Saturday 3 December 2022

નવનીત સમર્પણ નવેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવનીત સમર્પણ નવેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૮૮૦ શબ્દો)

આ દીપોત્સવી નિસબત વિશેષાંક છે.                                                                                                              

કોઈનું કંઈ ખોવાય છે? (પ્રવીણસિંહ ચાવડા):

મૈત્રીસંબંધની વાત. પચાસ વર્ષ પહેલાં, યુવાનીમાં, કોલેજમાં ભણતા એ સમયના મિત્ર જોડે ફોન પર વાતચીત થાય અને નાયકને પોતાના ભૂતકાળ યાદો સજીવન થાય. આ લેખકની હંમેશની ઢબ મુજબ, ટૂંકા વાક્યોમાં, જીવનદર્શનના નાનાં નાનાં ડોઝ સાથેની રજૂઆત.

વણનોંધાયેલી ઘટના  (હિમાંશી શેલત):

સાંપ્રત સમસ્યાની વાત. બહુચર્ચિત સત્યઘટના પર આધારિત મર્મભેદી વાર્તા. ઈ.સ. ૨૦૦૪ માં ગુજરાતમાં ગર્ભવતી બિલ્કીશબાનુ અને એના પરિવાર જોડે બળાત્કાર અને હત્યાઓ જેવા જઘન્ય અપરાધના ગુનેગારોને સંસ્કારી ગણાવીને ગુજરાત સરકારે જેલમાંથી તાજેતરમાં છોડી મૂક્યા એ ઘટના પર રચાયેલી વાર્તા. બિલ્કીશબાનુના પોઈન્ટ ઓફ વ્યુથી આ વાર્તા કહેવાઈ છે.

કોઈક કામે જવા નીકળેલી નાયિકા બસની લાઈનમાં એક આદમીનો હાથ જોતાવેંત એને ઓળખી જાય છે. સત્તર વર્ષ પહેલાં અનુભવેલી દહેશત ફરી જીવંત થાય છે. ડરની મારી કામ પડતું મૂકીને એ ઘેર આવતી રહે છે. એનો પતિ કહે છે, “એમાં શું? એ તો હવે ફરી ફરી દેખાવાનો!”  નાયિકાને થાય છે કે એ તો જેને વીતે એને જ ખબર પડે કે શું થાય છે.

તદ્દન તાજી ઘટના પર આધારિત વાર્તા. નાયિકાની પીડાનું સરસ આલેખન, વાચનક્ષમ વાર્તા! 

નોલો કોન્તેન્દેરે (મધુ રાય):

શીર્ષક જે શબ્દોનું બન્યું છે એ અમેરિકાની અદાલતોમાં બોલાતો એક શબ્દપ્રયોગ છે જેનો અર્થ થાય છે: “નો કોન્ટેસ્ટ.” અદાલતમાં આરોપીને જયારે પૂછવામાં આવે કે એના પર મૂકાયેલા આરોપ એને માન્ય છે કે નહીં. જો આ વિષે આરોપીએ સ્પષ્ટતા કરવી ના હોય તો એ ઉપરોક્ત શબ્દો બોલે છે. અન્યો પર ખોટા કેસ કરીને કાયદેસર જોગવાઈ પ્રમાણે વળતર લેવાની તરકીબો દેશ અને દુનિયામાં ઘણાં માણસો અજમાવતાં હોય છે.

આ વાર્તાની મઝા રજૂઆતમાં છે. આરોપીને આપવામાં આવેલા દુભાષિયાને કેસની સાચી વિગતોની ખબર નથી. એ અવનવી ધારણાઓ કર્યા કરતો રહે છે. અધૂરામાં પૂરું આધેડ વયના આરોપીની જુવાન પત્નીને જોઇને એ મનમાં ને મનમાં ઘોડા દોડાવ્યા કરે છે પણ સાથે સાથે અમેરિકાના કાયદા-કાનૂનો એ જાણતો હોય છે એટલે વળી પોતાની કલ્પનાઓ પર લગામ પણ લગાવતો રહે છે.

શબ્દોના જાદુગર તરીકે જાણીતા આ વાર્તાકાર પાસેથી લાંબા સમય બાદ મળેલી રસપ્રદ વાર્તા.       

એ રાતે (બાદલ પંચાલ):

કરુણાંત પ્રેમકથા. કથકના પ્રસ્તાવનો નાયિકા સ્વીકાર કરે પછી કથકનું જીવન પાટે ચડે છે એટલામાં બીજી જ સવારે ખબર મળે છે કે અકસ્માતમાં નાયિકા મૃત્યુ પામી છે.    

વાર્તામાં નોંધનીય છે ભાષા અને રજૂઆત. બંને પાસાં કાવ્યાત્મક બન્યાં છે. 

બાકીનું શરીર (વીનેશ અંતાણી):

માનવીય સંબંધોની અને એમાંય દાંપત્યજીવનની વાર્તાઓમાં એકથી એક ચઢિયાતી વાર્તાઓ આપનારા લેખકની વધુ એક સરસ વાર્તા. 

શ્યામ અને માધવી. બંને શિક્ષિત અને નોકરી કરતાં સ્વસ્થ પતિ-પત્ની. પુત્ર અને તેનો પરિવાર વિદેશમાં સ્થાયી થયાં છે. આર્થિક-સામાજિક રીતે વ્યવસ્થિત સુખી પરિવાર. શ્યામને પક્ષાઘાતનો હુમલો આવે એ પછી આ દંપતીનું જીવનવહેણ બદલાઈ જાય છે. પહેલાં તો અડધું અંગ અપંગ હતું, અવિચારીપણે શ્યામ જાતે હલનચલન કરવાનો પ્રયત્ન કરે એમાં આખું શરીર અસરગ્રસ્ત થાય. પહેલેથી જ પ્રેમ-સ્નેહના નામે પત્નીનું ભાવનાત્મક શોષણ કરનારા શ્યામને રોકનારું હવે કોઈ નથી. શ્યામની સેવામાં માધવી પૂર્ણપણે ઓગળી જાય છે. શ્યામ સ્વસ્થ હતો ત્યારે પણ ક્યારેય એણે માધવીની અગવડ-સગવડની ખેવના રાખ્યા વિના એનું સૂક્ષ્મ શોષણ જ કર્યું છે. 

વાર્તાનું સ્વરૂપ રસપ્રદ છે. શ્યામના મૃત્યુ પછી ઊભી થયેલી સ્થિતિમાં માધવીની મન:સ્થિતિનું ઉત્તમ આલેખન થયું છે. દર્પણમાં માધવી પોતાનું પ્રતિબિંબ જુએ છે ત્યારે પોતાની જાતને એ ઓળખી શકતી નથી!  પતિની સેવામાં માધવીએ પોતાની જાતને જ ભૂલાવી દીધી છે! માધવી એટલે આપણા સમાજની હજારો સ્ત્રીઓનું પ્રતિનિધિ પાત્ર.

હ્રદયસ્પર્શી વાર્તા.                                                                                                    

રામાયણીબાબા (વર્ષા અડાલજા):

આપણા દેશમાં પોલીસ ખાતાનાં નાનાં હોદ્દે સેવારત કર્મચારીઓ બે નંબરની નાનીમોટી કમાણી કરી લેવા માટે કુખ્યાત છે. પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંતને ગળથૂથીમાંથી પ્રામાણિકતાના પાઠ મળ્યા છે. એના સ્વર્ગસ્થ પિતા ઈમાનદાર પોલીસકર્મી હતા, ગામડે રામકથા કહેતા રામભક્ત સસરા સાપ્તાહિક પ્રવચનોમાં ગ્રામજનોને નીતિના રસ્તે ચાલવાનો ઉપદેશ કરતા રહે છે, ઘેર સાદાઈથી જીવતી સંસ્કારી પત્ની છે. ચંદ્રકાંત પોતે પણ સીધી લાઈનનો જ માણસ છે પણ એક કાળચોઘડિયે સંગતની અસરમાં એની દાનત બગડે છે. સામેથી ચાલીને આવેલી બે નંબરી આવક એ સ્વીકારી લે છે. દીકરીના લગ્ન રંગેચંગે ઉકેલી લેવાય એટલી કમાણી એ ધીમે ધીમે અંકે કરી લે છે. પણ દરમિયાન એનો આત્મા એને સતત ડંખતો રહે છે. એની પરાકાષ્ઠા આવે છે ગામડે એક ઉત્સવ દરમિયાન.

એક સીધાસાદા ભલા માણસની માનસિક સ્થિતિ દોષભાવનાને લીધે કેટલી ડામાડોળ થઈ જાય એનું ચિત્રણ સરસ થયું છે. પાત્રોની પૃષ્ઠભૂમિ મહારાષ્ટના ગામડાની છે એટલે સંવાદોમાં મરાઠી ભાષાના શબ્દોનો અને વાક્યોનો પ્રયોગ અનેક જગ્યાએ થયો છે. આમ આલેખનમાં વાસ્તવિકતાનો સ્પર્શ જણાય છે. ગુજરાતી વાર્તાઓમાં આ એક નાવીન્ય છે, કંઇક જૂદું અને સારું લાગે છે.     

રડવું એટલે (કિરીટ દૂધાત):

લાંબા સમય પછી આ નીવડેલા વાર્તાકારની વાર્તા રજૂ થઈ છે.

કેટલાંક માણસોની નિયતિ એવી હોય છે કે પૂરતો પરિશ્રમ કર્યા પછી પણ એમને એમના કર્મનું ફળ મળતું નથી. ઈરાદાઓ નેક હોય, સાચી લગનથી કામ કર્યું હોય એમ છતાં કેટલાંક પરિબળો એવા હોય છે કે એની સામે માણસે હથિયાર હેઠાં મૂકી દેવા પડતાં હોય છે. અહીં અચ્યુત જીવાણી નામના એક યુવાનની કથા રજૂ થઈ છે જેનાં વ્યાવસાયિક સાહસો એક પછી એક નિષ્ફળ જાય છે. વાર્તાની રજૂઆત એવી સરસ થઈ છે કે નાયકની સાથે કથક અને ભાવકને પણ ઉદાસીનતાનો ભાવ ઘેરી વળે છે.

“રડવું” એટલે કેવળ અક્ષરસ: રડવું એમ નહીં, બીજા અનેક પ્રકારે પણ રડવું વ્યક્ત થતું હોય છે.   

સમરસ (બિપીન પટેલ):

ઓફિસમાં “નિ.ના.” નામના એક એવા માણસની કારકિર્દીનો છેલ્લો દિવસ છે જે સહુ સહકર્મચારીઓ જોડે કાયમ અતડો રહ્યો છે. ઓફિસના વાતાવરણનું હળવી શૈલીમાં નિરૂપણ.

આ સામયિકની દીપોત્સવી અંકો માટેની વાર્તાકારોની ટીમ લગભગ ફિક્સ હોય છે, અપવાદ ખાતર એકાદ-બે નામ આમતેમ થતાં હોય છે.

--કિશોર પટેલ,  04-12-22; 10:16  

 ###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

    

No comments: