Friday, 13 October 2023

નવચેતન સપ્ટેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ


નવચેતન સપ્ટેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિષે નોંધ

(૩૫૬ શબ્દો)

મારો કેમેરા લઈ આવ (દિવ્યા જાદવ)

પુત્રી પ્રતિ વિશેષ સ્નેહભાવ રાખતો નાયક પુત્રીના અકસ્માત મૃત્યુ પછી જમાઈના સંસારમાં આવેલી એની બીજી પત્નીને પોતાની દીકરીની જગ્યાએ સ્વીકારવા તૈયાર નથી. શું જમાઈની નવી પત્ની નાયકનું મન જીતવામાં સફળ રહે છે?  

જો કે અહીં જણાવાયેલી સમસ્યા કંઈ એવી નથી કે એનો નિવેડો ના આવે તો કોઈનું કંઈ અટકી પડે. આખરે તો જમાઈની અલગ જિંદગી છે. જમાઈને નવી પત્ની જોડે મનમેળ હોય એટલું પૂરતું છે. પતિની પૂર્વ પત્નીના પિતાનું મન જીતવું એ કોઈ નવોઢા માટે પ્રાણપ્રશ્ન હોઈ શકે નહીં. એ બે કુટુંબો એક છત નીચે રહેતાં હોય તો અલગ વાત છે, પણ એવું નથી.  આમ વાર્તાનો પાયો જ કાચો છે.    

જીવલી (અર્જુનસિંહ કે. રાઉલજી)

ભાડે રાખેલા નવા ઘરમાં રોજ સાંજે કોઈ અજાણી સ્ત્રીનો ફોન આવે છે, “જીવલી છે?” બસ. એટલું પૂછાય અને ફોન કટ થઈ જાય, પ્રશ્ન પૂછનારને એનો ઉત્તર જાણવામાં પણ રસ નથી.

એક સરસ રહસ્યકથાનો પ્રારંભ. જો કે પછી વાતને સામાજિક કૌટુંબિક વળાંક મળી જાય છે અને રહસ્યકથાનો ઘડોલાડવો થઈ જાય છે. વાર્તા એક સાધારણ સામાજિક કથા બની રહે છે.   

પોટલું (વ્યંકટેશ માડગુળકર લિખિત મૂળ મરાઠી વાર્તા, અનુવાદઃ આરતી સંતોષ)

શહેરનાં જાહેર રસ્તા પર સડેલાં ભાજીપાલાની જેમ અકિંચન રઝળુ માણસો પડી રહેતા હોય છે. એવા એક રઝળુ માણસની જિંદગીમાં લેખક ડોકિયું કરાવે છે.

લઘુકથાઓ

પ્રસ્તુત છએ છ લઘુકથાઓ પોતપોતાની રીતે ચોટદાર બની છે.

મોસાળમાં (હસમુખ કે. રાવલ) ભાણેજ પ્રતિ મોસાળિયાંનાં સ્નેહની કથા.

પૌત્રી (ભાસ્કર મહેતા) અકસ્માતની એક ઘટના પ્રતિ એક વૃધ્ધા અને એક નાનકડી બાળકીના ભિન્ન અભિગમ વચ્ચે સરખામણી.

મહેંદી (ગિરિમા ઘારેખાન) નણંદનાં ભાવિ સાસરિયાંનાં અંદર-બહારથી જુદા જુદા સ્વભાવને કારણે વિચલિત થયેલી નણંદનું યોગ્ય કાઉન્સેલિંગ કરતી ભાભી. 

ભમરો (મણિલાલ પટેલ, “જગતમિત્ર”) પાડોશમાં રહેતી કન્યાની છેડતી કરતા રોમિયોની સમસ્યા પર પ્રકાશ પાડતી લઘુકથા.

મુલવણી (પ્રકાશ કુબાવત) જાહેર જીવનમાં બેવડાં ધોરણ રાખતાં જવાબદાર લોકો પર કટાક્ષ.

ફુગ્ગા (રેના સુથાર) ગરીબ માણસોનું નસીબ પણ ફૂટેલું હોય છે. ફેંકી દેવાયેલાં કચરામાંથી પોતાનાં ભૂલકાં માટે ફુગ્ગા શોધતા ઝાડુવાળાને ફુગ્ગા મળે છે પણ એંઠવાડમાં ગંદા થઈ ગયેલાં.

--કિશોર પટેલ, 14-10-23 11:00

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

No comments: