નવનીત સમર્પણ ઓક્ટોબર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ
(૪૪૮ શબ્દો)
વિસામો (સતીશ વૈષ્ણવ)
સંબંધવિચ્છેદ પછીનો
ખાલીપો.
પ્રેમલગ્નથી
જોડાયેલાં શૈલજા અને નિગમ પુત્રજન્મનાં થોડાક સમયમાં જ છૂટાં પડે છે. શૈલજા
પિયરમાં પાછી ફરે છે. શેલજા પાસે રહેતો પુત્ર વત્સલ દર રવિવારે સવારે એના પિતા
પાસે જાય છે અને મોડેથી રાત્રે પાછો ફરે છે.
શૈલજાની નાની બહેન
એટલે કે વત્સલની માસી સીમાના પોંઈટ ઓફ વ્યુથી વાર્તા કહેવાઈ છે. શૈલજાએ સંસારમાંથી
મન ખેંચી લીધું છે. નિગમ શ્રીમંતાઈના જોરે વત્સલને મોંઘી ભેટો, વેકેશનમાં
વિદેશપ્રવાસો તેમ પિતાના અઘિકારોના દાવાઓ ઈત્યાદિ નુસખાઓ હેઠળ વત્સલને વધુને વધુ
સમય પોતાની જોડે રાખવાના પેંતરા લડાવ્યા કરે છે. એક મા-દીકરો કેવી રીતે એકબીજાથી
દૂર થતાં જાય છે તેનું એક ત્રાહિત દ્વારા સરસ આલેખન.
ઉદાસીમાં ડૂબતી જતી સાંજ (માવજી મહેશ્વરી)
નારીચેતનાની વાત.
લીલાના સાસરિયા જમીનમાલિક
અને ખાતાપીતાં માણસો છે. લીલાના પતિએ એક પત્ની હોવા છતાં બીજી એક કન્યા જોડે સંબંધ
રાખ્યા છે જેમાંથી એ કન્યાનાં માવતર જોડે ટંટો/મારામારી/પોલીસ કેસ વગેરે લમણાંઝીંક
થઈ છે. આ પ્રકરણમાં અંતિમ વિજય મેળવીને ઘટનાની સાંજે લીલાના સાસુ-સસરા-જેઠ વગેરે
સહુ ઘેર પાછાં ફર્યાં છે. ટૂંક સમયમાં પેલી કન્યાને એના માવતર વિધિસર એને અહીં
મૂકી જવાનાં છે. લીલાના સાસરિયાંનાં મનથી કેસનો નિવેડો આવી ગયેલો છે. તેઓ સહુ
ઉજાણીના મૂડમાં છે. પણ તેઓ જાણતાં નથી કે એક નહીં ધારેલા પક્ષકારનો એમણે સામનો
કરવાનો હજી બાકી છે.
એ છે ઘરની પુત્રવધૂ લીલા.
એ પોતાનાં સાસરિયાંને પડકારે છે, મારી હયાતિમાં બીજી વહુ આ ઘરમાં કેવી રીતે
લાવશો?
વાર્તાની રજૂઆત
નોંધનીય છે. લીલા જોડે સતત એનો બે વર્ષનો અપંગ છોકરો બતાવ્યો છે. એ અપંગ છોકરો કોઈ
રીતે લીલા માટે દુખતી રગ નથી બનતો, પોતાનાં હક્કો માટે જાગૃત લીલા પોતાની લડાઈ લડી
લેવા સમર્થ છે. ઘણા બધાં માણસોનું આવવું, એની સાસુની અધિકાર જમાવતી અને જતાવતી
વર્તૂણુંક દરમિયાન ઘરનું રુટિન કામકાજ કરતી વેળા લીલાની સંયમિત દેહભાષા એનાં
વ્યક્તિત્વ વિશે શબ્દોમાં વર્ણવ્યા વિના ઘણું બધું કહી જાય છે.
થેંક્યુ લોકડાઉન (પારુલ કંદર્પ દેસાઈ)
લોકડાઉનના લીધે
ઘરવાપસી.
ફરજિયાત લોકડાઉનના
કારણે નાનાં વેકેશનમાં ઘેર આવેલી કોલેજકન્યા સાન્યા ત્રણ અઠવાડિયા માટે અટકી પડે
છે. શરુઆતમાં તો એ હોસ્ટેલ લાઈફમાં મળેલી સ્વતંત્રતાને ખૂબ મિસ કરે છે પણ પછી
હોસ્ટેલમાં એકાદ-બે કોરોના કેસના લીધે ત્યાંનાં તંગ વાતાવરણનાં સમાચાર આવે છે. એવી
સ્થિતિમાં પોતે પરિવાર જોડે સલામત છે એનો અહેસાસ થતાં સાન્યા ઘરનાં વાતાવરણમાં
સમરસ થવા માંડે છે.
એક નવયુવતીના પોંઈટ
ઓફ વ્યૂથી રજૂ થયેલી પઠનીય વાર્તા.
એસપ્રેસો કોફી! (કિરણ વી. મહેતા)
જિંદગીને બીજી તક
આપતી નાયિકા.
એક કડવા અનુભવ પછી તૃષાએ
જિંદગી તરફથી મોં ફેરવી લીધું હતું. હવે જ્યારે એના જીવનમાં બીજી તક આવી છે ત્યારે
એ હોંશભેર બંને હાથે એ તક ઝડપી લે છે.
એક યુવતીના
મનોભાવોનું પ્રવાહી આલેખન.
--કિશોર પટેલ, 01-11-23
08:57
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment