Thursday 24 March 2022

એતદ ડિસેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

એતદ  ડિસેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૭૨ શબ્દો)

ચકલીનું બચ્ચું (વર્ષા અડાલજા):

કુમળી કન્યા જોડે દુરાચાર. આપણા દેશમાં કન્યાઓ/સ્ત્રીઓ જોડે છાસવારે અત્યાચાર થતો આવ્યો છે. એવી એક ઘટના વિષેની વાત. ખોવાયેલી દીકરીને શોધીને ઘેર લાવવાના બદલે “ગામમાં ઢંઢેરો પીટાશે” એવાં બહાને કન્યાનો પિતા ઘરમાં બેસી રહે છે!  દીકરી કરતાં ઈજ્જત વહાલી! કુટુંબની પ્રતિષ્ઠા બાબતે આપણા સમાજમાં કેવા ભ્રામક ખ્યાલો પ્રવર્તે છે એનું આ એક પ્રચલિત લક્ષણ છે. 

ઘરની ઉંમરલાયક દીકરીને દાદી ચકલીનું બચ્ચું કહે છે. રેવા નામની આ કન્યા શહેરમાંથી આવેલો સુગંધી સાબુ લઈને નદીએ એકલી જ સ્નાન કરવા જાય ત્યાં એની જોડે ના બનવાનું બને છે. આંકડાઓ કહે છે કે સ્ત્રીઓ/બાળકીઓ પર થતાં દુરાચારમાં ગુનેગારો મહદ અંશે પરિચિત અને ઘરનાં/કુટુંબના જ હોય છે. રેવાના વસ્ત્રો સાથે આવેલા કંતાનમાં ભેરવાયેલાં ફાળિયાને ઓળખીને દાદીમાને ખ્યાલ આવી ગયો છે કે રેવા જોડે કાળુ કામ કોણે કર્યું છે.

વાર્તાનો વિષય જૂનો પણ માવજત પ્રવાહી. ઉમંગભરી રેવાનું પાત્રાલેખન સરસ. કન્યાની માતાનું નામ ‘જશુમતી’ છે પણ એક ઠેકાણે ‘જશવંતી’ કહેવાયું છે.      

ગંતવ્ય (અમૃત બારોટ):         

ગંભીર અકસ્માતના પરિણામે માણસ ઘણી વાર બેહોશ થઇ જતો હોય છે. માણસ શુદ્ધિમાં ના હોય પણ એની શારીરિક ક્રિયાઓ આપમેળે થયા કરતી હોય. તબીબી ભાષામાં આ સ્થિતિને માટે “દર્દી કોમામાં ચાલી ગયો” એવું કહેવાય છે. આ કોમા એટલે શું? કોઈ કોમામાં જાય એટલે ચોક્કસ ક્યાં જાય?

વાર્તાકારે કલ્પના કરી છે કે અકસ્માતના પરિણામે કોમામાં ગયેલો દર્શન નામનો યુવક એક સમાંતર દુનિયામાં ગયો છે. આ નવી દુનિયામાં કુદરતી સૌંદર્ય છૂટા હાથે વેરાયેલું છે. એના જેવા અન્ય માનવી જીવો પણ અહીં છે. સહુ ભલાં અને સહ્રદયી મિત્રો જેવું સૌજન્યપૂર્ણ વર્તન કરે છે. સહુની ઉપર ગ્રુપના એડમિન જેવો એક કેપ્ટન પણ છે જે તમામ વ્યવસ્થા પર નજર રાખે છે. અહીં કોઈએ કશું કામ કરવાનું નથી, બધું આપમેળે થયા કરે છે. નવતર કલ્પનાવાળી મજાની ફેન્ટેસી વાર્તા.

એ નહીં આવે (પૂજન જાની):

નીચલા મધ્યમવર્ગના માણસોના ટકી રહેવાના સંઘર્ષની વાત. ભાડે રીક્ષા ફેરવીને કુટુંબનું ગુજરાન ચલાવતા જીતુનો કામ કરવા સરખો છોકરો મફતના રોટલા તોડે છે. એક દિવસ એ છોકરો પિતાનું બેન્કનું ડેબિટ કાર્ડ ઉપાડીને છૂ થઇ જાય છે.   

સમાજના હાંસિયામાં રહેતાં લોકોની વાત. એમની જીવનશૈલી, એમનાં નાનામોટા સુખ. એમની નાનીમોટી સમસ્યાઓ.

મીરા (ઉમા પરમાર):

બબ્બે વાર લગ્નસંબંધમાં જોડાવામાં નિષ્ફળ ગયેલી મીરાનું મન હવે સંસારમાંથી ઊઠી ગયું છે. પહેલી વાર નીરજ જોડે નક્કી હતું પણ અકસ્માત નડતાં મીરાના પપ્પા કોમામાં ગયા. નીરજ રાહ જોઈ ના શક્યો. બીજી વાર વિનોદ તૈયાર હતો પણ હ્રદયરોગના હુમલામાં મીરાના પિતાનું અવસાન થઇ જતાં લગ્ન પછી આવી પડનારી ભાવિ સાસુની જવાબદારી ઉપાડવા વિનોદ તૈયાર ના થયો. મધ્યમ વર્ગની સંઘર્ષરત એક મહિલાની કહાણી.    

આજ જાને કી જીદ ના કરો (મનોજ સોલંકી):

દાંપત્યજીવનમાં પ્રારંભમાં દંપતી વચ્ચે જે રોમાંચ હોય છે તે મોટા ભાગના કિસ્સાઓમાં કાળક્રમે ઘટતો જાય છે. યશ અને રાશિના દાંપત્યજીવનમાં કંઇક એવું જ થયું છે. દંપતી વચ્ચે પડી જતાં અંતરને વાર્તામાં વિગતવાર આકાર મળ્યો છે. સારી વાર્તા.

તલબ (નરેન્દ્રસિંહ રાણા):

પોર્ન વિડીયો જોવા-માણવાના વ્યસની માણસની વાત. વિકૃતિમાં રમમાણ રહેનારાઓની દ્રષ્ટિએ સ્ત્રી માત્ર એક ચીજ હોય છે. આ વાર્તાનું સ્વાગત કરવાનાં બે કારણો છે: ૧. આપણે ત્યાં આ વિષય પર ઘણી ઓછી વાર્તાઓ લખાય છે. ૨. પ્રવાહી અને પ્રભાવી રજૂઆત. પરિણામ: સારી વાર્તા.       

ફરીથી, ફરીથી, ફરીથી- (કિરણ વી. મહેતા):

બબ્બે વાર લગ્નજીવનમાં પછડાટ ખાધેલા આદમીની વાત. પહેલી પત્નીએ નાયકને આર્થિક રીતે પાયમાલ કર્યો અને બીજી પત્નીને એના વ્યાવસાયિક સંબંધોનો લાભ લઈ લીધા પછી પડતો મૂક્યો. વાર્તામાં વણાયેલાં પ્રાકૃતિક દ્રશ્યોના વર્ણનો નાયકની માનસિક સ્થિતિ પ્રતિ મોઘમ ઈશારાઓ કરે છે.

--કિશોર પટેલ, 25-03-22; 11:03

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

     


No comments: