Wednesday 6 July 2022

મમતા જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

મમતા જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૦૪ શબ્દો)

લીલિયો (હસમુખ કે.રાવલ):

પ્રયોગાત્મક વાર્તા. આ વાર્તામાં એક કરતાં વધુ કથક પાસે વાર્તા કહેવડાવવાનો પ્રયોગ થયો છે. વાત છે લીલિયા નામના એક છોકરાની. લીલિયો અસામાન્ય છોકરો છે. એને ભણવામાં રસ નથી.  પિતાના નિયંત્રણ વિના એ ગામડે મોટો થયો છે, એને ગામડાનું વાતાવરણ, ગામડાની રમતો ગમે છે.  લીલિયાને અચાનક ગામડું છોડાવી શહેરની સ્કુલમાં દાખલ કરાવાય છે. એની સાથે બેસીને સંવાદ કરવાની એના પિતા પાસે ફુરસદ નથી અને માતા પાસે આવડત નથી. અમુક છોકરાઓ ઘર છોડીને કેમ ભાગી જાય છે તેનું રહસ્ય આ વાર્તામાંથી કદાચ મળી આવે.

બાળઉછેર વિષે એક વિધાન કરતી સરસ વાર્તા. 

અસલામતી (સ્વાતિ મહેતા):

જે આદમી જોડે લગ્ન કરવાનું નકાર્યું હતું એના એક માર્ગ-અકસ્માતમાં થયેલા મૃત્યુના સમાચાર વાંચી નાયિકા અસલામતી અનુભવે છે. પોતાનો પતિ પણ હાલ પ્રવાસમાં છે,  એને કંઈ થઈ ગયું તો? આ ઘટના નિમિત્તે સમાજમાં કન્યાઓ માટે પસંદગીની સીમિત તકો અંગે લેખકે એક વિધાન કર્યું છે. શિક્ષણના ભોગે પણ દીકરીઓને પરણાવી દેવા ઉતાવળિયા માતા-પિતા ઉપર લેખકે એક કટાક્ષ કર્યો છે.

રેલ્વેલાઈન (સંદીપ પાલનપુરી ‘અન્ય’):

આર્થિક અને માનસિક બંને પ્રકારની ગરીબીથી પીડાતાં અભાવગ્રસ્ત લોકોની વાત.

ભીખીબા (અર્જુનસિંહ રાઉલજી):

ઘરની વડીલ વિધવા નણંદ નાળિયેર જેવી બહારથી સખત અને અંદરખાને કોમળ હ્રદયની છે. વહુની એક કિડની ફેઈલ થઈ ગઈ છે એ વાતને છેક અંત સુધી ગુપ્ત રખાઈ છે. આવી ગંભીર સમસ્યાના સંકેત વાર્તાના આરંભમાં અથવા નેરેશનમાં ક્યાંક આપવા જોઈએ.  છેક અંતમાં ચમત્કૃતિ આપવા નણંદનું કોમળ પાસું બતાવવું તાલમેલિયું લાગે છે.   

કાપ્યો છે..! (સંજય થોરાત ‘સ્વજન’):

આ રચના વાર્તા નથી પણ પ્રસંગકથા છે. મુગ્ધ વયની કન્યાઓ જોડે લવજેહાદની ઘટનાઓ કેવી રીતે બનતી હોય છે તેના એક ઉદાહરણરૂપ ઘટનાનું વર્ણન છે.  

ધુમ્મસ (પ્રફુલ આર.શાહ):

કાલબાહ્ય વાર્તા. સિત્તેર-એંસી વર્ષ પહેલાંના સમયમાં કોઈ કન્યા કુંવારી માતા બનવાની હોય એવા સંકટસમયે કોઈક ત્રાહિત યુવાન લગ્ન કરીને એની ઈજ્જત બચાવી લેતો હોય એવી જરીપુરાણી વાર્તા.  

નિરાશ્રિત (નટવર હેડાઉ):

દેશની યુદ્ધગ્રસ્ત સરહદ પરથી જ્યારે મોટી સંખ્યામાં લોકોએ હિજરત કરવી પડે ત્યારે તેઓ મૂળ સમેત ઊખડી જતાં હોય છે. એ જ રીતે કોઈ સરકારી પ્રકલ્પ માટે એકાદું ગામ ખાલી કરાવીને જમીનનું સંપાદન કરવામાં આવે ત્યારે પણ આવી જ સમસ્યા ઊભી થતી હોય છે. આવા સમયે કોઈ એકલદોકલ વ્યક્તિની તકલીફ ગણતરીમાં લેવાતી નથી. કચ્છમાં સૌર ઊર્જાનો પ્લાન્ટ નાખવા એક ગામડું સરકારે ખાલી કરાવ્યું એ અને હાલના ભૂતકાળના જર્મની-સીરિયા વચ્ચેના યુધ્ધ એમ બે કારણોના પગલે ઊભી થયેલી નિરાશ્રીતોની સમસ્યાની સમાંતર તપાસ આ વાર્તામાં થઈ છે.

એક ફરીદા નામની સ્ત્રીની કરુણ કથાને અહીં વાચા મળી છે. આઝાદી સમયે દેશના ભાગલા પડયા ત્યારે અને હાલમાં આ પ્રકલ્પ નિમિત્તે ફરીદા બીજી વાર નિરાશ્રિત બની છે. 

આ લેખક ગાંધીનગરમાં બેસીને ક્યારેક કાશ્મીરમાં આતંકવાદની સમસ્યા પર તો ક્યારેક આસામના કોઈ ગામડાના વરિષ્ઠ નાગરિકની સમસ્યા પર વાર્તા લખે છે. આ વાર્તા તો છેક જર્મની-સીરિયાના યુદ્ધના પરિણામસ્વરૂપ નિરાશ્રીતોની સમસ્યાની તપાસ કરે છે. મમતા વાર્તામાસિકના તંત્રીએ નોંધ્યું છે એમ ખરેખર, આ લેખકના થયેલા અણધાર્યા અવસાનથી ગુજરાતી સાહિત્યને મોટી ખોટ પડી છે.     

--કિશોર પટેલ; 07-07-22; 09:27

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

### 

No comments: