Wednesday 14 July 2021

મમતા જુલાઇ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

 

મમતા જુલાઇ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

(૬૨૯ શબ્દો)

નારીચેતના વિશેષાંક: સંપાદક ખેવના દેસાઇ

પ્રસ્તુત વિશેષાંકની છ વાર્તાઓમાં વિષયવૈવિધ્ય અને રજૂઆતમાં નોંધપાત્ર પ્રયોગો થયેલાં જણાય છે. 

સ્વમાર્ગે (સ્વાતિ ધ્રુવ નાયક): શ્રીમંત સ્ત્રીઓની કહેવાતી સમાજસેવા અંગે કટાક્ષ. સરોગેસી અને કિન્નરોની સમસ્યા અંગે વાર્તામાં અછડતા ઈશારા થયાં છે.  લગભગ તમામ માનવીય ગુણો ધરાવતાં પાળેલા કૂતરા બ્રુનોનું પાત્રાલેખન ઝીણવટભર્યું થયું છે.  શ્રીમંત માનસી અને અકિંચન રાધા એમ બે સામસામા છેડાના પાત્રો એક મંચ પર લાવીને લેખકે વાર્તામાં નાટ્યતત્વ આણ્યું છે. માનસીનું વ્યક્તિત્વ પોકળ છે જ્યારે રાધાની આંતરિક સમૃદ્ધિ નોંધનીય છે. બસ, એક પ્રશ્ન અનુત્તર રહ્યો: રાધા કોમર્સ ગ્રેજ્યુએટ હતી છતાં એને શ્રીમંતોના ઘરકામ કરવાની જરૂર કેમ પડી? નોંધનીય અભિવ્યક્તિ: ૧. વાદળ ગોરંભાયેલું રહે એનાં કરતાં વરસી જાય એ વધારે સારું. ૨. લગ્ન વિના હું અધૂરી છું એવું હું માનતી નથી. એકંદરે સરાહનીય પ્રયાસ.

ભડભડતી જ્વાળા (સુષ્મા શેઠ): વાર્તા નિ:શંકપણે નારીચેતનાની છે પણ બની છે બોલકી. સ્મશાનમાં મડદાં બાળવાનું કામ  એની મજબૂરી છે, પસંદગીનું નથી. હા, માતાના વિરોધ છતાં એણે હિંમત દાખવી એ વાત પ્રસંશનીય છે. મ્યુનિસિપાલીટી તરફથી મળેલું ઘર ટકાવી રાખવું એના માટે જરૂરી હતું. સ્ત્રી-પુરુષ અસમાનતા દૂર કરવાની સભાનતા વિના આ કામ એ કરતી હોય એ વધુ સુસંગત લાગત. પદ્મશ્રી જેવા ઈલ્કાબ માટે એનું નામ સૂચવાય પછી એને આવા મુદ્દાઓની ખબર પડે એવું બતાવાય તો તે સ્વાભાવિક લાગે. જે કામ માટે સ્પર્ધા જ નથી એવું કામ ગંગા કરે જમના કરે, કોઈ શા માટે એની પર પ્રાણઘાતક હુમલો કરે? અંધશ્રધ્ધાનો ઠેકેદાર કોઈ ભગત-ભૂવો કે કોઈ બની બેઠેલો બાપુ આવું કામ કરે તો હજી સમજાય. આવા મેલોડ્રામેટિક આંચકા વિના વાર્તા વધુ અસરકારક બની હોત. અંતમાં માતાના બદલે બે નાની બહેનો મડદાં બાળવાનું કામ ઉપાડી લે એ વધુ ઉપર્યુક્ત લાગશે. માતાએ તો ત્યારે જાગવું જોઇતું હતું જયારે ગંગાએ શરૂઆત કરી હતી.    

સ્વની શોધમાં (કાલિન્દી પરીખ): દાંપત્યજીવનમાં પતિ-પત્ની વચ્ચે રસરૂચિભેદના કારણે થતી પીડા. કથનમાં ત્રીજો પુરુષ અને પહેલા પુરુષની સેળભેળ થઇ છે.    

માર્ગ શોધે છે મને (સંધ્યા ભટ્ટ): સમાજસેવાનું ભૂત માથે લઇને ફરતી નાયિકાને એક ક્ષણે ભાન થાય છે કે સમાજને સુધારવાની શરૂઆત પોતાના ઘેરથી કરવી પડશે. પેલી કહેવત ઘણી જાણીતી છે: charity begins at home. પપ્પાથી મોટા ભાઇ એટલે શું? આ તો father’s elder brother નું ગુજરાતી ભાષાંતર થયું! આપણે ત્યાં આ સંબંધ માટે ‘મોટા બાપુ’ અથવા ‘મોટા કાકા’ જેવું સંબોધન લગભગ સર્વસ્વીકૃત છે.

સાધન (પૂજા ત્રિવેદી રાવલ ‘સ્મિત’): રજૂઆત અને સામગ્રી બંને બાબતમાં આ વાર્તા જુદી પડે છે. ઘણી જ વિરલ કહેવાય એવી વાત એ છે કે બીજા પુરુષ એકવચનમાં લખાયેલી આ વાર્તામાં કથક પણ હાજર છે. જો કે ઘરના આયના જેવી નિર્જીવ વસ્તુને કથક બનાવ્યો હોવાથી વાર્તાની ઘટનાઓ ઘરના એક ઓરડા પૂરતી મર્યાદિત રહે છે. સામગ્રીની વાત કરીએ તો જાતીય સુખ માટે કૃત્રિમ સાધનના ઉપયોગની વાત થઇ છે.  દાંપત્યજીવનમાં સંબંધો જયારે નિષ્પ્રાણ બની જાય ત્યારે આજની પેઢીની મદદે વિજ્ઞાન આવે છે. એવાં કૃત્રિમ સાધનો બનવા માંડ્યા છે કે સ્ત્રી કે પુરુષ બંનેને એકબીજાની ઉણપ સાલે નહીં. આવા સાધનોની આયાત પર આપણા દેશમાં કાયદાકીય રીતે બંધી હોવાથી દાણચોરી ફૂલીફાલી છે. આમ આ વાર્તા એક સાથે માનવીય સંબંધ, જાતીયતા, સામાજિક સમસ્યા, દાણચોરી જેવા વિવિધ વિષયોને સ્પર્શે છે અને બીજી તરફ રજૂઆતમાં પણ નાવીન્ય લાવે છે. ધ્યાનાકર્ષક વાર્તા!

રાજમહેલ (તન્વી ટંડેલ): નાયિકાનું માનવું છે કે જે ઘરમાં શૌચાલય હોય એ જ રાજમહેલ. લગ્ન કરીને એવા રાજમહેલમાં જઇને રહેવાનું એનું સ્વપ્નું પૂરું થાય છે. પણ અંતમાં લેખક આંચકો આપે છે કે દિલ્હી અભી દૂર હૈ! નાયિકાના મનોવ્યાપારનું આલેખન સરસ. સંપૂર્ણ વાર્તા મુદ્દાને વફાદાર રહી છે એ જમા પાસું. રજૂઆત માફકસરની.     

અછૂતો વિષય. ગામડાંમાં કુદરતી હાજત માટે શૌચાલયની અછત જનસામાન્ય માટે એક મોટી સમસ્યા છે. પુરુષો કરતાં સ્ત્રીઓની સ્થિતિ સ્વાભાવિકપણે વધુ કફોડી થાય છે. હાલમાં એકાદ હિન્દી ફિલ્મ આ વિષય પર આવી ગઇ. વર્ષો પહેલાં શ્યામ બેનેગલની ફિલ્મ મંથનમાં સૌ પ્રથમ આ સમસ્યાનો ઉલ્લેખ હળવી શૈલીમાં થયેલો. આપણી વાર્તાઓમાં આ વિષય પર ઝાઝું કામ થયું નથી. હાલમાં ગયા વર્ષે એકાદ વાર્તા આ વિષય પર આવી હતી. જે પડતર જમીનનો ઉપયોગ ગામના લોકો શૌચક્રિયા માટે કરતાં હતાં એનો સોદો થઇ જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાય છે એવી વાત એમાં હતી.

--કિશોર પટેલ, 14-07-21; 11:33

###


No comments: