Saturday 15 May 2021

નવનીત સમર્પણ મે ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

નવનીત સમર્પણ મે ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૭૬૦ શબ્દો)

પુત્ર (પ્રવીણસિંહ ચાવડા):

પિતા-પુત્ર સંબંધની વાર્તા. સામાન્યત: કુટુંબમાં માતા-પુત્રી, માતા-પુત્ર કે પિતા-પુત્રી કરતાં પિતા-પુત્ર સંબંધ થોડોક અલગ હોય છે. પહેલી ત્રણે જોડીમાં સંવાદ મુક્તપણે થતો હોય છે જયારે પિતા-પુત્ર જોડીમાં સંવાદ ભલે ઓછો થતો હોય પણ એકબીજા માટે લાગણી તો અલબત્ત ભારોભાર હોય છે. કંઇક આવા જ લાગણીભીના અને મૌન સંબંધનું આલેખન આ વાર્તાના પિતા-પુત્ર વચ્ચે થયું છે. વિદેશથી આવેલો પુત્ર મહિનો એક રોકાયો છે, અહીંતહીં મિત્રોમાં અને પરિચિતોમાં હળતોભળતો રહે છે પણ પિતા પાસે પગ વાળીને બેસતો નથી. એક મોડી રાત્રે પિતા પાસે આવીને ખુરસીમાં અડધો કલાક બેસી રહે છે. બંને વચ્ચે એક પણ શબ્દની આપ-લે થતી નથી અને છતાં એવું લાગે કે બેઉ વચ્ચે પેટ ભરીને સંવાદ થયો છે!

આ વાર્તાકારની હાલની કેટલીક વાર્તાઓમાંથી એમની શૈલીનાં એક-બે લક્ષણ ધ્યાનમાં આવ્યાં છે: કથક સામાન્યત: કોઇ તટસ્થ ચિંતક હોય. પાત્રોના આપસી સંબધ વિષે એનાં સૂક્ષ્મ નિરીક્ષણ ટપક્યાં કરે. ક્થકનું જીવનદર્શન અને ચિંતન સતત ચાલ્યા કરતું જણાય. આ ચિંતનમાં વળી રમૂજની હળવી છાંટ ભળેલી હોય. બીજું લક્ષણ પાત્રાલેખન વિષે. એવું લાગે કે જાણે કેનવાસ પર નાના મોટા લસરકા કર્યા છે. પાત્રો વિષે થોડીઘણી પરચૂરણ માહિતી આપી હોય, એકાદ પ્રસંગ અરધોપરધો ચીતર્યો હોય. પાત્ર અને પ્રસંગ બંનેને જોડીને બાકી રહેલી વાર્તા ભાવકે રચવાની!

આ વાર્તામાં મધુમતી નામના એક સ્ત્રીપાત્ર જોડે આવું થયું છે. આ મધુમતીનો ઉલ્લેખ વાર્તામાં બે વખત થાય છે. પહેલી વાર એને હરપાલના મિત્રવર્તુળમાંની એક કન્યા કહેવાય છે. હરપાલ એના વિષે કહે છે કે એ અપરિણીત રહીને માતા-પિતાની સેવા કરે છે. બીજી વાર એનો ઉલ્લેખ છેક અંતમાં હરપાલ વિદેશ પાછો જાય પછી આવે છે. અહીં આ મધુમતી દીનુભાઈને પૂછે છે, મને વાર્તામાં કેમ અવગણવામાં આવી? અહીં ખુલાસો થાય છે કે  મધુમતી તો હરપાલના મિત્રવર્તુળમાંના એક ચિંતન નામના મિત્રની લગ્નપૂર્વેની પ્રેમિકા હતી. ટૂંકમાં, સામાન્ય સ્થિતિના ચિંતને એક શ્રીમંત કન્યા જોડે લગ્ન કર્યા અને પોતાનો ભૌતિક વિકાસ કર્યો એની પાછળ આ એક કરુણ કથા. એણે મધુમતીનો દ્રોહ કર્યો હતો! આમ મધુમતી અહીં એવું સક્ષમ પાત્ર જણાય છે જેના પર સંપૂર્ણ વાર્તા બની શકે. ખેર, મુખ્ય વાર્તા પિતા-પુત્ર વચ્ચેની છે જેમની વચ્ચે લેખકે એક પણ સંવાદસભર દ્રશ્ય રચ્યું નથી!  સારી, સક્ષમ વાર્તા.

એક સમજાયું નહીં. દિનુભાઇ અને ભાનુબહેન જેવાં અસલ ગુજરાતી નામો ધરાવતાં દંપતીના પુત્રનું હરપાલજેવું પંજાબી છાંટવાળું નામસરજી, બાત કુછ પલ્લે નહીં પડી!

અહમ (મેઘા ત્રિવેદી):

અહમના ટકરાવ અને છૂટા પડવાની પીડાની વાર્તા.

થોડાક સમય પહેલાં ચાલી ગયેલો યોશુને મળવા આવવાનો છે. યોશુ એને મળવાની, એને આવકારવાની તૈયારી કરે છે. એની જોડેની સ્મૃતિઓ તાજી થાય છે. કઇ રીતે પરિચય થયો, કઇ રીતે બેઉ જણા આગળ વધ્યાં, કઇ રીતે એક થયાં અને કઇ રીતે છૂટા પડ્યા. એ આવે એ પહેલાં યોશુ પોતે લીધેલાં નિર્ણયનો અમલ કરી દે છે.

સંપૂર્ણ વાર્તા નાયિકાના મનોવ્યાપારની છે. હા, કહેવું હોય તો કોઇ આ રચનાને ઘટનાહ્રાસ અથવા ઘટનાના તિરોધાનની વાર્તા ગણાવી શકે. યોશુનો નિર્ણય જાણ્યા પછી કોઇ આ રચનાને નારીચેતનાની વાર્તા પણ કહી શકે. પણ એવી કવાયતમાં ના પડતાં એટલું કહી શકાય કે વાર્તા સરસ છે, વાચનક્ષમ છે.

યોશુના ‘એ’ નું નામકરણ ના કરીને લેખકે એને સરેરાશ પુરુષોનો પ્રતિનિધિ બનાવી દીધો છે. સામાન્ય પુરુષોની માનસિકતા ‘એ’ માં ઠાંસોઠાંસ ભરેલી છે. પોતાનો કક્કો ખરો કરવો, જિદ્દ મૂકવી નહીં, નાનામોટા વાદવિવાદમાં ક્યારેય સમજૂતી કરવી નહીં વગેરે. 

નોંધનીય અભિવ્યક્તિ: // પુસ્તકઘરમાં હારબંધ ગોઠવેલાં પુસ્તકોમાં રહેલાં કેટકેટલાં વિચારો કૂદીને આવી જતાં હતાં દૂધિયા આરસ પર, ખળભળાવી મૂકતાં હતાં બંનેને. //          

જાકારો (રાજેશ અંતાણી):

વરિષ્ઠોની સમસ્યા.

ઢળતી ઉંમરે સ્વજનો તરફથી મળતા જાકારાની પીડા. ઘરમાં રિનોવેશનનું કામ શરુ થાય ત્યારે મમ્મીને તકલીફ પડશે એવું કહીને અઠવાડિયા માટે પુત્ર પોતાની માતાને વૃધ્ધાશ્રમમાં મૂકી ગયો છે. જૂના પરિચિત મિત્ર શેખરને સુષ્મા કહે છે, “અઠવાડિયા પછી તો મારો દીકરો મને લઇ જશે.” શેખર અનુકંપાભરી નજરે સુષ્માને જોઇ રહે છે. એને પોતાને પણ તો એવા જ બહાને અહીં મૂકી દેવાયો હતો!  એની નજરમાં પ્રશ્ન હતો, કોણ પાછું આવે છે લેવા?

છેલ્લે દિવસે પુત્ર લેવા આવશેની આશામાં સુષ્મા બેગ તૈયાર કરે છે ત્યારે જ પુત્રનો ફોન આવે છે અને સુષમાના હાવભાવ પલટાય છે ત્યારે વાર્તા કરુણરસની ટોચે પહોંચે છે.   

સારસંભાળ લેનારું કોઇ ના હોય એ વાત જુદી છે અને કોઇ હોય છતાં પણ વરિષ્ઠ નાગરિકે જયારે વૃધ્ધાશ્રમમાં રહેવું પડે એનું દુઃખ અલગ છે. વરિષ્ઠોની સાંપ્રત સમસ્યાની વાર્તા. અંત ધારી શકાય એવો છતાં સારી વાર્તા.

સામા કાંઠે (અરવિંદ બારોટ):

કરુણાંત પ્રેમકથા. સીધી લીટીમાં ગતિ કરતી સરળ વાર્તા. જૂનો અને જાણીતો વિષય. શ્રીમંત પિતાની દીકરી અને નિર્ધન વિધવા માતાનો દીકરો. ગામડાગામમાં આવા બે પ્રેમીઓ કેમ કરતાં એક થઇ શકે? એમાં વળી કન્યાની માતા ખલનાયિકાનું રૂપ લે. ખેલ ખતમ, પૈસા હજમ.

આ વાર્તા કોઇક જુદી રીતે કહી હોત તો કંઇક વાત બની હોત. જેમ કે જ્યાં અંત આવ્યો ત્યાંથી શરૂઆત થાય. નદીકાંઠે બે જુવાનિયાઓની લાશ મળી આવે. પોલીસતપાસમાં એક પછી એક પાનું ખૂલે. એક  રોચક ક્રાઈમ-કમ-લવ સ્ટોરી! કેટલી સરસ શક્યતા હતી! ખેર.   

--કિશોર પટેલ; 15-05-21; 21:54

###

 


No comments: