Monday 7 February 2022

વારેવા નવેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

વારેવા નવેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૯૪૫ શબ્દો)

નચીકેતા (કિરણ જોશી):

કપોળકલ્પિત (ફેન્ટેસી) વાર્તા. મૃત્યુ સામે ઊભું હોવા છતાં પ્રાણીઓ પ્રત્યે નચિકેતાની અનુકંપા જોઇને યમદૂત એની અરજ સાંભળીને વતનની મુલાકાત લેવા માટે અડતાળીસ કલાક આપે છે. વતનની મુલાકાત દરમિયાન પ્રાણીઓનો ડોક્ટર નચિકેતા પિતરાઈઓના તબેલાની ગાયોના સ્વાસ્થ્ય માટે દવાઓ આપે છે. અડતાલીસ કલાક પૂરાં થતાં એ મુલાકાતનું રહસ્ય ખૂલે છે. જબરી ચમત્કૃતિ. આખી વાર્તા ૩૬૦ અંશના ખૂણે ફરી જાય છે. સરસ વાર્તા.

જમા પાસાં: નાયકનું પાત્રાલેખન સરસ. પાળેલા કૂતરાને એ પોતાનું સંતાન ગણીને પ્રેમ કરે છે, મૃત્યુ સામે ઊભું છે છતાં યમદૂતના પાડાની સારવાર કરે છે, જેમણે અન્યાય કર્યો છે એ પરિવારની ગાયો માટે પણ દવા આપે છે. આવા પરગજુ નચિકેતાની અસલિયત વાર્તાના અંતમાં ખૂલે ત્યારે ભાવકને જે આઘાત લાગે છે એમાં વાર્તાની સફળતા છે.

ઉધાર પાસાં:

૧. વાર્તામાં એક પણ સંકેત મૂક્યા વિના અંતમાં અચાનક બોમ્બ ફોડવો વાચક સાથે છેતરપીંડી છે. નાયક છેક પાંત્રીસ વર્ષે વતન જાય છે એ સ્વીકાર્ય પણ કમસેકમ એને વતનના ખબર મળતાં હતાં, પિતરાઈ ભાઈઓએ કરેલી પ્રગતિના સમાચાર એને કાને પડતાં હતાં એવું જણાવવું જરૂરી હતું. કોઈક સગું તો કાન ભંભેરતું રહે છે એવું બતાવ્યું હોત તો સારું રહેત. દા.ત. કમ્પાઉન્ડર એના વતનનો હોય, એણે જ દયા ખાઈને કામે રખાવ્યો હોય, એના દ્વારા પિતરાઈઓની પ્રગતિના ખબર મળતાં રહેતાં હોય, ભલે એ હસી કાઢતો હોય કે પછી એમની પ્રગતિમાં એ રાજી છે એવું બતાવ્યો હોત તો ઠીક રહેત. અંદરથી એની બદલાની ભાવના પ્રબળ થતી રહેતી હતી એવો તાળો અંતમાં ભાવક મેળવી શકે. એમ થયું હોત તો વાર્તા ફૂલપ્રૂફ બની હોત.

૨. શીર્ષક ઊંધું છપાયું છે એનું રહસ્ય સમજાય છે. પણ જોડણી ખોટી શા માટે? આખી વાર્તામાં નચિકેતા માં “ચિ” હ્રસ્વ છે અને શીર્ષકમાં “ચી” દીર્ઘ કેમ?

૩. વાર્તાનું પહેલું વાક્ય વાંચો: // બ્રુનોના ભસવાથી ખલેલગ્રસ્ત થયેલી નચિકેતાની ઊંઘમાં ઝાંપો ખૂલવાના અવાજને કારણે ભંગાણ પડ્યું. //  

ઊંઘ ખલેલગ્રસ્ત થવી અને ઊંઘમાં ભંગાણ પડવું એ બંને શું જુદી જુદી બાબત છે?

આ વાક્ય આમ હોઈ શકે: // બ્રુનો ભસ્યો ને પછી ઝાંપો ખૂલ્યો એટલે નચિકેતાની ઊંઘ છેક જ ઊડી ગઈ. //      

આપણી પુરાણકથામાં યમરાજા નચિકેતાને આયુષ્ય લંબાવી આપે છે ને જોડે વરદાન આપે છે. મૃત્યુ ટળી જતાં એ સત્કર્મ કરે છે જયારે આ વાર્તામાં નચિકેતા વિપરીત કામ કરે છે.             

કાનખજૂરો (એકતા નીરવ દોશી):

કાનખજૂરાનું રૂપક સરસ બન્યું છે. વૈવાહિક જીવનમાં શરીરસુખથી વંચિત રહેલો નાયક આત્મરતિમાં રમમાણ રહે છે. એની જોડે ફલર્ટ કરતાં મિસિસ બોઝ કે સામેથી ઈજન આપતી સ્વાતિ જેવા પ્રલોભનો નાયકની તપસ્યાભંગ કરી શકતા નથી એની પાછળ નાયકની આ વૃત્તિનો સહારો છે. એક અથવા બીજી રીતે જીવનમાં સંઘર્ષ કરતાં સામાન્ય માણસો વાર્તાના નાયક સાથે સમરસ થઇ શકે એવું છે એમાં વાર્તાની સફળતા છે. સાદ્યંત સરસ વાર્તા.  

બેરખો (જસ્મીન ભીમાણી):

જનતાનું દિલ જીતવા નેતાઓ પ્રસંગોપાત વાયદાઓ કરે છે અને પછી સગવડતાપૂર્વક ભૂલી જાય છે એ વિષે વિધાન કરતી વાર્તા. સીમા પર શહીદ થયેલા એક સિપાહીના પરિવાર માટે જમીન, આર્થિક મદદ, સંતાન માટે શિક્ષણ, સરકારી નોકરી વગેરે મોટા મોટા વાયદા કર્યા પછી વાસ્તવમાં એ સિપાહીના વારસોને થોડાંક રૂપિયા સિવાય કંઇ મળતું નથી. નાયિકાના મનોભાવોનું સારું આલેખન. સારી વાર્તા.  

પ્રસ્તુત વાર્તા લેખક અને વારેવા ટોળી સાથેના સંવાદ પછી સુધારાયેલો પાઠ છે. આ વાર્તા સાથે લેખકનો મૂળ પાઠ પણ અપાયો છે. લેખકની સંમતિથી એમની પાસે જ સુધારાઓ કરાવીને મઠારેલો પાઠ રજૂ થયો છે. બંને પાઠના અભ્યાસ પછી જણાય છે કે લેખકના મૂળ પાઠમાં રહેલો મેદ નીકળી ગયો છે અને એક ચુસ્ત વાર્તા ભાવક સમક્ષ રજૂ થઇ છે. લેખકને મંજૂર હોય તો કાચીપાકી જણાતી વાર્તા પર કામ કરીને સુસજ્જ વાર્તા રજૂ કરવાની નીતિ આ સામયિકે અપનાવી છે જેનું સુખદ પરિણામ અહીં આવ્યું છે.    

ચકા-ચકીની વારતા (મનીષી જાની):

કોરોનાકાળમાં તકસાધુઓએ કરેલી લૂંટફાટ અને સામાન્ય માણસની થયેલી હાલાકી પ્રત્યે અધિકારીઓના આંખમીંચામણા વિશેની કટાક્ષકથા. ચકા-ચકીની જૂની બાળવાર્તા નવા સ્વરૂપમાં. સરસ પ્રયોગ.

અનુવાદિત વાર્તાઓ:

૧. મુક્તિ (મૂળ હિન્દી વાર્તા, લેખક: મન્નુ ભંડારી, અનુવાદ: કાશ્યપી મહા): મરનાર  માણસ માટે કહેવાય છે કે એને મુક્તિ મળી ગઈ. પણ અહીં ખરી મુક્તિ તો મળી છે આઠ આઠ મહિનાથી દિવસરાત પોતાની જાતની દરકાર કર્યા વિના મરનારની સેવા કરનાર એની પત્નીને. પુરુષપ્રધાન માનસિકતા અંગે એક વિધાન કરતી હિન્દી ભાષાના પ્રખ્યાત લેખકની વાર્તાનો એટલાં જ જાણીતા લેખક પાસેથી મળેલો સરસ અનુવાદ.    

૨. રાગ પલટો (મૂળ અંગ્રેજી વાર્તા Turning લેખક: લિંડા સેક્સન, ગુજરાતી અનુવાદ: નરેન્દ્રસિંહ રાણા):  રોબર્ટ નામના એક બાળકના જન્મદિવસની પાર્ટીમાં આવેલી ત્રણ ડોસીઓ ચામડી વિનાના એક રાજાની વાર્તા કહે છે.  રાજાને પરણવાની ઉમેદવારી કરવા માટે આવેલી ત્રણ રાજકુમારીઓના પ્રેમને રાજા સમજી શકતો નથી. એ ચામડીના રંગરૂપના આધારે નિર્ણય લે છે. આપણે માણસોના રંગરૂપ જોઇને નિર્ણય લઈએ છે પણ એના ગુણ જોતાં નથી એ વિષે લેખક એક વિધાન કરે છે. જતાં જતાં એક વૃધ્ધા રોબર્ટને કહેતી જાય છે કે લગ્ન કરતી વખતે પોતાની અંદર જોવાનું ભૂલતો નહીં. વ્યંજનામાં કહેવાયેલી રસપ્રદ વાર્તા.   

સ્થાયી સ્તંભ:

૧. મુકામ પોસ્ટ સ્તંભમાં શેતરંજની રમત અને ટૂંકી વાર્તા વચ્ચેનું સામ્ય સમજાવાયું છે.

રસાસ્વાદ:

૧. કથાકારિકા વિભાગમાં યુવાલેખક શક્તિસિંહ પરમારની એક સાંપ્રત વાર્તા “ઓઘરાળા” અને એનો રસાસ્વાદ રજૂ થયો છે. વાર્તામાં એક અકસ્માતમાં અપંગ થયેલી કન્યા દ્વારા એની માતાની પીડાની વાત કહેવાઇ છે. ૨. લઘુકોણ વિભાગમાં ડિમ્પલ સોનીગ્રાની લઘુકથા “વિકલ્પ” અને તેનો રસાસ્વાદ રજૂ થયો છે. આ લઘુકથામાં સમલિંગી સંબંધોનો મુદ્દો ચર્ચાયો છે. ૩. જશ્ને-એ-વાર્તા વિભાગમાં રમણ પાઠકની એક ક્લાસિક વાર્તા “વરસાદ” અને તેનો રસાસ્વાદ રજૂ થયો છે. દીકરીના અકાળે થયેલા મૃત્યુ પછી નાયક જીવનમાંથી રસ ગુમાવી બેઠો છે. એક સાંજે કંઇક એવું બને છે કે જીવનમાં એનો રસ પુન: જાગૃત થાય છે. ઘનઘોર અંધકારમાંથી અજવાળા તરફ લઇ જતી સરસ વાર્તા.        

નવોદિત લેખકો માટે માર્ગદર્શન: વરિષ્ઠ લેખક રમેશ ર.દવેની લેખમાળા “ટૂંકી વાર્તા: પ્રાથમિક પરિચય”માં આ મહિને વાર્તામાં સંવેદન વિષે આપણા પ્રતિષ્ઠિત લેખકોએ શું વ્યાખ્યાઓ કરી છે એ વિષે જાણકારી આપતો લેખ રજૂ થયો છે.     

વ્યંગચિત્રો: અંકમાં ઠેર ઠેર ટૂંકી વાર્તા વિષે જાણીતા પત્રકાર બીરેન કોઠારી દ્વારા રચિત મર્માળુ વ્યંગચિત્રો મૂકાયાં છે. નવા સામયિક તરફથી આ એક સુખદ નાવીન્ય છે; આપણા વાર્તાવિષયક સામયિકોમાં આ નવી પહેલ છે. સામયિકના પ્રવેશાંક (ઓક્ટોબર ૨૦૨૧ અંક)માં જ આની શરૂઆત થઇ ગઈ હતી પણ એ વિશેના લખાણમાં સરતચૂકથી આ લખનાર એની નોંધ લેવાનું ચૂકી ગયા હતા.  

--કિશોર પટેલ, 08-02-22; 09:16

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી.)

 

  

No comments: