વર્ષ ૨૦૨૨ ની ટૂંકી વાર્તાઓ વિષે એક નોંધ / કિશોર પટેલ
વર્ષ ૨૦૨૨ માં કુલ ૨૮૯ વાર્તાઓમાંથી પસાર થવાનું બન્યું છે. વાર્તાઓની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીએ પંદર ટકા જેટલો વધારો નોંધાયો છે. આ વર્ષે થોડાં વધુ સામયિકોને આવરી લેવામાં આવ્યાં છે. વર્ષ ૨૦૨૦ માં છ અને વર્ષ ૨૦૨૧ માં નવની સરખામણીએ વર્ષ ૨૦૨૨ માં કુલ અગિયાર સામયિકોની વાર્તાઓ તપાસવામાં આવી છે.
આ વર્ષની ૨૮૯ માંથી ૧૩૪ એટલે કે ૪૬ ટકા વાર્તાઓ હંમેશ મુજબ માનવીય સંબધો વિશેની મળી છે. આ વલણ ભગિની ભાષાઓમાં પણ જોવા મળ્યું છે. આ વર્ષે હિન્દી અને મરાઠી ભાષાની બંને મળીને અંદાજે લગભગ અઢીસો જેટલી સાંપ્રત વાર્તાઓમાંથી પસાર થવાનું બન્યું છે, આ બંને ભાષાઓમાં પણ માનવીય સંબંધોની વાર્તાઓની જ બહુમતી છે.
બીજા ક્રમે સ્ત્રીસમસ્યાઓની ૧૪, ત્રીજા ક્રમે સંયુકતપણે સાંપ્રત સમસ્યાઓ, મહામારી/હોનારત, લોકકથા અને ચિંતન-મનન જેવા દરેક વિષયોની ૧૧-૧૧, ચોથા ક્રમે તરુણોની સમસ્યાઓની ૧૦, નારીચેતના ૯, ફેન્ટેસી ૮, બોધકથા-સંદેશપ્રધાન ૮, મનોવૈજ્ઞાનિક ૭, હાસ્યવ્યંગ ૬, વરિષ્ઠ નાગરિક, વ્યંજનાપૂર્ણ, પરિવેશપ્રધાન અને ગ્રામચેતના દરેકની ૫, દલિત-વંચિત સમાજની અને રાજકીય-જાહેર જીવનની બંને વિષયની ૪-૪, પ્રયોગાત્મક, જાતીય સમસ્યા અને ગૂઢકથા એમ ત્રણે વિષયોની ૩-૩, વિદેશી સંસ્કૃતિ અને એબ્સર્ડ બંને વિષયની ૨-૨ અને અપરાધકથા, સ્વની ઓળખ, કળાવિષયક અને રેખાચિત્ર એમ દરેક વિષયોની એક એક વાર્તાઓ મળી છે.
સખેદ નોંધવાનું કે ગુનાશોધન, હોરરકથા, અંધશ્રદ્ધા અને સાગરકથા જેવા વિષયોની એક પણ વાર્તા મળી નથી.
આ વર્ષે ૫૮ સ્ત્રીલેખકોની ૧૧૨ વાર્તાઓ છે જયારે ૧૦૩ પુરુષલેખકોની ૧૭૭ વાર્તાઓ છે; એટલે કે બધાં મળીને ૧૬૧ લેખકોની કુલ ૨૮૯ વાર્તાઓ છે.
વર્ષ દરમિયાન વાર્તાલેખનમાં સક્રિય રહેલાં વરિષ્ઠ વાર્તાકારોની વર્ણમાળાના ક્રમાનુસાર બનાવેલી આ યાદીમાં નામની સાથે કૌંસમાં એમની વાર્તાઓની સંખ્યા જણાવી છે. કંદર્પ ર. દેસાઈ (૩), કિરીટ દૂધાત (૧), કેશુભાઈ દેસાઈ (૨), ગિરીશ ભટ્ટ (૨), દીવાન ઠાકોર (૩), પન્ના ત્રિવેદી (૪), પ્રવીણસિંહ ચાવડા (૪), બિપીન પટેલ (૨), મધુ રાય (૧), માવજી મહેશ્વરી (૧), રજનીકુમાર પંડયા (૧), રવીન્દ્ર પારેખ (૩), રાઘવજી માધડ (૪), વર્ષા અડલજા (૪), વીનેશ અંતાણી (૫), સુમન શાહ (૧) અને હિમાંશી શેલત (૪). એકંદરે સાધારણ કક્ષાની વાર્તાઓની ભરમાર વચ્ચે આ સહુએ મોટે ભાગે સારી ગુણવત્તાની વાર્તાઓ આપી છે જેની નોંધ લેવી રહી.
કેટલાંક પ્રતિભાશાળી યુવા વાર્તાકારો જેમ કે અભિમન્યુ આચાર્ય, કોશા રાવલ, બાદલ પંચાલ, ધર્મેશ ગાંધી, વિજય સોની, સાગર શાહ, સુષ્મા શેઠ અને અન્યો પાસેથી આ વર્ષે સારી સંખ્યામાં વાચનક્ષમ વાર્તાઓ મળી છે. તેઓ નિયમિતપણે સારી વાર્તાઓ લખતાં રહે એવું આપણે ઈચ્છીએ.
વર્ષની કેટલીક નોંધનીય વાર્તાઓ વિષે ટિપ્પણીઓ
માનવીય સંબંધોની વાર્તાઓ
મિટ્ટુની નાની (પન્ના ત્રિવેદી):
એક બાળકના ભાવજગતની વાત. નિશાળમાં કડક શિક્ષકની સજામાંથી બચવા મિટ્ટુએ “નાનીમા મરી ગઈ” એવું બહાનું એકથી વધુ વખત વાપર્યું છે. જ્યારે ખરેખર એની નાની મૃત્યુ પામે છે ત્યારે એને દોષભાવના થાય છે કે પોતે એવું બોલતો હતો એટલે જ નાનીમા મૃત્યુ પામી. (નવનીત સમર્પણ, જાન્યુઆરી ૨૦૨૨)
થઈ જા મુક્ત (પારુલ કંદર્પ દેસાઈ):
એક તરફ નાયિકા આભાસી પ્રેમસંબંધમાંથી મુક્ત થઇ ગઈ છે પણ નાયક એ સાકાર નહીં થયેલાં પ્રેમસંબંધમાં અટવાયેલો છે. નાયિકા નવા સંબંધમાં સ્થિર થઇને ખુશ છે. નાયક બીજા સંબંધમાં હજી પણ અસ્થિર છે કારણ કે પ્રેમ એટલે જતું કરવું એ વાત એને પૂરેપૂરી સમજાઈ નથી. (નવનીત સમર્પણ, એપ્રિલ ૨૦૨૨)
બાકીનું શરીર (વીનેશ અંતાણી):
શ્યામને પક્ષાઘાતનો હુમલો આવે એ પછી એની સેવામાં માધવી પૂર્ણપણે ઓગળી જાય છે. સ્વસ્થ હતો ત્યારે પણ શ્યામે ચતુરાઈપૂર્વક માધવીનું શોષણ જ કર્યું છે. શ્યામના મૃત્યુ પછી ખાલીપો અનુભવતી માધવીની મન:સ્થિતિનું આલેખન ઉત્તમ પ્રકારે થયું છે. માધવી એટલે આપણા સમાજના બીજા દરજ્જાની અસંખ્ય સ્ત્રીઓનું પ્રતિનિધિ પાત્ર. (નવનીત સમર્પણ, નવેમ્બર ૨૦૨૨)
જોડા (રામ જાસપુરા):
ફારગતી માટે ન્યાતની મિટિંગના દિવસે આગેવાનોને ખ્યાલ આવે છે કે કાનજી-લીલા બંનેને એકબીજા માટે લાગણી છે પણ કાનજીની માતાના કારણે બંને એક થઈ શકતાં નથી. વાર્તામાં કાનજી અને લીલા બંનેનો એકબીજા માટેનો ઝુરાપો સરસ વ્યક્ત થયો છે. (પરબ, જૂન ૨૦૨૨)
પ્રસવપીડા (પૂજા ત્રિવેદી રાવલ):
પત્ની જ્યારે પ્રસવપીડા અનુભવતી હોય ત્યારે એનો પતિ જે અસ્વસ્થતામાંથી પસાર થાય છે એનું સરસ આલેખન આ વાર્તામાં થયું છે. (મમતા, ઓગસ્ટ ૨૦૨૨)
ફસલ (વલ્લભ નાંઢા):
કથક પોતાના એક મિત્રના ભોળપણનો ગેરલાભ લેતા આદમીઓની વાત માંડે છે. સૌથી વધુ ગેરલાભ કોણે લીધો એનું રહસ્ય છેક છેલ્લા વાક્ય સુધી ગોપિત રાખીને લેખકે રજૂઆતમાં કમાલ કરી છે. (મમતા, સપ્ટેમ્બર ૨૦૨૨)
સળિયા (વંદના શાન્તુઈંદુ):
જ્યારે ત્યારે સળિયાની ગણતરી કર્યા કરતાં મધુબેન માટે કેરટેકરની વ્યવસ્થા કરવામાં આવી છે. એક સમય એવો આવી જાય છે કે મધુબેનને કેરટેકરની જરૂર રહેતી નથી પણ કેરટેકરને મધુબેનની એટલે કે નોકરીની જરૂર રહે છે. અહીં સળિયા લોકોને અમુક ચોકઠાં હેઠળ મૂકી દેવાની આપણી માનસિકતાનું પ્રતિક બને છે. (શબ્દસર, જુલાઈ ૨૦૨૨)
કવિતાઓના રસ્તે (અશ્વિની બાપટ):
દીકરીને એવું લાગે છે કે એના પિતા એને ક્યાંય સ્થિર થવા દેતા નથી. પણ છતાં નાયિકાના હ્રદયમાં પિતા માટે લાગણીનો ઝરો જીવંત રહ્યો છે. (એતદ માર્ચ ૨૦૨૨)
હજી નથી સમજાયું (બ્રિજેશ પંચાલ):
છૂટાછેડા લેવાનું નક્કી કરીને બેઠેલા દંપતી વચ્ચે લાગણીઓના તંતુઓ અકબંધ જોડાયેલાં છે, ફક્ત એટલું જ કે બંને ખુલ્લેઆમ કબૂલ કરતાં નથી કે છૂટાછેડા કેન્સલ. થોડાંક સમયથી જુદાં રહેવા માંડેલા આ બે જણ છૂટા પડવાની કાર્યવાહીના બહાને જોડે રહેવા માંડે છે. કહેવાની વાત વિપરીત રીતે કરવાની વિશિષ્ટ કળા લેખકે આ વાર્તામાં સિદ્ધ કરી છે. (પરબ,જૂન ૨૦૨૨)
સ્ત્રીસમસ્યાઓની વાર્તાઓ
એ પાંચ દિવસ (મોના લિયા વિકમશી):
સ્ત્રીઓના માસિક ઋતુચક્રની વાત. આવા પ્રસંગે આભડછેટ પાળતાં નાયિકાનાં સાસુ ઘરકામનો બોજ આવી પડતાં કડવા વેણ ઉચ્ચારે છે અને શારીરિક ઈચ્છાઓ અતૃપ્ત રહી જતાં પતિ “બૌઉ નખરાં તારાં તો!” જેવાં મહેણાં મારે છે. સ્ત્રીના દેહમાં થતી એક કુદરતી પ્રક્રિયા પ્રતિ સમાજના અણઘડ અભિગમ અંગે વાર્તામાં એક વિધાન થયું છે. (પરબ, ઓગસ્ટ ૨૦૨૨)
મોંસૂંઝણું (મીરા જોશી):
કેન્સરના કારણે સર્જરી દ્વારા દૂર કરાયેલાં એક સ્તનના પરિણામે નાયિકાના મનમાં ખાલીપો સર્જાયો છે. પતિ તરફથી ઉદાસીનતા અનુભવ્યા પછી નાયિકા એક ગલુડિયાને છાતીએ વળગાડીને કંઇક રાહત મેળવે છે. (પરબ, જાન્યુઆરી ૨૦૨૨ અને મમતા ફેબ્રુઆરી ૨૦૨૨)
નારીચેતનાની વાર્તાઓ
બાઈમા’ણા (રાઘવજી માધડ):
આપણા ગામડાંઓમાં સ્ત્રીઓ માટે અનામત રખાયેલી સરપંચની બેઠક ઉપર સ્ત્રીઓ ચૂંટાઈ આવે છે ખરી પણ એમના નામે કારભાર તો એમના પતિઓ જ કરતા જોવામાં આવ્યા છે. એવા એક કિસ્સામાં સરપંચ બન્યા પછી, પતિના અન્યાયી વર્તનથી નાયિકાનું આત્મસન્માન જાગૃત થાય છે. પતિની મંજૂરી લેવાને બદલે નાયિકા એને જાણ કરે છે: “હું પંચાયત ઓફિસે જાઉં છું.” અર્થાત, સરપંચ હું છું અને મારા હોદ્દાના હક્કો ભોગવવા, એ હોદ્દાની ફરજો બજાવવા, એ હોદ્દાની ગરિમા જાળવી રાખવા હું કટિબદ્ધ છું. (નવનીત સમર્પણ, જૂન ૨૦૨૨)
ધક્કો (નરેન્દ્રસિંહ રાણા):
દાંપત્યજીવનમાં જાતીય સુખથી અતૃપ્ત રહેતી એક યુવાન સ્ત્રી ભીડથી ભરચક બસ જેવા જાહેર વાહનમાં બાજુમાં બેઠેલા પુરુષ જોડે અડપલાં કરીને પોતાની વૃત્તિઓનું શમન કરી લે છે. ક્યાંય આછકલાઈ અને અવિવેક ના થાય એવી સફાઈદાર ભાષામાં વાર્તાકારે સંપૂર્ણ ઘટનાને આલેખી છે. (વારેવા, અંક ૧૨)
સાંપ્રત સમસ્યાની વાર્તા
વણનોંધાયેલી ઘટના (હિમાંશી શેલત):
ઈ.સ. ૨૦૦૪ માં ગુજરાતમાં બનેલી બહુચર્ચિત સત્યઘટનાના ગુનેગારોને સંસ્કારી ગણાવીને ગુજરાત સરકારે જેલમાંથી છોડી મૂક્યા એ પછી કોઈક કામે જવા નીકળેલી નાયિકા બસની લાઈનમાં એક આદમીનો હાથ જોતાવેંત એને ઓળખી જાય છે. સત્તર વર્ષ પહેલાં અનુભવેલી દહેશત ફરી જીવંત થાય છે. (નવનીત સમર્પણ નવેમ્બર ૨૦૨૨)
તરુણોની સમસ્યાની વાર્તા
કોઈક તો સમજાવો! (ગિરા પિનાકીન ભટ્ટ):
યૌવનપ્રવેશ કરતા એક છોકરાની વાત. અસંવેદનશીલ સ્વભાવની માતાને કારણે એની અવ્યક્ત લાગણીઓ ડાયરીના પાને ઠલવાતી રહે છે. એના પ્રશ્નો અને મૂંઝવણોનું આલેખન સારું થયું છે. (મમતા એપ્રિલ ૨૦૨૨)
જાતીય સમસ્યાની વાર્તા
તલબ (નરેન્દ્રસિંહ રાણા):
અહીં પોર્ન વિડીયો જોવા-માણવાના એક વ્યસની માણસની વાત થઈ છે. વિકૃતિમાં રમમાણ રહેનારાઓની દ્રષ્ટિએ સ્ત્રી કે પુરુષ બંને કેવળ ઉપભોગની એક વસ્તુ હોય છે. આ વિષય પર આપણે ત્યાં નહીંવત વાર્તાઓ લખાય છે. વાર્તાની રજૂઆત પ્રવાહી અને પ્રભાવી થઈ છે. (એતદ, ડિસેમ્બર ૨૦૨૧)
રાજકારણની વાર્તા
પ્રેમને ખાતર (સ્વાતિ જસ્મા ઠાકોર):
નાયિકાનું માનવું છે કે પ્રેમ તો કેવળ સ્વતંત્ર દેશમાં જ થઈ શકે. એના અભિપ્રાય પ્રમાણે ભારત દેશ હજી સ્વતંત્ર થયો નથી. નાયક એની વાત સમજે છે. દેશ સ્વતંત્ર થાય ત્યાં સુધી એ નાયિકાની રાહ જોવા તૈયાર છે. આ વાર્તા એક અસામાન્ય પ્રેમકથા છે કારણ કે અહીં પ્રેમીઓ એકમેકના બાહ્ય દેખાવથી નહીં પણ આંતરિક સૌંદર્યથી આકર્ષાયાં છે. એમ છતાં નાયિકાની પોતાની જાત સાથેની કટિબદ્ધતા અને દેશ પ્રત્યેની સ્પષ્ટતા જુઓ, એ કહે છે કે “આપણે પ્રેમમાં સમય વેડફી નહીં શકીએ, આપણો દેશ હજી આઝાદ થયો નથી.” (વારેવા, એપ્રિલ ૨૦૨૨)
દલિત/વંચિત સમાજની વાર્તા
પિત્ઝા (ગીતા માણેક):
હાંસિયામાં રહેતા માણસની વિડમ્બના. મનગમતા ખોરાક માટે એણે એક કૂતરા જોડે સ્પર્ધા કરવી પડે છે! માલિકના ઘેરથી મળતું વધ્યુંઘટયું ખાવાનું હજમ કરી જતા માલિકના પાળેલા કૂતરાને સ્પર્ધામાંથી હઠાવવા માટે નોકરાણી એક ગુનો આચરે છે. અભાવગ્રસ્ત સ્ત્રીના મનોવ્યાપારનું સરસ આલેખન થયું છે. (નવનીત સમર્પણ, ડિસેમ્બર ૨૦૨૧)
કળાવિષયક વાર્તા
હરકાન્ત જોશી (વીનેશ અંતાણી):
કથક જે પીએચડીનો વિદ્યાર્થી છે એને સંશોધન માટે એના ગાઈડે વિષય આપ્યો છે “અવગણાયેલા વાર્તાકારના પ્રદાનની નોંધ.” ગાઈડે હરકાન્ત જોશી નામના વાર્તાકારનું નામ સૂચવ્યું છે જે ત્રણેક વાર્તાસંગ્રહ આપ્યા પછી અદ્રશ્ય થઇ ગયા છે. કથક આ હરકાન્ત જોશીને શોધી કાઢે છે. જો કે એ ભાઈ પોતે કબૂલ થતા જ નથી કે પોતે હરકાન્ત જોશી છે. આવી વ્યક્તિઓ કાં તો ફિલસૂફ બની જાય છે અથવા એમનાં જીવનમાં બાહ્ય જગત માટે કટુતા પ્રવેશી જાય છે. (નવનીત સમર્પણ, એપ્રિલ ૨૦૨૨)
વિદેશી સંસ્કૃતિની વાર્તા
લોન્ડ્રી રૂમ (અભિમન્યુ આચાર્ય):
કેનેડામાં આખા બિલ્ડીંગનો એક સહિયારો લોન્ડ્રી રૂમ હોય છે જ્યાં બિલ્ડીંગના રહેવાસીઓ વારાફરતી પોતાનાં કપડાં ધોતાં હોય છે. આ લોન્ડ્રી રૂમ બિલ્ડીંગનાં રહેવાસીઓ માટે હળવામળવાનું સ્થળ બની રહે છે. જાતીય જીવનમાં ત્રીજી વ્યક્તિને સામેલ કરવા શ્રીમતી નાયર પાડોશમાં રહેવા આવેલી એક જુવાન છોકરીનું અંતર્વસ્ત્ર ચોરીને પોતાને ઘેર લઈ જાય છે. આમ પ્રતિકાત્મક રીતે ત્રીજી વ્યક્તિના દાખલ થવાથી એમના શુષ્ક થઈ ગયેલા જાતીય જીવનમાં નવા પ્રાણનો સંચાર થાય છે. (પરબ, નવેમ્બર ૨૦૨૨)
ફેન્ટેસી વાર્તાઓ
સરવાળે સોળ આની માણસ (હસમુખ કે. રાવલ):
એવી કલ્પના થઈ છે કે જાણે જીવનના અંતમાં માણસનાં સારાંનરસાં કર્મોનો ફેંસલો ન્યાયાલયમાં થતો હોય. નાયક લેખક હતો એટલે ન્યાયાધીશ એને કહે છે કે તમારી જીવનકથા તો તમારી કૃતિઓમાં આવી ગઈ પણ તમે જે નથી લખ્યું એ અમારે જાણવું છે. ફ્લેશબેક પદ્ધતિએ નાયકના જીવનની મહત્વની ઘટનાઓ જીવંત ભજવાતી દેખાય છે. એક પુખ્ત વયની કન્યાએ અબૂધ બાળક સાથે કરેલા દુરાચારની જુબાની બાળકની નિર્દોષ ભાષામાં રજૂ થઇ છે. (મમતા, જાન્યુઆરી ૨૦૨૨)
ચોપડીમાંની જીવલી (હેમંત કારિયા):
નવલકથાનું એક પાત્ર એના એક કિશોરવયના વાચકની ચિંતા કરે છે. જીવલી નામની વેશ્યાને થાય છે કે એના જીવન વિષે વાંચીને રૂપક નામના તરુણ વાચક પર માઠી અસર થશે. અનેક પ્રયત્નો પછી પણ જીવલી રૂપકને નવલકથા વાંચતો અટકાવી શકતી નથી. સત્ય અને કલ્પનાનું અજબ મિશ્રણ વાર્તાને રોચક બનાવે છે. (વારેવા, જુલાઈ ૨૦૨૨)
પ્રયોગાત્મક વાર્તા
પાર્ટનર (રમેશચંદ્ર લક્ષ્મીબેન ઠાકર ‘વિદ્રોહી’):
આપણી પુરુષપ્રધાન સંસ્કૃતિમાં કામના સ્થળે પોતાની જીવનસાથીને પોતાના કરતાં ઊંચા હોદ્દા પર સ્વીકારવા પુરુષ હજી તૈયાર નથી. સામે પક્ષે આજની આધુનિક સ્ત્રી પણ નમતું જોખવા તૈયાર નથી. બંને મુખ્ય પાત્રોના મનોભાવ વ્યક્ત કરવા અલગથી બે પાત્રોનું આયોજન થયું છે. નાયક અને નાયિકા બંનેના મન (પાર્ટનર) પાત્રોની જોડાજોડ ચાલે છે, પોતાના સ્વામીને સલાહસૂચન આપે છે, ક્યારેક સધિયારો આપે છે, ક્યારેક ઠેકડી ઉડાવે છે! મજેદાર પ્રયોગ! (વારેવા, માર્ચ ૨૦૨૨)
મનોવૈજ્ઞાનિક વાર્તા
કાચની આરપાર ઝરમરિયાં (દૃષ્ટિ સોની):
રાત્રે જમ્યા પછી ચાલવા જતાં રોજના જોડીદાર દયારામ પાસે કથક સમય પસાર કરવા એક માણસની વાર્તા કહે છે. એક માણસને જે ટયુશન ક્લાસમાં નોકરી જોઈતી હતી ત્યાં એ નિષ્ફળ ગયો એવી વાર્તા એ કહે છે. વાર્તાની અંદર વાર્તાની પ્રયુક્તિનો સુંદર ઉપયોગ થયો છે. શ્રોતા આડકતરી રીતે કન્ફર્મ કરે છે કે જે વાર્તા ક્થકે કરી એ કથકની પોતાની જ જીવનકથા હતી, એની નિષ્ફળતા અને એનાં તૂટેલાં સ્વપ્નાંની વાત હતી. (શબ્દસર, જૂન ૨૦૨૨)
વ્યંજનાસભર વાર્તાઓ
હું કંઇક તો ભૂલું છું (બાદલ પંચાલ):
કશુંક ભૂલી ગયાનું વળગણ ધરાવતા માણસની વાત. વાર્તામાંનો નાયક મરી ગયો હતો અર્થાત, એ જીવવાનું જ ભૂલી ગયો હતો! આ વાર્તાની વ્યંજના સમજવા જેવી છે. આપણામાંના કેટલાં બધાં લોકો જીવન જીવવાનું, માણવાનું જ ભૂલી જાય છે અને યાંત્રિક રીતે જીવ્યે જાય છે! વાર્તામાંના નાયકની જેમ કેટલાંય માણસો પોતાની કૌટુંબિક અને સામાજિક ફરજો પૂરી કરવા દિવસભર હડિયાપાટી કરીને રાત્રે બેહોશ થઈને ઊંઘી જાય છે, સવારે ઊઠીને યાંત્રિક રીતે ફરીથી દોડાદોડ કરવા લાગી જાય છે, એ લોકો બાકીનું બધું કરે છે પણ જીવન જીવતાં નથી! (વારેવા, એપ્રિલ ૨૦૨૨)
ભોજયેષુ રંભા (રાજુ પટેલ):
અહીં નાયિકા પોતાને એક એવી દુનિયામાં જુએ છે જ્યાં મોઢું ઢાંકવું ફરજિયાત છે, ભોજન અત્યંત ખાનગી પ્રવૃત્તિ ગણાય છે અને રતિક્રીડા જાહેરમાં કરવી સહજ ગણાય છે. એ સમાંતર દુનિયામાં દેશ ૧૯૪૬ માં આઝાદ થયો હતો અને દેશના પ્રથમ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ હતા. આ વાર્તા વ્યંજનામાં લખાઈ છે. દેશની વિદ્યમાન સ્થિતિ અંગે આ એક વ્યંગ છે. કેટલાંક લોકો દેશનો ઈતિહાસ નવેસરથી લખવાનો પ્રયાસ કરી રહ્યાં છે. અમુક લોકો ગાંધી-નહેરુને દેશના ખલનાયક તરીકે અને નથુરામ ગોડસે અને સાવરકર બંનેને સ્વાતંત્ર્યના શિલ્પકાર ગણાવી રહ્યાં છે. દેશનો સામાન્ય માણસ આ સ્થિતિમાં ગૂંચવાઈ જાય જે રીતે વાર્તામાંની નાયિકા ગૂંચવાઈ ગઈ છે. (વારેવા, અંક ૧૨)
એબ્સર્ડ વાર્તા
ઊગીને જાતે ફેલાયેલી ઘટનાને જાણી મેં (સુમન શાહ):
પતિ-પત્ની અને બાળકોથી સભર એક ઘરમાં એક અતિથી-દંપતી આવી ચઢ્યું છે. આ દંપતી ઘડીકમાં યુવાન બની જાય છે તો ઘડીકમાં વૃદ્ધ: નૈસર્ગિક પ્રક્રિયાને આહ્વાન. યજમાન અને અતિથી એકમેક સાથે ઝઘડે છે અને વળી પાછાં હેતથી રહે છે: વિસંગતિ. યજમાન અને અતિથી વચ્ચે અર્થહીન વાર્તાલાપ થયા કરે છે, એકની એક વાતોનું પુનરાવર્તન થયા કરે છે: નિરર્થકતા. અંતમાં વળી પાછી આરંભની સ્થિતિ ઉતપન્ન થાય છે: સૃષ્ટિનું ચક્ર. (એતદ, સપ્ટેમ્બર ૨૦૨૨)
#
આ નોંધ માટે તપાસવામાં આવેલાં સામયિકોની યાદી અને વર્ષ દરમિયાન એ દરેક સામયિકમાં પ્રગટ થયેલી વાર્તાઓની સંખ્યા:
નવનીત સમર્પણ: ૫૧, શબ્દસૃષ્ટિ: ૧૭, પરબ: ૨૪, મમતા: ૭૩, કુમાર (જાન્યુઆરીથી જૂનનાં ૬ અંકો): ૯, બુદ્ધિપ્રકાશ: ૮, શબ્દસર (જાન્યુઆરીથી સપ્ટેમ્બરનાં ૯ અંકો): ૭, વારેવા: ૩૧, એતદ: ૨૪, નવચેતન: (જુલાઈથી ડિસેમ્બર ૭ અંકો): ૧૫, અખંડ આનંદ: (સપ્ટેમ્બરથી ડિસેમ્બર ૪ અંકો): ૩૦. કુલ વાર્તાઓ: ૨૮૯
ખાસ નોંધ: એતદના ડિસેમ્બર ૨૦૨૧ થી સપ્ટેમ્બર ૨૦૨૨ ના ચાર અંકોની વાર્તાઓની નોંધ લેવાઈ છે, ફક્ત દિવાળી વિશેષાંકોમાં વાર્તાઓ પ્રગટ કરતાં વર્તમાનપત્રો અને સામયિકોની વાર્તાઓની નોંધ લીધી નથી.
###
(સૌજન્યઃ એતદ ૨૩૯, સપ્ટેમ્બર ૨૦૨૩)
No comments:
Post a Comment