Thursday 7 October 2021

પરબ સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

 

પરબ સપ્ટેમ્બર ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૫૨૯ શબ્દો)

આ અંકની ત્રણેત્રણ વાર્તાઓ પોતપોતાની રીતે ઉત્તમ બની છે.  

ગામ: બળેલ પીપળિયા (પારુલ ખખ્ખર):

પુરુષપ્રધાન સંસ્કૃતિમાં સ્ત્રી સાથે અન્યાય. લગ્નજીવનમાં જયારે પણ બીજી સ્ત્રીનો પ્રવેશ થાય છે ત્યારે નિર્વિવાદપણે પહેલી સ્ત્રીને  એટલે કે અધિકૃત પત્નીને અન્યાય થાય છે. આ પારંપરિક વાત અહીં વાર્તાની અંદર વાર્તાની પ્રયુક્તિથી કહેવાઇ છે.

નાનકડી જયા જયારે જ્યારે પોતાની માતા જોડે મોસાળમાં જતી ત્યારે ત્યારે નાનીમાના શરીરની બળી ગયેલી ચામડી જોતી. કુમળી વયના કારણે એને સમજાતું નહીં. દરેક વખતે નાનકડી જયા વાર્તાની માંગણી કરતી અને નાનીમા વાર્તાની શરૂઆત કરતાં: “એક હતો રાજા અને એક હતી રાણી. એને બે રાણીઓ હતી, એક માનીતી અને બીજી અણમાનીતી...” ત્યાં તો જયા ઊંઘી જતી. મોટી થઇને જયા પરણીને છેક સાસરે ગઇ પછી આ વાર્તા ભાવકને આખી સાંભળવા મળે છે કે કઇ રીતે રાજાના જીવનમાં બીજી રાણીના આગમન પછી પહેલી રાણી અણમાનીતી થઇ ગઇ હતી. જયાને એ પણ સમજાય છે કે એ વાર્તા નાનીમાની પોતાની છે. એને નાનીમાના શરીર પરની બળી ગયેલી ચામડીનું રહસ્ય પણ સમજાય છે. આત્મહત્યાનો પ્રયાસ કર્યા પછી નાનીમા મૃત્યુ પામી ન હતી, બચી ગઇ હતી.        

સરસ વાર્તા. રસ પડે એવી પ્રવાહી અને પ્રભાવી રજૂઆત. જૂના વિષયની વાર્તા નવી રીતે કહેવાઇ છે. પ્રસંશનીય પ્રયાસ. 

એક દબાયેલ વાતની વાર્તા (અશ્વિની બાપટ):

અંગત જીવનમાં કોને કેટલી હદ સુધી નજીક આવવા દેવા? પ્રસ્તુત વાર્તામાં નાયિકા અત્યંત નાજુક સ્થિતિમાં મૂકાઇ જાય છે. કેવળ મૈત્રીનો દેખાવ કરતાં મનોહરભાઇ જયારે નાયિકાની અંગત જિંદગીમાં અનધિકૃત પ્રવેશ કરી જાય છે ત્યારે સૌજન્ય ખાતર નાયિકા વિરોધ કરી શકતી નથી. મનોહરભાઇ પાસેથી સ્વીકારેલાં સોનાના દાગીના એના માટે એક જવાબદારી બની જાય છે. સબંધોની સીમાઓ અંગે સ્પષ્ટતા થઇ શકે પહેલાં મનોહરભાઈનું મૃત્યુ થઇ જાય છે અને નાયિકા હિસાબ બરાબર કરી શકતી નથી.

ઓફિસનો બોસ નિશાંત,  દીકરો અને બહેનપણી કિન્નરી એમ ત્રણે પાત્રોનો સૂઝબૂઝપૂર્વક ઉપયોગ. ચુસ્ત લેખનનો ઉત્કૃષ્ટ નમૂનો. બેનમૂન વાર્તા.         

પીડાને પાર (કોશા રાવલ):

ફેન્ટેસી વાર્તા. વાર્તામાં એવી ફેન્ટેસી થઇ છે કે એક એવી ચીપ શોધાઈ છે જેને માણસના મગજમાં સ્થાપિત કરવાથી એનું જીવન પીડામુક્ત બનાવી શકાય છે.

આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા આશિષને જયારે જાણ થાય કે એને બ્રેન ટ્યુમર થયું છે ત્યારે એ ભાંગી પડે છે. મગજના ઓપરેશન માટે રૂપિયા સાડા સાત લાખ ક્યાંથી ઊભા કરવા? ડોક્ટર ગુપ્તા એને એક ઓફર આપે છે: એક પ્રયોગ માટે આશિષ તૈયાર થાય તો એનું ઓપરેશન મફતમાં અને ઉપરથી વધારાની કમાણી સુનિશ્ચિત. ચારે તરફથી ફસાયેલો આશિષ હા પાડે છે. ડોક્ટર ગુપ્તા પોતે  સંશોધિત કરેલી ચીપનું આરોપણ આશિષના મગજમાં કરે છે. પરિણામે આશિષ પીડામુક્ત થઇ જાય છે. સંશોધન સફળ થાય છે.

ચીપની પેટન્ટ લેવા ડોક્ટર ગુપ્તા અને આશિષ જીનિવાની કોન્ફરન્સમાં જાય છે ત્યાં ખબર મળે છે કે માર્ગઅકસ્માતમાં આશિષના દીકરા ચિન્ટુનું મૃત્યુ થઇ ગયું છે.  આશિષને પીડા થતી નથી. સ્વદેશ પાછા ફરવાને બદલે ચીપની પેટન્ટ મેળવવા એ જીનિવામાં રોકાય છે. પણ એના મનમાં સંઘર્ષ થાય છે. એક પિતા તરીકે મારે દુઃખી થવું જોઇએ, ચિન્ટુને અંતિમ વિદાય આપવા સ્વદેશ દોડી જવું જોઇએ, કેમ મને કોઈ લાગણી થતી નથી? આવા જીવનનો શું અર્થ છે?

વાર્તાનો અંત સરસ થયો છે. આ અંત વાંચતા ચાર્લી ચેપ્લિનની ફિલ્મ “ધ ગ્રેટ ડિકટેટર” નો અંત યાદ આવે છે. બનાવટી હિટલરના વેશમાં છુપાયેલો ચાર્લી ભીષણ યુદ્ધનાં પરિણામો જોયા પછી યુદ્ધની ભયાનકતા અને માનવીય લાગણીઓ વિષે હ્રદયદ્રાવક ભાષણ આપે છે. એવી જ  કંઇક હ્રદયસ્પર્શી વાતો આ વાર્તામાં આશિષ જીનિવામાં ઉપસ્થિત દુનિયાના ટોચના વૈજ્ઞાનિકો સમક્ષ કરે છે.          

યંત્ર અને માનવીય લાગણીઓ વચ્ચેના સંઘર્ષની સરસ હ્રદયસ્પર્શી વાર્તા.

--કિશોર પટેલ, 08-10-21; 08:31

###


No comments: