Friday 8 March 2024

વર્ષ ૨૦૨૧ ની ગુજરાતી ટૂંકી વાર્તાઓમાં સ્ત્રીઓની છબી


 

#આંતરરાષ્ટ્રિય મહિલા દિનની પૂર્વસંધ્યાએ વિશેષ લેખ ક્રમાંક ૧

વર્ષ ૨૦૨૧ ની ગુજરાતી ટૂંકી વાર્તાઓમાં સ્ત્રીઓની છબી

.. ૨૦૨૧  માં આપણા અગ્રણી સામયિકોમાં પ્રગટ થયેલી કુલ ૨૫૨ વાર્તાઓમાંથી સૌથી વધુ એટલે કે ૭૬ વાર્તાઓ માનવીય સંબંધો વિશેની છે. સિવાયની ૧૭૬ વાર્તાઓમાંથી સ્ત્રીકેન્દ્રીય હોય એવી ૩૦ વાર્તાઓ મળી છે. એમાંની ૧૮ વાર્તાઓ સ્ત્રીઓની વિભિન્ન સમસ્યાઓ વિશેની છે જયારે ૧૨ વાર્તાઓ સમસ્યાઓ સામે ઝૂઝતી સ્ત્રીઓની છે. એવી વાર્તાઓને આપણે નારીચેતનાની વાર્તાઓ કહીશું. ૩૦ વાર્તાઓમાંથી પસાર થતાં આપણી સામે વર્ષ ૨૦૨૧ ની ગુજરાતી ટૂંકી વાર્તાઓમાં ઝીલાતી સ્ત્રીની છબી સ્પષ્ટ થશે.    

સ્ત્રીસમસ્યાઓની વાર્તાઓ                                                                                                                 

. પુરુષ દ્વારા છેતરપીંડી. 

પરબ જાન્યુઆરી ૨૦૨૧ માં પ્રકાશિત દક્ષા પટેલ લિખિત વાર્તા રિવ્યુ બુક માં બિઝનેસમેન અમોલ અને વ્યવસાયી ચિત્રકાર અમિતા લગ્નગ્રંથિથી જોડાયાં છે. અમોલ બીજવર છે જયારે અમિતાનું પ્રથમ લગ્ન છે. અમોલના શહેરમાં દરિયો છે અને અમોલના પ્રથમ લગ્નથી બે બાળકો છે. દરિયા પ્રતિ આકર્ષણ અને બાળકો પ્રતિ પ્રીતિના કારણે અમિતાએ અમોલ દ્વારા થયેલો લગ્નનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે. લગ્ન પછી જયારે અમિતા પોતાના બાળકની ઈચ્છા પ્રગટ કરે છે ત્યારે અમોલ કહે છે કે શક્ય નથી. અમોલે અગાઉથી સ્પષ્ટતા કરી નથી કે બે બાળકો પછી પોતે વંધ્યીકરણની શસ્ત્રક્રિયા કરાવી લીધી છે. અમિતા સત્યનો સ્વીકાર તો કરી લે છે પણ પછી બાળકથી વંચિત રહેવાની પીડા એના ચિત્રોમાં વ્યકત થવા માંડે છે.

. ઘરેલુ હિંસા.

પરબ માર્ચ ૨૦૨૧ માં  ભારતી રાણે લિખિત વાર્તા ઈમરજન્સી એમઆરઆઈ માં નાયિકા બાથરૂમમાં પડી જવાથી ઈજાગ્રસ્ત થઈ છે, એને થયેલી શારીરિક ઈજાથી થયેલાં નુકસાનની માત્રા જાણવા એમઆરઆઈ માટે લઈ જવાય છે.

નાયિકાના શરીરને નહીં પણ તેની જિંદગીને કેવું અને કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ ભાવકને વાર્તામાંથી મળે છે. અનુમાન લગાવી શકાય છે કે નાયિકા હેતુપૂર્વક આચરાયેલી ઘરેલુ હિંસાનો શિકાર બની છે, બાથરૂમમાં પડી નથી ગઈ, એને નિર્દયતાથી પીટવામાં આવી છે. હોસ્પિટલમાં પૂછપરછ દરમિયાન પતિએ આપેલાં જવાબો પરથી ખબર પડે છે કે સત્ય છુપાવે છે. લગ્ન કરી સાસરે ગયાં પછી નાયિકાનું નામ બદલવામાં આવ્યું છે, એટલે કે એની ઓળખ ભૂંસી નાખવામાં આવી છે! સાસરે એનાં અભિપ્રાયનું કોઈ મૂલ્ય નથી. દિવસ-રાત સાસુનાં મહેણાં સાંભળવાના, એણે નોકરી કરવાની નહીં, ક્યાંક આર્થિક રીતે સ્વતંત્ર થઈ ગઈ તો? સ્ત્રી તરફથી પુરુષ કેટલી અસુરક્ષિતતા અનુભવે છે તે જુઓ!

. અપરિણીત યુવતી પ્રત્યે સમાજનો અન્યાયી અભિગમ.

પરબ જૂન ૨૦૨૧ માં પ્રકાશિત ગિરિમા ઘારેખાન લિખિત વાર્તા ચંદેરી માં શ્યામા સ્વેચ્છાએ અપરિણીત રહી છે. સગાંસ્નેહીઓ દ્વારા પ્રારંભિક વિરોધ પછી સમાજમાં સામાન્ય રીતે સમયાંતરે આવી યુવતીઓને સ્વીકારી લેવામાં આવે છે. પણ પછી સહેલાઈથી એમને ગૃહિત ગણી લેવામાં આવે છે. કોઈ કન્યાએ સ્વેચ્છાએ અપરિણીત રહેવાનું નક્કી કર્યું છે કે સંજોગવશાત એવું થયું છે ભૂલાઈ જાય છે. “તને એકલીને વળી કેટલું જોઈએ?” કેઆખો દિવસ એકલી કરતી શું હોય છે?” કેતારે વળી શું તૈયાર થવાનું?” જેવા સહજતાથી બોલાતાં વિધાનો જે તે કન્યાના હ્રદય પર કેવો જખમ કરતાં હોય છે કોઈ વિચારતું નથી.

શ્યામાની જિંદગીમાં એક યુવાન હતો એમ છતાં પરવશ સ્થિતિમાં જીવતા પિતાની સેવા માટે અપરિણીત રહી છે. પિતા પ્રત્યે ત્રણે દીકરીઓની ફરજ સરખી કહેવાય છતાં શ્યામાએ કરેલા ત્યાગને અવગણીને બાકીની બંને બહેનો હાલતાં-ચાલતાં શબ્દબાણો ચલાવતી રહે છે અને જાણ્યેઅજાણ્યે શ્યામાનું હ્રદય છિન્નભિન્ન બનાવતી રહે છે. શ્યામાની પોતાની પણ અંગત જિંદગી છે વાત મોટી બહેનો ધ્યાનમાં લેતી નથી. પિતાના મૃત્યુ પછી તો બહેનોતારી ભાણીને તો તારા વિના ચાલે નહીં!” એવું કહીને બાળકોને એની પાસે સોંપીને મફતમાં વેઠ કરાવતી થઈ જાય છે. 

. પત્ની કરતાં ઓછું કમાતા પતિની લઘુતાગ્રંથિ.

એતદ જૂન ૨૦૨૧ માં પ્રસિદ્ધ થયેલી ઉષા ઉપાધ્યાય લિખિત વાર્તા સ્નાન કરી લો માં  મધ્યમ વર્ગની સવિતાને આર્થિક તંગી કરતાં પણ વધારે પોતાનાથી ઓછું કમાતા પતિના ઘવાયેલા અહમના કારણે સહન કરવું પડે છે. સવિતાએ પતિ કરતાં વધુ આવકની નોકરી કરીને ઘરની જવાબદારી નિભાવી, સહુ સંતાનોને  ઠેકાણે પાડ્યા એમ છતાં પતિ તરફથી એની કદર ક્યારેય થઈ નહીં.   

. વૈધવ્યમાં સાચું  સુખ?

મમતા ડિસેમ્બર૨૦-જાન્યુઆરી૨૧માં પ્રસિદ્ધ થયેલી રામ જાસપુરા લિખિત વાર્તા સુખ માં નાયિકાને પતિના મૃત્યુ પછી જીવનમાં આનંદનો અનુભવ થાય છે.  સુધાનો પતિ મણો દારૂનો વ્યસની હતો, કોઈ કામધંધો કરતો હતો, ચોવીસ કલાક નશામાં રહેતો હતો, પત્નીની મારપીટ કર્યા કરતો હતો. એનું મૃત્યુ એક માર્ગઅકસ્માતમાં થવાથી સુધાને નુકસાનભરપાઈમાં સારી એવી રોકડ રકમ મળે છે. કહે છે કે હવે જીવનમાં સુખ છે. કેવી વિચિત્રતા! પતિના મૃત્યુ પછી કોઈ સ્ત્રીને સાચું સુખ મળે કેટલી મોટી વિડંબના! સ્ત્રીની સામાજિક સ્થિતિ વિશે કેટલું જલદ વિધાન!

. સ્ત્રીના અંગત જીવનમાં અનધિકૃત પ્રવેશ.

અંગત જીવનમાં કોને કેટલી હદ સુધી નજીક આવવા દેવા? પરબ સપ્ટેમ્બર ૨૦૨૧માં પ્રકાશિત અશ્વિની બાપટ લિખિત વાર્તા એક દબાયેલ વાતની વાર્તા માં નાયિકા નાજુક સ્થિતિમાં મૂકાઈ જાય છે. મૈત્રીનો દેખાવ કરતાં મનોહરભાઈ જયારે નાયિકાની અંગત જિંદગીમાં અનધિકૃત પ્રવેશ કરી જાય છે ત્યારે સૌજન્ય ખાતર નાયિકા વિરોધ કરી શકતી નથી. મનોહરભાઈ પાસેથી સ્વીકારેલાં સોનાના દાગીના એના માટે એક જવાબદારી બની જાય છે. સબંધોની સીમાઓ અંગે સ્પષ્ટતા થઈ શકે પહેલાં મનોહરભાઈનું મૃત્યુ થઈ જાય છે અને નાયિકા હિસાબ બરાબર કરી શકતી નથી.

. સ્ત્રીઓ દ્વારા ગપ્પાં મારવા.

નવનીત સમર્પણ નવેમ્બર ૨૦૨૧ માં પ્રસિદ્ધ થયેલી મધુ રાય લિખિત વાર્તા રાજધાની માં સ્ત્રીઓની કોઈ સમસ્યા નહીં પણ એમની એક લાક્ષણિકતાની વાત થઈ છે. લાંબી મુસાફરીમાં ટ્રેનના સ્લીપર વર્ગના એક ડબ્બામાં ચાર સ્ત્રીઓ સમય પસાર કરવા ગપ્પાં મારે છે. એમની વાતોમાં સત્ય ઓછું અને કલ્પના વધારે છે. અનેક પ્રકારનાં પ્રતિબંધો વચ્ચે જીવતી આપણા સમાજની સ્ત્રીઓ સાચાંખોટાં ગપ્પાં મારીને મન બહેલાવી લે છે.

. પુત્રી સમાન કન્યા જોડે દુરાચાર.

નવનીત સમર્પણ નવેમ્બર ૨૦૨૧ માં પ્રસિદ્ધ થયેલી પન્ના ત્રિવેદી લિખિત વાર્તા  પડદા માં નાયિકાની મૂંઝવણ છે કે જિંદાદિલ સખી અચાનક જડસુ કેમ બની ગઈ છે? નાયિકાના પિતા દ્વારા સખી દુરાચારનો શિકાર બની છે એવું જાણતાં નાયિકાને આઘાત લાગે છે. પોતાનાં પિતા આવા?

. સ્ત્રીના બાહ્ય દેખાવમાં કુરુપતા.

મમતા નવે-ડિસે ૨૦૨૧ માં પ્રકાશિત રામ મોરી લિખિત વાર્તા થડકાર માં ઉંમરલાયક કન્યાના ચહેરા પર ડાઘાં ઉમટ્યાં એટલે પરિવારના સભ્યોનું વર્તન બદલાવા માંડ્યું. પ્રાણપ્રશ્ન એક : આનું લગ્ન કેમ કરીને ગોઠવાશે? સ્ત્રીના બાહ્ય દેખાવ પરથી નિર્ણયો લેવાની આપણી માનસિકતા વિષે વિધાન.

૧૦. સ્ત્રીઓના યોગદાનની કદર ના થવી.

મમતા નવે-ડિસે ૨૦૨૧ માં પ્રગટ થયેલી આરાધના ભટ્ટ લિખિત વાર્તા અનસંગ હીરો માં સ્ત્રીઓના કામની યોગ્ય કદર થતી નથી વિશેની વાત છે. કલ્યાણીનું સંપૂર્ણ આયુષ્ય ઘર સંભાળવામાં ગયું. દીકરી-દીકરો માન આપે છે, વિવેકથી વર્તે છે પણ કદર નહીં થયાની લાગણી કલ્યાણીને સતત પીડતી રહે છે.

૧૧. શંકાશીલ માનસ ધરાવતા પુરુષની વાત.

નવનીત સમર્પણ જુલાઈ ૨૦૨૧ માં પ્રસિદ્ધ થયેલી અમૃત બારોટ લિખિત વાર્તા વળાંક માં  પત્નીની જાસૂસી કરાવતા પતિની વાત છે. મિતેશથી છૂટી થયેલી મેઘા ઓફિસના બોસ વિનીત જોડે પરણે છે. સંબંધવિચ્છેદ પછી પણ મેઘા-મિતેશના સંબંધ મૈત્રીપૂર્ણ રહ્યાં છે એની સામે વિનીતને વાંધો છે. વિનીતની શંકાશીલ વૃતિથી કંટાળીને મેઘા ગૃહત્યાગ કરે છે. મેઘા એકાંત સ્થળે આવેલા હિલસ્ટેશન પર ફરવા જાય ત્યાં પણ વિનીતના જાસૂસ એનો પીછો કરે છે.

૧૨. કાયદો દરેક વખતે ઉપયોગી નીવડતો નથી.

મમતા ઓગસ્ટ ૨૦૨૧ માં પ્રસિદ્ધ થયેલી છાયા ઉપાધ્યાય લિખિત વાર્તા સામાજિક પ્રાણીમાં એક અલગ સમસ્યા રજૂ થઈ છે. એક બાળલગ્નમાંથી પીડિતાને ઉગારવા પ્રવૃત્ત થયેલી નાયિકાએ છેવટની ક્ષણે હથિયાર હેઠાં મૂકી દેવા પડે છે. સગીર વયની કન્યાને ઘરનાં પુરષ સભ્ય તરફથી જોખમ છે. આવી સ્થિતિમાં પોલીસમાં ફરિયાદ કરીને હોહા કરવાને બદલે પરિવારની સ્ત્રીઓને લાગે છે કે કન્યાને પરણાવી દઈને એની રવાનગી કરી દેવી સારી. સ્ત્રીની ઉપયોગિતા પ્રતિ આંખમિંચામણા કરી એને કાયમ એક જવાબદારી સમજવામાં આવી છે એવું એક પરોક્ષ વિધાન પણ અહીં થાય છે.

વાર્તાનો મુખ્ય ધ્વનિ એ છે કે વાસ્તવિકતા સામે કાયદાની કલમો ક્યારેક નિરર્થક થઈ જતી હોય છે. કન્યાઓનાં હિત માટે કામ કરતી સંસ્થાઓએ પણ લગ્ન માટેની વયમર્યાદા ઉપરાંત અન્ય પરિબળો માટે સજાગ રહેવું જોઈએ એવી ચેતવણી વાર્તા આપે છે.  

૧૩. દાંપત્યજીવનમાં રૂચિભેદ. 

મમતા જુલાઈ ૨૦૨૧માં પ્રકાશિત કાલિન્દી પરીખ લિખિત વાર્તા સ્વની શોધમાં માં પતિ-પત્ની વચ્ચે રૂચિભેદ છે. પતિને પત્નીની કવિતાઓ સાંભળવામાં રસ નથી, સમય નથી. હિલસ્ટેશને ફરવા ગયા હોય ત્યાં કુદરતી વાતાવરણ માણવાનું છોડી નાયિકાનો પતિ ટેલિફોન પર બિઝનેસના સોદાઓ કર્યા કરે છે.

૧૪.  સમસ્યા ઘરમાં હોય ત્યારે સમાજસેવાની શરૂઆત પોતાના ઘેરથી કરવી જોઈએ.

મમતા જુલાઈ ૨૦૨૧ માં પ્રકાશિત સંધ્યા ભટ્ટ લિખિત વાર્તા માર્ગ શોધે છે મને માં સમાજસેવાનું ભૂત માથે લઈને ફરતી નાયિકાને એક ક્ષણે ભાન થાય છે કે સમાજને સુધારવાની શરૂઆત પોતાના ઘેરથી કરવી પડશે. ગરીબોની વસ્તીમાં એક ઘરમાં પત્ની બીમાર છે એવો ખ્યાલ આવતાં એનો પતિ પાવો વગાડવાનું મુલતવી રાખી પત્નીને માથે ઠંડા પાણીના પોતાં મૂકવા માંડે છે જોઈને નાયિકાને પોતાનાં માતા-પિતાની યાદ આવે છે. માતાની તબિયત નરમગરમ હોય ત્યારે માતાની તબિયતનો ઈલાજ કરાવવાના બદલે કે ઘરકામમાં તેની મદદ કરવાને બદલે પિતા વાંસળી વગાડયા કરતા હતા.

૧૫. શૌચાલયની સમસ્યા.

ગામડાંમાં કુદરતી હાજત માટે શૌચાલયની ગેરહાજરી જનસામાન્ય માટે એક મોટી સમસ્યા છે. પુરુષો કરતાં સ્ત્રીઓની સ્થિતિ સ્વાભાવિકપણે વધુ કફોડી થાય છે. મમતા જુલાઈ ૨૦૨૧ માં પ્રસિદ્ધ થયેલી તન્વી તાંડેલ લિખિત વાર્તા રાજમહેલ માં નાયિકાનું માનવું છે કે જે ઘરમાં શૌચાલય હોય રાજમહેલ. એનું લગ્ન ગોઠવાય ત્યારે ઉમેદવારના શિક્ષણ કે શારીરિક દેખાવ વગેરે માહિતીના ચક્કરમાં પડયા વિના ઉમેદવારને ઘેર શૌચાલય છે એટલું જાણીને નાયિકા હા પાડી દે છે. જો કે પરણીને સાસરે ગયા બાદ એને ખબર પડે છે કે ફક્ત ખાડો ખોદાયો છે, શૌચાલય બાંધવાનું હજી બાકી છે.  

પારુલ ખખ્ખર લિખિત વાર્તાઓ:

૧૬. સ્વજન વિના જીવવાની કસોટી.

પારુલ ખખ્ખર લિખિત વાર્તા હીરાબાઈ એતદ જૂન ૨૦૨૧માં પ્રસિદ્ધ થઈ છે. એમાં એક એવી સ્ત્રીની વાત છે જે પહેલાં પણ એકલી હતી, સંસારનો અનુભવ લીધાં પછી પણ એકલી છે. હીરાબાઈએ ઉંમરમાં વીસ વર્ષ મોટા વિધર્મી આદમી સાથે સંસાર માંડીને એના નમાયા પાંચ બાળકોને માતાનો પ્રેમ આપેલો. ધણી મૃત્યુ પામ્યો અને પછી એનાં પાંચેપાંચ સંતાનો પણ પાંખ આવતાં પરદેશ ઊડી ગયાં!

૧૭. લગ્નજીવનમાં બીજી સ્ત્રી.

લગ્નજીવનમાં જયારે પણ પત્ની સિવાયની બીજી સ્ત્રીનો પ્રવેશ થાય છે ત્યારે નિર્વિવાદપણે પહેલી સ્ત્રીને  એટલે કે અધિકૃત પત્નીને અન્યાય થાય છે. પરબ સપ્ટેમ્બર ૨૦૨૧ માં પ્રસિદ્ધ થયેલી પારુલ ખખ્ખર લિખિત બીજી વાર્તા ગામ બળેલ પીપળિયામાં નાનકડી જયા જયારે પોતાની માતા જોડે મોસાળમાં જતી ત્યારે નાનીમાના શરીરની બળી ગયેલી ચામડી જોતી. સમજણી થયા પછી જયાને જાણવા મળે છે કે નાનાના જીવનમાં બીજી સ્ત્રીના આગમન પછી નાની અણમાનીતી થઈ ગઈ હતી. નાનાએ એમની જોડે કરેલાં અન્યાયના પરિણામે નાનીમાએ દુઃખી થઈને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.  

૧૮. સ્ત્રીના અંગત જીવનમાં અનધિકૃત પ્રવેશ અંગેની બીજી વાર્તા.

વિષયની એક વાર્તાની ચર્ચા આગળ ઉપર આપણે કરી ગયા. મમતા નવે-ડિસે  ૨૦૨૧ માં પ્રગટ થયેલી પારુલ ખખ્ખર લિખિત ત્રીજી વાર્તા ઉઝરડા માં પણ એક પુરુષ નાયિકાના અંગત જીવનમાં જબરદસ્તી પ્રવેશી જાય છે. સોશિયલ મીડિયા પરનો વિજાતીય મિત્ર પૂર્વસૂચના વિના ઘેર આવી પહોંચે છે અને નાયિકાને જબરદસ્તી ચુંબન કરે છે. દુર્ઘટનાના પરિણામે નાયિકાના મનને ઊંડો આઘાત લાગે છે.

નારીચેતનાની વાર્તાઓ: સમસ્યાઓ સામે ઝૂઝતી સ્ત્રીઓની વાર્તાઓ

.  અહમના ટકરાવ અને છૂટા પડવાની પીડાની વાર્તા.

નવનીત સમર્પણ  મે ૨૦૨૧ માં પ્રકાશિત મેઘા ત્રિવેદી લિખિત વાર્તા અહમ માં બ્રેકઅપના ખાસા સમય  પછી પુરુષમિત્ર નાયિકા યોશુને મળવા આવવાનો છે. યોશુને એની જોડેની સ્મૃતિઓ તાજી થાય છે. સામાન્ય પુરુષોની માનસિકતા પુરુષમિત્રમાં ઠાંસોઠાંસ ભરેલી છે. પોતાનો કક્કો ખરો કરવો, જિદ્દ મૂકવી નહીં, નાનામોટા વાદવિવાદમાં સમજૂતી કરવી નહીં વગેરે. એના આવતાં પહેલાં યોશુ એની જોડેનું બ્રેકઅપ કાયમ રાખવાનો આખરી નિર્ણય લઈ લે છે.

. એક વિધવા દરિયો ખેડવા નીકળી પડે છે.

નવનીત સમર્પણ  જુલાઈ ૨૦૨૧ માં પ્રસિદ્ધ થયેલી માવજી મહેશ્વરી લિખિત વાર્તા દરિયો માં એક માછીમાર દરિયામાં અદ્રશ્ય થઈ જાય છે પછી એની પત્ની રોશન ઘરની ચાર દીવાલોમાંથી બહાર નીકળી તોફાની દરિયા તરફ કદમ ઉઠાવે છે. રોશનને દરિયાનું પ્રચંડ આકર્ષણ છે. સમાજના અન્ય પુરુષોની જેમ પણ માછીમારી કરવા દરિયો ખેડવા ઈચ્છે છે. સુરક્ષાની ચિંતાના કારણે એના પતિ મામદે પોતાની હયાતિમાં દરિયો ખેડવાની રોશનને ક્યારેય મંજૂરી આપી હતી.

. નાયિકા દ્વારા ગૃહત્યાગ

નવનીત સમર્પણ ઓક્ટોબર ૨૦૨૧માં પ્રકાશિત મોના જોશી લિખિત વાર્તા સંધ્યા ટાણું માં લગ્નના છપ્પન વર્ષ પછી પણ જશોદા એના પતિ દ્વારા સૂક્ષ્મ હિંસાનો શિકાર બનતી રહી છે. પૂર્વપ્રેમી પ્રભુદાસે એકથી વધુ વખત એને હિંમત આપી છે કે એવા પતિને છોડીને મારી પાસે આવી જા. પણ લોકોપવાદના ભયે જશોદા એવું કરી શકતી નથી. બીમાર પ્રભુદાસને ટીફિન આપવા ગઈ એની પતિને ખબર પડતાં એનેછિનાળકહી. આવા અપશબ્દનો જશોદાના હ્રદય પર કારમો જખમ થયો છે. છેવટે પ્રભુદાસના પ્રોત્સાહનથી નાયિકા અસંવેદનશીલ પતિનો ત્યાગ કરીને ચાલી નીકળે છે.

. દાંપત્યજીવનમાંથી છૂટાં પડીને સ્વતંત્ર જીવન જીવવાનો હક.  

મમતા ઓગસ્ટ ૨૦૨૧ માં પ્રગટ થયેલી નિર્ઝરી મહેતા લિખિત વાર્તા તો જીવી ગઈ છે!” માં એક સ્ત્રીના સ્વતંત્રપણે જીવવાના હકનો આદર કરવાની વાત છે. વર્ષો પહેલાં છૂટાં પડી ગયેલાં માતા-પિતા ફરીથી ભેગાં થાય એવી યોજના નાયિકા ઘડે છે. એનો પતિ એને સમજાવે છે કે આવો વિચાર કરવો શા માટે કરવો જોઈએ. પત્નીને સમજાવે છે કે છૂટાં પડયા પછી મમ્મીજીએ ભણતર પૂરું કરીને સ્વતંત્ર કારકિર્દી બનાવી અને સમાજમાં આદરભર્યું સ્થાન મેળવ્યું છે. વળી પપ્પાજી જોડે ફરી ભેગાં થવાની એમની મુદ્દલ ઈચ્છા નથી વાત પણ ધ્યાનમાં લેવી જોઈએ. પતિની સમજાવટ પછી માતા-પિતાને ભેગાં કરવાની યોજના નાયિકા માંડી વાળે છે.

. આત્મસન્માન.

મમતા ઓગસ્ટ ૨૦૨૧ માં પ્રકાશિત પારુલ પ્રેયસ મહેતા લિખિત વાર્તા કાળી સ્ત્રીમાં કાળી સ્ત્રી એક સ્વતંત્ર સ્ત્રીનું પ્રતિક બનીને આવે છે. અનન્યા એને ઘેર આવતી કામવાળી બાઈની સતત ઈર્ષા કર્યા કરે છે કારણ કે એની ત્વચા કાળી છે પણ સ્નિગ્ધ છે. અનન્યા પોતાની તુલના એની જોડે કર્યા કરે છે. અહીં વાત ફક્ત આર્થિક સ્વાતંત્ર્યની નથી પણ આત્મસન્માનની પણ છે જે કામવાળી બાઈ પાસે છે અને અનન્યા પાસે નથી. નાયિકાને જયારે પોતાને દિશા સાંપડે છે ત્યારે એનું મન શાંત થાય છે. 

. આત્મસન્માનની રક્ષા.

દીકરો વધુ ભણ્યો એટલે શું માતાના અધિકારોને અતિક્રમી શકે? મમતા ઓગસ્ટ ૨૦૨૧ માં પ્રગટ થયેલી જયશ્રી વિનુ મર્ચન્ટ લિખિત વાર્તા કુહૂ કુહૂ કુહૂ માં માતા હયાત હોવા છતાં પુત્ર ગામડાનાં જમીન-ઘર વગેરે વેચી કાઢવાનો એકપક્ષી નિર્ણય લે છે ત્યારે એની માતા લખીબા એને બતાવી આપે છે કે ઘરની મુખ્ય વ્યક્તિ કોણ છે. ડોક્ટર થઈને લગ્ન કરીને અમેરિકા જઈને ત્યાં સ્થિર થયેલો પુત્ર માતા જોડે સંવાદ કર્યા વિના નક્કી કરે છે કે ગામડામાં ઘર-ખેતર વેચી નાખીને માતાને અમેરિકા લઈ જઈને જોડે રાખવી. લખીબાએ પતિના મૃત્યુ પછી પોતે ખેતી કરીને આર્થિક વિકાસ કર્યો છે. એણે ગામડામાં પોતાની ઓળખ બનાવી છે. પુત્રના આવા એકપક્ષી નિર્ણય સામે વિરોધ નોંધાવીને લખીબા ઘેર આવેલા ઘર-ખેતરના ગ્રાહકને જાકારો આપે છે. આમ લખીબા પોતાના આત્મસન્માનની રક્ષા કરે છે.

. આત્મસન્માનની રક્ષાની વધુ એક વાર્તા.

મમતા ઓગસ્ટ ૨૦૨૧માં પ્રગટ થયેલી ગિરિમા ઘારેખાન લિખિત વાર્તા દ્વિધા માં મુશ્કેલીમાં ફસાયેલી નાયિકા શ્રીયા સમક્ષ એક પૂર્વપરિચિત મિત્ર અઘટિત શરત મૂકે છે. શ્રીયાના પતિ સુકેતુને કિડની બદલવાની તાત્કાલિક જરૂર ઊભી થઈ છે. એનું બ્લડ ગ્રુપ વિરલ કહેવાય એવું છે. એવું વિરલ બ્લડ ગ્રુપ ધરાવતો હરીશ એક સમયે શ્રીયાના પ્રેમમાં હતો. હરીશ આર્થિક રીતે કંગાળ હતો એટલે શ્રીયાના પિતાએ એનો પ્રસ્તાવ નકારી કાઢેલો. હવે જયારે શ્રીયાના પતિને એના બ્લડ ગ્રુપની કિડનીની જરૂર પડી છે ત્યારે હરીશ તક સાધીને શ્રીયા સામે શરત મૂકે છે. “મને શરીરસુખ આપ અને તારા પતિ માટે કિડની લઈ જા.”   ભારે મનોમંથન પછી શ્રીયા આત્મસન્માનના ભોગે આવી અઘટિત માંગણી સામે નમવાની ના પાડી દે છે.        

. પુરુષોના અધિકારક્ષેત્રમાં સ્ત્રીનો પ્રવેશ

સ્મશાનમાં મડદાં બાળવાનું કામ સામાન્ય રીતે પુરુષ કર્મચારીઓ કરતાં હોય છે. મમતા જુલાઈ ૨૦૨૧ માં પ્રકાશિત સુષ્મા શેઠ લિખિત વાર્તા ભડભડતી જ્વાળા માં સ્મશાનકર્મચારી છગનના મૃત્યુ પછી એની દીકરી ગંગા પડકારભરી કામગીરી ઉપાડી લે છે. આવું કરવા પાછળ કારણમાં એની મજબૂરી છે, નગરપાલિકા તરફથી મળેલું ઘર ખાલી કરવું પડે, વિધવા માતા અને નાનાં ભાઈ-બહેનો સહિત સહુ ક્યાં જઈને રહે? શહેરના તોફાની તત્વો દ્વારા ગંગાની હત્યા થઈ જાય પછી એની માતા અને બહેનો કામગીરી ચાલુ રાખે છે. આમ ગંગાએ આગેવાની લઈને આવી કામગીરી કરીને પુરુષોના અધિકારક્ષેત્રમાં પગપેસારો કર્યો અને અન્ય સ્ત્રીઓને પણ પ્રેરણા પૂરી પાડી. 

. પોતાની શરતોએ જીવવું

કુમાર ઓગસ્ટ ૨૦૨૧ માં પ્રકાશિત ધીરેન્દ્ર મહેતા લિખિત વાર્તા ગુડબાય માં નાયિકા મિત્સુ પોતાની જિંદગી પોતાની શરતોએ અને ખુમારીથી જીવવા ઈચ્છે છે. ઉચ્ચ અભ્યાસ કરવા માંગતી મિત્સુને ઘરનાં લોકો પરણાવી દેવા માંગતા હતા. નમતું ના આપતાં ગૃહત્યાગ કરી ગઈ હતી. પુરુ જોડેની સગાઈ તૂટી ગઈ એનો એને રંજ નથી.

વર્ષો પછી માંદા પડેલા પિતાની ખબર કાઢવા મિત્સુ શહેરમાં પાછી આવી છે જ્યાં એનો ઉછેર થયો છે. હોસ્પિટલમાં પિતાની સ્થિતિ જાણી લીધાં પછી પ્રશ્ન ઊભો થાય છે રાત રોકાવાનો. કોરોના મહામારીના કારણે શહેરમાં સર્વત્ર જાકારાનું વાતાવરણ છે. મિત્સુના કાકાનો પ્રતિસાદ ઠંડો છે. જેની સાથેની સગાઈ તૂટી ગયેલી પુરુ મિત્સુની વ્યવસ્થા કરવા સામે ચાલીને આવે છે. વાતવાતમાં મિત્સુ અને એના પરિવાર પ્રતિ પુરુના મનમાં રહેલી કડવાશ પ્રગટ થઈ જાય છે. પરિણામે મિત્સુ એની જોડે જતી નથી. એટલી રાત્રે ક્યાં જવું કે ક્યાં રોકાવું એવા વિચારોથી વિચલિત થઈને મિત્સુ સમાધાન કરતી નથી.  

૧૦. પોતાની ભૂલ ના હોય તો ગૃહત્યાગ શા માટે કરવો જોઈએ?  

શબ્દસૃષ્ટિ સપ્ટેમ્બર ૨૦૨૧ માં પ્રકાશિત કલ્પના જિતેન્દ્ર લિખિત વાર્તા કાશ! ત્યારે પણ માં પતિ પરસ્ત્રીને ચાહે છે એટલી જાણ થતાં નાયિકા ક્ષમા ગૃહત્યાગ કરવા તૈયાર થઈ જાય છે. સાસુ મંદાબહેન એને સમજાવે છે કે રીતે ઘર ના છોડાય. એને જવું હોય તો જાય. તારી ભૂલ નથી, તારે શા માટે જવું જોઈએ? ક્ષમાના ગળે વાત ઉતરે છે. મંદાબહેન પર અદ્દલ આવું વીતેલું ત્યારે કોઈએ એમને સમજાવી હતી. અહીં પણ નોંધવું રહ્યું કે મંદાબહેન પોતાના પુત્રના પક્ષે નહીં પણ સત્ય અને ન્યાયના પક્ષે ઊભાં રહે છે.

ઈલા આરબ મહેતા લિખિત બે વાર્તાઓ: 

૧૧. પતિના મૃત્યુ પછી ચૂડીઓ ભાંગવાનો ઈનકાર

પતિ મૃત્યુ પામે એટલે એની વિધવાએ પોતાની ચૂડીઓ ભાંગી નાખવી એવી એક રૂઢિ આપણા સમાજમાં હતી, કદાચ હજી પણ હશે. પુરુષ મૃત્યુ પામે એટલે જાણે એની સ્ત્રીનું સૌભાગ્ય નંદવાઈ ગયું, હવે એણે સાજ-શૃંગાર કરવાનો નહીં, જીવનરસ માણવાનો નહીં. પુરુષપ્રધાન સંસ્કૃતિનું એક વરવું લક્ષણ. પરબ માર્ચ ૨૦૨૧ માં પ્રસિદ્ધ થયેલી ઈલા આરબ મહેતા લિખિત વાર્તા ચૂડીકર્મ માં નાયિકા પતિના મૃત્યુ પછી ચૂડીઓ ભાંગતી નથી. હાથીદાંતની બનેલી સોનાના ઢોળવાળી ચૂડીઓને વેચીને રાહ ભટકી ગયેલાં પુત્રને સાચા માર્ગે પાછો લાવવા નાયિકા કટિબદ્ધ થાય છે.

૧૨. ઘરેલુ હિંસા વિરુદ્ધ પોલીસ ફરિયાદ

કુમાર ઓગસ્ટ ૨૦૨૧ માં પ્રકાશિત ઈલા આરબ મહેતા લિખિત વાર્તા જેલ પોતપોતાનીમાં પતિ સંજયનો એક લાફો ગાલ પર પડતાં નયના પોલીસમાં ફરિયાદ નોંધાવે છે. સંજય  લોકઅપમાં બંધ થઈ જાય છે. આવું થઈ શકે છે એવું એણે સ્વપ્ને પણ ધાર્યું હતું. પુરુષો દ્વારા સ્ત્રીઓ પ્રત્યે થતી હિંસા સંજય નાનપણથી જોતો આવ્યો હતો. પરિવારની કોઈ સ્ત્રીએ ક્યારેય વિરોધ કર્યો હતો. નયના માત્ર ઈશારો કરવા માંગતી હતી કે શું કરી શકે છે. મુદ્દો સાબિત થઈ જતાં પતિ વિરુદ્ધની ફરિયાદ પાછી ખેંચી લે છે. સંજયને બોધપાઠ મળી જાય છે.

# 

ઉપસંહાર:

સ્ત્રી સમસ્યાઓની અને નારીચેતનાની વાર્તાઓ, બંને મળીને કુલ ૩૦ વાર્તાઓ:  ૨૦ સ્ત્રીલેખકોની ૨૪ વાર્તાઓ અને પુરષ લેખકોની   વાર્તાઓ. આપણે કહી શકીએ કે સ્ત્રીસમસ્યાઓનું આલેખન કરવામાં આપણા પુરુષ લેખકો પણ પાછળ નથી, બલ્કે પૂરેપૂરો સાથ નિભાવી રહ્યા છે. 

આપણે જોયું કે સ્ત્રીસમસ્યાઓમાં મુખ્યત્વે પુરષ દ્વારા છેતરપીંડી, સ્ત્રી જોડે હિંસા, દુરાચાર, અવિશ્વાસ, નિર્લેપતા જેવા મુદ્દાઓ રજૂ થયાં છે. ઉપરાંત પુરુષોની લઘુતાગ્રંથિ, અપરિણીત સ્ત્રીને જોવાનો ટીકાત્મક દ્રષ્ટિકોણ, સ્ત્રીનો બાહ્ય દેખાવ, ઘરમાં અને સમાજમાં સ્ત્રીના યોગદાનની કદર ના કરવી, પુરુષો દ્વારા લગ્નબાહ્ય સંબંધ રાખવા જેવી સમસ્યાઓ પણ છે.  કોઈ સ્ત્રી અપરિણીત રહે એમાં પણ લોકોને સમસ્યા થાય છે. ટૂંકમાં સ્ત્રીઓ સ્વતંત્રપણે કોઈ નિર્ણય લે એની સામે પુરુષોને વાંધો પડે છે.

સિવાય પણ સ્ત્રીઓની કેટલીક સમસ્યાઓ છે જે અંગે વાર્તાઓ રજૂ થઈ નથી. પહેલાંના પ્રમાણમાં આજકાલ સ્ત્રી વધુ શિક્ષિત થઈ છે, આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ આજની સ્ત્રીએ ખાસી પ્રગતિ કરી છે, એની સાથે આનુષાન્ગિક સમસ્યાઓ પણ ઊભી થાય છે, જેમ કે કામના સ્થળે સ્ત્રીઓની થતી કનડગત, બઢતી કે બદલી અંગે ભેદભાવ વગેરે.  એવી કોઈ સમસ્યાઓ વિષે વાર્તાઓ મળી નથી. આપણે ઈચ્છીએ કે બદલાતાં સમય સાથે આપણા વાર્તાકારો કદમ મિલાવીને ચાલે.

#

નોંધ માટે તપાસવામાં આવેલાં સામયિકોની યાદી

નવનીત સમર્પણ: ૪૬, શબ્દસૃષ્ટિ: ૨૭, પરબ: ૨૪, એતદ: ૨૩, મમતા વાર્તામાસિક: ૧૦૪, કુમાર (વર્ષના છેલ્લાં પાંચ અંક) ૧૦, બુદ્ધિપ્રકાશ (વર્ષના છેલ્લાં પાંચ અંક) , શબ્દસર (ફક્ત અંક): , વારેવા (વર્ષના છેલ્લાં ત્રણ અંક): ૧૩; કુલ: ૨૫૨ વાર્તાઓ.

--કિશોર પટેલ, 07-03-24 09:09

# આંતરરાષ્ટ્રિય મહિલા દિનની પૂર્વસંધ્યાએ વિશેષ લેખ ક્રમાંક ૨ આવતી કાલે ૮ માર્ચ ૨૦૨૪ ના રોજ મૂકાશે.

###

(છબી સૌજન્યઃ Google images.)

No comments: