Monday 16 August 2021

નવનીત સમર્પણ ઓગસ્ટ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

નવનીત સમર્પણ ઓગસ્ટ ૨૦૨૧ અંકની વાર્તાઓ વિષે

(૨૮૬ શબ્દો)

આ અંકમાં અનુઆધુનિક યુગના બે મહત્વના વાર્તાકારોની વાર્તાઓના વિષય જૂનાં અને સારાં પ્રમાણમાં ખેડાઈ ચૂકેલાં છે. બંને વાર્તાઓની રજૂઆત પણ પરંપરાગત શૈલીમાં થઇ છે.

તમને શેની પ્રતીક્ષા છે? (પ્રવીણસિંહ ચાવડા):

સાકાર નહીં થયેલા સંબંધની વાત. ઘરમાં માણસ ત્રણ અને મોબાઇલ ચાર હોવાં છતાં નાયકે લેન્ડલાઇન ફોન સાચવી રાખ્યો છે. પત્ની વારંવાર ટોકતી હોવા છતાં અવારનવાર બગડી જતો જૂનો ફોન એ કાઢતો નથી. કારણ એક જ: ક્યારેક ‘એ’ નો ફોન આવે તો? હ્રદયના એક ખૂણે એક સખીની સ્મૃતિ સાચવીને નાયક બેઠો છે. ‘એ’ની પાસે મોબાઇલ નંબર તો હોય નહીં, ફોન કરશે તો આ જ નંબર પર! નાયકના વર્તમાન જીવનમાં કોઇ અભાવ નથી અને છતાં એક વ્યક્તિની સ્મૃતિ પોતાનું અસ્તિત્વ સાચવીને એની અંદર બેઠી છે. આપણી જિંદગીમાં આવું થતું હોય છે. આ લેખકની શૈલી પ્રમાણે રાબેતા મુજબ વાર્તામાં ઠેકઠેકાણે રમૂજનાં છાંટણા છે.

વાર્તાનો અંત ભારે નાટ્યાત્મક યોજાયો છે. મોડી રાતે બે વાગ્યે એક અજાણી સ્ત્રીનો ફોન આવે છે. એ ફોન પેલી સખીનો હતો અને ન હતો. કદાચ એની જેમ જ ભૂતકાળના સખાનો અવાજ સાંભળવાની તમ્મના રાખનારી એના જેવી જ કોઈ સ્ત્રી હતી.

સરકારી ટેલિફોન તંત્રની કામકાજ કરવાની ઉદાસીન શૈલી પર કટાક્ષ. ફોન-મેકેનિક વિઠ્ઠલદાસનું રસ પડે એવું મઝાનું પાત્રાલેખન.    

શિવસંકલ્પ (હિમાંશી શેલત):

મા-દીકરાની હ્રદયસ્પર્શી વાર્તા.

સત્યકામને માવડિયો કહેવો પડે એટલી હદનું એનું પોતાની માતા જોડે વળગણ હતું. એની મા પણ સમજતી હતી. આમ છતાં પુત્ર જોડે કર્કશા વહુનો રોજનો કંકાસ માતાથી સહન ના થવાથી એ વૃધ્ધાશ્રમમાં રહેવા ચાલી ગઇ છે. આમ છતાં ફોન વડે માતા પોતાના પુત્રના સતત સંપર્કમાં રહે છે. વાર્તાનો અંત અણધાર્યો અને ભારે હ્રદયસ્પર્શી બન્યો છે. 

વહુઓને સાસુ જોડે રહેવાનું બહુધા ફાવતું નથી. પેઢી દર પેઢી ચાલી આવતી આ એક સામાજિક સમસ્યા છે. સમાજમાં વૃદ્ધાશ્રમોની જરૂરિયાત વધતી જાય છે એ વિષે નિવેદન. જૂનો વિષય પણ સહજ રજૂઆત.

--કિશોર પટેલ, 17-08-21; 06:05

###    

 

 

No comments: