Wednesday 6 September 2023

નવનીત સમર્પણ ઓગસ્ટ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ







 

નવનીત સમર્પણ ઓગસ્ટ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૮૫૧ શબ્દો)

ભવચક્ર (હિમાંશી શેલત)

અદાલતના ન્યાયને ઉલટાવવાનો પ્રયાસ કરતા લુચ્ચા અસંવેદનશીલ લોકો સામે લડત આપતી એક સ્ત્રીના સંઘર્ષની વાત.

નાયિકાની ત્રણ યુવાનો દ્વારા બળાત્કારનો ભોગ બનેલી દીકરી ગંદા નાળામાં તડપી તડપીને મૃત્યુ પામી. કોર્ટકેસનો દસ વર્ષે નિકાલ આવ્યો.  દરમિયાન મૃત્યુ પામેલા એક અપરાધી પછી બચેલા બેને અદાલતે ફાંસીની સજા ફરમાવી.  નાયિકાને હાશ થઈ કે ચાલો, મોડે મોડે પણ દીકરીને ન્યાય મળ્યો.

પણ એવું થયું નહોતું. ફાંસીની સજા પામેલાં અપરાધીઓનાં સગાં નાયિકાને ઘેર આવીને એની પાસે દયાની ભીખ માંગે છે. તેઓ પોતાની જોડે પંડિત, પત્રકાર. સામાજિક કાર્યકર્તા વગેરેને જોડે લાવીને નાયિકા પર માનસિક દબાણ લાવે છે. “ક્ષમા તમને ટોચ પર બેસાડી દેશે, ક્ષમા તો વીરાંગનાનું ભૂષણ છે.”  જેવાં સુવાક્યો બોલીને તેઓ નાયિકાને ભ્રમજાળમાં ફસાવવાનો પ્રયાસ કરે છે. ફાંસી પામનાર ગુનેગારના પરિવારનું દયનીય ચિત્ર દોરીને નાયિકાનું હ્યદયપરિવર્તન કરાવવાના મરણિયા પ્રયાસો કરે છે.

નાયિકા ક્ષમા આપવાની ઘસીને ના પાડી દે છે. વીલે મોંઢે પેલાં બધાં જતાં રહે પછી અત્યાર સુધી મક્કમ રહેલી એ નાયિકા દુવિધામાં પડી જાય છે, શું કરવું?

નાયિકાના મનોમંથનનું યથાર્થ આલેખન. આ નીવડેલા વાર્તાકારે સ્ત્રીઓ સાથે થતાં અન્યાયો અંગેની અસંખ્ય વાર્તાઓ આપી છે, એમાં આ એકનો વધારો.       

બેવકૂફ (નવનીત જાની)

નામ અને સંપત્તિનો મોહ રાખ્યા વિના સંસારનો ત્યાગ કરનારા એક ઓલિયા માણસનું રેખાચિત્ર.

સામાન્ય માણસની વ્યાખ્યામાં ભીખુ ક્યારેય બંધબેસતો થયો નહોતો. ત્રણ ભાઈઓમાં વચલા ભીખુએ ભણતર પૂરું કર્યું નહીં, કોઈ હુન્નર શીખ્યો નહીં, લગ્ન કરવાની ઈચ્છા રાખી નહીં અને આજીવિકા માટે પતંગ કે કુલ્ફીની ફેરી કરીશ એવું કહ્યું એટલે પિતાએ એને “બેવકૂફ”નો ઈલ્કાબ આપી દઈને માંડી વાળ્યો હતો. પુસ્તકો વાંચીને કોઈ કમાયું નથી તો ભીખુ ક્યાંથી કમાશે? આવા ભાઈની જવાબદારી લેવા નાનામોટા બંને ભાઈઓ નકાર દઈને પોતપોતાના રસ્તે પડી જાય છે.

ઘરમાં સહુ ભેગા હતાં એ દિવસોમાં ભાઈઓ તો ઠીક, માતા પણ જમવાના સમયે જેને ભૂલી જતી એ ભીખુએ સંતવાણી અને ડાયરાના કાર્યક્રમ કરીને એક ગૌશાળાને લાખો રુપિયાનું  દાન એકઠું કરી આપ્યું એવું છાપામાં વાંચ્યા પછી બંને ભાઈઓની દાઢ સણકે છે. ધંધામાં ભીડ અનુભવતા બંને ભાઈઓને થાય છે કે ભીખુ એમનો તારણહાર બની શકે. મોટોભાઈ નાનાભાઈને ભીખુ પાસે મદદ માંગવા મોકલે છે. હાયફાય આશ્રમ હશે, વાતાનુકૂલિત ઓરડાઓ હશે એવી કલ્પનામાં રાચતા નાનકો ભીખુના રહેઠાણે પહોંચીને શું જુએ છે?

ભીખુ ઉબડખાબડ જગ્યામાં પતરાંની ઝૂંપડીમાં રહે છે જ્યાં વીજળીની સગવડ પણ નથી. પોતાનું કામ પોતે કરે છે. ફાનસની અંદર ફસાયેલા જીવડાના ક્ષેમકુશળ ઈચ્છતો ભીખુ નાનકાના પરિવાર માટે સુખડી ભરેલો ડબ્બો આપે એ દર્શાવે છે કે એ પરિવારને ભૂલ્યો નથી. વાર્તાનું શીર્ષક “બેવકૂફ” યથાર્થ છે. ખરો બેવકૂફ કોણ છે?

વાર્તાનું સ્વરુપ આકર્ષક છે. છેવાડાના વિસ્તારમાં બસપ્રવાસ કરી કથક ભીખુનું ઘર શોધી કાઢે છે.  ત્યાં પહોંચતાં મોડું થઈ ગયું હોવાથી રાતવાસો ત્યાં જ કરી સવારે પાછો ફરે છે એ દરમિયાન વાર્તા કહેવાઈ જાય છે. વર્તમાન અને ફ્લેશબેકની પ્રયુક્તિથી વાર્તાની પ્રવાહી અને પ્રભાવી રજૂઆત થઈ છે.  વર્ષની નોંધનીય વાર્તાઓમાંની એક.  

કાર બૂટ સેલ (અનિલ વ્યાસ)

આજના સમયમાં તૂટતાં વિખરાતાં જતા પરિવારોની સાંપ્રત સમસ્યાની વાર્તા.

પ્રેમલગ્ન કર્યા બાદ નોકરીવ્યવસાય નિમિત્તે કૃષ્ણા અને યશવંત ઈંગ્લેન્ડમાં જઈને વસ્યાં છે. ત્રણચાર કિલોમીટરના અંતરે વસતાં બે પુત્રો અને એક પુત્રી એમ ત્રણે સંતાનો પોતપોતાની જિંદગીમાં એટલાં તો વ્યસ્ત થઈ ગયાં છે કે આ દંપતીને જીવનમાં ખાલીપો પીડે છે. અધૂરામાં પૂરું ઘરની એકેએક ચીજ-વસ્તુઓ જોડે સંતાનો શૈશવની સ્મૃતિઓ એમને અજંપો કરાવ્યે રાખે છે. સમયની એવજમાં સંતાનો તરફથી મળેલી મોંઘી મોંઘી ભેટો પણ એમને આશ્વવસ્ત કરવામાં નિષ્ફળ જાય છે.

ઈંગ્લેન્ડમાં એક સ્થળે એવી બજાર ભરાય છે જ્યાં લોકો પોતાનાં ઘરમાંથી બિનજરુરી વસ્તુઓનો નિકાલ કરવા માટે વેચાણમાં મૂકતાં હોય છે. કારની સીટ સીધી કરીને ડિકીનું ઢાંકણું ખુલ્લું મૂકીને આવી વસ્તુઓને તેઓ સજાવતા હોય છે. માટે એને “કાર બૂટ સેલ” કહેવાય છે. ત્યાં ગ્રાહકોને એવી વસ્તુઓ પાણીના ભાવે કે પછી મફતમાં મળી જતી હોય છે. એક દિવસ યશવંત એવી બજારમાં એને અને કૃષ્ણાને પીડતી સ્મૃતિઓ વેચવા નીકળી પડે છે.

ભાવપૂર્ણ રજૂઆત. યુવાનીમાં તેજ સ્વભાવની કૃષ્ણાનું મોટી ઉંમરે શારિરીક રીતે અક્ષમ બની જવું સૂચક છે. હ્મદયસ્પર્શી રજૂઆત. માનવીય સંબધોની લાગણીસભર વાર્તાઓ આપવા માટે વિદેશસ્થિત આ વાર્તાકાર જાણીતા છે. 

લાજ (જેસંગ જાદવ)

જાતિભેદ અને માલિક-નોકરાણી વચ્ચે બનેલી દુર્ઘટનાની વાત.

દોઢસો વીઘાં જમીનના ધણી દિલુભાના પુત્ર જીલુને કહેવાતી નીચલી કોમના ગોવિંદના પુત્ર બચુએ તળાવની પાળે માર્યો. ગામ આખામાં દિલુભાની બદનામી થઈ. વાત સાંભળીને દિલુભાને સર્વાંગે આગ લાગી ગઈ. પણ સાંજે મળેલી બેઠકમાં ગોવિંદની પત્ની રુપાને જોતાંવેંત એમનો ક્રોધ ઢીલો પડવા માંડ્યો.

બેઠકમાં આવેલી રુપાએ સહુ પુરુષોની લાજ કાઢી છે ને એક વાર એની સાથે બનેલી દુર્ઘટના પછી રુપાએ દિલુભાની પણ લાજ રાખી છે. એ રીતે શીર્ષક “લાજ” યથાર્થ બને છે.

લેખકે વાર્તાકારે યોગ્ય ઠેકાણે જરુરી સંકેત મૂક્યાં છે તેથી વાર્તા આસ્વાધ્ય બની છે. તળપદી બોલીનો સરસ પ્રયોગ થયો છે. બચુના પિતૃત્વનો મુદ્દો સંદિગ્ધ રાખી શકાયો હોત તો વાર્તા ફાંકડી બની હોત.

હું અને દૃષ્ટિ (હિરેન દેસાઈ)

દાંપત્યજીવનની ખટમધુરી વાર્તા.

મધ્યમવર્ગીય પરિવારમાં પુરુષની આવક બંધ થઈ જાય અને ઘર ચલાવવાની જવાબદારી પત્ની પર આવી પડે ત્યારે આપણી પિતૃસત્તાક વ્યવસ્થાને કારણે બંનેના સંબંધમાં  સ્વાભાવિકપણે ત્રાણ દાખલ થાય. પુરુષ લઘુતાગ્રંથિનો શિકાર બને અને સ્ત્રી પર  આર્થિક બોજા હેઠળ દબાણ આવે. પરિણામે નાનીમોટી વાતોનાં ખોટાં અર્થઘટન થઈ શકે, એકબીજાની લાગણીઓ સાચવવાનાં પ્રયાસોમાં વિપરીત પણ ઘટી શકે. પ્રસ્તુત વાર્તામાં આ બધી વાતો સરસ રીતે આલેખાઈ છે. અંત મઝાનો થયો છે. નાનકડી પણ મઝાની વાર્તા. સારી રજૂઆત.

 --કિશોર પટેલ, 04-09-23 09:25

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: