Wednesday 16 March 2022

મમતા જાન્યુઆરી ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

મમતા જાન્યુઆરી ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૯૦૮ શબ્દો)

તથાસ્તુ (રવીન્દ્ર પારેખ):

ફેન્ટેસી વાર્તા. એવી કલ્પના થઈ છે કે એક શ્રમજીવી અને ભગવાન જોડે મૈત્રીપૂર્ણ સંબંધ છે. લારી પર બરફના ગોળા વેચતા ચંદુને લોટરી જીત્યાના ખબર મળતાં પૈસાની લાલચ જાગે છે. એ કામ માટે એ  ભગવાનની મદદ માંગે છે. હાલમાં લોટરીના નામે થતી છેતરપીંડી ઉપર વાર્તાકારે પ્રકાશ પાડયો છે. રજૂઆતમાં પ્રયોજાયેલી રમતિયાળ હળવી શૈલી નોંધનીય છે.

એક વિશેષ માહિતી: આ વાર્તા “તથાસ્તુ” અપ્રકાશિત નથી, આ અગાઉ મમતાના જ ઓક્ટોબર ૨૦૧૯ અંકમાં એક વાર પ્રસિદ્ધ થઇ ચૂકી છે.     

બટાકાપૌઆ (અર્જુનસિંહ કે. રાઉલજી):

હાસ્યકથાનો પ્રયાસ. નાયકને જે બટાટાપૌંઆ ભાવતા નથી એ જ ફરી ફરી ખાવા પડે છે. વાર્તામાં શું બનશે અને અંત કેવો હશે એની અટકળ સહેલાઈથી લગાવી શકાય છે. વાર્તાકારે રજૂઆતમાં બધું વિગતવાર કહ્યું છે એટલે રસભંગ થાય છે.        

સરવાળે સોળ આની માણસ (હસમુખ કે. રાવલ):

અંકની વધુ એક ફેન્ટેસી વાર્તા. રજૂઆત એવી થઇ છે જાણે જીવનના અંતમાં માણસનાં સારાંનરસાં કર્મોનો ફેંસલો ન્યાયાલયમાં થતો હોય. નાયક લેખક હતો એટલે ન્યાયાધીશમાં એ ટાગોર અને શેક્સપિયરને જુએ છે. તમારી જીવનકથા તો તમારી કૃતિઓમાં આવી ગઈ પણ તમે જે નથી લખ્યું એ મારે સાંભળવું એમ કહીને ન્યાયાધીશ નાયક પાસેથી વાતો કઢાવે છે. ફ્લેશબેક પદ્ધતિએ નાયકના જીવનની મહત્વની ઘટનાઓ જીવંત ભજવાતી દેખાય છે. મોટી વયની એક કન્યાએ અબૂધ બાળક સાથે કરેલા દુરાચારની જુબાની બાળકની નિર્દોષ ભાષામાં સરસ વ્યક્ત થઇ છે. બીજા પુરુષ કથનશૈલીમાં વાર્તાની રસપૂર્ણ રજૂઆત.

બસ છૂટવું છે! (રેના સુથાર):

પ્રતિબિંબ જોડે સંવાદ કરવો અને સ્વપ્નમાં રમમાણ થવું જેવા આકર્ષક લક્ષણો વાર્તામાં છે ખરાં, પણ ‘જૈસે થે’ની સ્થિતિ વાર્તાના અંતમાં કાયમ રહે છે એટલે નાયકની જોડે ભાવક પણ નિરાશ થાય છે.

ભરોસો (ગેબ્રિયલ પાઉલ ચૌહાણ):

એક ગામડાનું વરવું ચિત્ર. ભોળો ભાવેશ બિનવારસ રહે એવો મનસૂબો ગામના ધૂતારાઓ રાખતા હોય છે. એકલાઅટૂલા અનાથ પણ જમીનના માલિક ભાવેશ જોડે ગામના એક વડીલે પોતાની ભાણી શાંતિને ગોઠવી દીધી. ભાવેશને લૂંટી લેવામાં શાંતિએ પોતાના મામાને સહકાર ના આપ્યો એ માટે પડોશણ શાંતિને ધન્યવાદ આપે છે. એ તો ઠીક પણ પોતાની વાત ના માનવા બદલ શાંતિનો મામો એ નિરાધાર દંપતીની મારપીટ કરતો હોય એવો ત્રાસ એ પીડિતોએ શા માટે સહન કરવો જોઈએ? શાંતિએ જુલ્મી મામા સામે વિદ્રોહ કર્યો હોત, પોલીસ ફરિયાદ કરી હોત કે ગામનાં અન્ય ડાહ્યા વડીલોને ભેગાં કરીને રજૂઆત કરી હોત તો નારીચેતનાની સરસ વાર્તા બની હોત.  

લિટલ મેન (હીના દાસા):

બીભત્સ રસનું આલેખન. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના બે શહેરો હિરોશીમા અને નાગાસાકી ઉપર થયેલી થયેલી બોંબવર્ષાની વાત. કેવી રીતે એક માણસનો પરિવાર બોંબ વર્ષનો શિકાર બનીને મૃત્યુ પામે છે અને એ પોતે પણ જિંદગીભર એનાથી અસરગ્રસ્ત રહે છે એનું પીડાજનક આલેખન. આ કૃતિમાં બીભત્સ રસ પ્રચૂર માત્રામાં છે એટલે વાર્તા અસહ્ય બની જાય છે. કાશ, અંત કંઇક જુદો બતાવ્યો હોત! કમસેકમ આશાની એકાદ ચિનગારી પણ દાખવી હોત તો કંઇક વાત બનત. હા, હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધની પાર્શ્વભૂમિમાં આ વાર્તાને સાંપ્રત ગણવી પડશે. કેટલીક ભાષાભૂલ જણાઈ છે. ‘રાખમિલિત’ એટલે શું? સાચો શબ્દ છે: ‘રાખમિશ્રિત.’ ‘પન્નાં’ શું છે વળી? ‘પાનાં’ જોઈએ.        

મોંણહ તો... (ગિરા પિનાકિન ભટ્ટ):

પતિના શરાબપાનના વ્યસનના કારણે નાયિકા પરેશાન છે. કાયમ પીને મોડેથી ઘેર આવતા પતિને પાઠ ભણાવવો છે એવું નક્કી કરીને નાયિકા ઘરમાં પડેલી લાકડી સાથે તૈયાર છે. પણ પતિ ઘેર આવે કઈ રીતે?  એ તો પડ્યો છે  રસ્તા વચ્ચે બેહોશ સ્થિતિમાં!

જે સમાજના માણસોની અહીં વાત થાય છે એ લોકોને ચિઠ્ઠી લખીને મનની વાત કહેવાનો મહાવરો હોતો નથી. એવા લોકો રડીકકળીને કે ઝગડો કરીને સીધી વાત કરી લે, પત્ર લખવા ના બેસે. હા, નાયિકાનો પતિ શિક્ષિત બતાવ્યો હોત તો હજી સમજાય. એટલે વ્યસનનું કારણ જણાવવા નાયિકાનો પતિ ચિઠ્ઠી લખીને ઘરમાં મૂકી જાય એ અહીં બંધબેસતું નથી. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે સંવાદ કરાવીને નાટ્યાત્મક દ્રશ્ય રચી શકાયું હોત. જે તે પ્રદેશની તળપદી ભાષાનો પ્રયોગ થયો છે તેમ જ કહેવતો અને ઉપમા અલંકારોનો ઉપયોગ થયો છે એ જમાપાસું. પણ, વાર્તામાં મેદ ઘણો છે.        

બાવળિયો (પારુલ ખખ્ખર):

બાવળિયો કચ્છી ભરતકામના એક પ્રકારનું નામ છે. બાવળિયાનું પ્રતિક આ વાર્તામાં સુયોગ્ય રીતે પ્રયોજાયું છે. પરણ્યા પછીની પહેલી જ રાતે પુરુષ પોતાની નવોઢા પત્નીને પોતાની ભિન્ન જાતીય ઓળખનો પરિચય આપીને કહે છે કે હું તને સંતોષ તો નહીં આપી શકીશ પણ બદલામાં ભરપૂર પ્રેમ કરીશ. પછીની જિંદગીમાં એ પોતાનું બોલ્યું પાળે છે.

એક વાત એમ છે કે પડ્યું પાનું નિભાવી લેવા માટે નાયિકા પાસે મજબૂત કારણ હોવું જોઈતું હતું. જેમ કે કોઈક કારણસર એનાં લગ્નનું ગોઠવાતું ન હતું. અહીં નાયિકાને સર્વાંગસુંદર ચીતરવામાં આવી છે, એનાં પિયરીયાં વિષે કશી જ માહિતી અપાઈ નથી. સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રી છેતરપીંડીનો આરોપ મૂકીને છૂટાછેડા માંગે. નાયક એ પર્યાય ખુલ્લો રાખે છે. નાયિકાનો કોઈ દેખીતો માઈનસ પોઈન્ટ ના હોવાની સ્થિતિમાં નાયક તરફથી કેવળ એક વારની વાતચીતમાં આટલી મોટી વાતને નાયિકા દ્વારા સ્વીકારી લેવી થોડીક અખરે છે. હા, નાયિકા જે ખાલીપો અનુભવે છે તેનું વર્ણન વાર્તામાં છે.  

બીજી વાત એમ છે કે પોતાની ભિન્ન જાતીય ઓળખ વિષે નાયક સ્પષ્ટ હતો તો એણે પરંપરાગત લગ્ન શા માટે કર્યા? જો એને પુરુષમાં રસ હતો તો એને સ્ત્રી પાસેથી શું મળવાનું હતું? ‘તારા જેવી સાથીદારની જરૂર છે’ એવું એ કહે છે શા માટે? ઘર સંભાળવા માટે? એટલા એક કારણસર કોઈ નિર્દોષને છેતરવાનું? મીઠી મીઠી વાત કરી ભોળવવાની? ઘર સંભાળવા લગ્ન કરવા જરુરી છે? પૈસાપાત્ર માણસ હતો, નોકરચાકર રાખીને બંદોબસ્ત કરી શક્યો હોત! એટલે એની ચોખવટમાં આ મુદ્દો હોવો જોઈએ કે ‘સમાજમાં એ મોભાદાર ગણાય છે, એવા સમાજમાં એની ટીકા ના થાય, નોર્મલ માણસ ગણાય એ માટે એણે પારંપારિક લગ્ન કર્યા છે.’  સામેના પાત્રને જોઈએ તો છૂટાછેડા આપવા એ તૈયાર તો હતો જ!         

આટલા બે મુદ્દાઓ વાર્તામાં સમાવી લેવાય તો વાર્તા ટકોરાબંધ બની જશે, અલબત્ત, થોડોક અછૂતો વિષય છે. કવચિત જ આ વિષયની વાર્તા મળે છે. માટે આ ‘હટ કે’ વિષયની વાર્તાનું સ્વાગત છે!

--કિશોર પટેલ, 17-03-22; 09:55

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

No comments: