Friday 22 May 2020

જલારામદીપ એપ્રિલ ૨૦૨૦ ડિજિટલ અંકની વાર્તાઓ વિષે:


જલારામદીપ એપ્રિલ ૨૦૨૦ ડિજિટલ અંકની વાર્તાઓ વિષે:
(૬૮૩ શબ્દો)

સ્માર્ટ પપ્પાની સ્માર્ટ દીકરી (દક્ષા બી. સંઘવી) :

સરસ વાર્તા. માનસિક અક્ષમ યુવતીની વાત. લગ્ન માટે એને જોવા આવેલાં ઉમેદવાર સમક્ષ માતાપિતાએ સત્ય છુપાવીને દીકરીને વળાવી દીધી. સાસરે સત્ય પ્રગટ થયું પછી રચાયું એક કાવતરું. “ગોઠવાયેલાં” અકસ્માતમાંથી પોતાની વાત કહેવા બચી ગયેલી નાયિકાની દર્દભરી દાસ્તાન.
નાયિકાને જ કથક બનાવીને પ્રથમ પ્રુરુષ એકવચન કથનશૈલીમાં વાર્તાની રજૂઆત કરીને લેખકે મેદાન મારી લીધું. ક્થકનું બયાન સમતોલ અને સચોટ છે. એની માનસિકતાનું આલેખન સરસ થયું છે. માતાની લુચ્ચાઇ, પિતાનો સ્નેહ, સાસરિયાંની મેલી રમત સઘળું વ્યવસ્થિતપણે સાકાર થાય છે.
આ વાર્તા દ્વારા લેખક એક મોટું સામાજિક સ્ટેટમેન્ટ કરે છે. આપણે શા માટે સત્યનો સ્વીકાર કરતાં નથી? બે સંતાનોમાંથી સરખામણીએ એક ઓછું હોંશિયાર હોઇ શકે છે, એ “ઢ” હોય શકે છે, આપણે શા માટે એનો સ્વીકાર કરતાં નથી? આવી માનસિક અક્ષમ દીકરીની યોગ્ય સારવાર થવી જોઈએ. યેનકેન પ્રકારે એનાં પણ લગ્ન કરી દઈને, વળાવી દઈને હાથ ઊંચા કરી દેવાનાં? સાસરિયાંએ પણ સત્યની જાણ થયાં પછી શું કર્યું? વેવાઈ જોડે મિટિંગ કરીને એમને પૂછી શકાય કે એમણે કેમ એવી છેતરામણી કરી? એ લોકો છૂટાછેડા આપી શક્યા હોત, અહીં તો આ લોકોએ એની હત્યાનો પ્રયાસ કરે છે! માબાપ અને સાસરિયાં સહુ એકસરખાં અપરાધી છે. અંકની શિરમોર વાર્તા.

અંધારા (ડો. પ્રભુદાસ પટેલ) : ગ્રામ્યસમાજની એક કરુણાંતિકા. વ્યસન અને વ્યાધિએ બાબુનું કેવળ શરીર જ નહીં, મન પણ કોતરી ખાધું છે. એક જણના પાપે આખું કુટુંબ આપદા ભોગવે છે. આ વાર્તામાં “અંધારા” એટલે જ્ઞાનનો અને સમજણનો અભાવ. શીર્ષકને સાર્થક કરતી વાર્તા.    

પડથારો (ગોરધન ભેસાણિયા) : ગામડાંના ખેતીકારણની વાત. જગાબાપાની જમીનમાં ભાગે ખેતી કરતા ખેડૂત જીવાની લાલચ વધતી જાય છે ને હાથમાં આવેલું પણ એ ખોઈ બેસે છે. મહેનતુ પણ બુદ્ધિમાં નાના માણસની નબળાઇ એને પોતાને જ નડે છે. જીવાના મનોભાવોનું આલેખન સારું. 

આન્ટી (કલ્પેશ પટેલ) : પિતાની પરિચિત પુખ્ત વયની સ્ત્રીના સંપર્કમાં આવતાં બદલાતું એક તરુણનું ભાવજગત. વિષય હટ કે, ઓછો ખેડાયેલો, પણ રજૂઆત સામાન્ય. તરુણની માનસિકતા જોડે હજી સારું રમી શકાયું હોત.  આન્ટીનું પાત્રાલેખન ઉપરછલ્લું થયું છે.   

વાસંતી વાયરા (કીર્તિકાન્ત પુરોહિત) : સામાન્ય રીતે પુરુષો ઈચ્છતા હોય છે કે પોતાની પ્રેમિકા/પત્ની સુડોળ હોય તેમ આજની સ્ત્રી પણ ઈચ્છે છે કે પોતાનો પ્રેમી/પતિ દેખાવડો હોય, સપ્રમાણ દેહયષ્ટિ ધરાવતો હોય. આ વાતને અધોરેખિત કરે છે આ વાર્તા. 
સી.એ. થયેલો અને આયાત નિકાસનો વ્યવસાય કરતો ચિરંતન અને વકીલાત કરતી માનસી બંને નાટકના લાગલગાટ ત્રણ વર્ષ સુધી પ્રયોગો પણ કરે અને સાથે સાથે પોતપોતાના વ્યવસાય પણ કરે એવું વાસ્તવિક જીવનમાં શક્ય નથી. આજે નાટક પૂર્ણ સમયનો વ્યવસાય છે.
વાર્તામાં એક ઠેકાણે માનસી વિષે એવું કહેવાય છે કે “...માનસી પોતે તેના પિતા માફક દેખાવ-સૌંદર્ય અને કાયાની કમનીયતા માટે સતત સજાગ હતી...” પિતાની જેમ કે માતાની જેમ?   
સામાન્ય વાર્તા. સામાન્ય કથાવસ્તુની સામાન્ય રજૂઆત.       

ફલાદેશ (ચતુર પટેલ) : જુલીનું લગ્નજીવન સફળ રહ્યું છે. ત્રણે સંતાનો પરણીને પોતપોતાના સંસારમાં સુખી છે. મૂળમાં આ રંગેરૂપે કદરૂપી જુલીને એક દેખાવડા યુવકે લગ્ન માટે પસંદ કરી એની પાછળનું ખરું કારણ છેક પચીસ-ત્રીસ વર્ષે જાણ થાય તેથી શું? ના થાય તો પણ શું? વાર્તાનો મૂળ વિચાર અત્યંત પાતળો છે. વળી રજૂઆત પણ અવાસ્તવિક છે. આજના જમાનામાં કોઈ શહેરી અને શિક્ષિત સ્ત્રી પોતાના ઘરમાં અજાણી વ્યક્તિને આવકાર આપે નહીં અને આખો દિવસ આગતા-સ્વાગતા કરે નહીં. બીજી વાત કે આખો દિવસ જોડે ગાળ્યા પછી પણ કોઈ સ્ત્રી પોતાની એક માત્ર ઘનિષ્ઠ સખીને ઓળખી ના શકે એ વાતમાં માલ નથી.  તર્કહીન વાર્તા.

સમાધાન (જિતેન્દ્ર પટેલ) : પતિ-પત્ની વચ્ચે રુચિભેદ. પત્ની પ્રત્યે પતિને પરવા ન હોય અને પત્ની કાચા કાનની હોય ત્યારે સંસારમાં કલહ ના થાય તો જ નવાઈ.  અહીં કલહ પણ માનસિક સ્તરે જ રહી જાય છે. સામાન્ય કથાવસ્તુ, સામાન્ય રજૂઆત.      

ઈચ્છામોક્ષ (જયશ્રી ચૌધરી) : હવે વાર્તામાં પણ “એક પર એક ફ્રી” યોજના લાગુ થઇ છે. પ્રસ્તુત વાર્તામાં એક નહીં બે વિષય છે: જ્ઞાતિ બહાર લગ્ન અને વરિષ્ઠ નાગરિક જોડે પોતાના જ ઘરમાં થતું ગેરવર્તન. બે વત્તા બે બરાબર ચાર એટલા સહેલા દાખલા જેવી સામાન્ય વાર્તા.  પૂર્ણ-અપૂર્ણ (યોગેશ પંડ્યા) : અભણ પણ મોટા મનના માનવીની વાત. ગામડાંના માણસોની માનસિકતા ચિત્રિત થઇ છે. સીધી લીટીની સરળ વાર્તા. પિયાનો (ડો. નવીન વિભાકર) : આ રચના વાર્તા નથી, એક આદમીની મૃત માતાનું સ્મૃતિચિત્ર છે. સત્ય ઘટના હોય તો પણ શું? બાળપણાની પ્રીત (પ્રવીણ ગઢવી) : આ વાર્તા નથી. એક આદમીના બાળપણનું સ્મૃતિચિત્ર છે, ગામડાઓમાં રૂઢ થઇ ગયેલાં જ્ઞાતિભેદનું આલેખન છે, એકની એક વાતોનું હદ બહારનું પુનરાવર્તન છે, પણ વાર્તા તો--નથી જ.

-કિશોર પટેલ; શનિવાર, 23 મે 2020; 11:49 પૂર્વ મધ્યાહ્ન   

###


No comments: