૧૬ ઓક્ટોબર ૧૯૭૩ યાદોનાં ઉપવનમાં
(૯૬૯ શબ્દો)
આજથી બરાબર પચાસ
વર્ષ પહેલાં ૧૬ મી ઓક્ટોબર ૧૯૭૩ નો દિવસ એટલે મારી પ્રથમ સરકારી નોકરીનો પ્રથમ દિવસ.
તાર અને ટપાલ ખાતામાં ટેલિફોન ઓપરેટર તરીકે હું ભરતી થયો હતો. મારા સહિત પચાસ જણના
બેચને એક ગોઠવણ દ્વારા બોમ્બે ટેલિફોન્સ તરફથી સેવાપૂર્વ તાલીમ અપાઈ હતી. પ્રેક્ટિકલ ટ્રેનિંગ દરમિયાન મુંબઈનાં ટેલિફોન
ગ્રાહકો તરફથી અમને છોકરાઓને ચિત્રવિચિત્ર અનુભવો થયાં હતાં. ટેલિફોન ઓફિસમાંથી
કેવળ મહિલાસ્વર સાંભળવા ટેવાયેલાં ગ્રાહકોને લાગતું કે કોઈ એમની સાથે મજાક કરે છે.
તેઓ વાતચીત અટકાવી ફોન મૂકી દેતાં, કોઈ વળી અમને ગાળો પણ ભાંડતાં!
ત્રણ મહિનાની તાલીમના
અંતે સહુને મુંબઈની બહારનાં મહારાષ્ટ્રનાં જુદા જુદા શહેરોમાં પોસ્ટિંગનો ઓર્ડર
મળ્યો. બોમ્બે ટેલિફોન્સ (મુંબઈ મહાનગર ટેલિકોમ નિગમ તો પછીથી બન્યું) ખાનગી કંપની
હતી અને તાર અને ટપાલ ખાતું સરકારી વિભાગ હતો. પચાસમાંથી અમને સાત જણાને કલ્યાણ
ટેલિફોન એક્સચેન્જમાં હાજર થવાનો હુકમ મળ્યો હતો. બાકીનાઓનું ઉલ્હાસનગર, ભિવંડી, વાડા વગેરે અન્ય ઠેકાણે પોસ્ટિંગ
થયું હતું.
ટેલિફોન
એક્સચેન્જનું દ્રશ્ય કદાચ તમે કોઈ ફિલ્મમાં જોયું હશે. બાર બાય આઠ ફૂટના લાકડી ઊભા
બોક્સ સામે કાઉન્ટર પર હરોળબંધ આઠ જેટલા ટેલિફોન બાજુબાજુમાં બેઠેલાં કામ કરતાં
જોયાં હશે. સહુ ટેલિફોન ઓપરેટરને ફોનમાં વાત કરતાં કરતાં લાંબી કોર્ડના છેડા
સામેનાં છિદ્રાળુ પાટિયામાં એક અથવા બીજા છિદ્રમાં ખોસતાં જોયા હશે.
સહુ ઓપરેટર બોલતાં
હોય પણ મજાલ છે કે સાવ બાજુમાં બેઠેલા ઓપરેટરને ખલેલ પડે!
એનું રહસ્ય છે સહુ
ટેલિફોન ઓપરેટરોને મળેલી તાલીમ. ટેલિફોન રિસીવરમાં કેવી રીતે બોલવું એની ખાસ તાલીમ
અપાતી હોય છે. અવાજ એવી રીતે પ્રોજેક્ટ કરવો કે હાથમાંના યંત્રની અંદર રહેલી
પિત્તળની પ્લેટ પર બરાબર ઝીલાય પણ બાજુમાં બેઠેલાને બિલકુલ ના સંભળાય!
ટેલિફોન પર વાત કરવી
એ પણ એક કળા છે. મારું એક સામાન્ય નિરિક્ષણ છે કે આપણામાંનાં નેવુ ટકા લોકોને ફોન
પર વાત કરતાં આવડતું નથી.
*
એ દિવસોમાં દેશનાં મહાનગરોનાં
ટેલિફોન એક્સચેન્જ ઓટોમેટિક હતાં પણ નાનાં શહેરો અને ગામડાંનાં ટેલિફોન એક્સચેન્જ
મેન્યુઅલ હતાં, કલ્યાણ પણ એમાંનું એક હતું.
એટલે કે ત્યાંનાં ટેલિફોનમાં ડાયલ નહોતાં. ગ્રાહક પાસે ડમી ટેલિફોન રહેતાં.
સ્થાનિક ફોન કોલ કરવા ગ્રાહક ટેલિફોનનું રિસિવર ઉંચકે એટલે એક્સચેન્જમાં એના
નંબરનો દીવો પ્રગટતો. ટેલિફોન ઓપરેટર જવાબ આપતો, “નંબર પ્લીઝ?” ગ્રાહક જે નંબર કહે
એ નંબર જોડે પેલી લાંબી કોર્ડથી ઓપરેટર ફોન જોડી આપતો. એ દિવસોનાં કલ્યાણના
કેટલાંક નંબરો મને હજી યાદ છે. જોકર ટોકિઝઃ ૬૯૯, પૂર્ણિમા ટોકિઝઃ ૯૬, ડોં સૂચક
હોસ્પિટલઃ ૧૦૬. દિલીપભાઈઃ ૮. આ દિલીપભાઈની અમારા એક્સચેન્જની સામે જ કરિયાણાની દુકાન
હતી.
કલ્યાણ ટેલિફોન
એક્સચેન્જમાં લગભગ પચાસ જણાનાં સ્ટાફમાં એક મારા સિવાય સહુ મરાઠીભાષી હતાં. દિવસરાત સતત એક જ ભાષા કાને પડ્યા કરતી. એ રીતે
હું મરાઠી ભાષા શીખ્યો, ના, મને એ ભાષા શીખવાની ફરજ પડી. રહેઠાણ ગોરેગામમાં અને
નોકરી કલ્યાણ. એ માટે ટ્રેનમાં વાયા દાદર રોજનું જવા-આવવાનું. મોબાઈલ ફોન નહોતાં એ
જમાનામાં ટ્રેનમાં સહપ્રવાસીઓ પાસે મોટે ભાગે છાપાં રહેતાં. મરાઠી સજ્જનો પાસે
લોકસત્તા કે મહારાષ્ટ્ર ટાઈમ્સ રહેતું. શ્રમિકોમાં નવાકાળ અને સંધ્યાકાળ અખબારો લોકપ્રિય
હતાં. ઓફિસમાં સ્ટાફમાંની મહિલાઓ એક અથવા બીજા પુસ્તકાલયમાં સભ્ય બનેલી હોય, એમના
હાથમાં બાબા કદમ કે ચંદ્રકાત કાકોડકરની રોમેન્ટિક નવલકથાઓ શોભતી હોય. આ સહુની
વચ્ચે રહીને હું મરાઠી ભાષા સમજતાં, બોલતાં અને વાંચતા શીખ્યો.
મરાઠી ભાષાનાં
દિગ્ગજ સાહિત્યકારો જયવંત દળવી, ગોપાલ નીલકંઠ દાંડેકર, વિ.સં ખાંડેકરની નવલકથાઓ,
હરિ નારાયણ આપ્ટે અને મધુ મંગેશ કર્ણિકની ટૂંકી વાર્તાઓ, વિજય તેંડુલકરનાં
ક્રાંતિકારી નાટકો વગેરે એ દિવસોમાં વાંચ્યા.
*
એ સરકારી નોકરી
દરમિયાન કેટલાંક મિત્રો એવાં બન્યાં જેમની જોડે મૈત્રી હજી આજે પણ ટકી રહી છે.
એમાંનાં કેટલાંક તો લાંબી સફરે નીકળી જવા છૂટાં પણ પડી ગયાં છે.
૧૬ ઓક્ટોબર ૧૯૭૩ ના દિવસે
કલ્યાણ ટેલિફોન એક્સચેન્જમાં ફરજ પર હાજર થનારાં મારા અન્ય છ સાથીઓના નામ આ
પ્રમાણેઃ
કુ. સુશીલા માને,
કુ. કુસુમ દેસાઈ, શ્રીમતી મોહન, સુહાસ રાઉત, શિંદે અને સૈયદ. આજની તારીખમાં આ
છમાંથી ફક્ત એક જણ મારા સંપર્કમાં હજી છે, સુશીલા માને. નોકરીએ લાગ્યા પછી
વરસેકમાં જ કલ્યાણ ઓફિસનાં જ એક સિનિયર ટેલિફોન ઓપરેટર જોડે એનો મનમેળ થયો અને
એનું લગ્ન થયું. લગ્ન પછી કુ. સુશીલા માનેનું નવું નામ થયું શ્રીમતી નિશા નિરાનંદ
ઉટાણે. જી, આ શ્રીમતી ઉટાણે એક જ વ્યક્તિ
એવી છે જે ફક્ત કલ્યાણ ઓફિસની જ નહીં, પૂરા પચાસ જણના બેચમાંથી હજી મારા સંપર્કમાં
રહી છે.
એ સમયે સુશીલાનાં લગ્ન
માટે ક્ન્યાપક્ષે પિતાની સંમતિ મળી નહોતી. અમે ત્રણચાર જુવાનિયાએ એ ઉંમરમાં ભારે સાહસ
કર્યું હતું. કન્યાને ઘેરથી ભગાડીને સંતાડી હતી, દક્ષિણ મુંબઈમાં ગિરગામ ખાતે એક શુભમંગલ
કાર્યાલયમાં લગ્ન ઉકેલ્યા બાદ વર-કન્યા બેઉને થોડા દિવસો માટે વારાફરતી જુદા જુદા
મિત્રોને ઘેર આશરો આપીને વાતાવરણ ઠંડુ થાય ત્યાં સુધી અમે સહુ ઓલમોસ્ટ રહસ્યપૂર્ણ
રોમાંચક નવલકથા જીવ્યાં હતાં.
એ ચિત્તથરારક અનુભવ
પરથી હિન્દી ભાષામાં બસો પાનાંની એક્સરસાઈઝ નોટબુક ભરીને એક નવલકથા લખીને ૧૯૭૫ માં
મેં એ યુગલને એમની પહેલી લગ્નતિથિએ ભેટ આપી હતી. એ હસ્તલિખિત પ્રત હતી, એ દિવસોમાં
ફોટોકોપી મશીનો આવ્યાં નહોતાં, મેં કોઈ કાર્બન કોપી પણ બનાવી નહોતી.
એ જ વર્ષે ટેલિફોન
એક્સચેન્જનાં અન્ય સમાન રસ ધરાવતાં મિત્રો જોડે મળીને અમે એક હસ્તલિખિત સામયિક
પ્રગટ કર્યું હતું, “કોશિશ.” જે દિવસે દેશભરના છબીઘરોમાં “શોલે” રિલિઝ થયેલું એટલે
કે ૧૫ મી ઓગસ્ટ ૧૯૭૫ ના દિવસે કલ્યાણ ટે.એ. ના લેડીઝ કોમનરુમમાં “કોશિશ”નું વિમોચન થયેલું. એ હસ્તલિખિત
સામયિકને મળેલાં અભૂતપૂર્વ પ્રતિસાદથી પ્રેરાઈને એ જ વર્ષે અમે “કોશિશ”નો દિવાળી
અંક પ્રગટ કરેલો, સાઈક્લોસ્ટાઈલ કરાવીને સો જેટલી નકલો બનાવેલી, સહુને વહેંચેલી,
આસપાસનાં અન્ય ગામડાઓનાં કેટલાંક ટેલિફોન એક્સચેન્જને પણ ભેટ મોકલી હતી. (બંને અંકોનાં મુખપૃષ્ઠની અને અન્ય પાનાંઓની કેટલીક
છબીઓ આ પોસ્ટ જોડે બીડી છે.)
*
એ નોકરી મેં ફક્ત
સાત વર્ષ કરી હતી. રાષ્ટ્રીયકૃત બેન્કોમાં ભરતી કરવા બીએસઆરબી બોર્ડ બન્યું એ પછી
પહેલા જ બેચમાં સિલેક્ટ થયો અને ૧૯૮૦ ના જાન્યુઆરી માસમાં હું દેના બેન્કમાં
જોડાયો.
એ સાત વર્ષોની
સ્મૃતિઓ એકસામટી ઊભરાઈ રહી છે. માથેરાન, મહાબળેશ્વર, અલિબાગ જેવા હવા ખાવાના સ્થળે
અમે જુવાનિયાઓ પિકનિક કાઢતાં પણ ક્યારેય ક્યાંય હોટલ કે લોજનો ખર્ચો કરતા નહીં.
જ્યાં પણ જવાનું થાય ત્યાં ટેલિફોન એક્સચેન્જ હોય જ. કમસેકમ પોસ્ટ ઓફિસ તો હોય જ.
ત્યાં જઈ કલ્યાણ ટેલિફોનમાંથી આવ્યાં છીએ એવું કહેતાં એટલે અમારી તમામ સગવડ થઈ
જતી! રાત્રે સૂવાની, બે ટાઈમ જમવાની બધી વ્યવસ્થા ત્યાંનો સ્ટાફ સંભાળી લેતો! વળી વધારામાં
સાઈટસીઈંગ માટે કોમ્પ્લીમેન્ટરી ગાઈડ પણ એમાંનો જ એકાદ! અલબત્ત, એ રીતે તેઓ
ક્યારેક કલ્યાણ ફરવા આવે તો એમની સગવડ અમે કરતાં, અરસપરસ ભાતૃભાવના.
ઘણી બધી યાદો છે, આજે
અહીં અટકું છું.
--કિશોર પટેલ, 16-10-23
11:23
* * *
No comments:
Post a Comment