Tuesday, 17 October 2023

અખંડ આનંદ સપ્ટેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ


અખંડ આનંદ સપ્ટેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૬૨૧ શબ્દો)

આભાસનો અજવાસ (નીલેશ રાણા)

પોતાની નહીં પણ અન્યની પ્રેમિકામાં રસ લેતા યુવકની રહસ્યકથા.

મેધા અને આકાશ. મુંબઈસ્થિત પ્રેમી યુગલ.  મેધા પોતાનાં સુરતસ્થિત માતાપિતા સાથે આકાશનો પરિચય કરાવવા ઈચ્છે છે પણ આકાશને કશોક ખચકાટ છે. અઠવાડિયા પછી  મેધાનાં પેરેન્ટ્સની સુરત ખાતેની વેડિંગ એનીવર્સરીની પાર્ટીમાં મેધા જોડે આકાશને જોઈ પેરેન્ટસ તર્ક-વિતર્ક કરે છે પણ મેધા કશી ચોખવટ કરતી નથી. પાર્ટીમાં મેધાના પિતાના મિત્ર ગૌતમઅંકલ પણ મહેમાન તરીકે હાજર છે. ગૌતમઅંકલની છાપ મેધા પર એક “રોમિયો” ની છે. ગૌતમઅંકલ જોડે સ્નેહા નામની એક યુવતી છે પણ એ એમની પત્ની કે પ્રિયતમા હોય એવું લાગતું નથી. સુરતથી વિદાય થતી વખતે આકાશ મેધાને પોતાના વિશે એના માતાપિતાનો શું અભિપ્રાય છે એ વિશે કૂતુહલ નથી બતાવતો પણ એ ગૌતમઅંકલની મિત્ર સ્નેહા વિશે પૂછપરછ કરે છે. એટલું જ નહીં, એ તો સ્નેહાનું મુંબઈનું સરનામું-ફોન નંબર પણ જાણવા ઈચ્છે છે!

મેધા જોડે પરણવા ઈચ્છુક આકાશને કોઈ અન્ય પુરુષની ગર્લફ્રેન્ડમાં શા માટે રસ પડવો જોઈએ? વળી એની પૂછપરછ પણ મેધાથી ખાનગીમાં નહીં પણ મેધા દ્વારા જ? આકાશની આ વર્તૂણુંક વાર્તાને ભેદી રહસ્યમય વળાંક આપે છે. પણ કોઈ તારણ પર આવી શકાય એવા સંકેત/ઈંગિત વાર્તામાં નથી એટલે વાર્તાનો સ્વાદ અધૂરો રહી ગયાની લાગણી થાય છે.    

લે લેતો જા (વસુધા ઈનામદાર)

પ્રથમ પુરુષ એકવચન કથનશૈલીમાં કથક કોઈ કાળે પોતે કરેલા આત્મહત્યાના નિષ્ફળ પ્રયાસની કથા કહે છે. એ સમયે એક નિવૃત્ત લશ્કરી અધિકારીએ એને વાતોમાં પાડીને એને મરતાં રોક્યો હોય. આ લશ્કરી અધિકારીના એક દીકરાએ એવી રીતે આત્મહત્યા કરીને જીવ ખોયેલો એ પછી એણે અનેક માણસોને મરતાં રોક્યા હોય છે.

જીવન પ્રત્યે હકારાત્મક દ્રષ્ટિથી જોવાની પ્રેરણાત્મક વાત. સરળ વાર્તા, સરળ રજૂઆત.  

પૂર્ણ-અપૂર્ણ (યોગેશ પંડ્યા)

નિઃસંતાન સ્ત્રીની પીડા. નવલકથાનો વિષય બને એવી ઘટનાપ્રચુર વાર્તા.

સરમણ-વિલાસનું પ્રેમલગ્ન થયું છે. લગ્નનાં પર્યાપ્ત સમય પછી પણ વિલાસને સારાં દિવસ રહેતાં નથી. તબીબી તપાસમાં વિલાસ માતા નહીં બની શકે એવું નિદાન થાય છે પણ સરમણ પત્નીને સત્ય કહેતો નથી. વિલાસને મનમાં ડર પેસી જાય છે કે બાળક નહીં થવાનાં કારણે સરમણ એનો ત્યાગ કરી દેશે. એ પતિના ચારિત્ર્ય પર શંકા કરવા માંડે છે. 

વિલાસને, સરમણને, સરમણની ભાભી લીલાને અને વાચકોને પુષ્કળ માત્રામાં માનસિક ત્રાસ આપ્યા બાદ વાર્તાકાર વિલાસની આંખો ખોલાવીને સ્પષ્ટતા કરે છે કે સરમણ એનો જ છે. સરમણ શુધ્ધ ચારિત્ર્યનો છે અને એનામાં સમજણનો ભંડાર પડ્યો છે એવું સાબિત કર્યા પછી જ લેખક વાર્તા પૂરી કરીને સહુને નિરાંત આપે છે.

તલસારો (દીના પંડ્યા)

તલસારો શબ્દનો અર્થ સાર્થ જોડણીકોશ અનુસાર આતુરતા, તરફડાટ થાય છે. આ વાર્તામાં સાસુ-વહુ એમ બે સ્ત્રીઓના ગંગાસ્નાન અને ગંગાપાન માટેના તરફડાટની કથા કહેવાઈ છે. ધાર્મિક વૃત્તિ અને પ્રવૃત્તિનાં માણસોની વાત અહીં વિસ્તારથી થઈ છે. પરંપરાગત સ્વરૂપમાં કહેવાયેલી વાર્તા.

હર્ષાશ્રુઓનાં પૂર (અશોક નાયક)

ભિન્ન ધર્મીય વ્યક્તિ પ્રતિ સમાજનાં શંકાશીલ નજરિયાની વાત.

હર્ષા નામની લગ્નોત્સુક કન્યાનાં લગ્ન ગોઠવવામાં એના વડીલોને પારાવાર મુશકેલી નડે છે. કારણ? હર્ષાની વહીદ અને ફાતિમા નામનાં એક મુસ્લિમ દંપતી જોડેની મૈત્રી. વહીદ શિક્ષિત અને સંસ્કારી યુવક છે એમ છતાં એને શંકાની નજરે જોવાય છે. પોતાને કારણે હર્ષાનાં લગ્ન ગોઠવવામાં મુશ્કેલી આવી રહી છે એટલી ખબર પડતાં વહીદ-ફાતિમા અમદાવાદ છોડીને દેશનાં દૂરના અન્ય એક હિસ્સામાં સ્થળાંતર કરી જાય છે.

હર્ષાનું મનોમંથન, એના માતાપિતાની મૂંઝવણ વગેરેનું આલેખન વાર્તામાં સારું થયું છે.   

તને સાંભરે રે, મને કેમ વીસરે રે... (રમેશ પી.શાહ)

દાંપત્યજીવનનાં પચાસમી  વર્ષગાંઠના અવસરે એક યુગલ ભૂતકાળની મધુર સ્મૃતિઓ વાગોળે છે. બસ, એટલું જ. આ રચના અવાર્તા છે.

પ્રસાદી (ગોરધન ભેસાણિયા)

હરામ હાડકાના દામા નામના પાત્રની આસપાસ વાર્તાઓની  શ્રેણી આ વાર્તાકારે શરુ કરી છે એમાંની એક વાર્તા. પ્રસ્તુત વાર્તામાં ગુરુ-શિષ્ય બંનેએ એક મૂંગા પ્રાણીની કુરબાની આપીને મંદિરની સ્થાપના કરી હોય એની મઝેદાર કહાણી. આ શ્રેણીમાંની ત્રણ-ચાર વાર્તાઓ વાંચવામાં આવી છે, એ બધી જ રસપ્રદ છે. એકાદ સંગ્રહ જેટલી વાર્તાઓ થઈ જાય તો વાચકોને/ભાવકોને જલસો થઈ જશે.

--કિશોર પટેલ, 18-10-23 08:52

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

### 

 

No comments: