Monday 16 January 2023

અખંડ આનંદ ડિસેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

અખંડ આનંદ ડિસેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૪૭૬ શબ્દો)

સૂર્યાસ્ત પછીનું અજવાળું (અનુરાધા દેરાસરી):

ઉચ્ચ શિક્ષણ મેળવવા અમેરિકા ગયેલા સૂરજનું ફક્ત દોઢ વર્ષમાં જ આકસ્મિક મૃત્યુ થાય છે. ત્યાં એનો અંતિમવિધિ કરવા ગયેલા એના માતાપિતા જુએ છે કે વિયેતનામ-અમેરિકા યુધ્ધના પરિણામે સર્વસ્વ ગુમાવી બેઠેલી એક સ્ત્રીએ એક અનાથ બાળકીનો ઉછેરી કરીને પોતાના જીવનને હકારાત્મક દિશા આપી છે. પોતે પણ દેશમાં જઈને અનાથ બાળકોનાં કલ્યાણ માટે કામ કરશે એવું નક્કી કરીને તેઓ સ્વદેશ પાછા ફરે છે.  

પોતાનું દુઃખ ભૂલીને અન્યોનું ભલું કરવું જોઈએ એવો બોધ આપતી કથા.

પ્રશ્ન એ છે કે વધુ ભણવા માટે અમેરિકા ગયેલા યુવાને ફક્ત દોઢ વર્ષમાં ત્યાં મિલકત કેવી રીતે વસાવી? એણે છેલ્લા પત્રમાં માબાપને ઉદ્દેશીને લખ્યું છે: “ભણવાનું પૂરું થાય એટલે સારા પગારની નોકરી મેળવી લઈશ અને તમને અહીં બોલાવી લઈશ.” એનું ભણવાનું ક્યારે પત્યું અને એ નોકરીએ ક્યારે લાગ્યો? કંપની એના પીએફની રકમ વારસદાર તરીકે એના માબાપને ચૂકવે છે એ ઠીક, પણ અમેરિકા જેવા દેશમાં ભણવા ગયેલા યુવાને ફ્લેટ ક્યારે અને કેવી રીતે લીધો?

બારી જીવતરની (પ્રફુલ્લ આર. શાહ):

પત્નીના મૃત્યુ પશ્ચાત એક વરિષ્ઠ નાગરિકના સ્વભાવમાં ધરમૂળથી પરિવર્તન આવી જાય છે. તામસી સ્વભાવનો માણસ રાતોરાત સમજુ અને ડાહ્યો થઈ જાય છે. બાળવાર્તા જેવી બોધકથા.

અતાર્કિક વાર્તા. આમ અચાનક કોઈ માણસને ડહાપણ આવી ના જાય. અન્ય કોઈનું જોઇને પોતાને સુધારવાની પ્રેરણા મળે એ હજી સમજાય, પણ રાતોરાત કોઈ ડાહ્યું બની જાય? કે પછી ચમત્કારો આજે પણ બને છે, એવું કંઇક?

પાંજરાપોળ (રામ જાસપુરા):

આજના સમયની કરુણાંતિકા. ખેતીમાં કામ કરીને આખા ઘરની રોજીરોટી મેળવી આપનાર બળદ ઘરડો થાય ત્યારે એનો માલિક એને પાંજરાપોળમાં ના મૂકતાં ઘેર એની સેવા કરે છે. આ જ ખેડૂતને એના ઘડપણમાં એનો દીકરો એને વૃધ્ધાશ્રમમાં મૂકી દે છે.      

માસી (વસંતભાઈ રાજ્યગુરુ):

ગામડાનું ઘર પડતર ના રહે એ માટે વિધવા માસીને રહેવા માટે આપેલું. સમય જતાં એ ગામમાં જમીનના ભાવ ઉંચકાયા એટલે માલિકના દીકરાએ ઘર વેચવાનો સોદો કર્યો. પણ ઘર વેચાતાં માસી નિરાધાર થઈ જશે એવું વિચારી મૂળ માલિકે સોદો રદ કર્યો. કેટલાંક માણસોમાં ખાનદાની હજી આજે પણ સાબૂત છે.  

ઋણાનુબંધ (અલકા ત્રિવેદી):

એક ડોક્ટર અને એના એક દર્દીના અનોખા સ્નેહસંબંધની વાત.

હથેળીમાં (કિરણ વી. મહેતા):

જે ઘરમાં નાયકનું બાળપણ વીત્યું એ ઘર પ્રત્યેની માયા વિષેની વાત.  

લઘુકથાઓ

જિજીવિષા (ગિરા પિનાકિન ભટ્ટ): પ્રતિષ્ઠિત સ્ત્રીલેખકના દીર્ઘ આયુષ્યથી નહીં પણ એમનાં લખાણોથી ત્રાસેલી એમની પુત્રવધુ ઈચ્છે છે કે સાસુ હવે લખતી બંધ થાય.  એવું તે વાંધાજનક એ શું લખતી હતી એના વિષે કોઈ ઈશારો લઘુકથામાં નથી. 

સંચિત કર્મો (નવીન જોશી): અનીતિના માર્ગે ચાલનારને મૃત્યુ પછી નરક ભોગવવું પડે છે એવો સંદેશ આપતી લઘુકથા. 

ડંખ (નસીમ મહુવાકર): પગમાં પહેરવાના જોડા નવા હોય ત્યારે ડંખે પણ ખરા. સમયાંતરે પગ અને જોડા બંને એકબીજાને અનુકૂળ થઈ જતાં હોય છે. આ વાતનો મર્મ સમજી લઈને નાયિકા પોતાના પતિ વિષેની પિતાને ફરિયાદ કરવાનું માંડી વાળે છે. ચોટદાર લઘુકથા.    

--કિશોર પટેલ, 17-01-23; 09:53

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

No comments: