Tuesday 22 March 2022

શબ્દસર જાન્યુઆરી ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ


 

શબ્દસર જાન્યુઆરી ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ

(૬૦૯ શબ્દો)

અર્પણ: બ્રિજેશ પંચાલને...   

ધંધો (બ્રિજેશ પંચાલ):

એક જુદા પરિવેશની વાર્તા. એક આખું ગામ વેશ્યાવ્યવસાયમાં પ્રવૃત્ત છે. સમાચારમાધ્યમોમાં આવા ગામડાઓ અંગે વાંચવામાં આવ્યું છે. લેખકની નોંધ પ્રમાણે એમણે સાંભળેલી સત્યઘટનાના આધારે આ વાર્તાની રચના થઇ છે.

પ્રસ્તુત વાર્તામાં ગામની બધી જ સ્ત્રીઓ આ વ્યવસાય કરે છે. રાઈના શેઠ નામનો એક જ દલાલ આ વ્યવસાયનું સૂત્ર સંભાળે છે. જે કોઈ ગ્રાહક આવે તે આ રાઈના શેઠના માધ્યમથી જ આવે એવું એનું એકહથ્થુ રાજ્ય છે. ગામલોકો આ દલાલની મહેરબાની પર નિર્ભર છે. એની સામે એક થઈને વિદ્રોહ કરવા માટે ગામલોકોમાં કંઇક જાગૃતિ આવી હોય એવું જણાય છે. વાર્તાના અંતમાં ગામ લોકો પોતાના વસ્ત્રો ઉતારીને વિરોધ નોંધાવે છે. પિતાને શોધતાં આવેલા રાઈના શેઠના બાળકો આ બધું જોઇને એવું સમજે છે કે આ એક રમત છે. એ બાળકો પણ પોતાના વસ્ત્રો કાઢીને પિતા તરફ ફેંકવા માંડે છે. પરિણામે રાઈના શેઠ શરમજનક સ્થિતિમાં મૂકાય  છે.  

મોહન અને રેખા નામનું દંપતી ગામલોકોમાં સુધારો લાવવાની કોશિશ કરે છે. ગામની કોઈ નવી કન્યા આ વ્યવસાયમાં ના પ્રવેશે તો સારું એવું એમનું સીમિત લક્ષ્ય રહે છે. સુરેશ અને રીટાની યુવાન દીકરી સપના આ ધંધામાં પ્રવેશે એની સામે મોહન અને રેખા વિરોધ નોંધાવે છે.

આટલા એક વિચારને કેન્દ્રમાં રાખીને વાર્તાની રચના થઇ હોત તો ઠીક રહેત. વાર્તા પર લેખકનો કોઈ કાબૂ રહ્યો હોય એવું જણાતું નથી. મોહન અને રેખા બંને પોતાનો હેતુ ભૂલી જાય છે. સપનાના પિતૃત્વ અંગે મોહન પોતે એના પિતા સુરેશની અશ્લીલ મશ્કરી કરે છે! આ કેવો સામાજિક કાર્યકર્તા? વળી આગળ ચાલીને મોહન-રેખા બાજુએ રહી જાય અને મુખી રાઈના શેઠ વિરુદ્ધની લડતનો આગેવાન બની જાય છે. આમ વાર્તાકાર સ્વયં પાત્રોના પાત્રાલેખન અંગે  સ્પષ્ટ હોય એવું જણાતું નથી. નરસિંહ, મંથન, મંજરી, કાન્તા વગેરે અનેક પાત્રો છે પણ બધાં એક જ પ્રકારના બીબાંઢાળ પાત્રો છે. કોઈ એક પાત્ર બીજાથી જૂદું તરી આવતું નથી.

આ વ્યવસાયમાં પડેલી સ્ત્રીઓ સ્વમાનભેર જીવી શકે એવા કોઈ અન્ય વ્યવસાય અંગે ગામમાં કોઈને વિચાર આવ્યો નથી કે હજી કોઈ એનજીઓના પગલાં પણ ગામમાં પડ્યા નથી કે નથી બાળકોના શિક્ષણ અંગે કોઈને વિચાર સુધ્ધાં આવ્યો. આ બધાં પાસાં એક જ વાર્તામાં આવરી લેવાય એવું જરૂરી નથી. સર્જકનો એ દિશામાં પ્રયાસ હોવો જોઈતો હતો. કેવળ વાસ્તવિકતાનું સર્જન કરવું એવો સીમિત હેતુ ના રાખતાં સર્જકે નવી દિશા પણ ચીંધવી જોઈએ.  ટૂંકમાં, અહીં નવા પરિવેશની વાર્તા રજૂ કરવાનો પ્રયાસ થયો છે પણ એ પરિવેશની સમસ્યાનાં સર્વે લક્ષણો વિષે વિચાર થયો નથી એટલે આ પ્રયાસ અધકચરો રહ્યો છે એ નોંધવું રહ્યું.

--કિશોર પટેલ, 23-03-22; 09:41

તા.ક. આ નોંધ મેં અર્પણ કરી છે, પ્રસ્તુત વાર્તાના લેખક બ્રિજેશ પંચાલને, એક ખાસ હેતુથી.

બ્રિજેશ મારા સરસ મિત્ર છે. જાન્યુઆરી ૨૦૨૨ માં આ વાર્તા શબ્દસરમાં પ્રગટ થઇ ત્યારે જ એમણે મને વોટ્સએપ સંદેશો કરીને વિનંતી કરી હતી કે આ વાર્તા વિષે જયારે પણ ફેસબુક પર લખશો ત્યારે મને ટેગ કરવાનું ભૂલશો નહીં.  વાત જાણે એમ છે કે એક ચોક્કસ કારણસર આ માસિકની વાર્તાઓ વિષે નોંધ લેવાનું બંધ કરી દેવાનું મારા પક્ષે મનોમન નક્કી થઇ ગયું હતું. વળી પ્રસ્તુત અંકમાં એક જ વાર્તા, સંજોગવશાત એની પણ ટીકા જ કરવાની આવી છે તો જાહેરમાં શા માટે ટીકા કરવી? એવું વિચારી આ પોસ્ટ ના મૂકતાં મેં ગઈ કાલે બ્રિજેશને વાર્તા વિષેની મારી ઉપરોક્ત નોંધ વોટ્સએપ કરી દીધી. મને એમ હતું કે ટીકા વાંચીને બ્રિજેશ નારાજ થશે, કદાચ ઔપચારિકતા ખાતર આભાર માનીને વાત પૂરી કરશે. પણ બ્રિજેશે તો આશ્ચર્યનો આંચકો આપ્યો! વાર્તામાં ઘટતાં સુધારા પોતે કરશે એવું લખીને તરત એમણે બે મહિના જૂની વિનંતી ફરી યાદ કરાવી! વળતો સંદેશો કરીને એમણે લખ્યું કે જયારે ફેસબુક પર આ નોંધ મૂકો ત્યારે મને ટેગ કરજો!  મેં કહ્યું, ભાઈ, ગેરસમજ તો નથી થઇ ને, મેં તો વાર્તાની ટીકા કરી છે! એમણે કહ્યું, એટલે જ આ નોંધ ફેસબુક પર મૂકવી જોઈએ કે જેથી મારા જેવી ભૂલ કરતા  જેવા અન્ય લેખકોને પણ કંઇક શીખવા મળે.

ભાઈ બ્રિજેશની ખેલદિલ વૃતિને સલામ! યહ બ્રિજેશ લંબી રેસ કા ઘોડા હૈ, દોસ્તો, લિખ કે રખ્ખો!   

###

No comments: