Monday, 30 October 2023

બાલભારતીમાં વાર્તાપઠન ૨૮ ઓક્ટોબર ૨૦૨૩















 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૮ ઓક્ટોબર ૨૦૨૩

(૨૪૦ શબ્દો)

મુંબઈ શહેરમાં ઠેકઠકાણે શરદપૂર્ણિમાની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ હતી ત્યારે કાંદીવલી પશ્ચિમમાં બાલભારતી સ્કૂલ ખાતે નિયમ પ્રમાણે મહિનાના ચોથા શનિવારે યોજાતા વાર્તાવંતનાં વાર્તાપઠન માટે રસિક ભાવકો ઉમટી પડ્યાં હતાં.

શરદપૂર્ણિમા નિમિત્તે રાસગરબાનું પણ આયોજન હતું એટલે ચારને બદલે કેવળ બે વાર્તાકારોનું પઠન ગોઠવાયું હતું. સૌપ્રથમ જાણીતા પત્રકાર અને લેખક હેન્રી શાસ્ત્રીએ સ્વરચિત ટૂંકી વાર્તા  "બ્રેકિંગ ન્યૂઝ" નું પઠન કર્યું. 

તાલીમ હેઠળનો એક નવો નિશાળિયો પત્રકાર શહેરમાં થયેલા એક અકસ્માત પ્રસંગે અનુભવી વરિષ્ઠ પત્રકારનો અભિગમ જોઈને આઘાત અનુભવે છે.  અકસ્માતના પગલે મૃત્યુ પામેલા માણસોનાં આંકડાઓ જાણીને વરિષ્ઠ પત્રકાર ગેલમાં આવી ગયો હતો કે આજે તો સરસ હેડલાઈન બનાવવા મળી.  ઉદાસ થઈ ગયેલા શિખાઉ પત્રકારને પેલો અનુભવી પત્રકાર સમજાવે છે કે ભાઈ, આ વ્યવસાયમાં અંગત લાગણીઓ કોરે મૂકવી પડે છે.  સરસ વાર્તા. આ નિમિત્તે છાપાંની દુનિયામાં ડોકિયું કરવાની ભાવકોને તક મળી. એક તદ્દન નવા પરિવેશની વાર્તા.

કોફીબ્રેક પછી બાલભારતી સ્કૂલનાં ટ્રસ્ટી અને પૂર્વપત્રકાર એવા હેમાંગ તન્નાએ ટૂંકી વાર્તાઓના એક જાણીતા અમેરિકન સ્ત્રીલેખક લિડિયા ડેવિસની બે વાર્તાઓનાં અનુવાદ રજૂ કર્યાઃ 

૧. ધ ગુડ ટેસ્ટ કોન્ટેસ્ટ અને ૨. ધ ફીયર ઓફ મિસિસ ઓરલેન્ડો.

આ બંને વાર્તાઓમાંથી ભાવકોને વિદેશી સંસ્કૃતિની સરસ ઝલક જાણવા મળી. હેમાંગભાઈની રજૂઆત પ્રવાહી અને પ્રભાવી રહી.

કાર્યક્રમનું સંચાલન કવિમિત્ર સંદીપ ભાટિયાએ સંભાળ્યુ. કાર્યક્રમ દરમિયાન વાર્તાકળા વિશે એમણે ઘણી મહત્વની અને જાણવા/વાગોળવાલાયક વાતો કરી.  

એ પછી સાઉન્ડ સિસ્ટીમ પર વાગતા સંગીતની ધૂન પર ઉપસ્થિત સહુ મિત્રોએ ઉલટભેર ગરબા ગાયાં. યાદગાર અનુભવ.

અંતમાં પૌંઆને બદલે સેવૈયાંનો મીઠો સ્વાદ માણી સહુ કૈંક અલગ અનુભવને માણતાં/ મમળાવતાં સહુ વિખેરાયાં.

--કિશોર પટેલ, 30-10-23 12:47

No comments: