Thursday 19 October 2023

પરબ સપ્ટેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ


પરબ સપ્ટેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૩૦૫ શબ્દો)

ત્રીજો ભાડૂત (ગિરીશ ભટ્ટ)

એક અંધજનની સંઘર્ષકથા.

પરેશભાઈએ જીવનમાં સતત સંઘર્ષ કરવો પડે છે. વીણા જેવી સમજુ કન્યા જોડે લગ્ન નક્કી હતું પણ અણીના સમયે પરેશભાઈની દૃષ્ટિ ગઈ અને એ સાથે જ નોકરી અને વીણા બંને ગયાં. માતાનું પણ મૃત્યુ થઈ ગયું. ચક્ષુહીન સ્થિતિમાં મસાજ કરવાનું કામ શીખી લઈ તેઓ આત્મનિર્ભર બન્યા. ઘરનો વધારાનો ભાગ ભાડે આપી આવક વધારી અને ઘરમાં સાથીદારો બનાવ્યા.  હવે પરેશભાઈના જીવનમાં ફરીથી જીવનસાથીના યોગ ઊભા થાય છે.  શું પરેશભાઈની ઈચ્છા પૂરી થાય છે?

વાચકને તદ્દન નવા, અજાણ્યા પરિવેશમાં, અંધજનની દુનિયામાં ડોકિયું કરવાની તક આ વાર્તા આપે છે. વાર્તાનો સૌથી મોટો પ્લસ પોઈંટ આ છે. બાકીનું કામ તો આ વાર્તાકારની નીવડેલી કલમ સંભાળી લે છે. વાચનક્ષમ વાર્તા.  

ખેંચાણ (સંજય ચૌધરી)

સોમભાઈ, વિષ્ણુ અને જયરામ. એક ગામના એક જ નિશાળમાં જોડે ભણેલાં બાળમિત્રો. ત્રણેની જમીનો એકબીજાને અડખેપડખે. ગામમાં કેનાલની યોજના આવી અને એના કારણે આ ત્રણેની જમીન કેનાલની એક તરફ હડસેલાઈ જતાં ત્રણે દુઃખી છે.

વિષ્ણુ નોકરી છોડીને જમીનની દલાલીના ધંધામાં પડ્યો છે. કશાક ભેદી હેતુથી કેટલાક સમયથી એ અદ્રશ્ય થઈ ગયો છે, જીવનસાથી ગુમાવ્યા પછી એકલતા અનુભવતા જયરામને વિષ્ણુની પત્ની લીલા પ્રતિ આકર્ષણ થયું છે. વિષ્ણુની ગેરહાજરીમાં એ લીલા જોડે નિકટતા કેળવવાનો પ્રયાસ કરે છે.  સોમભાઈ જયરામને આ વિશે માપમાં રહેવાની ચેતવણી આપે છે પણ જયરામ એનું સાંભળતો નથી. લીલા માટેનું ખેંચાણ જયરામને છેવટે કફોડી સ્થિતિમાં મૂકી દે છે.

જયરામના પોંઈટ ઓફ વ્યુથી કહેવાયેલી વાર્તાની રજૂઆત વાચકને સાધ્યંત જકડી રાખે છે. માનવીમનની નબળાઈઓ પ્રતિ અંગુલિનિર્દેશ કરતી વાર્તા. ગ્રામ્ય પરિવેશનું ચિત્રણ સરસ.  

ગૂલરનું ફૂલ (અખિલ મોહન પટનાઈક લિખિત મૂળ ઉડિયા વાર્તા, અનુવાદઃ શ્રધ્ધા ત્રિવેદી)

એક એવી સ્ત્રીની વાત જે પોતાની દીકરીના મૃત્યુને સ્વીકારી શકી નથી.

--કિશોર પટેલ, 20-10-23 08:59

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

No comments: