Saturday 12 February 2022

મમતા નવેમ્બર ડિસેમ્બર ૨૦૨૧ સંયુક્ત અંકની વાર્તાઓ વિષે નોંધ

 

મમતા નવેમ્બર ડિસેમ્બર ૨૦૨૧ સંયુક્ત અંકની વાર્તાઓ વિષે નોંધ

(૭૫૯ શબ્દો)

મમતા વાર્તામાસિકે દસ વર્ષમાં આપેલાં અગણિત વિશેષાંકોમાં આ વિશેષાંક સહુથી આગળોવેગળો છે.

સામયિકના અગિયારમા વર્ષના આ પહેલા અંકમાં વીતેલા દસ વર્ષોમાં મમતામાં પ્રસિદ્ધ થયેલી ૭૦૦-૮૦૦ વાર્તાઓમાંથી નિમંત્રિત સંપાદકશ્રી સંજય ઉપાધ્યાયની ચૂંટેલી અગિયાર વાર્તાઓ પ્રસ્તુત થઇ છે. સંપાદકની નોંધ છે કે આ સમયગાળામાં પ્રતિષ્ઠિત અને સ્થાપિત લેખકોની મમતામાં પ્રસિદ્ધ થયેલી વાર્તાઓ હેતુપૂર્વક ટાળીને સરખામણીએ અજાણ્યા લેખકોની “વાંચવામાં મઝા પડી” હોય એવી વાર્તાઓ અહીં પસંદ થઇ છે.

આ અગિયાર વાર્તાઓ વિષય અને રજૂઆતમાં એકમેકથી જુદી પડે છે. વૈવિધ્યસભર રસથાળ પ્રસ્તુત કરવામાં મમતા અને નિમંત્રિત સંપાદક સફળ થયા છે.   

અંધારું અજવાળું (રમેશ રોશિયા):

કિશોરવયમાંથી તરુણાવસ્થામાં પ્રવેશતો એક વિદ્યાર્થી અને યુવાન શિક્ષિકા. એક તરફ યૌવનસહજ આકર્ષણ અને બીજી તરફ નિર્મળ સ્નેહ. ના સમજાય એવા આકર્ષણ સામે “બહેન” સંબોધન સાથે જ પ્રગટ થતાં પ્રતિબંધો વાર્તાનાયકને મૂંઝવી નાખે છે.  વાર્તાક્ષણ ઘણી સરસ પકડાઇ છે.        

ફાંસ (ભારતી કટુઆ):

દાંપત્યજીવનમાં બેમાંથી એક સાથીને ભાવના વ્યક્ત કરતાં આવડતું ના હોય ત્યારે જીવન વિસંવાદી બનવાની શક્યતા વધી જાય છે. પ્રાણલાલે નાનપણમાં માતા ગુમાવી દીધી એ પછી સાવકી માતા પાસેથી એને વાત્સલ્ય મળ્યું નથી. પત્ની તરીકે હંસા પ્રેમાળ છે પણ પતિ લાગણીઓ વ્યક્ત કરતો નથી એટલે એ મૂંઝાયા કરે છે. સરસ પાત્રાલેખન, સરસ રજૂઆત.     

છૂટકો (શક્તિસિંહ પરમાર):

અછૂતો વિષય! અજબ આલેખન! ગામડેથી પહેલી વાર શહેરમાં ગયેલા નટુકાકાએ ઈંગ્લીશ ટોયલેટ કદી જોયેલુંજાણેલું નહીં! કાકાની કફોડી સ્થિતિનું હળવી શૈલીમાં સરસ આલેખન થયું છે. ત્રીજા પુરુષમાં કથકની તળપદી બોલીનો રસપ્રદ પ્રયોગ થયો છે. આપણી ગુજરાતી વાર્તાઓમાં વિરલ કહેવાય એવી ટોયલેટ હ્યુમર અહીં જોવા મળે છે. સાદ્યંત પઠનીય વાર્તા.

થડકાર (રામ મોરી):

ઉંમરલાયક કન્યાના ચહેરા પર ડાઘાં ઉમટ્યાં એટલે પરિવારના સભ્યોનું વર્તન બદલાવા માંડ્યું. પ્રાણપ્રશ્ન એક જ: આનું લગ્ન કેમ કરીને ગોઠવાશે? નાયિકાના મનોભાવોનું સરસ આલેખન. બાહ્ય દેખાવ પરથી નિર્ણયો લેવાની આપણી માનસિકતા વિષે વિધાન.

રેવા અથવા બીજું કોઇ નામ (ચિંતન શેલત):

જુવાનીમાં ભાતભાતના આદર્શો સેવતા લોકો સમયની રફતારમાં ઘાણીના બળદની જેમ જિંદગી ખેંચી કાઢે છે. વિષય તો અનોખો છે જ એ ઉપરાંત કથનમાં બોલચાલની હળવી ભાષાનો પ્રયોગ કરીને લેખકે અનોખી વાર્તા આપી છે. 

હું વિનીત નથી (સુનીલ મેવાડા):

ઉર્વીના પ્રેમમાં વિનીતથી પરાજિત થયેલા અને પત્ની જોડે સંવાદિતા કેળવી ના શકેલા નાયકની હતાશાનું આલેખન. રજૂઆતમાં ચમકીલા-ભડકીલા વાક્યપ્રયોગો ધ્યાનાકર્ષક બન્યાં છે જે આ લેખકની ખાસિયત છે. ઘટના વિનાની વાર્તામાં એક સ્થિરચિત્રનું આલેખન થયું છે. વિષયમાં નહીં પણ રજૂઆતમાં આગળીવેગળી વાર્તા કહી શકાય.

નોંધનીય અભિવ્યક્તિ: ઘડિયાળમાં નાના કાંટાની રાહ જોતા મોટા કાંટાનેય આગળ તો વધતા જ રહેવું પડે છે. નાનો કાંટો ન હોય તો પણ.

અસ્તિત્વ (ધર્મેશ ગાંધી):

પ્રયોગાત્મક વાર્તા. વાસ્તવિકતા અને ફેન્ટેસીનું સરસ મિશ્રણ. લેખક અને પાત્રોના સંબંધ વિષે એક નજરિયો. ચોરી કરીને ભાગતા ચોરનો પીછો પોલીસ કરતી હોય એવી સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિ ઊભી થવાથી વાર્તારસ સાદ્યંત જળવાઈ રહે છે.   

પડળ (સુરેશ કટકિયા):

ભ્રમનિરસન. દસ વર્ષ પછી દ્રષ્ટિ પાછી મળતાં હરખો પત્નીનું ઝાંખું પડેલું રૂપ સ્વીકારી શકતો નથી. અભણ માણસની બાહ્ય દેખાવ પર જ અટકી જવાની સીમિત દ્રષ્ટિ પર એક વિધાન. ગ્રામ્ય પરિવેશનું સરસ આલેખન.    

ત્રણ શરત (નરેન્દ્રસિંહ રાણા):

ફેન્ટેસી. પરીકથા. ગામના એક અનાથ અને ગરીબ યુવાનને એક સુંદર પરી ત્રણ અજીબોગરીબ શરતોમાં બાંધીને પોતાના પરીલોકમાં લઇ જાય છે. પછી જે કંઇ થાય છે તે સઘળું કલ્પનાતીત છે.

ઉઝરડા (પારુલ ખખ્ખર):

સોશિયલ મીડિયા પરનો વિજાતીય મિત્ર પૂર્વસૂચના વિના ઘેર આવી પહોંચે અને નાયિકાને જબરદસ્તી ચુંબન કરે છે. આ દુર્ઘટનાના પરિણામે નાયિકાના મનને લાગેલા આઘાતનું આલેખન સરસ થયું છે. ઉઝરડા શીર્ષક સાર્થક થાય છે. બગીચામાં તોફાન મચાવતા વાછરડાના રુપકની યોજના સરસ થઇ છે. બગીચામાં ગુલાબના એ ઘવાયેલાં છોડવાંની માવજત સાથે જ વાર્તાનો અંત આવી જવો જોઈતો હતો. કારણ કે એ પછી જે માહિતી અપાય છે તે બિનજરૂરી છે.

અનસંગ હીરો (આરાધના ભટ્ટ):

સામાન્ય રીતે ગૃહિણીની કદર વિશ્વમાં સર્વત્ર ઓછી અથવા નહીંવત થાય છે. કલ્યાણીનું પૂર્ણ આયુષ્ય ઘર સંભાળવામાં ગયું. દીકરી-દીકરો માન આપે છે, વિવેકથી વર્તે છે પણ પેલી કદર નહીં થયાની લાગણી કલ્યાણીને સતત પીડતી રહે છે. અંતમાં ચમત્કૃતિ જબરી છે. આ વાર્તા વિદેશની સંસ્કૃતિમાં આકાર લે છે. વૃધ્ધાશ્રમ જેવી સંસ્થાને આપણે ત્યાં યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવતી નથી. વાર્તામાં બધું સમજાવીને કહેવાનું ના હોય. ભાવકને બીટવીન ધ લાઈન્સ વાંચવાની તક મળવી જોઈએ.

પાણીમાંથી પોરાં: કઇ વાર્તા વર્ષના ક્યા અંકમાં પ્રગટ થઇ હતી એની માહિતી આપવી જોઈતી હતી. 

આ સિવાય અન્ય અગિયાર વાર્તાઓને સંપાદકે ઉલ્લેખનીય ગણાવી છે તેની યાદી આ પ્રમાણે: રાણકૂકડી (પન્ના ત્રિવેદી), વેદિયો (નીતા જોશી), પરસેપ્શન (દેવાંગી ભટ્ટ), ચાંદરણું (ધર્મેન્દ્ર ત્રિવેદી), હું, આશુ અને કુણાલ (કલ્પેશ પટેલ), ભરોસો (રાજુલ ભાનુશાળી), અંકલ (અર્જુનસિંહ રાઉલજી), હિંડોળ (મીનાક્ષી ચંદારાણા), લોટો (સંજય પટેલ), હોવું એટલે (રાજુ પટેલ) અને સંશય (કિશોર પટેલ).

આ સંકલન ચોક્કસપણે અનન્ય થયું છે. આ અગિયાર વાર્તાઓ અથવા કુલ બાવીસ વાર્તાઓનું પુસ્તકરૂપે સંપાદન થાય તો ગુજરાતી વાર્તાસાહિત્યમાં એક દસ્તાવેજ/સીમાચિહ્ન બની રહેશે.

--કિશોર પટેલ, 13-02-22 10:29

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી.)

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

 

###  


No comments: