Monday 13 September 2021

પરબ ઓગસ્ટ ૨૦૨૧ અંકની વાર્તા વિષે

 

પરબ ઓગસ્ટ ૨૦૨૧ અંકની વાર્તા વિષે

(૨૪૮ શબ્દો)

ડેથ રો (વર્ષા અડાલજા):

જેલમાં સબડતાં ફાંસીની સજા પામેલા કેદીઓની કરુણ વાસ્તવિકતા પર પ્રકાશ પાડતી વાર્તા.

પછાત ગામડાનો અને દલિત કોમનો જયપ્રકાશ નામનો એક યુવક સંઘર્ષપૂર્ણ સ્થિતિમાં પત્રકારત્વનું શિક્ષણ મેળવીને મુંબઇ જેવા મહાનગરમાં આવ્યો છે. પોતાની અને પરિવારના સભ્યોની જિંદગી બદલી નાખવાનું એનું સ્વપ્નું છે. પત્રકારની નોકરીમાં ફિલ્મઉદ્યોગના અહેવાલો લખવામાં એને રસ પડતો નથી. એને એક નવું કામ મળે છે: ફાંસીની સજા પામેલા પણ લાંબા વખતથી જેલમાં સબડતા કેદીઓ અને એમનાં પરિવારની મુલાકાતો લેવાનું. રાષ્ટ્રીય કક્ષાએ રિપોર્ટ બનાવવાનું આ મહત્વનું કામ છે. આ કામ દરમિયાન એને ખ્યાલ આવે છે કે અન્યાયી સમાજવ્યવસ્થા તેમ જ રાજકારણીઓ અને સ્થાપિત હિતો વચ્ચેની સાંઠગાંઠને લીધે આ ઉપેક્ષિત પ્રજાને કેટલો અન્યાય થાય છે. કેદીઓની અને એમનાં પરિવારોની કરુણ કહાણીઓ સાંભળીને નાયક હચમચી જાય છે.

ફ્રિલાન્સ પત્રકાર યુવતી કામ્યાનું પાત્રાલેખન રસ પડે એવું થયું છે. બીજા શહેરોમાંથી આવેલાં અને અપરિણીત જુવાનિયાઓની જીવનશૈલીની એક ઝલક આ વાર્તામાં મળે છે. મુંબઈ શહેરમાં રહેઠાણની સમસ્યા કેવી ગંભીર છે એના વિષે પણ વાર્તામાં ઈશારો થયો છે.

દલિત કોમમાંથી ઉપર આવેલા યુવાનની ફરજ હતી કે પોતાના જેવા હાંસિયામાં જીવતાં સમાજના લોકોની સમસ્યાને એ વાચા આપે. નાયકની પાર્શ્વભૂમિની લેખકે કરેલી પસંદગી યથાયોગ્ય જ છે. પણ એક વિચાર એવો આવે છે કે વાર્તામાં દલિત કોમના નાયકને બદલે દોમદોમ સાહ્યબીમાં ઉછરેલો શ્રીમંત કુટુંબનો નબીરો વાર્તાનો નાયક હોત તો? જેણે ગરીબી શું છે એ કદી જોયું-જાણ્યું નથી એવા યુવાને દેશની પછાત વસ્તીની કરુણ વાસ્તવિકતા જોઇને કેવો આઘાત અને સંઘર્ષ અનુભવ્યો હોત? એની જિંદગીમાં ધરમૂળથી પરિવર્તન આવ્યું હોત કે નહીં? એક જુદી જ વાર્તા બની હોત કે નહીં?    

--કિશોર પટેલ, 11-09-21; 21:13

 ###  


No comments: