Friday 8 March 2024

નવનીત સમર્પણ ફેબ્રુઆરી ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ





નવનીત સમર્પણ ફેબ્રુઆરી ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૪૮૨ શબ્દો)

પરી (પ્રવીણસિંહ ચાવડા)

મૈત્રીસંબંધની વાત.

ત્રણ પાત્રો. કીર્તન, શોભા અને નિકિતા.

કીર્તન અને શોભા પતિ-પત્ની, નિકિતા કીર્તનની કોલેજકાળની મિત્ર. “પરી” વિશેષણ નિકિતા માટે વપરાયું છે. નિકિતા યોગ શીખવતી અથવા કોઈ આધ્યાત્મિક સંસ્થાની કાર્યકર્તા છે અને શ્વેત વસ્ત્રો પહેરે છે એટલે પરી જેવી દેખાય છે. કીર્તન ગંભીરપણે બીમાર હોવાના ખબર મળ્યા પછી નિકિતા ફરીથી કીર્તનના સંપર્કમાં આવી છે. કીર્તનના તબીબી ઈલાજની સાથે સાથે એને કંઈક માનસિક રાહત રહે એવા ઉદ્દેશથી નિકિતાનો આગ્રહ છે કે કીર્તન યોગ-પ્રાણાયમ શીખે અને કરે.

નિકિતાના આગમન પછી કીર્તન-શોભાના દાંપત્યજીવનમાં શું ફરક પડે છે? શોભા નિકિતાને કઈ રીતે જુએ છે? કીર્તન નિકિતાને કેવો આવકાર આપે છે? એક દંપતીના જીવનમાં દાખલ થવા પાછળ નિકિતાનો હેતુ શું છે? આ ત્રણે મુખ્ય પાત્રોના આપસી સંબંધનું આલેખન રસપ્રદ છે. નીવડેલા લેખકની વાંચવાલાયક વાર્તા.  

મૂરખ (રવીન્દ્ર પારેખ)

પ્રેમકથા.

૩૨ વર્ષની વયના પ્રોફેસર સ્વર અને ૨૦ વર્ષની વયની એની વિધાર્થીની રીતિનાં પ્રેમલગ્ન થયા છે. ઉમંરમાં તફાવતવાળા આ પ્રેમીયુગલના યુવાનીના અને પાકટ વયના એમ જીવનના બે તબક્કાઓનું અહીં સમાંતરે આલેખન અને અભ્યાસ થયાં છે.  વર્ષો પછી એમના જીવનમાં કંઈ ફરક પડ્યો છે? પડ્યો હોય તો કેવો ફરક? અને ફરક ના પડ્યો હોય તો કેમ? વાર્તાનું શીર્ષક “મૂરખ” છે, મૂરખ કોણ છે? શા માટે? વરિષ્ઠ વાર્તાકારની રસપ્રદ વાર્તા. 

અનુસંધાન (ધર્મેશ ગાંધી)

શહેરના મધ્યમવર્ગીય લત્તામાં એક વયસ્ક પુરુષ એકલો રહીને જીવન વીતાવે છે. એક સાંજે એ રસોઈમાં વ્યસ્ત હોય ત્યારે એક યુવાન સ્ત્રી નામે અંગિરા એની સૌજન્ય મુલાકાતે આવે છે. સામાન્ય વાતચીતમાં થોડીક જૂની વાતોની સ્મૃતિ તાજી થાય છે અને વાર્તા પૂરી થાય છે.

એ સ્મૃતિની વાતોમાં આકાર લે છે એ બે પાત્રો વચ્ચેનો સંબંધ.   

યશોધરના ખાનદાનમાં કોઈ પણ દંપતીનું લગ્નજીવન વિવિધ કારણોસર લાંબો સમય ચાલ્યું નથી. ના એના પિતાનું, ના એનું પોતાનું અને ના એમના દીકરાનું. યશોધરના પિતા પત્ની-પુત્રનો ત્યાગ કરી ચાલી ગયા હતા. યશોધરની પત્ની એક પુત્રને જન્મ આપી મૃત્યુ પામી હતી.  યશોધરના પુત્ર આકાશ અને એની પત્ની અંગિરાના છૂટાછેડા થઈ ગયા હતા.

યશોધર અને અંગિરાનો પિતા-પુત્રી સમાન સંબંધ જળવાઈ રહ્યો હતો. આકાશ અને અંગિરાના છૂટાછેડા શા કારણે થયા હતો? પ્રતિભાશાળી યુવા વાર્તાકારની રસપ્રદ વાર્તા.

સાડી (ઈમરાન દલ)

કામવાળી બાઈ જેબુન માલિકના ઘરના કબાટમાં કપડાં ગોઠવતી વખતે એક નવી સાડી જુએ છે. એ સાડી મધ્યમવયની વિધવા જેબુનના મનનો કબજો લઈ લે છે. અઠવાડિયું બહારગામ ફરી આવેલા એના કંજૂસ શેઠ રજાકભાઈ કંઈક જુદા જ મૂડમાં જણાય છે. કબાટમાં પડેલી સાડી જેબુનને ગમી હોય તો એવી એક સાડી દુકાનદારને પોતાનું નામ આપીને લઈ આવવાની ઓફર એ જેબુનને કરે છે. બજાર જવા નીકળેલી જેબુન રસ્તામાં શેઠની કારને જોઈને એમની પાસે લિફ્ટ માગે છે.

કોઈ દિવસ નહીં અને એ દિવસે શેઠ પાસે લિફ્ટ માંગવાની હિંમત જેબુનમાં ક્યાંથી આવી હશે? એ દિવસે શેઠનો મૂડ જોઈને કે પેલી સાડી જોઈને?

નાયિકાના મનોભાવોનું સુંદર આલેખન. વયંગચિત્રકાર તરીકે જાણીતા આશાસ્પદ વાર્તાકારની આ વાર્તા ખાસી પુખ્ત છે.   

--કિશોર પટેલ, 09-03-24 10:58

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

### 

 

No comments: