Monday 25 December 2023

મમતા નવેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



મમતા નવેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૮૦૧ શબ્દો)

પ્રસ્તુત અંક નરચેતના વિશેષાંક છે અને એના નિમંત્રિત સંપાદક છેઃ સંજય ઉપાધ્યાય.

મમતાએ નરચેતના વિશેષાંકની પહેલી સીઝન ગયા વર્ષે બહાર પાડી હતી. એને મળેલા સાનુકૂળ પ્રતિભાવથી પોરસાઈને આ વર્ષે એમણે આ બીજી સીઝન પ્રગટ કરી છે. સર્વત્ર સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રીસશક્તિકરણ ના બ્યુગલ ફુંકાતા રહેતાં હોય એવે સમયે પુરુષોની સમસ્યાઓ પર પણ પ્રકાશ પાડવો આવશ્યક છે. પ્રસ્તુત અંકમાં એવી કેટલીક સમસ્યાઓ વિશે વાત થઈ છે. નરચેતના વિશેષાંકની આ બીજી આવૃત્તિનું સ્વાગત છે.  

કળા કરંતો મોર (યશવંત ઠક્કર)

યુવાન દંપતીને સંયુક્ત કુટુંબમાં વાતો કરવા માટે એકાંત મળતું નથી.  કોઈ પ્રસંગે દૂરના ગામે જવાનું થતાં ટ્રેનની લાંબી મુસાફરીમાં નાયિકા જેઠાણીના મહેણાંટોણાંની ફરિયાદ પતિ પાસે કરે છે. પતિ પ્રેમથી પત્નીને સમજાવે છે.

ગામડામાં કોઈ હરતોફરતો કથાકાર કથા કરતો હોય એવી રજૂઆત.  

ભ્રાંતિ (શ્યામ તરંગી)

શંકાનો કોઈ ઈલાજ નથી. નાયકને શંકા છે કે એની પત્ની પારકા પુરુષને પ્રેમ કરે છે. શંકાનો કીડો નાયકના મનને કોતરી ખાય છે.  શંકાશીલ માનસનું ઘણું વિસ્તૃત આલેખન. એકની એક વાતનું વાર્તામાં સતત થતા પુનરાવર્તનને કારણે વાર્તા લાંબી થઈ ગઈ છે.

વરસતા વરસાદમાં (સમીરા પત્રાવાલા)

કોણે કહ્યું કે પુરુષો  રડી ના શકે? કથક જુએ છે કે જેનાથી એ સારી રીતે પરિચીત હતી એ પહાડ જેવો એક મજબૂત માણસ લોકલ ટ્રેન જેવા જાહેર સ્થળ પર એકાએક રડી પડે છે.

એક કરુણાંતિકા. કથક જેમ એક મજબૂત માણસને રડતાં જુએ છે એમ અન્ય એક તોફાની છોકરીનું માનવીય પાસું પણ જુએ છે.  અન્યો પર કાયમ ધાક જમાવતી એ છોકરી એ દિવસે પેલા રડતા માણસને આશ્વાસન આપતી હતી! એક પર એક આઈટમ મફત હોય એમ આ વાતામાં બબ્બે જુદાં જુદાં પ્રકારનાં પાત્રોની મુલાકાત થાય છે.

મુંબઈની લોકલ ટ્રેનનું એક આગળુંવેગળું ચિત્ર. રસપ્રદ રજૂઆત.    

નમાલો (નિખિલ વસાણી)

આત્મવિશ્વાસ વિનાના માણસની વાત. વાર્તાનાયક પત્નીથી કાયમ દબાયેલો રહે છે. પત્ની જ્યારે પિયર જાય ત્યારે એનામાં હિંમત આવી જાય છે. પત્ની પાછી આવવાની હજી માત્ર ખબર આવે એટલામાં તો એ ફરીથી ડરી જઈને એના કોચલામાં ભરાઈ જાય છે.  જુદા જુદા પ્રસંગો લઈને લેખકે એક ડરપોક માણસનું શબ્દચિત્ર સરસ ઉપસાવ્યું છે.

ખોવાયેલો સૂર (ગિની માલવિયા)

કોર્પોરેટ વર્લ્ડમાં કર્મચારીઓ પર સતત સારું પરિણામ આપવાનું દબાણ હોય છે. વાર્તાનો નાયક એવો દેખાવ કરવામાં નિષ્ફળ જતાં ઘરમાં સર્જાયેલા તંગ વાતાવરણની વાત.

વિદેશની ભૂમિ પર આકાર લેતી આ વાર્તામાં ત્યાંના પરિવેશનું અધિકૃત વર્ણન થયું છે.  

વાર્તામાં બે ઠેકાણે વ્યાકરણની ભૂલો નજરે પડી છેઃ

૧....સમજાવટનાં શસ્ત્રને જ્યાંથી આવ્યું હતું ત્યાં બુધ્ધિ અને મનનાં ખાનામાં પાછી મૂક્યું.  ////પાછી? ////અહીં “પાછી” ને બદલે “પાછું” શબ્દ હોવો જોઈએ. શસ્ત્રનું લિંગ નાન્યતર છે.

૨....થોડી જે જવાબ આપવી જરૂરી હતી તેની મનોમન નોંધ કરી લીધી. વાક્યનો પહેલો અડધો ભાગ ભૂલભર્યો છે. “થોડા જે જવાબો આપવા જરૂરી હતા...” હોવું જોઈએ. જવાબનું લિંગ પુર્લિંગ છે.

એક બિલ્લસની ચડ્ડી (નીલમ રોય)

ભણવા માટે ગામડેથી આવેલો એક તરૂણ જાતમહેનત કરી પોતાનો ખર્ચ ઉપાડે છે. કામની જવાબદારોઓને લીધે એ સ્કુલમાં હંમેશા મોડો પડે છે. એના જીવનસંઘર્ષની વાત. તરુણના મનોભાવોનું સરસ આલેખન.

સૌરભ (અજય પુરોહિત)

શાળાની રિયુનિયન પ્રસંગે ભૂતપૂર્વ વિધ્યાર્થીઓ ભૂતકાળ વાગોળે છે.  એ સમયે ભાષાનું સંવર્ધન કરવા એમના શિક્ષકોએ લીધેલી જહેમતનું સૌ સ્મરણ કરે છે.  પરંપરાગત રજૂઆત.

સગાઈ (સંકેત શાહ)

સ્ત્રીસશક્તિકરણની વાત.

વાર્તાનાયક સ્ત્રીસશક્તિકરણમાં માને છે પણ સામી વ્યક્તિની એકપક્ષી શરતોમાં બંધાવા એ તૈયાર નથી. વિપુલ અને શીતલ વચ્ચેની મુલાકાત જ મુખ્ય વાર્તા છે, ચૈતાલી જોડેના બબ્બે પ્રસંગ વાર્તાને કોઈ રીતે ઉપકારક નથી. ચૈતાલી જોડે બધું મળતું આવે પણ એની શરતોમાં બાંધી લેવાની વાતથી વિઘ્ન આવે એવું આયોજન સહેલાઈથી થઈ શક્યું હોત.  

નડતર (પારુલ બારોટ)

વરિષ્ઠ નાગરિકની સમસ્યા.

શહેરોમાં વસતાં સંયુક્ત કુટુંબોમાં વરિષ્ઠ નાગરિકોની સમસ્યા વકરી રહી છે. ઘરમાં અવકાશ ઓછો હોય કે પૂરતો માણસોનાં મન સાંકડા થતાં ચાલ્યા છે. નિવૃત્ત વરિષ્ઠ નાગરિકો જાણે વધારાનો બોજ હોય એવું વાતાવરણ અનેક કુટુંબોમાં જણાઈ રહ્યું છે. પ્રસ્તુત વાર્તામાં નરેશભાઈ પુત્ર-પુત્રવધૂના વ્યવહારથી દુભાયેલા છે. સાળાના આગ્રહથી સાસરે જઈને બેચાર દિવસ રહે છે ખરા પણ એમનું મન તો પોતાના ઘેર જવા-રહેવા તડપી રહ્યું છે. સારી વાર્તા. પ્રવાહી રજૂઆત.  

માંસ (સુનીલ ગંગોપાધ્યાય લિખિત બંગાળી વાર્તા, અનુવાદઃ સંજય છેલ)

કારમી ગરીબીમાં ભીંસાતા પરિવારની હ્રદયસ્પર્શી વાર્તા. પતિ અને બાળકોને બે ટંકનું ભોજન મળી રહે એટલા ખાતર વેશ્યાવ્યવસાય સ્વીકારતી કુટુંબવત્સલ સ્ત્રીની કુરબાનીની કરુણ કથા.

લેખક લખે છે કેઃ

//// હવે સુરોના શરીરનાં માંસ સિવાય બીજું કંઈ જ વેચવા માટે બચ્યું નહોતું. ////

બીમાર પતિ અને નિર્દોષ ભૂલકાંની હાજરી વાર્તાને કારુણ્યના શિખરે લઈ જાય છે.

ગણતરીથી પર (અમેરિકન લેખક સેમ્યુઅલ હોપકિન્સ આડમ્સ લિખિત અંગ્રેજી વાર્તા, અનુવાદઃ યામિની પટેલ)

સફાઈપૂર્વક ખૂન કરીને પોલીસના હાથે ના પકડાવાનો ખેલ કેવી રીતે ઊંધો વળે છે રસપૂર્ણ અપરાધકથા.

ચંદ્રે જીતી લીધી પૃથ્વી (અમેરિકન લેખક વોશિંગ્ટન ઈરવિંગ લિખિત અંગ્રેજી વાર્તા, અનુવાદઃ યશવંત મહેતા)

આ સાયન્સ ફિક્શન વાર્તામાં એવી કલ્પના થઈ છે કે જે રીતે અમેરિકાના જંગલોમાં રહેતાં આદિવાસીઓને યુરોપિયનોએ અણઘડ અને અભણ ઠેરવીને હાંકી કાઢ્યાં અને એમનો પ્રદેશ પચાવી પાડ્યો એ રીતે ચંદ્ર પરનાં જીવો પૃથ્વી પર આવીને માણસોને પરાજિત કરીને કબ્જો જમાવી દેશે. ચિત્તથરારક કલ્પના!

--કિશોર પટેલ, 26-12-23 08:52

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

  

No comments: