Sunday 3 July 2022

પરબ જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

પરબ જૂન ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૬૭૨ શબ્દો)

ઘણાં સમય બાદ પરબના એક અંકમાં ચાર ચાર વાર્તાઓ જોવા મળી. આનંદની વાત એ છે કે આ ચારે વાર્તાઓ નોંધવાલાયક બની છે. 

૩૦, ડ્રાયડન (વીનેશ અંતાણી):

ઘર જોડેની લેણાદેણી.

વાર્તા કહેવાય તો છે પ્રથમ પુરુષ એકવચન કથનશૈલીમાં અને કથકના જ પોઈન્ટ ઓફ વ્યુથી પણ કહાણી છે અસલમાં અન્ય એક પાત્રની. નોકરી નિમિત્તે યુ.કે. ગયેલો કથક ત્યાંના એક શહેરમાં જે ઘર ભાડે રાખે છે એમાં થોડુંક સમારકામ કરવું પડે એમ છે. જર્મનીમાં રહેતો ઘરનો માલિક ક્રિસ્ટોફર પોતે એ સમારકામ કરવા આવે છે. સમારકામ ચાલે એટલા એક અઠવાડિયા દરમિયાન કથક અને ક્રિસ્ટોફર વચ્ચે એવી કોઈ ખુલાસાવાર વાતચીત થતી નથી. બંને વચ્ચે જે કોઈ અલ્પ સંવાદોની આપલે થાય એના પરથી ભાવક આકલન કરી શકે છે કે પોતે વસાવેલા અને પોતાના હાથે સજાવેલા ઘરને ક્રિસ્ટોફર ખૂબ ચાહે છે. પોતાના ઘરને અન્ય કોઈ સ્પર્શ કરે એ વાત એનાથી સહન થતી ન હતી એટલે ઘર કોઈને ભાડે આપવા લાંબા સમય સુધી એ તૈયાર ન હતો. એ જાણે છે કે ઘરે એને ઘણું આપ્યું છે પણ બદલામાં પોતે ઘરને કશું આપી શક્યો નથી. એ ઈચ્છે છે કે કથક અને એની પત્ની બંને મળીને એના ઘરને એ આપે જે એ પોતે નથી આપી શક્યો.

ક્રિસ્ટોફર જેવા સંવેદનશીલ માણસો ઘરને સ્વજન જેટલો પ્રેમ કરતાં હોય છે, ઘર જેવી સ્થૂળ અને નિર્જીવ વસ્તુને પણ સજીવન કરી દેતાં હોય છે, એને એક વ્યક્તિત્વ આપતાં હોય છે. ક્રિસ્ટોફરનું પાત્રાલેખન ઉત્તમ થયું છે.

આ લેખકના નામ જોડે જાગતી અપેક્ષાઓને પૂર્ણપણે સંતોષતી સરસ વાર્તા.     

વિસ્પરિંગ પામથી ગુલમ્હોર હેવન (સ્વાતિ મહેતા):

એક વરિષ્ઠ નાગરિકની વાત. જિંદગીનો બીજો દાવ શરુ થાય એ પહેલાં જ વિઘ્ન.

નિવૃત્તિના વર્ષ-દોઢ વર્ષ પહેલાં જ હરિહર પંડયા વિધુર બન્યા. પત્ની વિના હરિહરને ગોઠતું નથી. પત્નીની સ્મૃતિ સતાવે નહીં એવા વિચારે ઘર બદલી નાખ્યું. નવા પરિવેશમાં સેટ થઈ રહ્યા હતા ત્યાં સ્વભાવે પ્રગતિશીલ જણાતી તારા નામની એક નિવૃત્ત સ્ત્રીનો પરિચય થયો. એમના આ સંબંધને વિકસવાની તક મળે એ પહેલાં જ તારાને પક્ષાઘાતનો હુમલો આવે છે.

હરિહર મોર્નિંગ વોકમાં જતા એ ગાર્ડન, ગાર્ડનના પ્રસંગો, બસસ્ટોપ પર હરિહરને હાથ બતાવી બસ પકડી લેતી પતંગિયા જેવી એક છોકરી, પોલો પીપરમેન્ટ કે એલચી ઓફર કરતી તારા વગેરે દ્રશ્યો મઝાનાં બન્યાં છે. તારા અને એની દીકરી સલોની એમ બંનેનું ઓછા શબ્દોમાં સરસ પાત્રાલેખન ઊભું થાય છે.

વાચનક્ષમ વાર્તા.      

હજુ નથી સમજાયું...આ બધું શું થઈ રહ્યું છે! (બ્રિજેશ પંચાલ):

ઘણી વાર માણસ મનમાં હોય એનાથી વિપરીત વર્તન કરતો હોય છે. અહીં એક માણસ નહીં, એક દંપતી આ રીતે વિપરીત વર્તન કરે છે. છૂટાછેડા લેવાનું નક્કી કરીને બેઠેલું આ દંપતી હકીકતમાં છૂટું પડી શકે એમ નથી. બંને વચ્ચે લાગણીઓના તંતુઓ હજી અકબંધ જોડાયેલાં છે, ફક્ત એટલું જ કે બંને ખુલ્લેઆમ કબૂલ કરતાં નથી કે છૂટાછેડા કેન્સલ. થોડાંક સમયથી જુદાં રહેવા માંડેલા આ બે જણ છૂટા પડવાની કાર્યવાહીના બહાને હાલમાં જોડે જ રહે છે!

વાર્તામાં ક્યાંય સ્પષ્ટ જણાવ્યા વિના ભાવકને આ દંપતી વચ્ચેના અતૂટ બંધનનો ખ્યાલ આવી જાય છે, સરસ વાર્તા.

કહેવાની વાત વિપરીત રીતે કરવી એ પણ એક વિશિષ્ટ કળા છે, આ વાર્તા સાથે બ્રિજેશ પંચાલ વાર્તાકાર તરીકે ઉપલા ધોરણમાં જાય છે,   

જોડા (રામ સોલંકી):

શહેરોમાં હોય કે નહીં પણ ગામડાંઓમાં સંયુક્ત કુટુંબવ્યવસ્થા હજી સાબૂત છે અને સાબૂત છે હજી પણ સાસુવહુના કંકાસ-કજિયા. પ્રસ્તુત વાર્તામાં કાનજીના લગ્નના ફક્ત એક જ વર્ષમાં વહુ અને સાસુ વચ્ચે કંકાસ એટલો બધો વધી ગયો કે કાનજી લીલાને એને પિયર મૂકી આવ્યો. વરસ-દોઢ વરસમાં તો વાત ફારગતી સુધી પહોંચી ગઈ. ન્યાતની મિટિંગના દિવસે એક આગેવાનને ખ્યાલ આવે છે કે કાનજી-લીલા બંનેને એકબીજા માટે લાગણી છે પણ કાનજીની માતાના કારણે બંને એક થઈ શકતાં નથી. આમ સમયસર ખુલાસો થઇ જતાં ફારગતી ટળી જાય છે અને કાનજી-લીલા ફરીથી એક થાય છે.

વાર્તાનાં સ્વરૂપ અને સામગ્રી બંને પારંપારિક છે પણ આલેખન ચુસ્ત અને અસરકારક છે. કાનજી અને લીલા બંનેનો એકબીજા માટેનો ઝુરાપો સરસ વ્યક્ત થયો છે. અંત હ્રદયસ્પર્શી બન્યો છે. તળપદી બોલીનો સરસ પ્રયોગ.

 ચાર ચાર સુંદર વાર્તાઓ એક અંકમાં રજૂ કરવા બદલ પરબની ટીમનો આભાર અને અભિનંદન!

---કિશોર પટેલ, 04-07-22; 09:03

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

# આ લખનારની વાર્તાઓ અને અન્ય અભ્યાસાત્મક નોંધો વાંચવા માટે ક્લિક કરો: www.keyshor.blogspot.com

###

        


No comments: