Monday 9 January 2023

રંગભૂમિના સંસ્મરણો: પ્રકરણ ૨


 

રંગભૂમિના સંસ્મરણો: પ્રકરણ ૨   

(૭૦૦ શબ્દો)

સોહરાબ મોદી જોડે કોન્ટ્રાક્ટ પર નાનકડું એક કામ મેં કર્યું હતું.

૧૯૭૧-૭૨ અથવા ૭૨-૭૩ ની આ વાત છે.

સોહરાબ મોદીની ઉંમર ખાસી થઈ ગયેલી. શરીર ભારેખમ થઈ ગયેલું. જૂની ઓસ્ટીન ગાડી પોતે ડ્રાઈવ કરતા પણ ગાડીમાં બેસવા માટે કે બેઠા હોયને બહાર નીકળવું હોય તો બે માણસોની જરૂર પડતી. એક માણસ કાયમ ગાડીમાં જોડે જ પાછળ બેઠેલો રહેતો. જ્યાં અને જ્યારે પણ બીજા માણસની જરૂર પડે ત્યારે પહેલો માણસ એને શોધી લાવતો. મોદીસાહેબની આંખો નબળી પડી ગયેલી. ગાડી ડ્રાઈવ કરવામાં વાંધો ના આવતો પણ વાંચવામાં તકલીફ થતી. ફિલ્મ કે નાટકની સ્ક્રીપ્ટ વાંચવા માટે ચશ્માં નહીં વાપરવાની હઠ એમણે પકડી રાખેલી. એક હિન્દી નાટકની સ્ક્રીપ્ટની નકલ એમને માટે ખાસ મોટા અક્ષરોમાં કરી આપવાનું કામ મને મળ્યું હતું. એક ફૂલસ્કેપ પેપરમાં આઠ કે દસ લાઈન લખાય એવડી સાઈઝનાં અક્ષરોમાં લખવાનું હતું. પાના દીઠ ત્રણ કે સાડા ત્રણ રૂપિયાનું કોટેશન મેં આપેલું જે એમના મેનેજરે એપ્રુવ કરેલું. એમની ઓફિસમાં ઇઝરાયેલ નામનો એક ચપરાસી હતો. એને સહુ “આરબ કે દુશ્મન!” કહીને બોલાવતા. 

ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ એકાંકીકાર પ્રબોધ જોશી સોહરાબ મોદી માટે એમનાં જ એક નાટકનું હિન્દી રૂપાંતર કરતા હતા. એ દિવસોમાં ગુજરાતી-મરાઠી નાટયકર્મીઓનો અડડો શેરબજારની બાજુની ગલીમાં કોફીહાઉસ ખાતે હતો. પ્રબોધભાઈ એ કોફીહાઉસ પર બેસતા. આસપાસની બેન્કોમાં નોકરી કરતાં નાટ્યકલાકારો બપોરે બે-અઢી-ત્રણ વાગ્યા પછી અહીં આવવા માંડતા. અહીં પ્રવીણ જોશી પણ આવતા અને કાંતિ મડિયા પણ. કલાકારોની આવનજાવન ચાલુ રહેતી. નાટકનું કાસ્ટિંગ અહીંયા થતું. વિના એપોઇન્ટમેન્ટ કોઈને મળવું હોય તો અહીં ફિલ્ડીંગ ભરવાથી મળી શકાતું. સાંજે છની આસપાસ સહુ વિખેરાઈ જતાં, દરેકે પોતપોતાનાં નાટકના રિહર્સલ માટે જુદી જુદી જગ્યાએ જવાનું રહેતું. આ કોફીહાઉસના અડધા માળે (મેઝેનાઈન ફ્લોર) પર પ્રબોધભાઈ માટે એક ટેબલ રિઝર્વ રહેતું. તેઓ ત્યાં જ બેસીને ચા પીતાં પીતાં / ચારમિનાર સિગારેટ ફૂંકતા ફૂંકતા લખતાં, નિર્માતાઓ-દિગ્દર્શકો તેમ જ એકાંકી- સ્પર્ધાઓમાં એકાંકી કરવા ઈચ્છુક કોલેજિયન વિદ્યાર્થીઓ પણ એમને મળવા ત્યાં જ આવતા. કોઈ એમને ડીસ્ટર્બ કરતું નહીં. એમને મળવા ઈચ્છુક હોય એણે ઉપર જઈને દાદરાના ટોચના પગથિયે ઊભા રહીને રાહ જોવાની. પ્રબોધભાઈનું ધ્યાન જાય એટલે સામેથી બોલાવતા.    

મારે ત્યાં જઈને એમની પાસેથી એમણે જેટલાં પાનાં લખ્યાં હોય એ લેવાનાં અને ઘેર જઈને ફૂલસ્કેપ પેપર પર મોટા ટાઈપમાં નકલ કરવાની અને કામ પતે એટલે સોહરાબ મોદીની ઓફિસે સુપ્રત કરવાનાં. એમની ઓફિસ વીટી પાસે ન્યુ એક્સેલસિયરની સામે એક મકાનમાં હતી. વળતાં કોફીહાઉસ પર જઈને પ્રબોધભાઈએ લખેલાં બાકીનાં ફ્રેશ પાનાં લેવાનાં અને ઘેર જઈને મોટા અક્ષરે નકલ કરવાની. એ રીતે કામ લાબું ચાલ્યું. કુલ સિત્તેર કે એંસી પાનાંનું લખાણ થયેલું એટલું યાદ છે. જેટલી વાર મોદીસાહેબ પાસે ગયો એટલી વાર દરેક વખતે મારે મારો પોતાનો intro આપવો પડતો. નામ કહ્યા પછી જ એમને જે તે માણસની લિંક લાગતી. પ્રબોધભાઈ અવ્યવસ્થિત માણસ હતા. ગમે તે કાગળ પર લખતા. બસની ટિકિટની પાછળ પણ લખતા. એક વાર તો કહે છે કે કોફી હાઉસની બિલબુકની પાછળ આખું એકાંકી લખેલું!       

કામ પત્યા પછી મોદીસાહેબે મને બિલ બનાવવાનું કહ્યું.  મેં વચ્ચે કોઈ ઉપાડ કર્યો ન હતો. પાનાં દીઠ ત્રણ કે સાડાત્રણના દરથી લગભગ કંઇક અઢીસો-ત્રણસો રૂપિયા કુલ ટોટલ થયું હતું.

બિલનો આંકડો જોઇને મોદીસાહેબ હસ્યા. “ડીકરા, સું રેટ લગાયવો ચ?”

મેં ધીમેથી કહ્યું, “એક પાનાંના રૂપિયા સાડા ત્રણ.”

મોદી સાહેબે ટેબલ પરથી પેન ઊંચકીને મારા બનાવેલા બિલ પર ચોકડી મારી. પોતે નવું બિલ બનાવ્યું. પેલા ઇઝરાયેલને કહ્યું કે મેનેજર પાસેથી બિલના પૈસા લઈ આવે. મેનેજરે મારી પાસે આવી બિલની પાછળ મારી સહી લીધી અને મારા હાથમાં રૂપિયા સોની આઠ નોટ મૂકી. આઠસો રૂપિયા! ગણતાં ગણતાં હું ગભરાઈ ગયો. મોદીસાહેબ મને જોયા કરતા હતા. મેં કહ્યું, “કંઇક ભૂલ થઈ છે, આટલાં બધાં રૂપિયા?”      

“તારા જ છે, એક પાનાંનો રેટ રૂપિયા દસ લગાયવો ચ.”

ક્યાં સાડા ત્રણ અને ક્યા દસ? માંગ્યા એનાથી ત્રણગણા મળ્યાં!

એ દિવસોમાં નાટક ઓપન થવાનાં દિવસોમાં રિહર્સલ કરતાં કરતાં છેલ્લી ટ્રેન પણ ક્યારેક ચૂકાઈ જતી. એ દિવસોમાં ટેક્સીનું મીટર એંસી પૈસે શરુ થતું. ચોપાટી પર ભારતીય વિદ્યાભવનથી ગોરેગામ સુધીનું ટેક્સી ભાડું થતું લગભગ સાડાનવ કે દસ રૂપિયા. નાટકમાં બેકસ્ટેજ કરવાના શો દીઠ રૂપિયા પંદરનું કવર મને મળતું. ૧૯૭૩ માં મારી ક્લાર્ક તરીકેની સરકારી નોકરીમાં પહેલો પગાર હતો ૨૬૦ રૂપિયા. એટલે રૂપિયા ૮૦૦ ની કિંમત કેટલી થાય એ ગણી લો. 

સોહરાબ મોદી એટલે મારા જીવનમાં મળેલા સૌથી પહેલાં ગુડ પે માસ્ટર. એ પછી બીજા પણ બે ગુડ પે માસ્ટર મળ્યા છે, એ વિષે ફરી ક્યારેક. 

--કિશોર પટેલ, 09-01-23; 16:32

તા.ક. ભાઈ બીરેન કોઠારીની એક પોસ્ટ પર સોહરાબ મોદી વિશે આજે વાત થઈ એના સંદર્ભમાં એમની જોડેના એન્કાઉન્ટર વિષેનો સ્મૃતિલેખ. 

### 

(છબી સૌજન્ય: Google images & Wikipedia)

 

        

No comments: