Thursday 14 September 2023

અખંડ આનંદ ઓગસ્ટ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

અખંડ આનંદ ઓગસ્ટ ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૫૮૩ શબ્દો)

બાણશય્યા (પદ્મજા વસાવડા)

રુપિયાદાગીના ગૂમ થાય ત્યારે પોતાનાં ઘરમાં પૂરતી તપાસ કર્યા વિના બીજા પર ચોરીનું આળ મૂકવું ના જોઈએ એવો સંદેશો આપવા વાર્તાકારે બે પરિવારનાં કુલ છ સભ્યો, એક દુકાનદાર, એક પોલીસ અધિકારી એમ આઠ પાત્રોને કામે લગાડ્યાં અને એમાંનાં બબ્બે જણનું હાર્ટએટેકથી મૃત્યુ નીપજાવ્યું, આવું કરવામાં  પાત્રોનો એકંદરે પચીસ-ત્રીસ વર્ષનો સમયગાળો ખર્ચી નાખ્યો. શીર્ષક “બાણશય્યા” આ વાર્તા માટે અયોગ્ય છે. આ શબ્દનાં સંકેતો જુદાં છે. એના બદલે “વસવસો” જેવું શીર્ષક ઠીક રહેશે.

વારુ, સાદાં સરળ વિધાનોમાં આશ્ચર્યચિહ્નો, એક વાક્યના છેડે એકસાથે બબ્બે પ્રશ્નાર્થચિહ્નો મૂકવાથી વાર્તાને શું ફાયદો થાય? જવાબઃ કોઈ ફાયદો ના થાય. ઉલ્ટાનું લેખક શિખાઉ છે એવું જાહેર થઈ જાય! વાચક પર કેવી અસર પડે? જવાબઃ વાચકને ત્રાસ થાય.

વણમાગી સલાહઃ આમ વ્યાકરણની હત્યા કરશો નહીં. આપણી ભાષાનાં સૌંદર્યને જાણતાં અને માણતાં શીખો. શબ્દોમાં ઘણી શક્તિ છે, વાચકોની સમજ અસીમિત છે. વાચકોની સમજણનો આપણે આદર કરવો રહ્યો.

બારી (મોના જોશી)

પ્રસ્તુત રચના અવાર્તા છે. અહીં સ્થૂળ રીતે કશું જ બનતું નથી. મહેમાનોની સરભરા જેવા મુદ્દા પર બે પેઢીનાં પ્રતિનિધીઓ વચ્ચે ડિબેટ છે જેમાં પોતાને સ્માર્ટ સમજતી નવી પેઢીને પોતાનો વ્યવહારુ દ્રષ્ટિકોણ સમજાવવામાં જૂની પેઢી સફળ થાય છે. રજૂઆત સંવાદપ્રધાન.   

મેં વિચાર બદલ્યો છે (એમ. ડી. સોલંકી)

આ વાર્તાનું સ્વરુપ રસ પડે એવું છે. ગામડાની બસ તાલુકા મથકે જવા ઉપડે ત્યાંથી શરૂ થયેલી વાર્તા બસ તાલુકે પહોંચે એટલે પૂરી થઈ જાય છે. પ્રવાસ દરમિયાન ત્રણ ત્રાહિત સ્ત્રીઓ વચ્ચેની વાતચીત સાંભળીને પત્ની અંગે નાયકના મનમાં થયેલી ગેરસમજ દૂર થઈ જાય છે.

વાર્તામાં મહદ અંશે નાયકનાં મનોભાવોનું આલેખન થયું છે એ જોતાં રજૂઆત બીજા પુરુષમાં થઈ છે તેનાં બદલે પહેલા પુરુષમાં નાયકના દ્રષ્ટિબિંદુથી થઈ હોત તો વધુ યોગ્ય થાત.

આ માણસથી તો તોબા (રેના સુથાર)

બાળવાર્તાના સ્વરુપમાં બોધકથા.

માણસ પોતાના સ્વાર્થ માટે ગમે તે પ્રાણીનો ભોગ લઈ શકે છે. અંધવિશ્વાસનાં કારણે માણસ મૂંગા પ્રાણીઓનું જીવન દુષ્કર બનાવી દે છે. એક શેઠિયો પોતાનું આયુષ્ય વધારવા કાચબાનાં બચ્ચાંનું અપહરણ કરે છે. એ બચ્ચાંને છોડાવી લાવવા  જંગલનાં પ્રાણીઓ શું કરે છે?

રસપ્રદ વાર્તા. મજેદાર નાટ્યાત્મક રજૂઆત.

મામાનું ઘર (રેણુકા દવે)

ઘરમાં દીકરાનાં લગ્ન પછી પુત્રવધુરુપે એક નવો સભ્ય ઉમેરાતો હોય છે. આવનાર વહુ સાસરે દૂધમાં સાકરની જેમ ભળી જાય તો ઠીક અન્યથા સમસ્યાઓ સર્જાતી હોય છે. મામાનાં ઘરમાં હીના પરણીને આવ્યા પછી ઘરમાં ભળી જવાના બદલે પોતાનો રંગ સહુ પર ચઢાવવા માંડે છે. પરિણામે મોસાળનું સ્નેહભર્યું વાતાવરણ ડહોળાઈ જાય છે, મામા-ફોઈનાં સંતાનો વચ્ચે અંતર પડી જાય છે. બહેનના પિયરનો રસ્તો બંધ થઈ જાય છે. આવી સ્થિતીમાં મામાના મોટા દીકરાની વહુ અમૃતા વિદેશથી પાછી આવીને ઘરનાં સૂત્રો સંભાળી લઈ સ્થિતિ પૂર્વવત બનાવે છે.

આ બોધપ્રધાન વાર્તાની રજૂઆત વર્ણનાત્મક છે. પાર વિનાની સમજૂતીઓ રસક્ષતિ કરે છે. ક્યાંય કોઈ ઘટના લાઈવ થતી જ નથી. વર્ણન, વર્ણન, વર્ણન! ભારે કંટાળાજનક રજૂઆત. આ વાર્તા નહીં વંચાય તો પણ કંઈ ગુમાવવાનું નથી, ઉલ્ટાનું, સંભવિત ત્રાસદાયક અનુભવમાંથી બચી જશો.

લઘુકથાઓ

ગામની આબરુ (રણછોડભાઈ પોંકિયા)

વાવણીની ઋતુમાં પોતપોતાની જમીનમાં સહુ બીજનાં દાણાં રોપતાં હોય ત્યારે શક્તિના અભાવે કોઈ પોતાનાં ખેતરમાં રોપણી કરી ના શકે તો ગામની આબરુ જાય એવી ભાવનાથી કરસનકાકા ગામલોકો પાસે દાણાનો ફાળો એકઠો કરીને એક નિસહાય સ્ત્રીનું ખેતર રોપી આપે છે.

કેન્દ્રવર્તી વિચાર સારો છે પણ લેખક બોધ આપવાનો મોહ જતો કરી શક્યા નથી જે આ લઘુકથાની નબળી બાજુ છે.

પ્રામાણિકતા (અમૃત બાન્ટાઈવાળા)

ભ્રષ્ટાચાર કરનારો ભલે ટૂંક સમયમાં ધન એકઠું કરતો હોય પણ અંતમાં એને સજા જરુર મળે છે અને પ્રામાણિકતાથી ફરજ બજાવનારનું સન્માન થાય છે એવી બોધકથા. સામાન્ય કથા, તદ્દન સાધારણ રજૂઆત.

--કિશોર પટેલ, 14-09-23, 09:03

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: