Monday, 2 October 2023

નવનીત સમર્પણ સપ્ટેમ્બર ૨૦૨૩ ની વાર્તાઓ વિશે નોંધ







 

નવનીત સમર્પણ સપ્ટેમ્બર ૨૦૨૩ ની વાર્તાઓ વિશે નોંધ

(૯૪૮ શબ્દો)

કોમેડિયન (પ્રવીણસિંહ ચાવડા)

માનવીય સંબંધોની વાત. આ લેખકનો પ્રિય વિષય.

વકીલ ઈન્દ્રવદનને એક બપોરે અદાલતની બહાર નીકળતાં જ નિશાળનો એક સહપાઠી ભટકાઈ જાય છે. ભારે પ્રયાસો પછી એ એને ઓળખી શકે છે. અન્ય સંજોગોમાં લઘરવઘર ચંદુ તરફ નાયકે ફરીને પણ જોયું ના હોત. અદાલતના કામકાજમાં દોઢેક કલાકની અણધારી રિસેસ મળી હોવાથી તેઓ તેને ચાપાણી કરવા હોટેલમાં લઈ જાય છે. આ બંને વચ્ચે જૂની સ્મૃતિઓ તાજી થાય છે, વાર્તા પૂરી. રસપ્રદ સ્વરુપ.

ચંદુ એક પછી એક અનેક સહપાઠી મિત્રોની યાદ અપાવે છે પણ નાયકની પાસે એ દરેક માટે નિર્ધારિત વિધાન તૈયાર છે. હોટલના ટેબલ પર આંગળીઓ વડે આડીઅવળી કાલ્પનિક રેખાઓ દોરીને એ દરેકનો છેદ તેઓ ઉડાડતા જાય છે. અંતમાં પોતાના એક ઘનિષ્ઠ મિત્ર શિરીષની કરુણ કથનીને પણ ડિટેક્ટીવ કથાઓ જોડે સાંકળીને નાયક વાત હસવામાં ઉડાવી દે છે. આમ મિત્રો પ્રતિ ચંદુની નિસ્બતને સમજ્યા વિના એ દરેકની ઠઠ્ઠામશ્કરી કરતા રહે છે. એક સંવેદનશીલ માણસ એમના માટે એક “કોમેડિયન”થી વિશેષ નથી.

એક ગરીબ બીજો શ્રીમંત, એક લઘરવગર બીજો સુવ્યવસ્થિત, એક ગમાર બીજો સુસંસ્કૃત, એક લાગણીશીલ બીજો લાગણીશૂન્ય. આમ સામસામા છેડાનાં બે પાત્રો વચ્ચે સંવાદ. એકને લાંબા સમય બાદ મળેલા મિત્ર જોડે ગોઠડી માંડવી છે જ્યારે બીજા માટે સમય પસાર કરવાની રમત છે. આમ વાર્તા માટે આવશ્યક સંઘર્ષ પણ અહીં છે. નવોદિત લેખકોને આવી વાર્તામાંથી શીખવાનું ઘણું મળે.

વાર્તા તરીકે આ કૃતિ સરસ, ઉત્તમ, હ્રદયસ્પર્શી પણ સખેદ નોંધવાનું કે આ નીવડેલા વાર્તાકારે અહીં નવું કશું જ કર્યું નથી. વિષય, શૈલી, એકંદર રજૂઆત એમ દરેક બાબતમાં એમણે પોતાની જ અનેક વાર્તાઓનું પુનરાવર્તન કર્યું છે.  છેલ્લાં ચાર-પાંચ વર્ષોમાં માનવીય સંબધો સિવાય અન્ય કોઈ વિષય પર ભાગ્યે જ એમની વાર્તા વાંચવા મળી છે. એમની વાર્તાઓમાં વિષયવૈવિધ્ય ઈચ્છનારા આ લખનાર જેવા અળવીતરા વાચકો નિરાશ થશે.

લીલા અને નદી (વીનેશ અંતાણી)                                                                                                                         

પત્નીવિયોગના કારણે એકલતા અનુભવતા આદમીની વાત.

લીલાના આગ્રહને કારણે જ શંકરે ગામથી દૂર નદીકિનારે ઘર બાંધ્યું અને આખું આયખું ત્યાં કાઢી નાખ્યું. લીલાના મૃત્યુ પછી શંકર એકલો પડી ગયો છે. ભણીગણીને શહેરી બની ગયેલો પુત્ર પાછું વળીને પિતા તરફ જોતો નથી. લીલાનાં ગયા પછી શંકરને એનો મિત્ર મીઠુ ગામમાં આવી સહુની જોડે રહેવાનો આગ્રહ કરે છે પણ શંકરને તો નદીકિનારે લીલાની સ્મૃતિમાં જ રહેવું ગમે છે. અહીં નદી વાર્તાનું એક અગત્યનું પાત્ર બની જાય છે.

એકલાં પડી ગયેલા નાયકની પીડાનું અચ્છું આલેખન. પાત્રોનાં આંતરમનનાં દ્વંદ્વનું આલેખન કરવામાં આ વરિષ્ઠ વાર્તાકારની હથોટી છે. ગ્રામ્ય પરિવેશની વાર્તાઓ પણ એમની પાસેથી ખાસી માત્રામાં મળી છે. વાચનક્ષમ વાર્તા.    

સિલાઈ (દેવાંગી ભટ્ટ)

રિવેન્જ સ્ટોરી. બદલાની કથા.

ગામડાગામમાં ગગન નામનો એકમાત્ર દરજી ગ્રાહકો જોડે મનમાની કરતો હોય છે. ગ્રાહકને જોઈતી ઢબનું નહીં પણ પોતાની ઈચ્છા મુજબની ઢબનું વસ્ત્ર સીવીને ગગન પોતાનું મિથ્યાભિમાન કાયમ પોષતો રહે છે. વર્ષો પછી એક વાર ગગનની પત્ની પ્રસૂતિગૃહમાં ત્રીજી દીકરીને જન્મ આપે ત્યારે લેડી ડોક્ટર કોઈને પૂછ્યા વિના પ્રસૂતાનું ઓપરેશન કરી નાખે છે જેથી ભવિપ્યમાં એ ફરી માતા ના બની શકે. આ જાણ્યા પછી પત્ની પાસેથી ભવિષ્યમાં પુત્ર ઈચ્છતો ગગન લેડી ડોક્ટર પર ગુસ્સે થઈને પૂછે છે કે “કોને પૂછીને આમ કર્યુ?” ડોક્ટર એના જ શબ્દો એને સંભળાવે છેઃ “અત્યારે એવું જ ચાલે છે, લેટેસ્ટ કોને ખબર હોય? જે જેનું કામ, એને જ ફાવે.” નાનપણમાં ગગનની મનમરજીનો ભોગ બનેલી એ લેડી ડોક્ટર આ રીતે બદલો લે છે.

નાટકીય વિચાર-વસ્તુ. બંને પાત્રોનાં ઉત્તમ પાત્રાલેખન. રજૂઆત પ્રવાહી.  લોકપ્રિય નવલકથાકાર પાસેથી મળેલી સરસ ટૂંકી વાર્તા.

આ વાર્તા અગાઉ ક્યાંક વાંચવા/સાંભળવામાં આવી છે. નાટ્યપૂર્ણ રજૂઆતના કારણે વાર્તાકારના નામ સહિત વાર્તા આ લખનારની સ્મૃતિમાં જેમની તેમ સચવાયેલી છે.

ખીલો (ભરત મારુ)

સ્થાનફેરના કારણે સ્થિર થવામાં મુશ્કેલી.

ખીલો એટલે પાળેલા પ્રાણીને બાંધવાની જગ્યા. એ ખીલો બદલાય ત્યારે પ્રાણીને અડચણ થાય. એવું જ માણસનું. હરિયાની આખી જિંદગી ગામડે વીતી છે. પિતાની વૃધ્ધાવસ્થામાં દીકરો એમને શહેરમાં લઈ આવે છે. દીકરા-વહુ-પૌત્ર સહુ વડીલને આદરપૂર્વક પોતાની જોડે રાખે છે. એમની અગવડસગવડનું પૂર્ણ ધ્યાન રાખે છે પરંતુ હરિયાને ગામડું, ત્યાંની નદી, ત્યાંના હવાપાણી, બીજાને વેચી દીધેલો બળદ વગેરે યાદ આવ્યા કરે છે. ગામડાના મિત્ર અરજણ જોડે ફોન દ્વારા તેઓ સતત સંપર્કમાં રહે છે ને એમ ગામ જોડેની સ્મૃતિ જીવંત રાખે છે. પેલો મૃત્યુ પામ્યો છે એવી ખબર મળતાં જ એમને ગામ તરફ પાછા વળી જવાનું બહાનું મળી જાય છે. એ હવે કોઈના રોકે રોકાતા નથી.

વિષય ઉત્તમ. રજૂઆતમાં માત્ર થોડીક સફાઈની આવશ્યકતા જણાય છે. બળદની વાત વચ્ચે વચ્ચે યોગ્ય સમયે કુનેહપૂર્વક મૂકાવી જોઈએ. બળદ કોઈને આપ્યો નથી પણ વેચ્યો છે એ વિશે હરિયાને દોષભાવના થતી હોય એવું બતાવી શકાય તો લાગણીઓનો એન્ગલ ઉમેરી શકાય. આ સિવાય મૂળ વિચાર સરસ. આ વાર્તાકારની થોડીક વાર્તાઓ હાલમાં વાંચવામાં આવી છે. એમની લેખનકારકીર્દી આરંભ થઈ છે એવું કહી શકાય. આ પ્રારંભ આશાસ્પદ છે. ભવિષ્યમાં એમની પાસેથી વધુ સારી વાર્તાઓ મળશે એવી આશા જાગે છે.

મમ્મી પાસે (કોશા રાવલ)

એક માસૂમ બાળકીની આઘાતજનક આપવીતી.

નાનકડી આકાંક્ષા (અક્કી)એ બાળપણમાં માતા ગુમાવી દીધી છે. દીકરીને માતાની ખોટ ના સાલે એ માટે પિતા શક્ય એટલો પ્રયાસ કરે છે. એમની ગેરહાજરીમાં મિત્ર જેવા પાડોશી અંકલ રમાડવાને બહાને અક્કીની છેડછાડ કરીને પોતાની અતૃપ્ત કુંઠાઓનું સમાધાન કરવા ઈચ્છે છે. અક્કી વિરોધ કરે તો એને ભયભીત કરીને ચૂપ કરાવે છે. પિતાની પણ માનસિક સ્થિતી ડામાડોળ જણાતાં અસહાય બની ગયેલી અક્કીને આ પીડામાંથી રાહત મેળવવાનો કોઈ માર્ગ સૂઝતો નથી.

સાંપ્રત સમસ્યા. આવા બનાવો આપણાં શહેરી જીવનમાં આજકાલ બન્યા કરે છે. ઓળખીતાંઓ, નજીકનાં સ્વજનો દ્વારા નિર્દોષ બાળકીઓ શિકાર બન્યા કરે છે. ઓછી વય અને સમજણનાં અભાવે માસૂમ બાળકીઓના માનસ પર ઊંડી હાનિકારક અસર પડી જતી હોય છે જેને લીધે એમનો વિકાસ સહજપણે થતો નથી.

વાર્તાની રજૂઆત બાળકીના પોઈંટ ઓફ વ્યુથી થઈ છે. અક્કી એની પાળેલી બિલાડી કોકોને ઉદ્દેશીને કથન કરે છે. આ કારણે કથનમાં નાવીન્ય છે. બાળકીની ભાષા કેવી હોય? બાળકીની મનોભૂમિમાં ઊંડે ઉતરીને એની જુબાની શબ્દબધ્ધ કરવામાં વાર્તાકાર સફળ રહ્યાં છે.  પ્રસંશનીય પ્રયાસ. આ આશાસ્પદ વાર્તાકારે વાર્તાઓ ઓછી આપી છે પણ એ દરેકમાં ગુણવત્તા જાળવી રાખવાનો એમનો પ્રવાસ અને પ્રયાસ જોઈ શકાય છે.

--કિશોર પટેલ, 03-10-23 09:07

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

No comments: