Wednesday 9 November 2022

નવનીત સમર્પણ ઓક્ટોબર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવનીત સમર્પણ ઓક્ટોબર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૯૫ શબ્દો)

સામે (રવીન્દ્ર પારેખ):

ફેન્ટેસી વાર્તા. કલ્પના એવી થઈ છે કે નાયિકા એકલી હોય ત્યારે દર્પણમાં એને પોતાનું પ્રતિબિંબ દેખાતું નથી, પણ જયારે જોડે પતિ હોય ત્યારે અચૂકપણે દેખાય છે. પતિ સિવાય અન્ય કોઈ ત્રીજી વ્યક્તિ જોડે આ વાતની ખરાઈ થઈ નથી. નાયિકાને મન આ ગંભીર સમસ્યા છે પણ આ વિષે એના પતિને ઝાઝી પડી નથી.

નાયિકાને સ્વની ઓળખ વિષે સમસ્યા હોઈ શકે. જેમ કે એ લઘુતાગ્રંથિથી પીડાતી હોઈ શકે. જો કે વાર્તામાં આ કે અન્ય સમસ્યા અંગે કોઈ સંકેત જણાતાં નથી. પ્રતિબિંબ અદ્રશ્ય થઈ જવાનું રહસ્ય વાર્તામાંથી ઉકેલાતું નથી.      

રોંગ નંબર (મોના જોશી):

રોંગ નંબરથી આવેલા ફોન પર અજાણી સ્ત્રી જોડે વાત કરતાં નાયકને ખ્યાલ આવે છે કે એ એની જૂની પરિચિત છે. વર્ષોથી જેની માફી માંગવી બાકી હતી એ કામ અણધારી રીતે પાર પડી જાય છે. ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં ભૂલાયેલા મિત્રનું નામ દેખાવું, તેને ફોન કરવો, તેની જોડે અન્ય એક કોમન મિત્રની યાદ તાજી કરવી અને અંતમાં પેલા રોંગ નંબર પર એ જ પેલી મિત્ર મળી જવી...બધું આયાસપૂર્વક ગોઠવાયેલું અને અસહજ લાગે છે.       

અકોરા કાબા (વિશાલ ભાદાણી):

રૂપકકથા. પક્ષીઓની સભામાં માણસોની છબીકળાની પ્રવૃત્તિનો તીવ્ર વિરોધ થાય છે. પશુ-પક્ષીઓની અને માણસોની એમ બેઉ ભાષા જાણતા મોગલીને આદેશ અપાય છે કે એણે માણસો પાસે જઈને પક્ષીઓની સમસ્યાની રજૂઆત કરવી. મોગલી એ મિશન સાથે જાય છે ખરો પણ થાય છે વિપરીત. મોગલીની છબીઓ પાડનારા માણસનું બહુમાન થાય છે અને પક્ષીઓની સમસ્યા તો ઠેરની ઠેર રહે છે. વ્યંગકથા.    

ખજાનો (કિરણ વી. મહેતા):

એકપક્ષી પ્રેમકથા. પરિણીત નાયકને પાડોશમાં રહેતી કલ્પના નામની કન્યા પ્રતિ આકર્ષણ થાય છે. યોગ્ય સમયે કન્યા પરણીને સાસરે જાય. એક વરસાદી રાત્રે નાયકને કલ્પના ભેટી જાય. કલ્પના નાયકને ચુંબન કરીને જાણ કરે, “મારાં લગ્ન થઈ ગયાં છે, મને એક બાબો પણ છે, હવે તમારી પ્રેમકહાણી પૂરી!” અણધાર્યા મળેલાં ચુંબનને ખજાનો સમજીને નાયક મમળાવ્યા કરે છે. રજૂઆતમાં આલંકારિક ભાષા પ્રયોજાઈ છે. 

વરસતા વરસાદમાં બિલાડી (અર્નેસ્ટ હેમિંગ્વેની મૂળ અંગ્રેજી વાર્તા, અનુવાદ: હિમાંશી શેલત):

પુરુષોના સ્ત્રીઓ જોડેના વર્તવાના બેવડા ધોરણ અંગે એક વિધાન. એક દંપતી પ્રવાસે નીકળ્યું છે. સ્ત્રી એક અજાણ્યા શહેરમાં એક બિલાડીને વરસાદમાં ભીંજાતી જુએ છે. એને થાય છે કે બિલાડીને વરસાદથી બચાવવી જોઈએ. પણ એ બિલાડી સુધી પહોંચે ત્યાં સુધીમાં બિલાડી અદ્રશ્ય થઈ જાય છે. બિલાડી શોધી કાઢવાની સ્ત્રીની માંગણીને એનો પતિ અવગણે છે જયારે હોટલમાલિક પેલી બિલાડીને શોધી કાઢે છે અને મહેમાન સ્ત્રી સુધી પહોંચાડે છે.

આમ આપણે જોઈ શકીએ છીએ કે પતિ પત્નીની ઝાઝી પરવા કરતો નથી જયારે હોટલમાલિક હોટલની મહેમાન સ્ત્રીની માંગણી પૂરી કરવા શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. બની શકે કે આ જ હોટલમાલિક પોતાની પત્નીની ઝાઝી પરવા કરતો ના હોય અને પેલી સ્ત્રીનો પતિ પોતાના વ્યવસાયમાં સ્ત્રીગ્રાહકની કાળજી રાખતો હોય.        

--કિશોર પટેલ, 10-11-22; 09:03

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: