કનૈયાલાલ માણેકલાલ મુનશીના જન્મદિવસ નિમિતે
(૫૩૧ શબ્દો)
મુનશીજીનાં પંચોતેરમા જન્મદિન નિમિત્તે એમનાં લખેલાં નાટકો
ભજવવાની વાતનું મુહુર્ત છેક ૧૯૭૦-૭૧ માં નીકળ્યું હતું. એ દિવસોમાં ભારતીય વિદ્યાભવન
કલાકેન્દ્રની નાટ્યશાખાની બાગડોર ચંદ્રકાંત દલાલ નામના એક સાહસિક નાટ્યનિર્માતાના હાથમાં હતી. સાહસિક એટલા માટે
કે હિન્દી ભાષાના જાણીતા લેખક મોહન રાકેશના એક હિન્દી નાટક “આધેઅધૂરે” નું
ગુજરાતી રૂપાંતર એમણે ગુજરાતી રંગભૂમિ પર સફળતાપૂર્વક રજૂ કર્યું હતું. એવા જ બીજાં
ઓફબીટ નાટકો કરવા માટે તેઓ હંમેશા આતુર રહેતા.
ચંદ્રકાંત દલાલે મુનશીજીનાં કુલ ત્રણ નાટકો ભજવવાનું બીડું ઉપાડ્યું.
૧. પાટણની પ્રભુતા:
દિગ્દર્શક: ચંદ્રકાંત સાંગાણી, મુખ્ય કલાકારો: પ્રતાપ ઓઝા,
તરલા જોશી અને કિશોર ભટ્ટ.
આ ઐતિહાસિક નાટક રિવોલ્વિંગ સ્ટેજ પર ત્રણ અંકોમાં ભજવાતું.
એક દ્રશ્ય ચાલુ હોય ત્યારે રિવોલ્વિંગ સ્ટેજના પાછળના બીજા હિસ્સામાં નવા દ્રશ્યના સેટિંગની
તૈયારી ચાલતી. એક દ્રશ્ય પૂરું થાય અને ઘડી બે ઘડીનો અંધકાર થાય એ દરમિયાન સ્ટેજ
રિવોલ્વ થતું. નવા સેટ પર નવું દ્રશ્ય! આ નાટકના પછીથી સારાં એવાં પ્રયોગો થયેલાં.
કલકત્તા અને અમદાવાદ ટુર પણ કરેલી. કોસ્ચ્યુમમાં સહુનાં રંગબેરંગી વાઘા! પ્રોપર્ટીમાં
તલવાર, ગદા! ગજબનું નાટક હતું.
કિશોર ભટ્ટની સ્મૃતિ ઘણી સરસ હતી. લાંબા લાંબા સંવાદો ભૂલ
કર્યા વિના બોલતાં. પ્રતાપ ઓઝાની અભિનયશૈલી સહુથી જુદી પડતી. એમની સંવાદફેંક ગજબની
શક્તિશાળી રહેતી. તરલા જોશી સંવેદનશીલ દ્રશ્યો સરસ ભજવતાં.
૨. બ્રહ્મચર્યાશ્રમ: દિગ્દર્શક: એ સમયના ઉભરતાં પ્રતિભાશાળી
દિગ્દર્શક લક્ષ્મીકાંત કર્પે. (પ્રેમથી સહુ એમને “અન્ના” કહેતાં) આ નાટકમાં તમામ
કલાકારો ઇન્ટરકોલેજીયેટ એકાંકી સ્પર્ધાઓમાંથી પસંદ કરાયેલાં આશાસ્પદ યુવાન હતાં: ગૌરાંગીની
સોની, પ્રદીપ મર્ચન્ટ, જાવેદ ખાન અને અન્યો. આ નાટકના માંડ બે શો થયેલાં. શુભારંભ
પ્રયોગ જે રવિવારે ભવન, ચોપાટી ખાતે હતો એ જ દિવસે, એ જ સમયે
ચોપાટી પર ઇન્દિરા ગાંધીની જાહેર સભા હતી. પ્રેક્ષકગણની સંખ્યા પર આ ઘટનાની કારમી અસર પડી હતી.
પછી લક્ષ્મીકાંત કર્પે હિન્દી ફિલ્મનિર્માતા મનમોહન દેસાઈ જોડે
સહાયક દિગ્દર્શક તરીકે જોડાયેલા. દસેક વર્ષે સ્વગૃહે પાછા આવેલા. ત્યાર બાદ એમણે ગુજરાતી અને મરાઠી એમ બંને રંગભૂમિ પર
સમાંતરે કારકિર્દી બનાવેલી. ગૌરાંગીની
સોની ભવન્સ કોલેજની વિદ્યાર્થીની હતી, સરસ અભિનય કરતી, અભિનયના ઘણાં ઇનામો
જીતેલાં, વ્યવસાયી નાટકોમાં કામ કરવાના એને
સતત પ્રસ્તાવ મળતાં પણ એનો અગ્રતાક્રમ કંઇક બીજો હતો. પ્રદીપ મર્ચન્ટ ખૂબ પ્રતિભાશાળી અભિનેતા હતો, પછીથી
INT ના નાટક “કુમારની અગાશી” માં પ્રવીણ જોશીએ એને મુખ્ય ભૂમિકામાં લોન્ચ કરેલો.
પ્રદીપે પછી માંડ એકાદ-બે નાટક કરેલાં, એને વિદેશ જવું હતું, એ વિદેશ જતો રહેલો.
જાવેદખાન ઇપ્ટામાં જોડાયેલો, પછી એણે હિન્દી રંગભૂમિ યાદગાર નાટકો કર્યા. એણે
સમાંતરે હિન્દી ફિલ્મો-સિરીયલોમાં કારકિર્દી બનાવેલી.
૩. પૃથ્વીવલ્લભ: દિગ્દર્શક તરીકે સોહરાબ મોદીની વરણી થયેલી.
(મુનશીની આ નવલકથા પરથી એમણે એક હિન્દી ફિલ્મ બનાવેલી એટલે.) મુખ્ય અભિનેતા તરીકે
મરાઠી રંગભૂમિના ખ્યાતનામ કલાકાર નટવર્ય દાજી ભાટવાડેકરની વરણી થયેલી. પણ બેચાર
રીડીંગ પછી આ પ્રોજેક્ટ સંકેલી લેવામાં આવ્યો હતો. કારણ: ખ્યાલ નથી.
દાજી ભાટવાડેકર ત્યારે ACC કંપનીમાં મોટે હોદ્દે હતા. સાથે
સાથે મરાઠી રંગભૂમિ પર નાટકો પણ કરતા. સારા અભિનેતા અને ગાયક હતા. સોહરાબ મોદી
એમની કાર (લગભગ ઓસ્ટીન) જાતે ચલાવીને ભવન પર આવતા. એમની ઓફિસ ન્યુ એક્સેલસિયર
સિનેમાની સામેના મકાનમાં હતી. એમનું શરીર એટલું હેવી હતું કે કારમાં બેસવા અને
બહાર નીકળવા માટે બે માણસોની જરૂર પડતી.
મુનશીજી એ દિવસોમાં પથારીવશ રહેતા હતા. નાટકના શુભારંભ
પ્રયોગ પહેલાં એમના આશીર્વાદ લેવા આખી ટીમ ભવનના ચોથે માળે એમના ઘેર ગયેલી. એમણે
હાથ ઊંચો કરીને આશીર્વાદ આપેલાં. બે મિનિટમાં અમે બહાર નીકળી આવેલા. લીલાવતીબેન
મુનશી પ્રથમ પ્રયોગમાં થોડીક મિનિટો માટે હાજર રહેલાં એટલું યાદ છે. (ક.મા મુનશી: જન્મ: ૩૦/૧૨/૧૮૮૭, અવસાન: ૮/૨/૧૯૭૧)
--કિશોર પટેલ, 30-12-21; 22:58
###
(મુનશીજીની સંલગ્ન છબી વીકીપીડીયાની વેબસાઈટ પરથી લીધી છે.)
No comments:
Post a Comment