Monday, 9 October 2023

શબ્દસૃષ્ટિ સપ્ટેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ



 

શબ્દસૃષ્ટિ સપ્ટેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૪૮૪ શબ્દો)

ઓન ધ વે (કિશનસિંહ પરમાર)

ગ્રામ્ય પરિવેશની વાત.

જંગલના નિર્જન વિસ્તારમાં બે યુવાન મિત્રો વાહન દ્વારા એક સ્થળેથી બીજે સ્થળે જઈ રહ્યા છે. અચાનક એમની કાર રસ્તામાં ખોટકાય છે. નજીકમાં કેશી નામની એક ગ્રામ્ય સ્ત્રી ફળ વેચવા બેઠી છે.  નાયિકા માણસાઈના નાતે બેઉ યુવાનોને પોતાને ખોરડે આશ્રય આપે છે.

મહેમાનો માટે ચા બનાવવા નજીકમાં જેઠાણી ભદ્રાને ઘેર કેશી દૂધ માંગવા જાય છે. તાંત્રિક વિધ્યાની જાણકાર ભદ્રા કેશીને સલાહ આપે છે કે એણે બેમાંથી એક યુવાનના પગના અંગુઠે  પોતે મંતરીને આપેલો કાળો દોરો બાંધી દેવો. એમ કરવાથી કેશીના ધણીની  બિમારી પેલા યુવાનમાં ટ્રાન્સફર થઈ જશે અને કેશીનો ધણી સાજોનરવો થઈ જશે. કેશી ભારે મનોમંથનમાંથી પસાર થાય છે કે શું કરવું અને શું ના કરવું.

પેલા બંને યુવાનોની વાતચીત પરથી જ ખ્યાલ આવે છે કે એ બંને કશાક ભેદી કામકાજમાં સંડોવાયેલા છે. એ રાત્રે કેશીને પીવાના પાણીનો સ્વાદ કંઈક જુદો આવે છે. વાસ્તવમાં પેલા બદમાશોએ પાણીમાં કેફી પદાર્થ મેળવી દીધો હોય. રાત્રે એ બંને કેશી પર બળાત્કાર કરે છે. કેફી પદાર્થની અસર હેઠળ કેશીને ખ્યાલ નથી આવતો કે રાત્રે એની સાથે શું થયેલું.

એક તરફ કેશી પોતાની ભલાઈ છોડતી નથી અને બીજી તરફ બદમાશો પોતાની બૂરાઈ છોડતા નથી.

નાયિકાની દ્વિદ્વાનું અસરકારક આલેખન. વાચનક્ષમ વાર્તા. 

જૂનું સરનામું (જિતેન્દ્ર પટેલ)

ઘર વેચવાની પ્રક્રિયા દરમિયાન નાયકને જાણ થાય છે કે એના ઘરનાં ખરીદનાર દંપતીમાંની સ્ત્રી બીજું કોઈ નહીં પણ અચલા છે. અચલા એટલે નાયકનો પ્રથમ પ્રેમ. ન્યાતની બહાર લગ્ન કરવાનો બંને પક્ષે માતાપિતાએ કરેલી મનાઈના પરિણામે બંને પ્રેમીઓ એક નહીં થઈ શકેલા.  અચલા ફરી એક વાર ભેટી જતાં નાયકનું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય છે. કોઈક રીતે એનું મુખદર્શન ફરી ફરી થતું રહે એવા વિચારે એ વિવેકબુધ્ધિ ગુમાવીને રોજ અથવા એકાંતરે જૂનાં ઘેર પહોંચી જાય છે.  કોઈ સામયિકની ઓફિસમાં સરનામું બદલતા નથી એવા બહાને એ ત્યાં વારંવાર જતો હોય. નાયકની પત્ની પેલા સામયિકની ઓફિસે ફોન કરી સરનામું અપડેટ કરાવી નાંખે છે એ પછી નાયક માટે અચલાને જોવા જવાનું બહાનું જ રહેતું નથી. પરિણામે એ પત્ની પર પ્રચંડ ક્રોધે ભરાય છે.

માનવસ્વભાવની નબળાઈને પકડીને સારી માવજત કરીને વિકસાવેલી સરસ રચના. પ્રવાહી રજૂઆત.  

અવનીનું અબોલ હેત (પ્રા. મહેન્દ્ર જે. પરમાર)

એક કૂતરી કઈ રીતે પોતાનાં બચ્ચાંનું જતન એ કરે છે એની દીર્ઘકથા. માતૃપ્રેમનો મહિમા.

લઘુકથા

વિયોગ-વૃત્તાંત (રમેશ ત્રિવેદી)

કાનુડાની રાહ જોતી રાધા રસ્તાની કિનારે બેઠી રહી. એની રાહ જોવામાં રાધા એટલી  તલ્લીન હતી કે કાનુડો ક્યારે આવીને પસાર પણ થઈ ગયો એની રાધાને સરત રહેતી નથી. ચોટદાર લઘુકથા.

--કિશોર પટેલ, 09-10-23 18:18

તા.ક. આજે સવારે મૂકેલી પોસ્ટમાં નોંધેલા નિરિક્ષણોમાં રહેલી ક્ષતિઓ પ્રતિ જે મિત્રોએ ધ્યાન દોર્યું તે સહુનો હું આભારી છું. એમની સમયસરની ટીકા-ટિપ્પણીના કારણે જ વાર્તાને હું યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી શક્યો. આ પોસ્ટ એડિટ કરીને લગભગ બધા સુધારા આમેજ કર્યાં છે.

માવજી મહેશ્વરી, નરેન્દ્રસિંહ રાણા, ગિરિમા ઘારેખાન, કંદર્પ દેસાઈ અને અલકા ત્રિવેદી, આપ સહુનો હું આભારી છુ.

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

No comments: