Monday 12 October 2020

મમતા ઓક્ટોબર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે

 

મમતા ઓક્ટોબર ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે :

(૬૦૭ શબ્દો)

આ અંકની કુલ આઠ વાર્તાઓમાંથી પાંચ વાર્તાઓ મમતાવાર્તા સ્પર્ધા-૨૦૧૯ની ટોચની ૬૦ વાર્તાઓમાંની છે.

સ્પર્ધાની પાંચ વાર્તાઓમાં સારી અને નબળી બંને પ્રકારની વાર્તાઓ છે.

 

૧. ઝીણા ફોરે વરસાદ (કિરણ વી.મહેતા) :  સારી વાર્તા. નાયિકાનું મનોજગત સરસ પકડાયું છે. કોઇને નફરત કરતાં રહેવા માટે પણ એ વ્યક્તિને સતત યાદ કરવી પડે. ને એમ જ ક્યારે નફરત પ્રેમમાં બદલાય જાય એની કોઇકને ખબર ના પણ પડે! અંતની ચમત્કૃતિ સારી.

૨. વેદિયો (નીતા જોશી) : પ્રવાહી શૈલી. પરણીને સંયુક્ત કુટુંબમાં ગયેલી એક સ્ત્રીની નજરે સાસુ-સસરાનું ચિત્ર. વાર્તામાં કહેવાયું છે કે માણસ બહારથી અલગ દેખાય છે અને અંદરથી અલગ. સંયુક્ત કુટંબ હવે ઈતિહાસજમા થઇ રહ્યાં છે ત્યારે આવી વાર્તા હવે પ્રાસંગિક લાગતી નથી.   

૩. એંઠવાડ (દીના રાયચુરા) : નાયિકાને લઘુતાગ્રંથિ છે. એની પાસે પૈસો છે પણ રૂપ નથી, સંતાન નથી, પતિનો પ્રેમ નથી. નોકરબાઇનું સૌંદર્ય જોઇને એને ઈર્ષાભાવ જાગે છે.  અંતની ચમત્કૃતિ નાયિકા માટે પડ્યા પર પાટુ સમાન છે. સારી વાર્તા.

 ૪. મંગળા (ગોપાલકુમાર જયંતિલાલ ધકાણ) : એક કિન્નર અને એક નાના બાળકની મૈત્રીની વાત. નવો વિષય. બધું સમજાવીને કહેવાની લ્હાયમાં વાર્તાની રજૂઆત સામાન્ય બની ગઇ. યોગ્ય સંકલન થાય તો વાર્તા નિખરી ઊઠે એવી છે.   

નોંધનીય અભિવ્યક્તિ: // આજે પહેલી વાર તેને રુંવેરુંવે જાણે સ્ત્રીત્વ ઊભરાવા લાગ્યું. તડફડ બોલી નાખતી જીભમાં કાળુનાં શબ્દોએ જાણે ઝાંઝર પહેરાવ્યું હોય તેવો રણકાર નીકળવા લાગ્યો. //

૫. વાત એક વલ્લભની (પરીક્ષિત જોશી) : દક્ષિણ દિશામાંથી આવેલા કોઇ બાપુ અને એની કૃપાદ્રષ્ટિ પામવા હવાતિયાં મારતો એક ગણતરીબાજ વલ્લભ. આ બે પાત્રોના માનસિક યુદ્ધની વાર્તા.  વાર્તા કહેવાય છે ગામના જ એક આદમીના મુખે જે વરસો પહેલાં ગામ છોડી ગયો છે ને એ જયારે પાછો આવે ત્યારે એને બધું યાદ આવે. 

આ વાર્તામાં સમસ્યા ૧: પહેલા પુરુષ એકવચનમાં કહેવાતી વાર્તામાં વલ્લભ નામના પાત્રના મનમાં શું ચાલે છે એ કથક કેવી રીતે કહી શકે? સમસ્યા ૨: વાર્તાની શરૂઆતમાં જ મૃત્યુ પામેલા શેઠિયા માટે “સોનાની ચમચી સાથે જન્મેલા” એવું કહ્યું પછી “ગર્ભશ્રીમંત” એવું કહેવાની શું જરૂર હતી? 

સ્પર્ધા સિવાયની ત્રણ વાર્તાઓમાંથી એક કરુણાંત છે, બીજી સરેરાશ છે અને ત્રીજી નબળી છે.

 

૧. આંબો (ગુણવંત ઠાકોર) : ખેતરમાંના આંબા જોડે લાગણીઓ જોડાયેલી હોવાથી નાયકને એ  આંબો વહાલો છે. અતિવૃષ્ટિમાં એ આંબો ધરાશાયી થઇ જાય છે. કરુણાંત વાર્તા. તળપદી બોલીનો સરસ પ્રયોગ.

૨. બેસણું (પ્રવીણ ગઢવી) : જ્ઞાતિભેદની વાત. કહેવાતી ઊંચી વર્ણની કન્યાએ કહેવાતી દલિત કોમના છોકરા જોડે લગ્ન કર્યા એટલે કન્યાના પિતાએ દીકરી મૃત્યુ પામી છે એવું જાહેર કરી એનું બેસણું રાખ્યું. સરેરાશ વાર્તા. 

વાર્તામાં દેખીતી ભૂલો: ૧. // ઇન્દુભાઇ ક્રોધથી કાંપતા હતા.//  એવું વાર્તાની શરૂઆતમાં બે વખત આવે છે. શા માટે આવું પુનરાવર્તન? ૨. // ઇન્દુભાઇને છોકરીઓ કોલેજમાં જવાના બહાને હોટલો, થિયેટરો અને બગીચાઓમાં રખડતી ફરે તે સામે નફરત હતી. //  આવું સર્વસામાન્ય વિધાન કથક કેવી રીતે કરી શકે? શું વિશ્વની બધી છોકરીઓ કોલેજના બહાને રખડતી હોય છે? ૩. // મીનાબહેને ડબાડુબલી ફેંદી ખારી બિસ્કીટ શોધી કાઢ્યાં અને એક ડીશમાં મૂક્યાં. // કેમ ડબાડુબલી ફેંદવા પડ્યા? મીનાબહેનનું પોતાનું ઘર હતું, એક ગૃહિણીને ખબર ના હોય કે ખારી બિસ્કીટ ક્યા ડબામાં મૂક્યાં છે?

૩. લિવ ઇન રિલેશનશિપ (નટવર હેડાઉ) : નબળી વાર્તા.  વીણા નામની એક નવોઢાને લગ્ન પછી ખબર પડે છે કે તેનો પતિ રવિ એક રૂબી નામની સ્ત્રી જોડે પહેલેથી જ લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો. વીણાને લાગેલા આઘાતની વાર્તા.

વીણા-રવિનું હનીમૂન પર જાય એ ઘટના અને ત્યાંનું વર્ણન બિનજરૂરી. આ યુગ્મ બેંગ્લોર પહોંચે ત્યાંથી જ વાર્તા શરુ થવી જોઇએ. જરૂરી માહિતી ફ્લેશબેકમાં ટૂંકમાં આપી શકાય. વાર્તામાં રવિનું પાત્રાલેખન નબળું થયું છે. જો રવિ પહેલેથી જ કોઈ સ્ત્રી જોડે લિવ ઇનમાં રહેતો હતો તો એણે લગ્ન શા માટે કર્યા એ સ્પષ્ટ થતું નથી. જયારે રૂબી રવિને છોડીને જતી રહે ત્યારે રવિને આઘાત શા માટે લાગવો જોઈએ? લિવ ઇન રિલેશનશિપની વ્યાખ્યા પણ એ સમજતો ન હતો? વાર્તા કોની છે? વીણાની છે કે રવિની? આ વાર્તા જલારામદીપના જાન્યુઆરી ૨૦૨૦ અંકમાં પ્રસિદ્ધ થઇ ચૂકી છે.

--કિશોર પટેલ, સોમવાર, 12 ઑક્ટોબર 2020; 21:40

###

 


No comments: