Friday 10 December 2021

ચિત્રલેખા દીપોત્સવી અંક ૨૦૨૧ની વાર્તાઓ વિષે નોંધ




 

ચિત્રલેખા દીપોત્સવી અંક ૨૦૨૧ની વાર્તાઓ વિષે નોંધ

 

(૮૮૧ શબ્દો)

રોઝડાં (કેશુભાઈ દેસાઈ):

રોઝડાં એટલે ખેતરમાં નુકસાન કરતાં રાની પશુઓ. વિદેશમાં સ્થાયી થયેલા દશરથભાઈના મનમાં માતૃભૂમિનું ઋણ ફેડવાની તમન્ના છે. બાપીકી જમીનનો એક ટુકડો ગામવાસીઓની સુવિધા માટે વિદ્યાલય બનાવવા દાન કરવો છે પણ ખબર પડે છે કે એ જમીનનો એ ટુકડો તો ભાગિયાઓ હડપ કરી ગયાં છે! આમ વાર્તાનું શીર્ષક અહીં સાર્થક થાય છે. ભાગિયાનો હક્ક ડૂબાડવા જેવા સામાજિક દૂષણ પર લેખકે પ્રકાશ પાડ્યો છે. જૂનો વિષય, પરંપરાગત રજૂઆત.       

પારકું ધાવણ (મયુર પટેલ):

હ્યુમન મિલ્ક બેંક વિભાવના અંગે સત્યઘટના પર આધારિત વાર્તા. જન્મ સમયે બાળક આરોગ્યવિષયક કટોકટીમાં સપડાયું હોય ત્યારે એની જન્મદાતા એને સ્તનપાન કરાવી શકતી નથી. એ જ રીતે ક્યારેક પ્રસૂતિ દરમિયાન માતા પોતે આરોગ્યવિષયક કટોકટીમાં સપડાય ત્યારે નવજાત શિશુ માતાના ધાવણથી વંચિત રહી જાય છે. આવા સમયે માનવીય દૂધબેંક ઉપયોગમાં આવે છે. આ વિભાવના આપણે ત્યાં અન્ય સ્વરૂપે પહેલાં પણ હતી, પદ્ધતિસરની આવી વ્યવસ્થા વિદેશમાં અમલી બની પછી આપણા દેશમાં પણ આવી છે. સુરત નજીક બનેલી એક સત્યઘટના પરથી આ વાર્તા રચાઇ છે. લેખકે પાત્રો અને પરિસ્થિતિની યોગ્ય પસંદગી કરીને વાર્તા જીવંત બનાવી છે. દક્ષિણ ગુજરાતની તળપદી બોલીનો સારો પ્રયોગ થયો છે. સમાજપ્રબોધન માટે આવી વાર્તાઓ પણ લખાવી-વંચાવી જોઈએ.       

ગિફ્ટ (ગિરિમા ઘારેખાન):

અસત પર સતનો વિજય. એક ચોરના માનસિક સંઘર્ષની વાત. લાંબા અંતરની રાતની બસોમાં વચ્ચે આવતાં વિરામ સમયે હાથફેરો કરી લેતા એક ચોરની વાત. એક મોંઘામાંની ઢીંગલી અને રૂડુંરૂપાળું ફ્રોક આ ચોરને હાથ લાગ્યું છે. એક તરફ પોતાની દીકરી ખુશ થઇને તાવમાંથી સાજીસમી બેઠી થઇ જશે એવી આ ચોરને લાલચ થઇ આવી છે. બીજી તરફ દૂરદેશાવર ખેડીને સ્વદેશમાં  દીકરી માટે ફ્રોક અને ઢીંગલી મોકલતી એક માતાની હ્રદયસ્પર્શી ચિઠ્ઠી વાંચી ચોર અવઢવમાં પડ્યો છે. ચોરી પચી જાય એમ છે, કોઇ પૂછવાવાળું નથી. શું કરવું? લેખકે સરસ વાર્તાક્ષણ પકડી છે. ચોરના માનસિક સંઘર્ષનું અસરકારક આલેખન, સરસ રજૂઆત, સરસ વાર્તા.    

એક અજાણ્યો માણસ (નમ્રતા દેસાઈ):

ગેરસમજની વાત. સામાન્ય રીતે આપણે બીજાં માણસો વિષે એના રંગરૂપ અને રહેણીકરણી પરથી અભિપ્રાય બાંધી લેતાં હોઈએ છીએ. હકીકત કંઇક બીજી પણ હોઈ શકે છે. વાર્તામાં બે મુખ્ય પાત્ર છે. શહેરના એકાંત વિસ્તારમાં સોસાયટીમાં આખો દિવસ એકલી રહેતી એક ગૃહિણી અને પાડોશમાં કદરૂપા દેખાવનો એક પુરુષ. એ પુરુષ સતત આ ગૃહિણીનો પીછો કરતો હોય એવું જણાય છે. સ્વાભાવિક રીતે નાયિકા આ વાતથી ચિંતિત છે, એનાથી આતંકિત થયેલી છે. અંતની ચમત્કૃતિ અનપેક્ષિત છે. વાર્તામાં નાયિકા મનોવ્યાપારનું આલેખન સરસ થયું છે, અસરકારક રજૂઆત.     

ચાલને મનવા પેલે પાર (સુષમા શેઠ):

નારીચેતના વિષયની વાર્તા.  ત્રણ દુઃખી સ્ત્રીઓની જિંદગીનો તુલનાત્મક અભ્યાસ આ વાર્તામાં થયો છે.  એક ગંગા છે જેનો પતિ એની જોડે દુર્વ્યવહાર કરે છે. બીજી એક વિધવા અને ગરીબ જમની છે જે ભૂખ્યાડાંસ પુરુષોની મેલી નજરથી આતંકિત છે.  ત્રીજી એક અપંગ સરસ્વતી છે જેને ધનદૌલતની કમી નથી પણ એનો પતિ સ્વૈરાચારી છે. આ ત્રણે સ્ત્રીઓ એક દિવસ નિર્ણય પર આવે છે કે ઈનફ ઈઝ ઈનફ.  વિષયવસ્તુ સરસ. રજૂઆતમાં ભાષા અલંકારિક છે જેની કદાચ જરૂર ન હતી. વાર્તામાં નિરૂપિત વાસ્તવ એટલું શક્તિશાળી છે કે એને વધારાનાં આભૂષણોની જરૂર નથી.     

ટ્રુ વિઝન (અજય ઓઝા):

સાયન્સ ફિક્શન વાર્તા. બીજા પુરષ બહુવચન શૈલીમાં કહેવાયેલી વાર્તા. વાર્તાનો નાયક એક એવી એપ બનાવે છે જે સત્ય-અસત્યની કસોટી કરે છે. એટલું જ નહીં, અસત્યની પાછળનું સત્ય પણ જાહેર કરી શકે છે.  અનોખો વિષય, પ્રભાવી રજૂઆત.

બીજા પુરુષ કથનશૈલીમાં દરેક વાક્યના છેડે જેને ઉદ્દેશીને વાર્તા કહેવાતી હોય એનું નામ ઉચ્ચારવું એવો કોઇ નિયમ નથી. ગુજરાત સમાચારના કટારલેખક સ્વ. નસીર ઈસમાઈલીએ આવી ઢબ વિકસાવી હતી જેની નકલ કેટલાંક લેખકો કરતા આવ્યા છે.  આ રીતે વારંવાર સંબોધન કરવાથી શો હેતુ સધાય છે એ અકળ છે.     

હું તો... (સ્વાતિ નાયક):

તબીબી વ્યવસાય અને સામાજિક કાર્યમાં ગળાડૂબ રહેતાં માતાપિતાની દીકરી એકલતા અનુભવે છે. દીકરી વિષે માતા જેટલું જાણે છે તેનાથી વધુ પાડોશણ જાણે છે. માવતરનું ધ્યાન ખેંચવા દીકરી પોતાનું અપહરણ થયાનું નાટક કરે છે. માતાપિતાને એ પૂછે છે: “હું અનાથ પણ નથી અને પેશન્ટ પણ નથી. મને તમારા સમયનો એક ટુકડો મળી શકશે?” વાર્તાકાર એક વિધાન કરે છે કે  બાળકોની જરૂરિયાતો કેવળ પૈસા ખરચીને નિભાવી શકાતી નથી, એના માટે ગુણવત્તાસભર સમય ફાળવવાનો હોય છે.  જૂનો વિષય, પરંપરાગત રજૂઆત. સારી વાર્તા.  

ડોબી (વર્ષા તન્ના):

પ્રેમકથા. જેને સાચા પ્રેમની પરખ નથી એવા એક પુરુષને પ્રેમાળ પત્ની મળી છે. કમનસીબે પતિને પત્નીની કદર નથી.  તાલમેલિયા પ્રસંગો. ફિલ્મી અંત. સામાન્ય રજૂઆત.    

ભરડિયું (દીના રાયચુરા):

બનાવટી લગ્ન કરાવી વાંઢાઓને લૂંટી લેતી ગેંગમાં દીકરીને સામેલ કરવી કે હાડકાં તૂટી જાય એવી મજૂરી કરીને જન્મારો કાઢવો? પંદર વર્ષની કુમળી દીકરીની માતા ભારે સંઘર્ષમાં સપડાઇ છે. કારમી ગરીબી અને લુચ્ચા બેજવાબદાર પુરુષો વચ્ચે ભીંસાતી એક સ્ત્રીની કરુણ કહાણી. વાર્તામાં નાયિકાના સંઘર્ષનું આલેખન સારું થયું છે. બાંધકામમાં સિમેન્ટ-રેતી-પાણીનું મિશ્રણ કરતું ભરડિયું અહીં નાયિકાની મન:સ્થિતિનું પ્રતિક બન્યું છે.  સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા એક હિસ્સાની કડવી પણ વાસ્તવિક રજૂઆત.    

લાડી મળે પણ વાડી ના મળે (રઈશ મણિયાર):

લગ્નની વાડીઓનાં એકસરખાં નામના કારણે થયેલા ગોસમોટાળાની હાસ્યવાર્તા. બે મિત્રો ભૂલભૂલમાં જ કોઇ ભળતા જ લગ્નપ્રસંગમાં જમણવારની જયાફત ઉડાવી આવ્યા!    

મંત્રીશ્રીની ખીચડી (મન્નુ શેખચલ્લી):

મંત્રીશ્રીના પત્નીએ પતિને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું પણ એનાથી મોટું સરપ્રાઈઝ શહેરના ટ્રાફિક વિભાગે મંત્રીશ્રીને આપ્યું! રહસ્ય સારું જળવાયું છે. સરસ હાસ્યવાર્તા!  

ગલતી સે મિસ્ટેક (કિશોર પટેલ):

એક શનિવારની સવારે વાર્તાના નાયક ગિરીશને પરલોક લઇ જવા યમદૂત આવ્યો છે. એની જોડે જવા ગિરીશ તૈયાર છે. પણ છેલ્લી ઘડીએ યમદૂતને યાદ આવે છે કે શનિવારે તો એને રજા હોય છે! યમદૂત કહે છે, “જા ગિરીશ, જીવી લે છેલ્લાં ચોવીસ કલાકની તારી જિંદગી!” ગિરીશ પોતાની જિંદગીના છેલ્લા ચોવીસ કલાક કઇ રીતે વીતાવે છે એની વાર્તા. પોતાની જ વાર્તા વિષે આ લખનાર વધુ કંઇ કહે એ અનુચિત ગણાશે. મિત્રોને વિનંતી છે કે આ વાર્તા જો વાંચી હોય તો એના વિષે પોતાની ટિપ્પણી નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવે.

--કિશોર પટેલ, 11-12-21; 09:15

### 

No comments: