Friday 29 January 2021

એતદ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

 

એતદ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે:

(૧૦૧૯ શબ્દો)

૧. દરવાજે કોઇક આવ્યું હતું, કોણ એ ખબર નહીં (સમીરા પાત્રાવાલા):

દેશમાં ફેલાઇ રહેલી સાંપ્રદાયિકતા અંગે એક સ્ટેટમેન્ટ. દરેક ફકરાના આરંભે મૂકાયેલી ધુવપંક્તિ “દરવાજે કોઇક આવ્યું હતું, કોણ એ ખબર નહીં.” એક દહેશત નિર્માણ કરે છે. ભૂત-પ્રેતના વહેમવાળી જગ્યામાં થોડી થોડી વારે ઝાંઝરના રણકાર સંભળાય અને ભીતિ બેવડાતી જાય એવું કંઇક. ચોક્કસ ધર્મના લોકો આજે કેવી દહેશતમાં જીવે છે એની ઝલક મળે છે. માંડ ‘હાશ!’ કરીને તમે બેઠા હો અને બારણે ટકોરા થાય. આવનાર વ્યક્તિ નામ પૂછે, ઓળખનો પુરાવો માંગે!  અથવા, પહેલાં ક્યાં રહેતાં હતાં? ત્યાંથી કેમ નીકળવું પડ્યું? આવા અનેક અણગમતા અણિયાળા પ્રશ્નો પૂછાય.

એક પરિવાર નવા રહેઠાણમાં હજી માંડ સેટલ થયો છે અને એક અતિથી આવ્યો છે. “ખબર તો પડી જ જાય, કાંઈ તને એકલી પડી જવા દઉં?” એકલદોકલ વ્યક્તિ નહીં, ચોક્કસ ધર્મનો સંપૂર્ણ સમાજ એક દહેશતમાં જીવે છે! એ સમાજના સભ્યો એકબીજાને ટેકો આપવા માટે તત્પર છે. આ ટેકો આપવો એટલે જયારે પોતાના પર સંકટ આવે ત્યારે મદદ મળી રહે એ માટેનું આગોતરા રોકાણ!

બે પેઢીથી પરિચિત હોવાં છતાં અતિથીનું યજમાનના ઘરનું પાણી ના પીવું શું સૂચવે છે? અસ્પૃશ્યતા? આપણા દેશમાં એક ધર્મમાં પણ અનેક ફિરકા હોય છે, એમાં પણ ઊંચ-નીચ, આભડછેટ પળાતી હોય છે!   

“બે જ રંગની ઘરવખરી” સૂચક છે. મદિરા પીધેલાં ધર્માંધ મર્કટોનાં સંભવિત આક્રમણની સામે એક ઢાલ, એક બચાવાત્મક ચાલ: ઓળખ જાહેર થઇ જાય એવી વસ્તુઓ, એવા રંગો ટાળો!

આ વાર્તા એટલે કહેવાતા ધર્મનિરપેક્ષ દેશને પૂછાયેલો એક પ્રશ્ન: અમારા ઘરના દરવાજે આવીને પ્રશ્નો પૂછનારા તમે કોણ છો?  શું આ દેશ અમારા માટે નથી?      

આદમી (બિપિન પટેલ):

જાતીય સંબંધોની વાર્તાઓ આપણા  ગુજરાતી સાહિત્યમાં વાર્તાઓ લખાતી નથી અથવા ભાગ્યે જ લખાય છે. પાકટ વયના મંગળદાની સમસ્યા એ છે કે જાતીય સુખની એમની ઈચ્છાઓ જીવંત છે પણ એમની પત્નીની ઈચ્છાઓ મૃતપાય થઇ ગઇ છે. લંગોટિયા મિત્ર બેચરની જેમ એ વૈરાગ્યભાવ કેળવી શકતા નથી. પુત્ર પરેશના કબાટમાંથી અનાયાસ હાથ લાગેલી અનાવૃત સ્ત્રીદેહની છબીઓ જોઇને કે વડ નીચે ઓટલા પર બેસીને આવતી-જતી સ્ત્રીઓને જોયા કરવાથી એમની ઈચ્છાઓનું સમાધાન થતું નથી.

બેચર એવો મિત્ર છે કે જેની પાસે મંગળદા મનની વાતો કરીને હૈયું હળવું કરી શકે છે. ઋતુમાં આવેલા પાડાને ભેંસ યોગ્ય પ્રતિસાદ આપતી નથી એ જોઇને મંગળદા બેચરને કહે છે, “ભેંસ તો ખદલપુરની છે, તારી ભાભી રઈના ગામની, એના જેવી જ ટાઢી હિમ!”

અચાનક ગોઠવાયેલી લગ્નગાંઠની પાર્ટીની રાતે પણ પત્ની તરફથી એમને નિરાશા જ હાથ લાગે છે. એ રાતે અચાનક મોસમ બદલાય છે અને ગમાણમાં બાંધેલી ભેંસ ગોમતી તોફાને ચડે છે ત્યારે મંગળદા પોતાનામાં અને ભેંસમાં સામ્યતા જુએ છે. વક્રતા એ છે કે પોતે અશાંત છે પણ ઉલટાના ભેંસને થાબડીને કહે છે, “શાંતિથી ઊંઘી જજે પાછી.”

હકીકતમાં તોફાન વાતાવરણમાં નહીં, એમના પોતાનામાં આવ્યું હતું. મંગળદા ગોમતીને નહીં પણ પોતાને જ કહે છે, “શાંતિથી ઊંઘી જજો પાછા.” એટલે કે આડુંઅવળું કંઈ કામ કરતાં નહીં!

અંતની ચમત્કૃતિ જબરી છે. વગડામાં કૂતરાંને ગેલ-ગમ્મત કરતાં જોઇને ઘેર ભણી દોટ મૂકતા પહેલાં મંગળદા બેચરને ભલામણ કરતા જાય છે, “પેલ્લાં કૂતરાંને રમવા દેજે, બહેચર.” મંગળદા ખરેખર કોની ભલામણ કરે છે?

ત્રીજું બટન (વિજય સોની):

હુલ્લડગ્રસ્ત પરિસરની વાત.

હુલ્લડ કેવળ એક સરહદી શહેરમાં થયું નથી, હુલ્લડ આ વાર્તાના એકેએક પાત્રોના માનસમાં પણ થયું છે. કથક, જેક અને અન્ય ગૌણ પાત્રો, જીતુ લીટી અને એની પત્ની. સહુ હુલ્લડગ્રસ્ત છે. જીતુ, એની પત્ની અને જીતુની બહેન જેક: આ ત્રણે માટે તો હુલ્લડ રોજનું થયું. સામાન્ય આર્થિક સ્થિતિના કુટુંબોમાં સભ્યો વચ્ચે શાબ્દિક હુલ્લડ રોજ થતું હોય છે. સ્ત્રી જેવી નહીં જણાતી મોટી બહેન જેક જીતુ માટે  માથાનો દુખાવો બની ગઇ છે. જીતુની પત્ની અને જેક વચ્ચે કંકાસ રોજની વાત છે.

ખરું હુલ્લડ તો કથકના મનમાં જામ્યું છે જેકના કારણે.

જીતુ જેકને કથક સાથે પોતાની દુકાનેથી જોખમ ઘેર લઇ આવવા મોકલે છે. પોતાની દુકાન પર કથક જેક સાથે કામના બહાને અંતરંગ ક્ષણો માણવાનો પ્રયાસ કરે છે પણ જેક એનો સજ્જડ પ્રતિકાર કરે છે. કથકના બેઉ પગ વચ્ચે એ જોરદાર લાત મારી દે છે. ઘેર પાછા ફરતી વખતે જેક અધવચ્ચે જ છૂટી પડી જાય છે.

જેક થોડીક જુદી છે પણ એની અંદર એક સ્ત્રી જીવંત છે. કથકના સ્પર્શમાં કારણે એની અંદર પણ એક હુલ્લડ મચ્યું છે. ઘેર ન જતાં એ હુલ્લડગ્રસ્ત વિસ્તારમાં સામે ચાલીને જાય છે. તોફાનમાં જખમી થયેલાં એક બાળકને ઉગારી લઇને એને છાતીસરસો ચાંપી દઇને એ પોતાની અંદરનું હુલ્લડ શાંત કરવાનો પ્રયાસ કરે છે.

વાર્તામાં સોનીકામના કેટલાંક પારિભાષિક શબ્દો જાણવા મળે છે. આવા શબ્દોનું દસ્તાવેજીકરણ થાય એ મહત્વનું કામ છે. આપણે ત્યાં સ્ત્રીની હાજરીમાં પણ અમુક લોકો કેટલી અશિષ્ટ ભાષા બોલતાં હોય છે એનું ઉદાહરણ અહીં ગૌણ પાત્રો લાલો અને જગોની વાતચીતમાં જોવા મળે છે.                  

નોંધનીય અભિવ્યક્તિ: // માણસો તપેલીમાંથી ચોખા ઊભરાઈને બહાર પડે એમ રસ્તા પર ઢોળાવા લાગ્યા. //

દેહરાગ – ત્રણ અનુભૂતિ (છાયા ઉપાધ્યાય):

આ એક પ્રયોગાત્મક વાર્તા છે. એક જ લાગણી, એક જ અનુભૂતિનું ઊર્ધ્વીકરણ ત્રણ જુદાં જુદાં પાત્રોમાં કઇ રીતે જુદું જુદું થાય છે એનો તુલનાત્મક અભ્યાસ થયો છે. શારીરિક લાગણી એક સરખી છે; એની અસર પણ ત્રણે પાત્રો પર એકસરખી થાય છે પણ ત્રણે પાત્રો જુદી જુદી રીતે એની પ્રતિક્રિયા આપે છે. આવું શા માટે થયું?

વાર્તામાં ત્રણે પાત્રોની પાર્શ્વભૂમિ કે શિક્ષણ-સંસ્કાર અંગે કોઇ જ વિગત કે સંકેત અપાયાં નથી. નિશ્ચિતપણે ત્રણે પાત્રોની ભૂમિકા જુદી જુદી હોવાની. ત્રણેની જુદી જુદી પ્રતિક્રિયાની ચાવી કદાચ એ જ વિગતોમાં સમાયેલી છે.

મીતા નવીનક્કોર અનુભૂતિને શારીરિક રીતે પૂર્ણપણે માણી લે છે; એટલું જ નહીં, ના-ના કરતાં પતિને પણ એ પોતાની જોડે ઘસડે છે. નીતા પલાયનવાદી અભિગમ સ્વીકારે છે; પ્રજ્જવલિત થયેલી વૃત્તિઓનું દમન કરવા એ સ્નાન કરીને શરીરને ઠંડુ પાડે છે. જયારે ગીતા સાવધ થાય છે. નવી અનુભૂતિનો ઉપયોગ એ ધ્યાનક્રિયાને વધુ સઘન બનાવવામાં કરે છે.    

હા, હા, આ પ્રયોગનું સ્વાગત છે. ગુજરાતી સાહિત્યમાં આ એક નવી અને સુખદ વાર્તાનુભૂતિ છે! આપણે તો આ અનુભૂતિ પૂર્ણપણે માણવાની છે!

બે પિંજર (કિરણ વી.મહેતા):

પિતા-પુત્ર સંબંધની વાત. પ્રારંભથી છેક અંત સુધી એક જ સૂરમાં વાર્તા વહે છે: “બાપ નઠારો હતો.” અંતમાં પિતાનું મૃત્યુ થાય છે ત્યારે પિતા અને પુત્ર બંને પિંજરમાંથી મુક્ત થાય છે.

સંપૂર્ણ વાર્તા મોનોટોનસ બની ગઇ છે. અંતમાં ચમત્કૃતિ રચીને કંઇક જુદું કરી શકાયું હોત. વાચકને આશ્ચર્યમાં નાખી શકાયો હોત. પિતાનું એક નહીં જાણેલું, નહીં જોયેલું એકાદ આશ્ચર્યજનક પાસું ખુલ્લું કરી શકાયું હોત. દાખલા તરીકે પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે એણે કોઇક ગોઠવણ કરી રાખી હોત જેની એના મૃત્યુ પછી પુત્રને ખબર પડે, કંઇક એવું જે પુત્ર માટે સ્વપ્નવત હોય, કંઇક અણધાર્યું. તો પિતાના મૃત્યુ માટે પુત્રને કદાચ દુઃખ થયું હોત, રહી રહીને પિતાને ચાહવા માટેનું નિમિત્ત મળ્યું હોત, તો કંઇક વાત બની હોત, વાતમાં કંઈ વળાંક આવ્યો હોત. ખેર.   

--કિશોર પટેલ;  29-01-21; 13:26.

###     


No comments: