Sunday 2 May 2021

મમતા એપ્રિલ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે


 

મમતા એપ્રિલ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

(૬૬૩ શબ્દો)

પૌરાણિક પાત્રોની વાર્તાઓના વિશેષાંક ક્રમાંક ૨ ના અતિથી સંપાદક છે નીલમ દોશી.  

શિખંડી (પ્રફુલ્લ કાનાબાર): મહાભારતમાંના શિખંડી અને આ વાર્તાના નાયક નવેન્દુનાં પાત્રોની વેદના ભલે સરખી હોય, બદલો લેવાની બંનેની રીત જુદી જુદી છે. અંતની ચમત્કૃતિ અપેક્ષિત હતી છતાં સારી લાગે છે. મહાભારતના પાત્રો વિશેની વેબસિરીઝની કલ્પના સારી છે. નવેન્દુની અસલિયત વિષે વાર્તામાં એકાદ-બે સંકેત મોઘમ રીતે મૂક્યાં હોત તો વધુ સારું રહેત.  

મંદોદરી (પ્રજ્ઞા વશી): મંદોદરી જેવી પત્ની હોવાં છતાં રાવણે સીતાનું હરણ કરેલું એમ રસિક શાહ પોતાની પત્ની લજ્જાને બંગલામાં કેદ કરીને રાખે છે અને બજારુ સ્ત્રીઓને બંગલામાં લાવી આંનદપ્રમોદ કરે છે. વાર્તામાં લાગણીઓનો ઓવરડોઝ છે.     

લીલા (દુર્ગેશ ઓઝા): ગામમાં ભજવાતી રામલીલામાં રાવણની ભૂમિકામાં રાઘવ જીવ રેડીને અભિનય કરે છે પણ પ્રેક્ષકો કેવળ રામની ભૂમિકા ભજવતા અક્ષયની પ્રસંશા કરે છે. એ જોઇને રાઘવ રામની ભૂમિકાની માંગણી કરે છે જે માન્ય રખાય છે. રાવણની ભૂમિકા ભજવતી વેળા અક્ષયમાં રહેલો ખરો રાવણ પ્રગટ થઇ જાય છે. એ સીતાની ભૂમિકા ભજવતી સ્ત્રીકલાકારની છેડતી કરે છે. વાર્તાના નાયક રાઘવની ખરી ટ્રેજેડી વાર્તાના અંતમાં થાય છે. રાઘવ જે હવે રામની ભૂમિકા ભજવે છે એનું શું થયું એ વિષે લેખક કંઇ કહેતા નથી! જે રાઘવની અવગણના પહેલાં કેવળ પ્રેક્ષકો દ્વારા થતી હતી તેમાં હવે લેખક પણ જોડાય છે! મુખ્ય પાત્રને લેખક પોતે વીસરી ગયા!          

નારી એક કિન્તુ શતરૂપા (રેના પિયુષ સુથાર): સાંસારિક જીવનમાં દુઃખી થયેલી નાયિકા ભારતના પ્રવાસે આવી છે. એક આદિવાસી કબીલાના સામાજિક રીત-રીવાજો જાણીને અચંબિત થાય છે. એમની પાસેથી જાણે પોતાની સમસ્યાનો હલ એને મળ્યો હોય એવું જણાય છે.   

ચરૈવેતિ ચરૈવેતિ (નગીન વણકર): અશ્વત્થામાની વેદનાનું સરસ આલેખન. અંતે શાંતિની શોધમાં એને રાજઘાટ તરફ એટલે કે ગાંધીજીની શરણમાં જતો બતાવાયો  છે.   

દિલ માંગે મોર (મીનાક્ષી વખારિયા): વાર્તામાં જણાવ્યું છે એટલું વાસ્તવમાં સહેલું હોતું નથી. આવાં આવિષ્કાર કરવા માટે લેબોરેટરી જોઈએ, અનેક મદદનીશ જોઇએ. અનેક નિષ્ફળ પ્રયોગોના અંતે ક્યારેક ક્યાંક સફળતા મળતી હોય છે. વળી કોઇ એક વિધાની વાત હોય તો ઠીક, વાર્તાનો નાયક તો મેકેનિકલ, ઈલેક્ટ્રીકલ, ઇલેક્ટ્રોનિકસ, એન્જીનિયરીંગ એમ વિવિધ વિધાઓમાં ચમત્કારો કરી બતાવે છે! શું એની પાસે સુપરનેચરલ પાવર હતો? ખેર, માન્યું કે એણે શોધખોળ કરી. પણ પછી એકદમ ફિલ્મી અંત? આ ભાઈએ આટઆટલા ચમત્કાર કર્યા ત્યારે એના શેઠ શું કરતા હતા? બીજું બધું છોડો, જેણે આખા ગામને કેવળ એક વીજળી બાબતે પણ આત્મનિર્ભર બનાવ્યું હોય એને કોણ ઓળખતું ના હોય? આવો હીરો તો ગામ/તાલુકા/જિલ્લા/રાજ્યમાં પ્રખ્યાત થઇ ગયો હોય! એણે કરેલાં આવિષ્કાર કોઇ પોતાના નામે કેવી રીતે કરી શકવાનું હતું?       

ભવિષ્યજ્ઞાતા (આલોક ચટ્ટ): નાયક પાસે ભવિષ્ય જાણવાની વિદ્યા હતી પણ એ સાથે કોઈને ના કહેવાની શરત પણ હતી. સહદેવની વ્યથા-કથા આધુનિક રૂપમાં.  

જટાયુ (સુષ્મા શેઠ):  પ્લસ પોઈન્ટ: મુંબઈના ટપોરીઓની બોલી સારી પકડી. માઈનસ પોઈન્ટ: ૧. પેટમાં ચાકુ વાગ્યું છે, લોહી વહી ગયું છે એ પછી પત્ની આવે ત્યારે ડોકટરો સાથે એની શું વાત થઇ તેનું સંવાદોસહિત વિગતવાર વર્ણન કથક કરી શકે?  ૨. આખી વાર્તા પ્રથમ પુરુષમાં અને અંત ભાગમાં અચાનક ત્રીજા પુરુષમાં! ૩. લોકલ ટ્રેનમાં ગુંડાઓ સાથે મારામારીના દ્રશ્યનું વર્ણન હજી સારું થઇ શકે જો પુનરાવર્તન પામતી વાતો હઠાવી દેવાય તો. ૪. મુંબઇની લોકલ ટ્રેનમાં મોડી રાતે આવું બની શકે પણ કેવળ સ્ત્રીઓ માટેના અલાયદા ડબ્બામાં, કારણ કે એવે સમયે એ ડબ્બાઓ નિર્જન હોય. પણ પુરુષોના ડબ્બામાં કાયમ મરણતોલ ગરદી હોય એટલે ત્યાં આવું બનવું અસંભવ છે.

જાનકી (ભારતી ગોહિલ): બીજા પુરુષ એકવચન કથનશૈલીમાં લખાયેલી વાર્તા. શીર્ષક “જાનકી” છે પણ વાર્તામાં કોઇ પૌરાણિક સંદર્ભ નથી. રઘુવીરના મૃત્યુ પછી જાનકીના જીવનમાં આહવાનાત્મક સ્થિતિ ઊભી થઇ એ પછી જાનકીએ જીવનમાં શું સંઘર્ષ કર્યો તેનો ઉલ્લેખ વાર્તામાં નથી. સીધું જ ત્રીસ વર્ષ પછી રઘુવીરનું સ્મારક ઊભું થાય છે. જીવનમાં બધું જ સારું હતું તો સમસ્યા ક્યાં હતી?   

શિલ્પા ઉર્ફે શીલા (નિપુલ કારિયા): અહલ્યાની દંતકથા જાણીતી છે. ભાવિ પતિ શિલ્પાનો શીલભંગ કરે છે જેને પરિણામે એનું બાકીનું જીવન પથ્થર સમાન થઇ જાય છે. પાડોશનું એક બાળક એના નિર્જીવ જીવનમાં સંજીવની મંત્ર ફૂંકે છે.  

અજંપો (અર્ચના દીપક પંડયા): દ્રૌપદીનું એક નામ કૃષ્ણા પણ હતું. એ જ દ્રૌપદી અહીં ક્રિષ્ના બનીને આવી છે. દ્રૌપદીના પાંચ પતિઓની જેમ આ ક્રિષ્નાના જીવનમાં આવેલા પાંચ પુરુષોનો પ્રવેશ વાર્તામાં વારાફરતી થાય છે. સ્ત્રી-પુરુષના સંબંધોને તપાસવાનો ઉપક્રમ આ વાર્તામાં થયો છે. 

ચાવી ત્રીજા કુંડમાં (યામિની વ્યાસ): સત્યનો અસ્વીકાર કરીને ભ્રમણામાં જીવતી એક માનસિક અસ્વસ્થ સ્ત્રીની વાર્તા.

-કિશોર પટેલ; 02-05-21; 20:54

###

No comments: