ વાર્તા!

પિત્ઝા (ગીતા માણેક):

હાંસિયામાં રહેતા માણસની આ કેવી વિડમ્બના!  મનગમતા ખોરાક માટે એણે એક કૂતરા જોડે સ્પર્ધા કરવી પડે!

ગરીબી માણસ પાસે કેવા કેવા અપરાધ કરાવે છે! શ્રીમંતોના ઘેર કામ કરતી કામવાળી છાયા માટે એક નવી સમસ્યા ઊભી થઈ છે. શેઠના ઘેર હંમેશા જે વધ્યુંઘટયું ખાવાનું મળતું હતું તે હવે નવો આવેલો પાળીતો કૂતરો હજમ કરી જાય છે. છાયા પોતાની ટૂંકી આવકમાંથી નાના દીકરા માટે પિત્ઝા ખરીદી શકતી નથી. એને થાય છે કે જો આ કૂતરાનું પત્તું કટ કરી શકાય તો શેઠના ઘરનું વધેલુંઘટેલું સારું સારું ખાવાનું પહેલાંની જેમ ઘેર લઈ જવાશે. પરિણામે છાયાને હાથે એક ગુનો થાય છે.

અભાવગ્રસ્ત અકિંચન સ્ત્રીના મનોવ્યાપારનું સરસ આલેખન.      

પૂરણપોળી (મોના જોશી):

જીવનમાં પૈસા માટે રાતદિવસ દોડધામ કરવા કરતાં જરૂર પૂરતું કમાઈને બાકીના સમયમાં આનંદ  કરવો જોઈએ એવો બોધ આપતી વાર્તા.

--કિશોર પટેલ, 01-01-23; 11:42

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: