Tuesday 9 November 2021

એક વાર્તા એકથી વધુ સામયિકમાં

 

એક વાર્તા એકથી વધુ સામયિકમાં

 

થોડાંક સમયથી અગ્રણી સામયિકોમાં પ્રગટ થતી ટૂંકી વાર્તાઓ વાંચવાનું નિયમિત થાય છે. સામયિકો આગ્રહ રાખે કે વાર્તા અપ્રકાશિત હોય એ બિલકુલ વ્યાજબી છે. આમ છતાં ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક વાર્તાઓ એક સામયિકમાં પ્રગટ થયાં બાદ અન્યત્ર પણ પ્રગટ થાય છે.

પ્રસ્તુત છે એક યાદી:

૧. કેશુભાઇ દેસાઇની વાર્તા “ઓમલેટ” મમતા ફેબ્રુ ૨૦૨૦ માં પ્રગટ થયા બાદ જલારામદીપમાં  ફેબ્રુ-માર્ચ ૨૦૨૦ માં પણ પ્રગટ થઇ.

૨. પન્ના ત્રિવેદીની વાર્તા “વાર્તા બનતી નથી” નવનીત સમર્પણ ડિસેમ્બર ૨૦૧૯ અંકમાં પ્રગટ થઇ એ પછી જલારામદીપ ઓકટોબર ૨૦૨૦ દિવાળી અંક-૧માં પણ પ્રગટ થઇ.   

૩. હમણાં એક જુદાં જ કારણથી ચર્ચામાં રહેલી  નટવર હેડાઉની વાર્તા “ઓછાયો” પહેલી વાર મમતા, જૂન ૨૦૨૧ અંકમાં પ્રગટ થઇ અને પછી બીજી વાર પ્રગટ થઇ પરબ ઓક્ટોબર ૨૦૨૧અંકમાં.

૪. બાદલ પંચાલની વાર્તા “એક પછી એક” તો ત્રણ ત્રણ ઠેકાણે પ્રગટ થઇ છે! મુંબઈ સમાચાર વાર્તા-સ્પર્ધામાં સહુ પ્રથમ પ્રસિદ્ધ થઇ ૨૨ મે ૨૦૧૮ ના રોજ દૈનિક અખબારમાં. એ પછી બીજી વાર નવનીત સમર્પણ એપ્રિલ ૨૦૧૯ અંકમાં અને ત્રીજી વાર પ્રગટ થઇ જલારામદીપ મે ૨૦૧૯ અંકમાં. 

૫. સહુથી અલગ કિસ્સો છે કિરણ વી. મહેતાની વાર્તા “વરસાદ અને વિમાન” નો. આ વાર્તા પહેલી વાર જલારામદીપ ઓગસ્ટ ૨૦૧૯ અંકમાં પ્રગટ થઇ એ પછી છેક સોળ મહિના બાદ કપડાં બદલીને એટલે કે શીર્ષક બદલીને “અપલક આંખે” હેઠળ પ્રગટ થઇ મુંબઇ સમાચાર દીપોત્સવી અંક ઇ.સ.૨૦૨૦ માં! 

આવું કેમ થયું હશે?

૧.લેખકે ભૂલમાં / સરતચૂકથી / હેતુસર એકથી વધુ સામયિકમાં વાર્તા મોકલી હોય.

૨.પ્રસિદ્ધિ અર્થે સામયિકમાં વાર્તા મોકલ્યા બાદ સામયિક તરફથી વ્યાજબી સમયમાં સ્વીકાર/અસ્વીકારનો ઉત્તર ના મળે ત્યારે લેખક એ જ વાર્તાને અન્યત્ર મોકલતા હોય છે. એવું બને કે પછીથી બંને સામયિકમાં વાર્તાઓ સ્વીકૃતિ પામે અને પ્રગટ થઇ જાય! કોઈના ધ્યાનમાં આવે તો લેખક પર બબ્બે જગ્યાએ વાર્તા છપાવ્યાનો આરોપ મૂકાય!

આદર્શ સ્થિતિ એ હોઈ શકે કે સર્વે સામયિકો સ્વીકાર/અસ્વીકાર અંગેનો ઉત્તર સમયસર આપે. એક મહિનામાં કે વધુમાં વધુ બે મહિનામાં ઉત્તર મળી જાય તો અસ્વીકારની સ્થિતિમાં  લેખક પોતાની વાર્તા અન્યત્ર મોકલી શકે.

સામયિક દ્વારા નિર્ણય લેવામાં મોડું થાય તો લેખકને પૂછી લેવું જોઈએ કે વાર્તા અન્ય ઠેકાણે મોકલી તો નથી ને?

બબ્બે ઠેકાણે વાર્તા મોકલી હોય અને એક જગ્યાએ પ્રગટ થાય ત્યારે લેખકે તાબડતોબ બીજી જગ્યાએ જાણ કરવી જોઈએ કે આ વાર્તા છાપતા નહીં, ઓલરેડી પ્રગટ થઇ ગઈ છે.

કાં તો પછી એક નીતિ નક્કી કરવામાં આવે કે ચોક્કસ સમયમર્યાદામાં (એક અથવા બે મહિના) ઉત્તર ના મળે તો લેખક સમજી લે કે વાર્તાનો અસ્વીકાર થયો છે. કુમાર અને બુદ્ધિપ્રકાશ બંને સામયિકે આવી નીતિ અપનાવી છે. એમના જાહેરનામામાં તેઓ આવું લખે છે. અન્ય સામયિકો પણ એમને અનુસરે એવી આશા રાખીએ.

બીજી વાત: એક જ સામયિકમાં એક જ વાર્તા એકથી વધુ વાર પ્રસિદ્ધ થઇ હોય એવું પણ બન્યું છે.

૧. પારુલ ખખ્ખર: ‘સેવા’ મમતા વાર્તામાસિકમાં જાન્યુઆરી ૨૦૧૯ અને એપ્રિલ ૨૦૧૯. 

૨. કિશોર પટેલ: ‘સંશય’  મમતા વાર્તામાસિકમાં એપ્રિલ ૨૦૧૪ અને જુલાઇ ૨૦૧૫.

આવા કિસ્સામાં મોટે ભાગે સામયિકોની તાંત્રિક ભૂલ થતી હોય છે. આ બાબતમાં વધુ ચર્ચાને અવકાશ નથી. 

મિત્રોની રચનાત્મક ટિપ્પણીઓ આવકાર્ય.

--કિશોર પટેલ;10-11-21 05:24

(સંલગ્ન છબી સૌજન્ય: ગૂગલ ઈમેજીસ.)

તા.ક. વિષય-વસ્તુ-પાત્રો-પ્લોટ-અંતમાં ચોંકાવનારું સામ્ય ધરાવતી બે વાર્તાઓ વિષે નોંધ ટૂંક સમયમાં!

###   


No comments: