Wednesday, 31 July 2024

નવનીત સમર્પણ જુલાઈ ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ






 નવનીત સમર્પણ જુલાઈ ૨૦૨૪ અંકની વાર્તાઓ વિશે નોંધ



અસ્થિફૂલ (પન્ના ત્રિવેદી)


વાત છે સમાજમાં સ્ત્રી સાથે થતાં અન્યાયી વલણની. સ્ત્રીની સાથે આચરતી ઘરેલુ હિંસાની. આપણાં દેશમાં પૈસેટકે સુખી અને કહેવાતા સવર્ણ સમાજમાં પણ સ્ત્રીઓનું શોષણ થતું આવ્યું છે. પણ આ સમાજની વાતો મોટા ભાગે બહાર આવતી નથી.  


વાર્તાકારે રજૂઆત કરવા માટે સ્વરૂપ મઝાનું પસંદ કર્યું છે. સ્ત્રીસાહિત્ય અંગે એક સેમિનારનું આયોજન થયું છે. આ કાર્યક્રમમા નિર્મલા ચાવડા નામનાં લેખિકાનું સન્માન થાય છે. દીપપ્રાગટ્યથી શરૂ કરીને કાર્યક્રમના વિવિધ પડાવો પર નિર્મલા ભૂતકાળની સ્મૃતિઓ તાજી કરે છે. 


નિર્મલાની પાછળ ચાર બહેનો બાકી હતી અને એમના સમાજમાં ભણેલા છોકરાઓની અછત હતી એટલે નિર્મલાના લગ્ન એનાથી ઉંમરમાં પચીસ વર્ષ મોટા બીજવર નહીં પણ ત્રીજવર જોડે ગોઠવાય છે. નાયિકાનો પતિ વાતે વાતે  પત્ની જોડે શારીરિક હિંસા આચરે છે. પત્નીની મારપીટ કરવા એક ખાસ લાકડી વસાવી હતી! ભણેલી અને શિક્ષિકાની નોકરી કરતી નિર્મલાએ એનો પગાર સમૂળગો પતિને સોંપી દેવો પડે છે. વક્રતા જુઓ કે પતિ માંદો પડે અને પથારીવશ થાય ત્યારે નાયિકા રાજી થાય છે કે હાશ, હવે એમનાથી લાકડી નહીં પકડાય! પતિ મૃત્યુ પામે એ પછી એના મૃતદેહની સામે નાયિકાને રડવું આવતું નથી. મૃત્યુની રાતે પોતાના ઓરડામાં પતિની છબી સામે બેસીને એ કટોરી ભરીને હલવો ખાય છે. 


આપણાં દેશમાં કેટલીક સ્ત્રીઓને વિધવા બન્યા પછી જ સુખ-શાંતિ પ્રાપ્ત થતાં હોય છે. 


પ્રવાહી રજૂઆત.  


ભાથું (અમૃત બારોટ)


વાર્તામાં એકસાથે બે વિષયો ચર્ચાયા છે. અમેરિકાથી વર્ષો પછી વતનના ગામડે આવેલા નાયકને તાલાવેલી છે કિશોરાવસ્થાની પ્રેમિકા જોડે પુન:મિલન થશે કે નહીં એની. બીજો વિષય છે જાતિભેદ. ઉપર ઉપરથી વાત થાય છે કે ગામડામાં જાતિભેદ નથી પણ નાયકને ખ્યાલ આવે છે કે વાસ્તવમાં જાતિભેદ હજી પણ તીવ્રપણે પ્રવર્તે છે. પ્રથમ પ્રેમની જોડે મુલાકાત થઈ જતાં નાયકને અમેરિકા પાછા વળવાનું “ભાથું” મળી રહે છે.


બેમાંથી એક જ વિષય પર કામ થયું હોત તો વધુ યોગ્ય રહેત. .    

   

પરિઘ (મોના જોશી)


એક ગૃહિણીની વાત. રસોઈકામ માટે ઘરમાં એક બેનને નોકરીએ રાખ્યાં એમાં તો સરોજબેનની દુનિયા બદલાઈ ગઈ.  એમને લાગ્યું કે ઘરના કેન્દ્રબિન્દુએથી સરકીને પોતે પરિઘમાં ધકેલાઈ ગયાં છે! સરોજબેન શું કરે છે? 


નાયિકાના મનોભાવોનું સરસ આલેખન.    


ડાકણનો ડાઘિયો (મૂળ લેખક: હેલન હબીલા, અનુ: હરેન્દ્ર ભટ્ટ)


કૂતરાની આંખોનું પાણી પોતાની આંખોમાં આંજવાથી મૃતાત્માઓને જોઈ શકાશે એવું માનીને બે તોફાની બાળકોએ કરેલા સાહસનું પરિણામ ગંભીર આવે છે. કૂતરાની આંખોના પાણીને કારણે એમની પોતાની દ્રષ્ટિમાં ખામી આવે છે. 


બાળકોનાં તોફાનોને કારણે કેટલીક વાર ઓડનું ચોડ થતું હોય છે.


એક પ્રશ્ન નવનીત સમર્પણના સંપાદકશ્રીને: 


વાર્તા મૂળ કઈ ભાષાની/કયા રાજ્યની, કયા દેશની છે તે ના જણાવવાનું કોઈ વિશેષ કારણ?   આ વાત  વાચકોથી ગુપ્ત રાખવાથી કયો હેતુ સિધ્ધ થાય છે? એ જણાવવાથી શું આ દેશને શત્રુઓ તરફથી ખતરો છે? અનુવાદિત વાર્તાઓના કિસ્સાઓમાં આવું વલણ આ સામયિકમાં અગાઉ પણ જોવામાં આવ્યું છે. 


–કિશોર પટેલ, ૧ ઓગસ્ટ ૨૦૨૪.  

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

### 




No comments: