Sunday 27 February 2022

બાલભારતીમાં વાર્તાપઠન ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૨

 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૨

(૩૩૩ શબ્દો)

આ વખતે નવીનતા એ હતી કે ગાંધીયુગ અને આધુનિક યુગની વાર્તાઓ રજૂ થઇ. ૧૯૫૦ થી ૧૯૭૦ ની વચ્ચે લખાયેલી આ વાર્તાઓનું પઠન કરવા  હાજર થઇ હતી પ્રો. શ્રી. કવિત પંડ્યાની આગેવાનીમાં એસએનડીટીની મંડળી અને એમને સહયોગ સાંપડ્યો નાટ્યકર્મી હુસેની દવાવાલાનો.

પહેલી રજૂઆત થઇ ગાંધીયુગના જાણીતા વાર્તાકાર ચુનીલાલ મડિયાની વાર્તા “ઉપાન અને ઊર્મિકાવ્ય” ની. સાહિત્યના એક સામયિકને જાહેરખબરો આપીને ટેકો આપનાર પગરખાંનો એક વેપારી કઈ રીતે પોતે કવિતાઓ લખવાના રવાડે ચડી જઈને દેવાળિયો બની જાય છે એનું આલેખન આ વાર્તામાં હળવી શૈલીમાં થયું છે.  જો કે આ પઠનકર્તા કલાકાર હુસેની દવાવાલા કદાચ પૂરતી તૈયારી સાથે આવ્યા ન હતા.

બીજી રજૂઆત થઇ ગાંધીયુગના જ અન્ય એક જાણીતા હાસ્યલેખક નટવરલાલ બૂચ લિખિત વાર્તા “માસ્તરડો રે માસ્તરડો!” ની. મધ્યમવર્ગની એક ગૃહિણી આર્થિક વિટંબણાઓથી ત્રાસીને બીજો જન્મ ધનિક કુટુંબમાં લેવા માટે કાશી જઈને કરવત મૂકાવવાનું વિચારે છે. પણ છેવટે એને સમજાય છે કે સાચું સુખ શ્રીમંત હોવામાં નહીં પણ સમજદાર અને પ્રેમાળ પતિ મળે એમાં છે. છેલ્લી ઘડીએ એ વિચાર બદલીને પોતાના માસ્તર પતિના જ નામની કરવત મૂકાવે છે. આ વાર્તાની રજૂઆત કરનાર દિશા ઉપાધ્યાય પણ કમનસીબે પૂરતી તૈયારી સાથે આવ્યા ન હતાં.

કોફીબ્રેક પછી ત્રીજી રજૂઆત થઇ આધુનિક યુગના મશાલચી સુરેશ જોશીની વાર્તા “પદમા તને...”ની. પ્રેમિકાને ઉદ્દેશીને નાયક પોતાના મનોભાવોનું બયાન કરે છે એવી એકોક્તિની નિકિતા પોરિયાએ અત્યંત ભાવવાહી રજૂઆત કરી.  

ચોથી રજૂઆત થઇ આધુનિક યુગના અન્ય એક મહત્વના વાર્તાકાર મધુ રાયની વાર્તા “ધારો કે” ની. કેશવલાલ નામનો એક સામાન્ય માણસ કલકત્તા જેવા મહાનગરમાં એક દુકાનમાં નામું લખીને પેટિયું રળી ખાય છે. ટૂંકી આવકના કારણે એ ઢંગથી પોતાનો જન્મદિવસ ઉજવી શકતો નથી એની કરુણ કહાણી આ વાર્તામાં રમતિયાળ શૈલીમાં કહેવાઇ છે. રજૂઆતકર્તા કવિત પંડ્યાએ આ વાર્તાને કંઇક નાટકીય બનાવી દીધી.

કાર્યક્રમનું સંચાલન કરતાં શ્રી કવિત પંડ્યાએ ગુજરાતી ટૂંકી વાર્તાની શરૂઆત મલયાનિલની વાર્તા “ગોવાલણી” થી થઇ એ પછી કઈ રીતે એનો પ્રવાસ આજ સુધી થયો એની રસપ્રદ માહિતી વાર્તાઓની વચ્ચે વચ્ચે ટુકડે ટુકડે આપી.

કાર્યક્રમના આયોજક હેમંત કારિયાએ બેઠકની શરૂઆતમાં પ્રસ્તાવના કરતાં કહ્યું હતું કે આજે આપણે વાર્તાસાહિત્યના ભૂતકાળમાં લટાર મારીએ. હા, ભૂતકાળની આ સફરે મિશ્ર લાગણીઓ જન્માવી એટલું ચોક્કસ.

--કિશોર પટેલ, 28-02-22 12:07

 

             

 

 

       


No comments: