Friday 30 September 2022

નવનીત સમર્પણ સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ


 

નવનીત સમર્પણ સપ્ટેમ્બર ૨૦૨૨ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૨૩૨ શબ્દો)

માનું ઘર (ગિરીશ ભટ્ટ):

લોસ્ટ એન્ડ ફાઉન્ડ ફોર્મ્યુલા વિષયની વાર્તા. અનાથાશ્રમમાં ઊછરેલી એક છોકરી માતાની શોધ ચલાવે છે. નાયક એની મદદ કરે છે. સહેલાઈથી ધારી શકાય એવો અંત. સાંપ્રત સાહિત્યમાં પહેલી હરોળમાં સહેલાઈથી સ્થાન પામે એવા વાર્તાકાર પાસેથી આનાથી વધુ સારી/વેગળી વાર્તાની અપેક્ષા રહે છે. માવજતમાં પણ એવી કોઈ વાત નથી જેની નોંધ લેવી પડે.      

ઇનામ (મોના જોશી):

પેઢીઓથી ચાલી આવતી વેરઝેરની હારમાળા થંભી જાય એવા ઉદ્દાત હેતુથી નાયિકા પોતાના ગુનેગાર પતિને પોલીસમાં પકડાવી દેવાનું અનન્ય પગલું ભરે છે. વિષય જૂનો પણ માવજત સરસ. પ્રવાહી અને પ્રભાવી રજૂઆત. 

ન હકાર ન નકાર (ધર્મેશ ગાંધી):

નાનપણમાં અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી હતો એટલે ત્યારે નાયકે મિત્રો-સહાધ્યાયીઓ સામે મોટી મોટી ડંફાસ મારેલી. પણ પછી પુખ્ત વયે નોકરી/ધંધામાં ક્યાંય એ ગજું કાઢી શક્યો નહીં. નિષ્ફળતાની ગ્રંથિના શિકાર બનેલા આદમીની વાર્તાની રસપ્રદ રજૂઆત.      

આઈસ બ્રેક (મૂળ મરાઠી વાર્તા, લેખક: નીરજા, અનુવાદ: કિશોર પટેલ):

નાયકને પોતાના પિતા સામે અનેક ફરિયાદો છે. પિતા રાજી થાય એવું કામ ના કરવાના એણે સોગંદ ખાધા છે. એમનાથી વરસો દૂર રહ્યા પછી એમના અંતિમ દિવસોમાં એમને માફ કરવા જોઈએ એવી લાગણી એને થાય છે પણ એને અમલમાં મૂકી શકે એ પહેલાં એના પિતા મૃત્યુ પામે છે. પોતાની બાકી જિંદગી હવે એણે એક  અપરાધભાવ સાથે જ જીવવાની છે. 

વાર્તા અને રજૂઆત કેવી છે વિષેની ટિપ્પણી અનુચિત ગણાશે કારણ કે મૂળ મરાઠી ભાષાની આ વાર્તાનો અનુવાદ આ લખનારે જ કર્યો છે.

--કિશોર પટેલ, 01-10-22; 10:48

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

No comments: