Tuesday 5 May 2020

એતદ જાન્યુ-માર્ચ ૨૦૨૦ અંકની વાર્તાઓ વિષે


એતદ જાન્યુ-માર્ચ ૨૦૨૦  અંકની વાર્તાઓ વિષે:
(૮૯૫ શબ્દો)

શકરોબાજ (પ્રભુદાસ પટેલ) :

ઊંચા આકાશમાં ઊડતાં અને દૂર દૂરનું જોઈ શકતાં પંખીની જયારે અવદશા બેસે ત્યારે? ગામડાની ભોળી પ્રજાને નાનીમોટી તકલીફમાં ધાગા-દોરા કરી આપીને મૂર્ખ બનાવતાં ભગતનો પગ પરગામની એક સ્ત્રીના કુંડાળામાં પડી જાય છે.  માતાજીની ભક્તિનો જાદુ ઓસરી જાય છે અને અણીના સમયે સરપંચ પણ ગામમાંથી પલાયન કરી જાય છે. ભગતની નબળી પડેલી માનસિક સ્થિતિનું સારું ચિત્રણ. આ નિમિત્તે ગામડાંની અભણ દલિત કોમમાં વ્યાપેલી અંધશ્રદ્ધાનું વાસ્તવિક આલેખન. ગ્રામ્યબોલીનો અસરકારક પ્રયોગ.

નજરે પડેલી ક્ષતિ: નાયકનું નામ મેઘલો છે પણ એક-બે ઠેકાણે રઘલો પણ લખાયું છે. 

નંબર ૭૦૩ (પ્રિયંકા જોશી ‘પ્રેમપ્રિયા’) :

નવજાત શિશુઓનો વેપાર જેવી ગુનાહિત પ્રવૃત્તિ પર આ વાર્તા પ્રકાશ પાડે છે. પોતાનો પતિ લોહીના વેપારમાં સામેલ હોય એની ખબર નાયિકાને છેક ચાર સંતાનો છીનવાઈ જાય પછી ખબર પડે એ ગળે ઉતારવું મુશ્કેલ છે. આવો માણસ સંવેદનશૂન્ય હોય, ગમે એટલો સારો અભિનેતા હોય તો પણ પત્નીને જાણ થતાં આટલી વાર લાગવી જોઈએ નહીં. નાયિકાની માતા સમાન “આઈ” પાસે પુરુષોને નફરત કરવાનું ચોક્કસ કારણ હોવું જોઈએ. “આઈ”નું પાત્ર ત્રિપરિમાણીય બને તો વાર્તા વધુ ખીલે.

નોંધનીય અભિવ્યક્તિ: “...પથારીમાં પડેલી બરફની પાટ જેવા મારા શરીરથી હવે રમેશ દાઝી ઊઠતો નહીં.”       
વાસ (માવજી મહેશ્વરી) :

સંબંધવિચ્છેદની વેદનાની વાત.

આ વાર્તા રચનારીતિની દ્રષ્ટિએ મહત્વની બની છે. લેખકે નારણની એકલતાનું દુઃખ ગાઢું બનાવવા તેના દુઃખી જીવનની સમાંતરે સહપાઠી કરમણના સુખી સંસારનું ચિત્ર વિગતે દોર્યું છે. કરમણને પહેલેથી ખેતીકામની સૂગ છે, એના બે ભાઈઓ છે એટલે એના માથે જમીનની-ખેતીની-જવાબદારી આવી નથી, એ ભણીગણીને માસ્તર થયો છે, ભાગે પડતી જમીન વેચીને દીકરાને શહેરમાં દુકાન કરી આપી છે, દીકરો મોટરમાં ફરે છે ને માવતરને પણ ફેરવે છે. સામે પક્ષે નારણની સમસ્યાઓનો અંત નથી. અતિવૃષ્ટિના કારણે મગફળીના પાકમાં નુકસાન થયું છે. સંસારમાં નારણ દુઃખી છે. વધુ ભણેલી પત્ની જયાને ખેતીકામ આવડતું નથી, કરવું નથી ને વળી ખેતીકામમાં ખરડાયેલાં પતિના શરીરમાંથી આવતી વાસ એનાથી સહન થતી નથી. જયા પતિગૃહને ત્યજીને પિયર જતી રહે છે. માનાં અને પોતાના સરળ સ્વભાવના કારણે નારણ પત્નીને ફારગતી આપતો નથી અને બીજી સ્ત્રી પણ લાવતો નથી. અંત સૂચક છે, નફરત કરવા યોગ્ય પાત્ર મૃત્યુ પામ્યું પછી જીવવું શેને માટે?

આટલી સરસ વાર્તામાં શરૂઆત થોડી ખૂંચે છે. “સોનાની થાળીમાં લોઢાનો મેખ” કહેવત અમસ્તી નથી પડી.  વાર્તાનો પ્રારંભ ગેરમાર્ગે દોરે છે:   

“...પંખીઓના માળા વિખેરાઈ ગયાં હતાં. પંખીડા ઊડી ગયાં હતાં. એ પંખીના બચ્ચાં પણ મોટા થઇ ગયાં હશે. આ સીમમાં જ કોઈ ઝાડ પર બેઠાં હશે. એ માબાપને ઓળખતાં નહીં હોય. પંખી તો ઊડી જાય, માણસ ઊડીને ક્યાં જાય? નારણને એવું થયું...”

એવું લાગ્યું  કે સંતાનવિરહ કે સંતાનવિચ્છેદની વાર્તા હશે પણ વિષય તો આપણે જોયું એમ અલગ જ છે.  

ગાંધીજી કહે છે (મહેશ શાહ) :

સરસ કટાક્ષકથા. આજકાલ આપણા દેશમાં કોની લાગણી ક્યારે દુભાઇ જશે એનું કંઇ ઠેકાણું નથી. ત્રણ છોકરાઓ રમત રમતમાં એક પાર્કમાં બરફના ચોસલાંમાંથી ગાંધીજીનું પૂતળું બનાવે છે. મહોલ્લાનાં ત્રણ જુદાં જુદાં માણસોને, દરેકને એવું  લાગે છે છોકરાઓએ એની જ મશ્કરી કરી છે. તેઓ વારાફરતી છોકરાંના પિતા પાસે ફરિયાદ લઈને આવે છે.

ઓળખ (મનોજ સોલંકી) :

સરસ વાર્તા. લઘુતાગ્રંથિ એવી સમસ્યા છે જેનો કોઈ ઈલાજ નથી. વાર્તાની નાયિકા મીરાં ગૃહિણી છે, એ ભણેલી છે પણ નોકરી કરતી નથી એટલે એનો પતિ મંયક લઘુતાગ્રંથિ અનુભવે છે. પ્રયત્નોના અંતે મીરાંને સરકારી નોકરી મળે છે, પણ હવે મંયકને નવેસરથી  લઘુતાગ્રંથિ વળગે છે. અંતની ચમત્કૃતિ સરસ.

વાર્તા ત્રીજા પુરુષ એકવચનમાં કહેવાઈ છે પણ મીરાંના કેન્દ્રબિંદુથી કહેવાઇ છે. મીરાનું ભાવજગત સારું ઝીલાયું છે. મંયકનું પાત્રાલેખન સારું, ઝીણવટભર્યું. એના મૂડ વિષે જે કંઇ વર્ણનો થયાં છે એમાં લેખકનાં નકશીકામની ઝલક મળે છે. વાર્તામાં આ દંપતીને મિત્રોમાં કે સ્નેહીજનો વચ્ચે હળેમળે છે એવું ના બતાવતાં પાર્ટીમાં ફરતાંફરતાં બતાવાયાં છે. આ આજના ઉચ્ચ મધ્યમ વર્ગની બદલાયેલી રહેણીકરણીની ઝલક છે.

જો વાર્તા મીરાંના મુખે પ્રથમ પુરુષ એકવચનમાં કહેવાઇ હોત તો...ખેર, જે રજૂઆત આપણી સામે આવી છે એ પણ ઓછી પ્રતીતિજનક તો નથી જ.

એનિવર્સરી (દીપક રાવલ) :

વિદેશમાં, ખાસ કરીને પશ્ચિમ ગોળાર્ધમાં વસતાં ભારતીય સમાજનું ચિત્રણ. વરસો સુધી ત્યાં રહ્યાં પછી ત્યાંની સંસ્કૃતિનો રંગ લાગવો સહજ છે. પરણવું, છૂટાં પડવું, લીવ-ઇનમાં રહેવું-છૂટાં પડ્યાં પછી પણ મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખવા, સ્ત્રીઓનું શરાબસેવન  ઇત્યાદિનું  સરસ આલેખન.

વિદેશમાં આપણા ભારતીય પુરુષો કઈ રીતે મહત્વાકાંક્ષા, કોઠાસૂઝ, અને પરિશ્રમના બળે પ્રગતિ કરે છે તેનાં બે પ્રતિનિધિ પાત્રો એટલે  રાજુ અને પંચમ; આ બે પુરુષપાત્રો.

ભારતીય સ્ત્રીઓ બાહ્ય સ્વરૂપે કેટલી આધુનિક કેમ ના બની હોય, પોતાની વિલક્ષણ અને સ્ત્રીસહજ લાગણીઓ અકબંધ રાખે છે. પંચમથી છૂટાં પડ્યા બાદ લાંબા સમય પછી પંચમનું ઘર જુએ છે. એ નોંધે છે કે પંચમની નવી પત્ની શ્રદ્ધાએ પોતે વસાવેલા ઘરમાં કેટલાં બધાં ફેરફાર કર્યા છે. એ ફરિયાદ નથી કરતી, ઝગડતી પણ નથી, કેવળ નોંધે છે. અહીં એનામાં રહેલી ઈર્ષા જાગૃત થાય છે.  

વર્ષાનો નવો જીવનસાથી રાજુ જયારે પીધેલો થઈને પત્ની વિષે એલફેલ બોલે છે ત્યારે વર્ષા સહજ રહે છે. માનસિક રીતે વર્ષા કેટલી મજબૂત છે એ બતાવ્યું છે.           

એક વાત સમજાતી નથી: વર્ષા પંચમથી છૂટી કેમ પડી? આ બંને વચ્ચે ક્યાંય મતભેદ, ખટરાગ, કોઈ સમસ્યાનો ઉલ્લેખ થયો નથી. આ બે જણનું છૂટાં  પડવાનું કારણ શું?

સ્કેચ (અર્જુનસિંહ રાઉલજી) :

એક પીડિતાની વ્યથા-કથા.

ગરીબ પરિવારની એક કન્યાનો ભાવિ પતિ એક સાંજે એને મળવા આવે છે. નાનકડા ઘરમાં એકાંત તો મળે નહીં, એટલે વાતો કરવા ઘરથી દૂર નિર્જન વિસ્તારમાં બંને જાય. ત્યાં તેઓ બે મવાલીઓ ધાકધમકી આપી નાયિકા જોડે બળાત્કાર કરીને ખરાબ સ્થિતિમાં પડતી મૂકીને ભાગી જાય છે. નાયિકા પોલીસ ફરિયાદ કરે અને પછી શું બને છે એ આ વાર્તાનો વિષય છે.

પોલીસ, પોલીસના ઉપરી અધિકારીઓ, હોસ્પિટલના ડોકટરો, તપાસકર્તાઓ, સમાજસેવકો વગેરે દ્વારા થતી પૂછપરછ દરમિયાન નાયિકા બીજી વાર બળાત્કારની પીડા અનુભવે છે. એક ચિત્રકાર વર્ણનના આધારે ગુનેગારોનો સંભવિત સ્કેચ બનાવે છે. નાયિકા કહે છે: એના કરતાં મારો જ સ્કેચ બનાવવો હતો, કેટલાં બધાં લોકો ઉમટી પડ્યાં હોત!

કરુણ વાર્તા.

-કિશોર પટેલ; મંગળવાર, 05 મે 2020;5:50 ઉત્તર મધ્યાહ્ન                   

###

No comments: