Sunday, 22 October 2023

મમતા સપ્ટેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ


મમતા સપ્ટેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ

(૮૪૪ શબ્દો)

પ્રસ્તુત અંક ઈતરલિંગી વાર્તા વિશેષાંક છે. અંકનાં નિમંત્રિત સંપાદક છેઃ ગિની માલવિયા

પીડા સતરંગી (કુશલ ખંધાર)

સમલિંગી સંબંધ પ્રતિ સમાજનાં નકારાત્મક વલણ અંગે નાયકની પીડા.

બંને મુખ્ય પાત્રો એક પાર્કમાં ગપ્પાં મારતાં બેઠાં છે. બાળક સાથે ફોટો પાડી આપવાની વિનંતી કરતી એક ભારતીય સ્ત્રીને નાયક તદ્દન સહજપણે પોતાના પુરષમિત્રની ઓળખાણ આપે છે. એ ક્ષણે પેલી સ્ત્રીનાં આઘાતજનક પ્રતિભાવને જોઈ એ બંને જણા આનંદ માણે છે એ દ્રશ્યનું આલેખન મઝાનું. 

આ વાર્તામાં એક નવો શબ્દ વાંચ્યોઃ “હેટરોનોર્મેટિવ.” આ શબ્દ વિશે ગૂગલનું અર્થઘટન આ પ્રમાણે છેઃ  પરંપરાગત સ્ત્રી-પુરુષ સંબંધ, વિરૂધ્ધ લિંગની વ્યક્તિઓનું એકમેક પ્રતિ આકર્ષિત થવું.

સિમરન શું કરે?  (જયશ્રી વિનુ મર્ચંટ)

સિમરન અને એની સ્ત્રીમિત્ર સેમી રિલેશનશીપમાં છે. એક દાતાના વીર્યદાન અને કૃત્રિમ ગર્ભાધાનનાં પગલે સિમરન તાજેતરમાં બીજી વખત માતા બની છે. પ્રસૂતિ પછીની પીડાઓ (પોસ્ટપાર્ટમ ડિપ્રેશન) માંથી એ પસાર થઈ રહી છે. વારંવાર સેમી જોડે નાનીમોટી તકરાર થયાં કરે છે. બંને માતાઓ ઝઘડતી હોય ત્યારે પાંચ વર્ષનો જોન છુપાઈ જાય છે.  ઘટનાની સાંજે સિમરન નક્કી કરે છે કે ભાવનાઓ ઉપર કાબૂ કરવો અને સેમી જોડે ઝઘડવું નહીં અને જૂના દિવસો પાછાં લાવવા. એ મૂડ બનાવે છે, સરસ મઝાની રસોઈ કરે છે, ઘર સજાવે છે, પોતે સરસ તૈયાર થાય છે. પણ એને જાણ નથી કે ભાવિના ગર્ભમાં શું લખાયું છે. કામ પરથી પાછી ફરેલી સેમી એક એવી વાત જણાવે છે કે સિમરન હતબુધ્ધ થઈ જાય છે. શીર્ષક યથાયોગ્ય છેઃ સિમરન શું કરે?

બે પાત્રો વચ્ચે સંઘર્ષ માટેની જબરદસ્ત ભૂમિકા ઊભી થઈ છે. સરસ પાત્રાલેખન. બંને પાત્રો પાસે એકમેકથી વિરુધ્ધ બે છેડાની વાત છે. અદભૂત સંઘર્ષ. ઘણી જ સરસ વાર્તા.

અનુસંધાન (નીલેશ રાણા)

ધનસુખભાઈ અને વીણા દુઃખી છે. લગ્ન અંગે તૈયારી ના બતાવતો એમનો એકનો એક પુત્ર ધીરજ આત્મહત્યા કરી લે છે અને લોકોની સામે ખુલાસો આપી શકાય એવું કોઈ કારણ એમની પાસે નથી. વક્રતા એ છે કે દીકરાની આત્મહત્યાનું કારણ જ્યારે જાણવા મળે છે ત્યારે તેઓ એનો સ્વીકાર કરી શકતા નથી! સરસ સ્થિતિ, સારો સંઘર્ષ. સારી વાર્તા.

લાલચ (કિશોર પટેલ)

અભિજિતના લગ્નના દિવસે જ રિસેપ્શન હોલમાં એની પર જીવલેણ હુમલો થાય છે! કોણ હતું એના લોહીનું દુશ્મન? શા માટે થયો એની હત્યાનો પ્રયાસ?

આ વાર્તા વિશે વધુ કંઈ કહેવું અનુચિત ગણાશે કારણ કે એ આ લખનારની જ છે. વાચકમિત્રો આ વાર્તા વિશે પોતાની ટિપ્પણીઓ નીચે કમેન્ટબોક્સમાં અવશ્ય જણાવે એવી વિનંતી.

ફ્લાઈટ (ગીતા માણેક)

સ્મિતા-વસંત યુગલ માટે સહુને ઈર્ષા થાય છે, પણ પોતાનું દર્દ સ્મિતા એકલી જાણે છે. શું છે સ્મિતાની પીડા?

વાર્તા મઠારવાની જરુર છે. ૧. વસંતને કારણે સ્મિતા પ્રતિ અન્ય સ્ત્રીઓને ઈર્ષા થાય છે એ વાત વધારે પડતી  ચગાવવામાં આવી છે. ૨.  વસંત બેંગલોરમાં એક શોરુમ ખોલવા ઈચ્છે છે એવું એક વાર કહેવાયું પછી બેંગલોરવાળી વાત સદંતર ભૂલી જવાઈ છે. છેક અંતમાં બેંગલોરનો ઉલ્લેખ આવે છે. ઉલ્ટાનું વાર્તા દરમિયાન વસંત નિયમિતપણે બેંગલોર આવ-જા કરે છે એવું એકાદ-બે વાર કહેવાવું જોઈતું હતું. ૩. વાર્તા સ્હેજ લાંબી થઈ ગઈ છે, કાપકૂપ કરીને એનું કદ માફકસર કરી શકાય એમ છે.  

ઓળખાણ (જિજ્ઞાસા પટેલ)

રોહનની પત્ની બે વાતે મૂંઝાય છે. ૧. સોસાયટીમાં નવી આવેલી સ્ત્રી પ્રત્યે એના પતિ રોહનને થયેલાં આકર્ષણ અંગે. ૨.  કોલેજના સહપાઠી મિત્ર માનવને ફરીથી મળવાની રોહનની ઉત્સુકતા અંગે.

સોસાયટીમાં નવી આવેલી સ્ત્રી અસલમાં કોણ છે?

સારી વાર્તા. બે અલગ અલગ લાગતી વાતોને એકબીજા સાથે કોઈક રીતે ભેળવી દેવાય તો વાર્તા ચુસ્ત બની શકે. આ કામ કેવી રીતે કરવું એ વાર્તાકારે જ નક્કી કરવું રહ્યું.  

વાઈરસ (પી. એમ. લુણાગરિયા)

લગ્ન પછી નાયિકાને જાણ થાય છે કે પતિમાં જાતીય વૃત્તિનો અભાવ છે.  એક નવોઢાનાં સ્વપનાં, ઉત્સાહ, ઉમંગ ધૂળમાં મળી જાય છે. પતિગૃહનો ત્યાગ કરીને નાયિકા પિતૃગૃહે પાછી ફરે છે.

અંગ્રેજી શબ્દ virus  ગુજરાતી ભાષામાં લખાય ત્યારે સામાન્ય રીતે  એની જોડણી “વાયરસ” કરવામાં આવે છે. અહીં એની જોડણી “વાઈરસ” કરવામાં આવી છે. આ તો ઠીક, અનુક્રમણિકામાં તો શીર્ષક બદલીને “વારિસ” કરી નખાયું છે! છાપભૂલ, સરતચૂક! અર્થનો અનર્થ! વારસ જન્મે એવું નથી એની જ તો મોંકાણ છે!

ઈન્ટરવ્યૂ (અર્જુનસિંહ કે. રાઉલજી)

જે યુવક નાયિકાને લગ્ન કરવાયોગ્ય લાગ્યો હતો એની જોડે લેવડદેવડની બાબતમાં મેળ ના પડતાં લગ્ન થયાં નહીં. વર્ષો પછી એને મુફલિસ સ્થિતિમાં જોઈને નાયિકાને આશ્ચર્ય થાય છે.  પૂછપરછનાં અંતે એની દર્દભરી કહાણી જાણવા મળે છે.

આ વાર્તા અને તર્કને ખાસ સંબંધ નથી. 

૧. દીકરાનાં લગ્ન સાટે ઢગલો દહેજ મેળવવા ઈચ્છતાં માતાપિતા પોતે તદ્દન કંગાળ હતાં? ઘરજમાઈ રહેલો દીકરો પુરુષમાં નથી એટલે સાસરિયાંએ એને કાઢી મૂક્યો એ ઠીક, પણ શું એને પોતાના પિતાને ઘેર પણ કોઈએ પાછો લીધો નહીં? નોકરી માટે એ ભીખ માંગતો ફરે? “મને નોકરી આપીને મારા ઉપર એક ઉપકાર કરજો.” આવું એ બોલે છે.

૨. નાયિકા અને એના સાથીઓ એક ટ્રસ્ટના માલિક છે, ત્યાં શું કામકાજ થાય છે? બારે મહિના લોકોનાં ઈન્ટરવ્યુ લેવાય છે? શું એ કોઈ રિક્રુટમેન્ટ એજન્સી હતી? 

વાર્તામાં સુધારાને ઘણો અવકાશ છે.

અનુવાદ

હોદ્દો (અજિતસિંહ લિખિત મૂળ પંજાબી વાર્તા, પ્રસ્તુતિ સંજય છેલ)

મોટા બંગલા અને સરકારી ક્વાર્ટરનાં સફાઈકામમાં રહેલો તફાવત એક સફાઈકર્મીની નજરે.

સૌથી કમનસીબ ખૂની (આલ્ફ્રેડ એલેકઝાંડર લિખિત મૂળ અંગ્રેજી વાર્તા, પ્રસ્તુતિ  યામિની પટેલ) લાખોના વારસા માટે ખૂન થયું પણ પકડાયું કોણ? સજા કોણે ભોગવી? વારસો કોને મળ્યો?  

આપણી ઓળખ (કેવિન લોડરડેલ લિખિત મૂળ અંગ્રેજી વાર્તા, પ્રસ્તુતિ યશવંત મહેતા)

એક રસપ્રદ વિજ્ઞાન કલ્પનાકથા. (સાયફાય)

--કિશોર પટેલ, 23-10-23 08:49

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

No comments: