Sunday 1 October 2023

બાલભારતીમાં વાર્તાપઠન ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩

 


બાલભારતીમાં વાર્તાપઠન ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩

(૨૯૫ શબ્દો)

યોગાનુયોગ એવો થયો કે વિશ્વ અનુવાદના દિવસે જ બાલભારતીમાં યોજાયેલા વાર્તાપઠનમાં મરાઠી વાર્તાઓના અનુવાદનો ખાસ કાર્યક્રમ યોજાયો. કોરોનાકાળના પ્રતિબંધો હળવા થયાં પછી શરુ થયેલાં વાર્તાપઠનના આ રૌપ્યમહોત્સવી કાર્યક્રમમાં કશુંક અલગ કરવાના હેતુથી મરાઠી ભાષાની વાર્તાઓ અને એના ગુજરાતી અનુવાદ એમ દ્વિભાષી કાર્યક્રમનું બાલભારતીના મુખિયાઓએ ઠરાવ્યું. સપ્ટેમ્બર મહિનાના ચોથા શનિવારે ગણેશવિસર્જનના યોગને ધ્યાનમાં રાખી કાર્યક્રમ પાંચમા શનિવારે યોજાયો અને વિશ્વ અનુવાદ દિવસનો મેળ પડી ગયો.

વિશેષતા એ હતી કે મરાઠી વાર્તાઓનો લેખકો સુશ્રી નીરજા અને શ્રીમાન શ્રીકાંત બોજેવારનું આ પ્રસંગે સન્માન થયું.

નીરજા અંગ્રેજી ભાષાનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા છે અને શ્રીકાંત બોજેવાર મહારાષ્ટ્ર ટાઈમ્સનાં કન્સલટન્ટ એડિટર છે. બંને લેખકો મરાઠી ભાષાનાં આગેવાન સાહિત્યકારો છે. એમનાં બંનેનાં સંખ્યાબંધ પુસ્તકો પ્રગટ થયાં છે,  શ્રેષ્ઠ ગુણવત્તાનાં સાહિત્યસર્જન માટે બંનેને અગણિત સરકારી-બિનસરકારી પુરસ્કારોથી પોંખવામાં આવ્યાં છે.

નીરજા લિખિત વાર્તા “આઈસબ્રેક” ના ગુજરાતી અનુવાદનું પઠન કર્યું પ્રતિભાશાળી યુવાન નાટ્યઅભિનેતા દેવ જોશીએ અને મૂળ મરાઠી પાઠનું પઠન કર્યું વ્યવસાયી નાટ્યઅભિનેત્રી ધનશ્રી સાટમે. બંને કલાકારો દ્વારા થયેલું પઠન ભાવવાહી હતું. આ વાર્તામાં પિતા-પુત્ર સંબંધની વાત હતી.

કોફીબ્રેક પછી શ્રીકાંત બોજેવાર લિખિત વાર્તા “રાક્ષસ અને પોપટની એડલ્ટ કથા” ના ગુજરાતી અનુવાદનું પઠન આ લખનારે કર્યું અને મૂળ મરાઠી પાઠનું પઠન કર્યું પ્રતિભાવંત નાટ્યઅભિનેત્રી દર્શના સાટમે. દર્શનાએ મહારાષ્ટ્રની તળપદી બોલીનો ઉપયોગ કરી પઠન જીવંત બનાવ્યું. વાર્તામાં પતિ દ્વારા માનસિક-શારીરિક છળનો ભોગ બનેલી પત્નીએ લીધેલા બદલાની વાત હતી.

પ્રાસંગિક ઉદ્બોધનમાં શ્રીકાંતભાઈએ આવા અનોખા દ્વિભાષી કાર્યક્રમના આયોજન બદલ આયોજકોને અભિનંદન આપ્યાં. એમણે કહ્યું કે આ રીતે બેઉ ભાષાનાં લેખકો એક મંચ પર આવીને બંને ભાષાને વધુ સમૃધ્ધ બનાવે છે.

નીરજામેડમે કહ્યું કે તેઓ પોતે અનુવાદમાં સક્રિય એવી એક દેશવ્યાપી સંસ્થા જોડે સંકળાયેલાં છે. વિષ્યમાં આ બંને ભાષાનાં લેખકો માટે એ સંસ્થાના ઉપક્રમે એક કાર્યશિબિરનું આયોજન કરવાનો મનસૂબો ધરાવે છે.

હંમેશ કરતાં મોડે સુધી ચાલેલા આ રસપ્રદ કાર્યક્રમનાં અંતમાં બાલભારતીના ટ્રસ્ટીશ્રી હેમાંગભાઈ તન્નાએ આભારવિધી કરી અને કાર્યક્રમનું  સમાપન થયું.

--કિશોર પટેલ, 01-10-23 14:42

*    


No comments: