બુધ્ધિપ્રકાશ ઓગસ્ટ અને સપ્ટેમ્બર ૨૦૨૩ અંકની વાર્તાઓ વિશે નોંધ
(૫૭૪ શબ્દો)
કાગળની હોડી (પન્ના ત્રિવેદી)
તળાવની કિનારે એક
પાર્કમાં બે પ્રેમીઓ વચ્ચેની મુલાકાત દરમિયાન આકાર લેતી સંવાદકથા.
માનસી અને સંજીવ
એકબીજાનાં પ્રેમમાં છે. સંજીવની ઈચ્છા માનસી જોડે લગ્ન કરવાની છે પણ વાર્તાના અંત
સુધીમાં માનસીને શંકા થવા માંડે છે કે એ બંને એક થઈ શકશે કે કેમ.
“છેલ્લા દાયકાની
ગુજરાતી ટૂંકી વાર્તામાં વ્યવહારની ભાષાનો વિનિયોગ” વિષય પર શોધપ્રબંધ લખનારી માનસી પોતાની નિકટનાં
માણસોની વ્યવહારુ ભાષા જોડે મેળ પાડી શકતી નથી. સહુની એક જ ફરિયાદ હોય છે કે
માનસીની ભાષા એમને સમજાતી નથી. માનસી સંજીવ પાસે હૈયું હળવું કરે છે કે એને લોકોનો
અભિગમ સમજાતો નથી. સંજીવ એને સલાહ આપે છે કે બહુ વિચાર નહીં કરવાનાં, લોકો તો એવા
જ હોય.
સંજીવની વાતો પરથી
ખ્યાલ આવે છે કે એ પણ એ જ લોકોમાંનો એક છે. માનસી જે નિષ્ઠા અને ઉત્સાહથી પોતાનું
કામ/ પોતાનો ઉચ્ચ અભ્યાસ કરતી હોય એમાં સંજીવને બિલકુલ રસ નથી. એ તો ઈચ્છે છે કે
લગ્ન પછી માનસી નોકરી છોડી દે, પોતાની માતાની એ ઈચ્છાના બહાના પાછળ એ પોતાની
પુરષપ્રધાન માનસિકતા સંતાડી રહ્યો છે.
પ્રેમની લાગણી
દર્શાવતા વાક્યો સંજીવ પોપટની જેમ બોલી જાય છે પણ એનાં શબ્દોમાંની પોકળતા માનસી
બરાબર જાણી ગઈ છે. સંજીવ ભલે એવું કહેતો કે એ બંને હોડીમાં બેસીને તળાવની મધ્યમાં
રહેલાં કમળ સુધી પહોંચી જશે. પણ માનસીને લાગે છે કે પોતે એ હોડીમાં નહીં હોય.
કેવળ સંવાદો વડે
રચાતી વાર્તા. નાયક અને નાયિકા બંનેનું એકમેકથી જૂદું પડતું પાત્રાલેખન સરસ સ્પષ્ટ થાય છે. બે પાત્રો વચ્ચે વાર્તા
માટે જરુરી સંઘર્ષ પણ છે. નીવડેલી કલમ પાસેથી મળેલી રસપ્રદ વાર્તા. (ઓગસ્ટ ૨૦૨૩
અંકની વાર્તા.)
જૂના ઘરનો અજાણ્યો ખૂણો (ધર્મેશ ગાંધી)
પરિવેશપ્રધાન
વાર્તા.
આ વાર્તાનું સ્વરૂપ
રસ પડે એવું છે. નાયકે નવા મેનેજર સૌમિલને એક દિવસની તાલીમ આપવા માટે નવસારીમાં જવું
પડે જ્યાં એક સમયે એ રહેતો હતો. તાલીમ પછી
વરસાદના કારણે શહેરનાં બધાં રસ્તાઓમાં પાણી ભરાવાને કારણે રાતવાસા માટે એ કોઈ
હોટેલ સુધી જઈ શકતો નથી. નાછૂટકે એણે સૌમિલનાં
ઘેર રોકાવું પડે છે જે અસલમાં એનું જ પોતાનું જૂનું ઘર હોય!
અહીં નાયક જુએ છે કે
પોતાનાં જૂનાં ઘરને સૌમિલે કેવો ઓપ આપ્યો છે.
એને યાદ આવે છે કે ઘર સાથે પોતે કેવું વર્તન કરેલું. પોતાનાં અને સૌમિલના
અભિગમ વચ્ચેની સરખામણી એ મનોમન કરતો રહે છે.
મઝાની વાત તો એ છે સૌમિલને તો ખબર જ નથી કે એનો સિનિયર કઈ ગડમથલમાં છે.
વાર્તા નાયકનાં મનમાં જ વિકસતી રહે છે.
જે ઘરમાં નાયક વર્ષો
સુધી રહ્યો એ જ ઘરને એ નવી દ્રષ્ટિથી જોવા માંડે છે. ના, ઘરનાં એકેએક ખૂણાને નવી
દ્રષ્ટિએ જોવાની એને ફરજ પડે છે.
સમાંતરે એક બીજી
વાર્તા પણ ચાલતી રહે છે. નાયક જુએ છે કે સૌમિલ અને એની પત્ની વચ્ચે અદ્ભુત મનમેળ
છે. એનો એની પત્ની કથા જોડે મનમેળ કેવો હતો?
તદ્દન “હટ કે” એટલે
કે સાવ અનોખી કથાવસ્તુ, સ્વસ્થ સંયમિત માવજત અને પ્રવાહી રજૂઆત. વર્ષની નોંધનીય
વાર્તાઓમાંની એક બની રહે એવી સંઘેડાઉતાર વાર્તા. આ આશાસ્પદ લેખકની વાર્તાસફરમાં આ કૃતિ
સીમાચિહ્ન બની રહેવી જોઈએ. (સપ્ટેમ્બર
૨૦૨૩ અંકની વાર્તા)
અનુવાદિત વાર્તા
કોલુશા (મૂળ લેખક મેક્સિમ ગોર્કી, અનુવાદ કાલિન્દી પરીખ)
હાંસિયામાં રહેતાં
માણસોની અનેક વાર્તાઓ ગોર્કીએ આપી છે. કારમી ગરીબી માણસ પાસેથી કેવા કેવા વેણ
બોલાવી દે છે! અભાવગ્રસ્ત જીવનથી કંટાળીને શિરોનીના ના બોલવાનું બોલી નાખે છે ને
કમનસીબે એ સાચું પડે છે. જેના ઘોડા નીચે છોકરો ચગદાઈ ગયો એ સોદાગર આનોમિન પણ છેક જ
હ્રદયહીન જણાય છે. અનુવાદ ભાવવાહી. (સપ્ટેમ્બર ૨૦૨૩ અંકની વાર્તા.)
--કિશોર પટેલ, 11-10-23
09:00
###
(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)
###
No comments:
Post a Comment